માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા.
ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે, કહે કે જગત સ્વપ્નવત્, પૂજા- નૈવેદ્ય એ બધું મનની ભૂલ, કેવળ પોતાના સ્વરૂપનું ચિંતન કરવું એ જ ધ્યેય અને હું જ તે સોહમ્ !
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – કેમ ભાઈ ? તમારી શી બધી વાતો ચાલે છે ?
નરેન્દ્ર (સહાસ્ય) – કેટલીએ વાતો ચાલે છે, મોટી મોટી વાતો.
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – પરંતુ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિ એક જ. શુદ્ધ જ્ઞાન જ્યાં લઈ જાય, ત્યાં જ શુદ્ધ ભક્તિ પણ લઈ જાય. પણ ભક્તિ-માર્ગ મજાનો, સહજ માર્ગ.
નરેન્દ્ર – ‘કામ નથી હવે જ્ઞાન વિચારનું, દે મા મને પાગલ કરી.’ (માસ્ટરને) જુઓ હેમિલ્ટનમાં વાંચ્યું: લખે છે કે A learned ignorance is the end of philosophy and beginning of religion.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એનો અર્થ શો, ભાઈ ?
નરેન્દ્ર – ફિલસૂફીનો અભ્યાસ પૂરો થયે માણસ પંડિત-મૂર્ખ બની જાય. ત્યારે ધર્મ-ધર્મ કરે. ત્યારે જ ધર્મનો આરંભ થાય.
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – Thank you, Thank you ! (સૌનું હાસ્ય).
નામ-સ્મરણ પછી શ્રીરામકૃષ્ણ હાથ જોડીને જગન્માતાનું ચિંતન કરે છે. બેચાર ભક્તો સંધ્યા થતાં ઉદ્યાનમાં ગંગાને કાંઠે ફરી રહ્યા હતા, તેઓ આરતી પછી થોડી વારે એક પછી એક આવીને ઠાકુરના ઓરડામાં એકઠા થાય છે.
પરમહંસદેવ પાટ ઉપર બેઠેલા છે. માસ્ટર, અધર, કિશોરી વગેરે સામે નીચે બેઠા છે.
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – નરેન્દ્ર, ભવનાથ, રાખાલ એ બધા નિત્ય-સિદ્ધ, ઈશ્વરકોટી. એ લોકો ઉપદેશ લે તો તે માત્ર ઉપરિયામણરૂપે. જુઓ ને, નરેન્દ્ર કોઈનીયે ‘કેર’ (care-પરવા) કરે નહિ. મારી સાથે કેપ્ટનની ગાડીમાં આવતો હતો. કેપ્ટને તેને સારી જગ્યાએ બેસવાનું કહ્યું, તો તેના તરફ નજર સરખીયે ન કરી. મારીયે પરવા રાખે નહિ ! વળી પોતે જે જાણે છે તે બહાર બોલે પણ નહિ. વખતે હું લોકો પાસે કહેતો ફરું કે નરેન્દ્ર આટલો મોટો વિદ્વાન, એટલા માટે. તેનામાં માયા-મોહ નહિ; જાણે કે કોઈ પ્રકારનું બંધન નહિ. ખૂબ સારો આધાર.
એકસાથે અનેક ગુણ : ગાવા-બજાવવામાં, ભણવા-ગણવામાં એક્કો ! આ બાજુ જિતેન્દ્રિય, કહે છે કે વિવાહ નહીં કરું. નરેન્દ્ર અને ભવનાથ, એ બેઉ જણમાં ભારે મેળ, જાણે કે સ્ત્રી-પુરુષ. નરેન્દ્ર બહુ આવતો નથી એ સારું. બહુ આવે તો હું પાછો વિહ્વળ થઈ જાઉં. (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ 1.299-301)
Your Content Goes Here