( સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ)

જૈમિનિ વ્યાસ ભગવાનના શિષ્ય. જૈમિનિ પોતાના આશ્રમથી ચાલીને દરરોજ વ્યાસજી પાસે જાય અને ભારતની કથાઓ સાંભળે.

એક વાર કથા પ્રસંગે વ્યાસ ભગવાને ઉચાર્યું : ‘પુરુષે પોતાની સગી બહેન સાથે પણ એકાંતમાં બેસવું નહીં.’

જૈમિનિથી ન રહેવાયું, ન સહેવાયું. એ તરત જ બબડી ઊઠ્યા, ‘હે ગુરુદેવ, આપનું વચન યથાર્થ નથી.’

વ્યાસજી એ કહ્યું, ‘તારા જેવા માટે યથાર્થ નહીં હોય, પણ માનવ સમાજના મોટા ભાગ માટે યથાર્થ છે. આદમી ગમે તેવો ઈશ્વરનો બચ્ચો હોય, છતાં આખરે તો તે મીણનું પૂતળું જ છે.’

જૈમિનિને ગળે વાત ન ઊતરી, ‘મહારાજ, એમ હોય તો પછી ધર્મ, સંયમ, સંબંધો એ બધું શું ઢોંગ જ છે? જગતમાં મન ઉપર કોઈ કાબૂ રાખી શકે જ નહીં એટલે સૌએ એકાંતથી બીતાં ફરવાનું, એમ જ ? સ્ત્રીપુરુષ એવી શી અપવિત્રતાથી ભર્યાં છે કે એક બીજાને જુએ કે તરત જ તે શું અપવિત્રતાનો ધડાકો થાય ? જો માનવી આખરે પણ એવો જ હોય તો આ માનવીનાં કલ્યાણનાં સ્વપ્નો બધાંય શું ફોગટ નથી ?’
વ્યાસ ભગવાન ધીમા સ્વરે બોલ્યા, ‘બેટા જૈમિનિ! તું હજી જુવાન છે. ઉપરથી ડાહ્યાડમરા દેખાતા આદમીના અંતરમાં કેવા કેવા અગ્નિઓ સળગતા હોય છે, તેનું કોને ભાન હોય ? કામદેવનાં બાણોની એક ખાસ ખૂબી એ છે કે એ બાણો જ્યારે વાગતાં હોય છે, ત્યારે માણસને એમ જ લાગે કે પોતાને બાણોનો સ્પર્શ પણ થયો નથી અને થવાનો પણ નથી ! બ્રહ્માએ સૃષ્ટિ રચી ત્યારથી માનવીને આવો જ ઘડ્યો છે અને પ્રલયકાળ સુધી માનવી આવો જ રહેવાનો છે.’

જૈમિનિ ડોકું ધુણાવતાં ધુણાવતાં બોલ્યા, ‘આપ કહો છો, તે અમુક અંશે સાચું હશે. બાકી તો ‘પુરુષે પોતાની સગી બહેન સાથે પણ એકાંતમાં બેસવું નહીં.’ એમ કહેવું એ તો આખી માનવજાત પર અવિશ્વાસ છે અને ભૂંડો અવિશ્વાસ છે. આ રીતે તો આપણે માનવજાત પરથી શ્રદ્ધા ગુમાવી બેસીએ અને આપણો આત્મવિશ્વાસ હોય તે પણ છિન્નભિન્ન થઈ જાય.’

વ્યાસે ચર્ચાને સમેટતાં કહ્યું, ‘જેમિનિ ! મેં તારા કરતાં બે ચોમાસાં વધારે જોયાં છે. જાતજાતના સૂક્ષ્મભાવોનું પણ અવલોકન કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. એટલે તને કહું છું, ‘પુરુષે પોતાની સગી બહેન સાથે પણ એકાંતમાં બેસવું નહીં.’ છતાં કોઈને બેસવું હશે તો શું વ્યાસ તેનું બાવડું પકડવા જવાનો છે ? એવું એકાંતસેવન લપસણું છે અને એ લપસણું એટલું મીઠું હોય છે કે એ મીઠાશનો માર્યો આદમી ક્યારે મોંભર પડશે અને હાડકા ભાંગશે તે જોઈ શકતો નથી. જેને આવી આવી પછાડથી બચવું હોય, તેણે આ લપસણાની મીઠાશ પણ છોડવી જ પડે. આ મારો એકલાનો અનુભવ નથી, પણ આખા માનવ સમાજના કલ્યાણનો વિચાર કરવામાં જ જેમણે જીવન અર્પ્યું છે, એવા અનેક સાધુમુનિઓનો પણ આવો અનુભવ છે.’

એમ બોલતાં બોલતાં વ્યાસ ભગવાને કથા પૂરી કરી. જેમિનિ પોતાને આશ્રમે જતાં જતાં ગણગણ્યા, ‘આચાર્ય હવે ઘરડા થયા એટલે અશ્રદ્ધાળુ થયા છે ! શું આદમી એટલો બધો બદમાશ છે ? ના, ના.’

***

નર્મદા નદીને કાંઠે જૈમિનિ મુનિનો આશ્રમ. નર્મદાનાં ઉન્મત્ત પાણી મુનિની પર્ણકુટીનાં ચરણ ધોતાં વહ્યાં જાય. ચારે તરફ વડલાની સુંદર ઘટાઓ, વચ્ચે વચ્ચે આંબા અને આસોપાલવનાં ઉપવનો, વચ્ચે વચ્ચે ડોકિયાં કરતી નાની નાની મઢુલીઓ, સોનેરી કમળોથી શોભી રહેલી નાની નાની તળાવડીઓ અને આ બધાંયને વ્યાપી રહેતી આખાય આશ્રમની શાંતિ અને પવિત્રતા.

એકવાર રાતના બારેક વાગ્યા હશે. ત્યાં આશ્રમવાસીઓના કાન પર એક બૂમનો અવાજ પડ્યો, ‘મને નિરાધારને કોઈ બચાવો.’ બૂમના એ આર્ત સ્વરમાં પણ કોમળતા હતી. જૈમિનિને કાને આ શબ્દો અથડાયા એટલે તરત જ એમણે આજ્ઞા કરી, ‘કોણ છે બેટા ? જા, કોણ છે એ જો તો ?’
બટુ આંખો ચોળતો ચોળતો ઊભો થયો, આશ્રમના ઝાંપા સુધી ગયો અને થોડી વારે પાછો આવ્યો અને કહ્યું, ‘મહારાજ ! કોઈ સ્ત્રી છે અને રાતવાસો આશ્રમમાં રહેવા માગે છે.’

જૈમિનિએ ઘડીકમાં વિચાર કરી લીધો. ‘આશ્રમનો નિયમ તો નથી, પણ ભલે આવે. એમ એકાદ રાતમાં શું થઈ જવાનું છે ? ભલા, દુ :ખી લોકોને જો વિસામોય ન આપીએ તો આશ્રમ શાનો ? જા, એ બાઈને તેડી આવ. ગૌશાળાની ઓરડીમાં ભલે રાત રહે. અહીં આશ્રમમાં તો તમે બધા બ્રહ્મચારીઓ સૂતા છો એટલે તેને ન સુવાડું. ઓરડીને તું જરા સાફ કરી નાખજે.’

આટલું કહીને જૈમિનિ પથારીમાં થોડીવાર બેઠા, ત્યાં તો બટુ બાઈને લઈને આવ્યો અને ત્યાંથી પસાર થયો. બાઈને પસાર થતી જોઈ એટલે વળી જૈમિનિ બોલ્યા, ‘અલ્યા બટુ ! બરાબર સગવડ કરજે હોં. બહેન ! અહીં બ્રહ્મચારીઓ સૂતા છે, એટલે તમને ગૌશાળામાં વાસ આપ્યો છે, તેથી માઠું ન લગાડતાં.’

બટુએ બાઈને ઉતારો આપ્યો અને પોતાને સ્થાને આવીને સૂઈ ગયો. બ્રહ્મચારીઓ તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા; આખોય આશ્રમ સૂઈ ગયો હતો. જાગે ફક્ત બે : એક ચંદ્રમા અને બીજા જૈમિનિ.

જૈમિનિ ફરીથી પથારીમાં બેઠા થયા અને વિચારે ચડ્યા, ‘ઊંઘમાં એકવાર ખલેલ પડી કે થઈ રહ્યું. જો ને, આ બટુ તો હમણાં જ પડ્યો, પણ જાણ્યે જાગ્યો જ નથી ! પથારીમાં પડ્યાં પડ્યાં પાંસળાં ઘસવાં એ સારું નથી, એમ વ્યાસ ભગવાન ઘણીવાર કહે છે. પણ પડ્યાં પડ્યાં પ્રભુ સ્મરણ કરીએ તો ? પડ્યાં પડ્યાં શાસ્ત્રનું મનન કરીએ તો ? વ્યાસ ભગવાનનું એ એક નથી સમજાતું, તેઓ આ જડ નિયમો શા માટે આપતા હશે ? એ કેમ કહેતા નથી કે પથારીમાં પડ્યાં પડ્યાં સારાં કામો થાય અને સારાં કામો ન સૂઝે તો શું શોધી કાઢવાં ? પણ એ તો કહે છે, ‘ના, પથારીમાં જાગતાં પડ્યા જ ન રહો !’ પણ ઠીક છે. લાવ, મને ઊંઘ નથી આવતી એટલે આશ્રમ ફરતું ચક્કર લગાવું. વળી પેલી બાઈને ગૌશાળામાં સુવાડી છે, તેની પણ તપાસ કરતો આવું. બટુ હજી મૂરખ મટ્યો નહીં. આવીને પાછો કહેતોય નથી કે બાઈને બધી સગવડ કરી આપી છે, કે કેમ !’

આ પ્રમાણે વિચાર કરતાં કરતાં જૈમિનિ પથારી છોડીને ઊભા થયા અને હાથમાં ડંડો લઈને નીકળ્યા. તેમણે ઘસઘસાટ ઊંઘતા તમામ બ્રહ્મચારીઓને નિહાળ્યા. કોઈ કોઈનાં ઓઢણિયાં ખસી ગયાં હતાં, તે ફરીથી ઓઢાડ્યાં. એક બ્રહ્મચારી પથારીમાંથી બહાર નીકળી ગયો હતો, તેને પથારીમાં લીધો અને પછી ચાલતાં ચાલતાં ગૌશાળા પાસે આવ્યા. ગૌશાળામાં આવીને કામધેનુ બાંધી હતી, તેને ચરવા મૂકી. ત્યાંથી થોડું આગળ ચાલ્યા, વળી પાછા ફર્યા અને ગૌશાળાની ઓરડીથી ઠીકઠીક દૂર ઊભા રહીને બોલ્યા, ‘બાઈ, બાઈ ! બધી સગવડ તો થઈ ગઈ છે કે ?’

બાઈએ અંદરથી જ જવાબ આપ્યો, ‘હા, મહારાજ !’
જૈમિનિ આખા આશ્રમની લટાર મારવાને બદલે ત્યાંથી જ પાછા ફર્યા અને આવીને પથારીમાં પડ્યા. પણ ઊંઘ ન આવે. એવામાં આશ્રમના કોઠારમાં બિલાડીએ દૂધનું વાસણ પાડી નાખ્યું, તેનો મોટો અવાજ થયો. જૈમિનિ તો જાગતા જ હતા. તેઓ મનોમન બોલ્યા, ‘આ ગૌશાળા ઉપર બિલાડી છાપરામાંથી ઉંદર પકડતી લાગે છે ! પેલી બિચારી બાઈને એક તો જૂઆ કરડતા હશે અને તેમાંય આ ખડખડાટ! બિલાડાંએ તો મારા આશ્રમને માથે લીધો છે.’

એમ વિચારીને હાથમાં ધોકો લઈને જૈમિનિ વળી ગૌશાળા પાસે આવ્યા અને ડંડો પછાડતાં બોલ્યા, ‘બાઈ ! ઊંઘી ગયાં લાગો છો. આ બિલાડીનો ખખડાટ ક્યાંથી ઊંઘવા દે ? હવે તો રાતની રાત કાઢી નાખો. ત્રીજો પહોર થઈ ગયો છે.’

અંદરથી જવાબ આવ્યો, ‘મહારાજ ! અહીં બિલાડી તો નથી. હું આવી ત્યારે જ એક બિલાડો હતો. તેને બહાર કાઢીને જ મેં બારણું બંધ કર્યું. આપ શા માટે ચિંતા કરો છો ?’

જૈમિનિ વળી પર્ણકુટીમાં પાછા આવ્યા અને લાંબા થઈને સૂતા. પહેલાં તો તે જમણે પડખે સૂતા, પછી ઘડીવાર ચત્તા સૂતા અને પછી ડાબે પડખે સૂતા. પણ યોગનિદ્રાનો આ પ્રયોગ આજે સફળ ન થયો. એટલે તેઓ સફાળા બેઠા થયા. સામે પાણીનું ભરેલું કમંડલું પડ્યું હતું, એના પર નજર ગઈ. ‘લાવ ને થોડું પાણી પીઉં; ઊંઘ આવે તો ! પેલી બાઈને પણ ઊંઘ આવતી જણાતી નથી. હું બે વાર ગયો ત્યારે બન્ને વાર એ જાગતી હતી. મને આ પર્ણકુટીમાં ઊંઘ નથી આવતી, તો એને ગૌશાળામાં તો શી રીતે ઊંઘ આવે ? ત્યાં તો જૂઆ હશે, મટકાં હશે, જીવજંતુ હશે કીડીઓ હશે ! આજે જૂઆ અને કીડીઓ વિના પણ મને આ પથારી કરડે છે, તો તેની શી દશા થતી હશે ? લાવ ને, જાગું છું તો એક આંટો મારું !’

વળી જેમિનિ નીકળ્યા અને ઓરડીની સાંકળને ખખડાવતાં બોલ્યા, ‘બહેન ! ઠીક તો પડે છે કે ?’

અંદરથી જવાબ આવ્યો, ‘મહારાજ ! આપ હજી સુધી સૂતા નથી ! મેં અભાગણીએ આપની આખી રાત બગાડી. મને અહીં જરાય દુ :ખ નથી. આપ શા માટે વારે વારે તસદી લો છો ?’

એ સાંભળીને જૈમિનિ બોલ્યા, ‘એમાં વળી તસદી શી છે ? અતિથિનું સ્વાગત કરવું એ અમારો ઋષિમુનિઓનો ધર્મ છે. તમને અગવડ હોય તો શરમાશો નહીં; આ આશ્રમ તમારો જ છે.’

‘વારુ.’ બાઈ બોલી.

જૈમિનિ મહામહેનતે ગૌશાળાથી પાછા ફર્યા, પણ પર્ણકુટીની શૈયામાં પગ ન મૂક્યો. એ તો પર્ણકુટી પાસેના ચોકમાં આમતેમ આંટા મારવા લાગ્યા. એટલામાં એમને વિચાર આવ્યો, ‘બટુએ આ બાઈને બિછાનું આપ્યું હશે કે નહીં ? અરે મૂરખો ! મને પૂછતોય નથી કે કયું બિછાનું આપું. ઢોર છે, ઢોર છે ! લાવ હું જ તપાસ કરું. પણ એમાં તપાસ શી કરવાની હોય ? નથી આપ્યું એ ચોક્કસ છે, એટલે આ મારી જ પથારી ઉપાડીને આપતો આવું.’

એટલો વિચાર કરીને જૈમિનિએ પોતાની યોગશૈયાને સંકેલીને ખભે મૂકી અને ઓરડી તરફ ચાલ્યા.

‘બહેન, બહેન ! બારણું ઉઘાડો મારી એક મોટી ભૂલ થઈ છે. બારણું ઉઘાડૉ.’

‘મુનિ મહારાજ ! આપની ભૂલ ? શી ભૂલ ! કશી ભૂલ નથી. આપ નિરાંતે સૂઈ જાઓ.’ બાઈ બોલી.

જૈમિનિએ કહ્યું, ‘એમ નહીં ચાલે; તમે બારણું ઉઘાડૉ. પેલા મૂરખાએ તમને ભોંય પર સુવાર્યા લાગે છે. હું પથારી લાવ્યો છું. પથારી લઈને બારણું વાસી લ્યો.’

બાઈ બોલી, ‘મહારાજ ! આપના બ્રહ્મચારીએ મને પથારી આપી છે, તે મજાની છે. મારે હવે બીજી પથારીની જરૂર નથી.’

એ સાંભળીને જૈમિનિએ કહ્યું, ‘જરૂર ન હોય તો પણ એક વાર બારણું ઉઘાડૉ. તમારે અમને શું અતિથિધર્મમાંથી ભ્રષ્ટ કરવા છે ? ઉઘાડૉ.’

‘અત્યારે રાત વખતે હું બારણું ઉઘાડવાની નથી. મારે કશુંયે નથી જોઈતું.’ બાઈએ સાફ જણાવ્યું.

જૈમિનિને ઉકળાટ થયો. બાઈ આવી હઠ કરે તે તેમને અધર્મ લાગ્યો અને પોતાની પથારી ત્યાં બારણા પાસે મૂકીને તેઓ ચાલતા થયા. તેમનું મન અસ્વસ્થ હતું. શાથી અસ્વસ્થ હતું, તેની તેમને પણ ખબર ન હતી. એ પોતે ઓરડી પાસેના ઝાડ પર ચડ્યા; ઝાડની થોડીએક ડાળીઓ કાપી નાખી; ઝાડ પરથી ઓરડીના છાપરા પર ઊતર્યા અને કોઈ ન સાંભળે એવી રીતે છાપરાનાં નળિયાંને ખસેડવા લાગ્યા અને નળિયાંની નીચેના ખપાટિયાંની દોરીઓને છોડવા લાગ્યા. તેના માથા પર ચંદ્ર હતો; છાપરાની નીચે બાઈ સૂતી હતી. વચ્ચેથી નળિયાં ખસ્યાં, ખપાટિયાં ખસ્યાં અને જૈમિનિ બિલાડાની ચૂપકીથી અંદર ઊતર્યા. ત્યાં ઓરડીમાં ચંદ્રના પ્રકાશમાં તેમણે એક પુરુષને જોયો ! પહાડી શરીર, સ્નાયુઓથી ભરેલ હાથપગ, વિશાળ છાતી, ધોળી મોટી દાઢી, માથા પર જટા !

જૈમિનિ આ જોઈને આભા બની ગયા અને બોલી ઊઠ્યા, ‘મહારાજ ! વ્યાસજી ! આપ અહીં ક્યાંથી ?’

વ્યાસે કહ્યું, ‘બેટા ! તું, અહીં શા માટે ?’

જેમિનિ નીચી આંખે ઊભા-ઊભા જ ઠરી ગયા. વ્યાસજી તરત જ અંતર્ધાન થઈ ગયા.

બરાબર એ વખતે કૂકડો બોલ્યો એટલે બ્રહ્મચારીઓ બધા જાગ્રત થઈને વેદપાઠ કરવા લાગ્યા. જૈમિનિ ધીમે પગલે ઓરડીની બહાર આવ્યા. કામધેનુ ખીલા પાસે ઊભી હતી તેને ફરીથી બાંધી.

અને પછી…..?

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.