શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે – ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’

સ્વામી તુરીયાનંદજી આવી સલાહ આપે છે : ‘ગીતામાં આવું વારંવાર કહેવાયું છે, ‘એટલે હે ભરત શ્રેષ્ઠ, પહેલાં તું ઇન્દ્રિયોને વશ કરીને આ વેરી, પાપાચારી તથા જ્ઞાન-વિજ્ઞાનનો નાશ કરનાર કામનાને ત્યજી દે.’

‘ઇન્દ્રિયોમાંથી જો એક પણ અંકુશ વિનાની રહી જાય તો વ્યક્તિનું બધું તપ, બધી સાધના પણ જેમ ઘડામાં એક કાણું રહી જાય અને બધું પાણી એમાંથી વહી જાય, તેમ નિરર્થક બની જાય છે. શ્રીરામકૃષ્ણ ખેતરમાં પાણી પાનાર એક ખેડૂતનું ઉદાહરણ આપીને કહે છે કે ખેતરના પાળામાં એક છેદ પડ્યો અને એમાંથી બધું પાણી વહી ગયું. પછી તો એ ખેતરમાં પાણીનું એક ટીપું પણ ન પહોંચ્યું.’

‘કઠોર પ્રયાસોથી પણ ઇન્દ્રિયોને પૂરેપૂરી વશમાં ન કરી શકાય. ઈશ્વરની અનુભૂતિ થયા પછી જ ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ થઈ શકે છે. ઈશ્વરનું દર્શન થયા પછી વિષયભોગની કામના સાધકને છોડી દે છે. પરંતુ પ્રારંભમાં વ્યક્તિએ આ લક્ષની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો પડે છે.’

સ્વામી તુરીયાનંદજીના આ ઉપદેશોમાં વસ્તુત : ગીતાના આ પહેલાં આપેલા શ્લોકની સરળતમ વ્યાખ્યા જ છે. બહુમુખી પ્રયાસની આવશ્યકતા

ઉપર્યુક્ત સલાહો પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણે ક્રોધને કામ, લોભ, મોહથી અલગ કરીને એના પર વિજય ન મેળવી શકીએ. આધુનિક ભાષામાં કહીએ તો એને માટે બહુમુખી ઉપાયનો આશ્રય લેવો પડે. જ્યારે આપણે બીજી ઉત્તેજનાઓને પણ નિયંત્રિત કરવાના પડકારને સ્વીકારી લઈએ, ત્યારે ક્રોધને વશમાં લેવાનું કાર્ય વધારે પ્રભાવક રીતે સંપન્ન થાય છે. કેટલાક લોકો એવું વિચારી શકે કે આપણે તો એક સમસ્યા ‘ક્રોધને કેમ વશમાં કરવો’ને હાથમાં લીધી છે. પરંતુ આપણને તો કેટલીયે બીજી સમસ્યાઓ સાથે પનારો પાડવાનું કહેવાયું છે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે કોઈ સમસ્યાના પ્રસ્તુત રૂપની ઉપેક્ષા કરીને અને તેને કેવળ આંશિક સમજીને આપણે એ સમસ્યાને વધારે કઠિન બનાવી દઈએ છીએ. સમસ્યાને તેની સાચી અને વાસ્તવિક પૃષ્ઠભૂમિમાં સમજી લઈએ તો આત્મસુધારણાની જે પ્રક્રિયા શરૂ કરીશું, તે પ્રમાણમાં વધારે ઉપયોગી અને પરિણામદાયી નીવડશે. જ્યારે આપણે કોઈ પણ સમસ્યાના મૂળને સમજી લઈએ છીએ, ત્યારે આત્મરૂપાંતરણ સંપન્ન કરીને પૂર્ણ-નવજીવનની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

માનવ તથા તેના સ્વભાવ પર ગીતાના વિચાર

મનુષ્યના સ્વભાવ વિશે અભિવ્યક્ત થતા ગુણોની કાર્યપ્રણાલી વિશે એક સ્પષ્ટ ધારણા પ્રાપ્ત કરી લઈએ, તો આપણે પોતાની આલોચના કરવા માટેની સમસ્યાનું એક સર્વાંગીણ સમાધાન મેળવી શકીએ. ઉત્તેજનાઓ રજોગુણથી ઉત્પન્ન થાય છે, એ આપણા મનોદૈહિક સ્વભાવના ત્રિવિધ પક્ષોમાંની એક છે. ગીતાના ૧૪મા અધ્યાયમાં આ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. એની વાત આપણે સંક્ષેપમાં આ રીતે કરી શકીએ :

‘ઈશ્વરની શક્તિની પ્રેરણાથી પુરુષ અને પ્રકૃતિના સંયોગથી બધા સૃષ્ટ જીવોની ઉત્પત્તિ થાય છે. ઈશ્વરની આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે, કારણ કે તેઓ જ પૃથ્વીના બધા જીવોનું મૂળ ઉદ્ગમ તથા એમાં વસનાર આત્મા છે. આત્મા (પુરુષ) શરીર તથા ભૌતિક પદાર્થાેના સંસર્ગથી સંસારમાં બદ્ધ થઈ જાય છે. પુરુષ ચેતનાનો દ્યોતક છે અને પ્રકૃતિ જડ તેમજ તમોમય જગતની દ્યોતક છે. પ્રકૃતિ સત્ત્વ, રજસ્ તેમજ તમસ્- આ ત્રણ ગુણો મળીને બને છે. રજસ્ પ્રકૃતિનું સક્રિય તત્ત્વ છે; તમસ્ જડતાનું તત્ત્વ છે અને સત્ત્વ શાંતિ, પ્રશાંતિ તથા સમન્વયનું તત્ત્વ છે. સાપેક્ષ સંસાર ગુણોના રાજ્યની અંતર્ગત આવે છે. સ્વાધીનતા ગુણોથી પર છે. જો કે પ્રત્યેક વ્યક્તિના સ્વભાવમાં આ ત્રણેય ગુણ ઉપસ્થિત હોય છે, છતાં પણ એમાંથી કોઈ એક ગુણ બાકીના બે ગુણ પર અત્યંત પ્રભાવક બની જાય છે અને (વ્યક્તિમાં) એક વિશેષ સ્વભાવની પ્રબળતા બતાવે છે. એને કારણે આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ શાંત છે કે ચંચળ છે વગેરે વગેરે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના ૧૪મા અધ્યાયમાં ૧૦ થી ૧૩ શ્લોકમાં કહે છે :

रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा।।10।।

હે ભરતવંશી, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્ત્વગુણ વધી જાય છે, સત્ત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધી જાય છે અને સત્ત્વગુણ તેમજ રજોગુણને દબાવીને તમોગુણ વધી જાય છે. (૧૦)

सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत।।11।।

જે સમયે આ શરીરમાં બધાં ઇન્દ્રિયદ્વારોમાં જ્ઞાનપ્રકાશ ઉદ્ભવે છે, ત્યારે સત્ત્વગુણ વધ્યો છે, એમ જાણવું. (૧૧)

लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ।।12।।

અને હે ભરતશ્રેષ્ઠ ! જ્યારે રજોગુણ વધ્યો હોય, ત્યારે લોભ, સકામપ્રવૃત્તિ, કર્મારંભ, અશાંતિ અને ભોગેચ્છા જન્મે છે. (૧૨)

अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन।।13।।

અને હે કુરુપુત્ર ! તમોગુણ વધે છે ત્યારે અવિવેકરૂપ અંધકાર, કર્તવ્યકર્મોમાં આળસ, અસાવધાની તથા મૂઢતા ઉત્પન્ન થાય છે. (૧૩)
આચાર્ય શંકરે ‘વિવેકચૂડામણિ’ ગ્રંથમાં આ ત્રણ ગુણોની ક્રિયાઓને વધારે વિસ્તારથી સમજાવી છે.

कामः क्रोधो लोभदम्भाद्यसूयाऽ-
हंकारेर्ष्यामत्सराद्यास्तु घोराः ।

धर्मा एते राजसाः पुम्प्रवृत्ति-
र्यस्मादेषा तद्रजो बन्धहेतुः ।।112।।

કામ, ક્રોધ, લોભ, દંભ, દુર્ભાવ, અહંકાર, ઈર્ષ્યા, મત્સર વગેરે ઘોર લક્ષણ રજોગુણનાં છે. એનાથી મનુષ્યના મનમાં બધી સાંસારિક પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એટલે રજોગુણ જ બંધનનું કારણ છે.

अज्ञानमालस्यजडत्वनिद्रा-
प्रमादमूढत्वमुखास्तमोगुणाः ।

एतैः प्रयुक्तो नहि वेत्ति किंचि-
न्निद्रालुवत्स्तम्भवदेव तिष्ठति ।।116।।

અજ્ઞાન, આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ-ભ્રાંતિ, મૂર્ખતા વગેરે તમોગુણનાં લક્ષણ છે. આનાથી બંધાયેલો માનવ કંઈ પણ સમજતો નથી અને નિદ્રામગ્ન કે લાકડાના થાંભલાની જેમ જડ રહે છે.

विशुद्धसत्त्वस्य गुणाः प्रसादः
स्वात्मानभूतिः परमा प्रशान्तिः ।

तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा
यया सदानन्दरसं समृच्छति ।।119।।

પ્રસન્નતા, પોતાના સ્વરૂપનું જ્ઞાન, પરમ શાંતિ, તૃપ્તિ, અતિ હર્ષ, પરમાત્મામાં નિષ્ઠા અને જેમના દ્વારા નિરંતર આનંદ રસનો બોધ થતો રહે છે, એ વિશુદ્ધ સત્ત્વગુણનાં લક્ષણ છે. (ક્રમશ 🙂

Total Views: 399

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.