જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે,

વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે….

સપનામાં સૂતા રે , જન તમે જાગજો રે, હાં રે ભાઈ  જનમ પદારથ જાય ,

દેવને ય દુલર્ર્ભ રે આ મનખા દેહ છે રે, હાં રે ભાઈ  પૂૂરણ ભાગ્યે ઈ પમાય..

દેહ તો દુર્લભ રે, મોટા મોટા દેવ ને રે, હાં રે વીરા  પૂૂરણ ભાગ્યે જ પાય… વટાવડા વીરા ! 0

છતે ને હુતે રે વિત્ત નવ વાવર્યું રે, હાં રે ભાઈ  અણછતી સરવે આથ ,

કાયા ને માયા રે, મિથ્યા કરી માનજો રે, સંઘરેલું નૈ આવે સાથ,

હાં રે ભાઈ  ખાધું  ને રે પીધું રે વિગતેથી વાવર્યું રે, ઈ તો કાયમ દેશે સાથ… વટાવડા વીરા ! 0

સરોવર ને તરુવર રે, પંડે પરમારથી,

જેને ખપે તે વેડીને સહુ ખાય

નદીયું ન સંઘરે રે નીર રે પોતા તણાં રે,

નીર તો નવાણે જાય… વટાવડા વીરા ! 0

સંસારિયો સૂતો રે, માયાના ઘેનમાં રે,

એને અન્યની માયાની છે આશ ,

જાગ્યા તે હરિજન રે, શબદ રૂડા સાંભળી રે,

મહાજન ગાવે મૂળદાસ…

વટાવડા વીરા  વાટના રે, વાટે ને ઘાટે રે

વિલંબ નવ કીજિયે રે…

ભજનિક સંત-કવિ મૂળદાસજીનો જન્મ આમોદરા (જિ. જૂનાગઢ) ગામે સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કૃષ્ણજી-ગંગાબાઈને ત્યાં. જીવણદાસ લોહલંગરી(ગોંડલ)ના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શીલદાસ, હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’, ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ ‘સમસ્યાઓ’, ‘મર્કટીનું આખ્યાન’, ‘ભગવદ્ગીતાનો અનુવાદ’, ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. તેમાંનાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી; ‘ચૂંદડી’, રૂપકગર્ભ-પદો અત્યંત લોકપ્રિય થયાં છે… જન્મ સં.1711, ઈ.સ. 16પપ, કારતક સુદ 11, સોમવાર. પત્ની વેલુબાઈનું અવસાન સંવત 177ર, ઈ.સ.1716. વેલુબાઈ પાછળ ભંડારો ર્ક્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપી દ્વારકાની યાત્રાએ નીકળ્યા. જીવતાં સમાધિ – વિ. સં. 183પ, ઈ.સ.1779, ચૈત્ર સુદ 9ને દિવસે અમરેલી મુકામે.

વંશપરંપરાગત લુહારનો ધંધો કરતા મૂળદાસજી બાલ્યવયથી જ સંતસમાગમ અને ધાર્મિક – આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઊછરેલા. સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપ્ત મહાપંથની ભજનસરવાણીઓ તથા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પ્રેમલક્ષણા ભક્તિ-ધારાનાં કીર્તનોથી પ્રભાવિત થયેલા મૂળદાસજીમાં સંતસેવાના સંસ્કારો પુષ્ટ થતા રહેલા. સોળ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન વેલુબાઈ નામની ક્ધયા સાથે થયાં. પોતાના લુહારીકામ માટે કોલસાની જરૂર પડે ત્યારે જંગલમાં જઈ સૂકાં લાકડાં સળગાવી કોલસા મેળવતા. મૂળદાસજીની વૈરાગ્યજાગૃતિ માટે પણ કોલસા પાડવાનો પ્રસંગ જ કારણભૂત બની ગયો, જેણે એમના જીવનમાં વૈરાગ્યની ચિનગારી ચાંપી. પોતે સળગાવેલાં લાકડાંમાંથી હજારો કીડીઓ નીકળી અને તે સળગતી જોઈને એમના અંતરમાં લ્હાય લાગી ગઈ. ‘અરેરે આવડા અમથા પેટ સારુ આટલું બધું પાપ ? ભજનમાં તો રોજ ગાઉં છું : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે…’ને આવડી મોટી હિંસા ?…

બસ, ક્ષણવારમાં જ મૂળદાસજીએ માયાનો અંચળો ત્યાગી દીધો. માતપિતા, યુવા-પરણેતર, ભર્યુંભાદર્યું ઘર ને પોતાના કુટુંબનો વ્યવસાય બધું જ છોડીને દોટ દીધી. ચોરાશી સિદ્ધનાં બેસણાં એવા ગરવા ગિરનારની વાટ લઈ લીધી.

ગિરનારી જોગી-જતિઓનાં આશ્રમો, મઢીઓમાં ખૂબ સેવા કર્યા પછી પગપાળા તીર્થાટને નીકળ્યા. એક સંકલ્પ મનમાં કરેલો : ‘ક્યારેય ભીખ ન માગવી, છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતાં ચલાવતાં, સેવા કરી કરીને, પંડે ઘસાઈને જ પેટ ભરવું ને યાત્રા કરવી.’

હૈયામાં હરિભક્તિ અને વૈરાગ્ય લઈને નીકળેલા આ લોકસંતે ગોકુળ, મથુરા, કાશી, હરિદ્વાર તથા ચારેધામની યાત્રા પગપાળા કરી. ભારતની તમામ અધ્યાત્મ પરંપરાઓના નિકટના પરિચયમાં આવ્યા પછી બ્રહ્મજ્ઞાની ગુરુની શોધમાં ભટક્તાં ભટક્તાં પાછા પોતાની જનમભોમકા તરફ ડગ માંડયાં.

સૌરાષ્ટ્રમાં આવીને વાળાક પંથકમાં આવેલ પુણ્યતીર્થ પીપાવાવની પાસે આવેલા જોલાપર ગામે એક આયર ખેડૂતને ત્યાં સાથીપણું કરવા લાગ્યા. ખેતરને શેઢે ઝૂંપડી બનાવીને ધરતીની ખેડ સાથે હરિનામની ખેતી કરતા મૂળદાસજીએ રાતદિવસ જોયા વિના મહેનત શરૂ કરી. એટલે ગામમાં એની દાનત વિશે શંકા-કુશંકાઓની વાતો વહેવા લાગી. વળી મૂળદાસજી તો વૈરાગી ભક્ત, ક્યારેક ભાવાવેશમાં આવી જાય ને ભજન ગાવા બેસી જાય. અનેક પ્રકારનાં મેણાંટોણાં, મશ્કરીઓ, ઠપકા સહન કરતાં કરતાં અંતે મૂળદાસજીની ભક્તિભાવના, સહનશીલતા અને વૈરાગ્યવૃત્તિને લીધે તેમણે સન્માનનીય સંત તરીકેનું સ્થાન-માન પ્રાપ્ત ર્ક્યું. પછી તો ગામના લોકો પણ પૂજ્યભાવે જોવા લાગ્યા. એટલે મૂળદાસજીએ એ સ્થાન પણ છોડી દીધું ને પાછા આવ્યા ગિરનારની કોઈ ગુફામાં. સંત પુરુષોનો સમાગમ અને એકાન્તસાધના કરતાં કરતાં મૂળદાસજીને પરિચય થયો ગોંડલના સમર્થ સિદ્ધપુરુષ જીવણદાસજી લોહલંગરીનો અને તેની કંઠી બંધાવી. દીક્ષા લીધા પછી મૂળદાસજી ગોંડલમાં કાવડ ફેરવવા લાગ્યા. ત્યાં એક દિવસ તેમનાં માતાપિતા અને પત્ની વેલુબાઈ આશ્રમમાં આવી પહોંચ્યાં. ગુરુની આજ્ઞાથી મૂળદાસજીએ ગોંડલ છોડી વિ.સં.1768માં અમરેલીમાં જગ્યા બાંધી. પત્ની વેલુબાઈ પણ આશ્રમમાં સેવાભક્તિનો ધર્મ બજાવવા લાગ્યાં. એ પછી ચાર વર્ષે ઈ.સ.1716માં વેલુબાઈનું અવસાન થયું, એમની પાછળ સંતમેળો અને ભંડારો ર્ક્યા બાદ પોતાના શિષ્ય શીલદાસજીને આશ્રમ સોંપી મૂળદાસજી દ્વારિકાની યાત્રાએ નીકળી પડ્યા. પાછા વળતાં જામનગરના જામ લાખાએ તેમનો સત્કાર કર્યો. એ પછી મૂળદાસજીની ખ્યાતિ આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. પાછા અમરેલી આવ્યા અને જગ્યાની પાછળ કૂવે પડતી રતનબાઈ નામની એક વિધવાનું કલંક પોતાને શિરે લઈ લેતાં લોક્સમુદાયના ભયંકર તિરસ્કારના ભોગ બન્યા. પાછળથી અમરેલીની જનતાને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને મૂળદાસજી સમક્ષ પશ્ર્ચાત્તાપ કરેલો. રતનબાઈને ત્યાં પુત્રીનો જન્મ થયો, તેનું નામ મૂળદાસજીએ રાધાબાઈ રાખેલું. તેમના વિવાહ આનંદરામ નામના યુવક સાથે કરાવ્યા. એને ત્યાં સંતાન થયું તે મુકુન્દદાસ. એ 5ાછળથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદજી (ઈ.સ.17પ8-1830)ના નામે વૈરાગ્યની મૂર્તિ તરીકે ખ્યાતિ પામનારા સંત બન્યા.

અમરેલીમાં જગ્યા બાંધ્યા પછી 67 વર્ષ એમણે અમરેલીમાં જ ગાળ્યાં. વચ્ચે સમય તીર્થાટનો વગેરે કરેલાં. સદાવ્રત, સંતસેવા, ગૌસેવા અને સાહિત્યસર્જન પાછળ અમરેલીમાં જ જીવનનાં બહુધા વર્ષો વ્યતીત કરેલાં. વિ.સં.183પના ચૈત્ર સુદ 9, રામનવમીને દિવસે, ઈ.સ.1779માં 124 વર્ષની વયે તેમણે અમરેલીમાં જ જીવંત સમાધિ લઈ લીધી.

Total Views: 586

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.