ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું વિચારવું જોઈએ કે જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થશો, ત્યારે તમારે અને સ્વજનોએ કેટલો સમય ફાળવવો પડશે ? અસ્વસ્થ માણસે સ્વસ્થ થવા અને સ્વસ્થ માણસે સ્વાસ્થ્ય ટકાવી રાખવા સમય ફાળવવો જોઈએ.

એ બાબત પણ જાણી લેજો કે કસરતો અનેક પ્રકારની છે. વળી દરેક માણસ માટે પ્રત્યેક પ્રકારની કરસત અનુકૂળ હોતી નથી. નિષ્ણાતની સલાહ મુજબ સમજદારીપૂર્વક કસરત કરવી જોઈએ. ચાલવાની બાબતમાં પણ ગેરસમજ ન રાખો. ચાલવાથી બધા જ પ્રશ્નો ઉકલી જતા નથી. શરૂઆતમાં જ દશપંદર કીલોમીટર ચાલવા માંડશો તો તેની નકારાત્મક અસર શરીરમાં થઈ શકે છે. તમે પાંચ મિનિટ યોગ કરી શકતા હો તો ચાર મિનિટ કરો. પાંચ કીલોમીટર ચાલી શકતા હો તો ચાર કીલોમીટર ચાલો. આમ કરવાથી વધારે લાભ પ્રાપ્ત કરી શકાય છે. અન્ય કસરતો કરતા ચાલવાની કસરત એવી છે કે તે લગભગ બધાને માટે શકય છે. આ માટે તમારે ટાઈમ ટેબલ ગોઠવવું જરૂરી છે. દરેક વ્યક્તિ પાસે સમય છે, પણ સમયનું મેનેજમેન્ટ કરતાં આવડતું નથી.

અમેરિકામાં ‘લાઈફ સ્કાન’નામનું એક ગ્રુપ બસ્સો ડોલરની ફી લઈને માણસને સમય બચાવવાની સલાહ આપે છે. અહીં દરરોજ સરેરાશ બસ્સો લોકો સલાહ લેવા આવે છે. આપણે સમય અને શક્તિ વેડફવામાં અગ્રેસર હોઈએ, એવું લાગે છે. અનિવાર્ય ન હોય તેવી બાબતોમાં સમય ફાળવી દઈએ છીએ અને ખાલી ગપ્પાં મારવામાં શક્તિ વેડફી નાખીએ છીએ. સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા, સમજદારી અને સક્રિયતા જરૂરી છે.

સવારે કસરત કરીને ઘરે આવો અને ચા તૈયાર ન હોય, ત્યારે તમે ગુસ્સે થઈ જાઓ તો કસરત એળે ગઈ કહેવાય. કસરતથી મન પ્રફુલ્લિત બનવું જોઈએ. કસરતનું તત્ત્વજ્ઞાન કહે છે : લાંબુ જીવો અને સારું જીવો. આપણે પણ સંકલ્પ કરવો જોઈએ કે હું દીર્ઘાયુષ્ય ભોગવીશ અને તંદુરસ્તીપૂર્વક ભોગવીશ. જેમ શારીરિક, માનસિક કસરતનું મહત્ત્વ છે, તેમ શારીરિક, માનસિક આરામનું પણ મહત્ત્વ છે. અતિપ્રવૃત્તિ અને અતિઆરામ આ બન્નેમાંથી એકેય સ્થિતિ હિતકર નથી. આ બન્નેનું સંતુલન તન અને મનને તંદુરસ્ત રાખી શકે છે.

રાત્રે ઊંઘ દરમિયાન શરીરતંત્રની પ્રક્રિયા ધીમી થાય છે. હૃદયના ધબકારા દિવસ દરમિયાન એક મિનિટમાં આશરે 80વાર થાય છે. અને રાત્રે ઊંઘ દરમિયાન એક મિનિટમાં આ ધબકારા 60ની આસપાસ થઈ જાય છે. ઊંઘ દરમિયાન બ્લડપ્રેસર કુદરતી રીતે ઘટે છે. ઊંઘ બાદ સવારની કસરત શરીરને અંદરથી પ્રદીપ્ત કરે છે. ઊઠીને માત્ર બન્ને હથેળી ઘસીએ, થોડા કૂદકા મારીએ, તોપણ શરીરનું તાપમાન વધે છે. તાપમાન વધવાની સાથે સુષુપ્ત અવસ્થામાં રહેલા સ્નાયુઓમાં ગરમાવો આવે છે, રક્તનો પ્રવાહ વધે છે, સ્નાયુઓમાં ચયાપચયની પ્રક્રિયા શરૂ થાય છે અને સમગ્ર પ્રક્રિયાથી ઊર્જા છૂટી પડે છે. એ ઊર્જા દ્વારા તમે દિવસ દરમિયાન સારી રીતે કાર્યરત રહી શકો છો.

એ ન ભૂલવું જોઈએ કે કુદરતી વાતાવરણમાં થતી કસરતથી સારાં પરિણામો મળે છે. ક્લબ સંસ્કૃતિ એ કુદરતી સંસ્કૃતિ નથી. ચાર દીવાલ વચ્ચે બંધિયાર માહોલમાં કસરત કરવી લાભપ્રદ બનતી નથી. તેના બદલે સવારમાં પક્ષીઓ કલરવ કરતાં હોય, બાજુમાં કલકલનાદે ઝરણું વહેતું હોય, મંદમંદ પવન વાતો હોય અને એકાદ ઘટાદાર વૃક્ષ નીચે તમે કસરત કરતા હો, આવી કલ્પના જ મનને આનંદિત કરી દે છે, તો વાસ્તવિકતા કેવી હશે ! આની સામે તમે જીમના દૃશ્યની કલ્પના કરો. પૂરતાં હવાઉજાસ ન હોય, ત્યાં કસરત કરવી હિતાવહ ન ગણાય.

કસરત ન કરનારા લોકો ચુસ્તી, સ્ફૂર્તિ, પ્રસન્નતા અને તંદુરસ્તી ગુમાવી રહ્યા છે. વ્યાયામને જીવનશૈલીનો ભાગ બનાવવો અનિવાર્ય છે. જે લોકોએ વર્ષોથી કસરત નથી કરી, એ લોકોએ નિરાશ થવાની કે નકારાત્મક વલણ અપનાવવાની જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર સમજીને કસરત કરવાનો પ્રારંભ કરી શકાય છે.

યોગ્ય નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોઈ પણ ઉંમરે કસરતનો પ્રારંભ કરી શકાય. પ્રારંભમાં શરીરની અનુકૂળતા પ્રમાણે કસરતો કરવી જોઈએ. કસરત કરતાં પહેલાં આપણે મનથી કસરતમય બનવું જરૂરી છે. ધરાર કસરત કરવાથી કંઈ લાભ થવાનો નથી. મન લગાવીને પૂર્ણ પ્રસન્નતામાં કસરત કરવામાં આવે તો લાભપ્રદ સાબિત થાય છે. કોઈપણ કસરતથી શરીરના કયા ભાગમાં શી અસર થાય છે, એની માનસિક નોંધ કરવી જોઈએ.

ઉંમર, શારીરિક ક્ષમતા મુજબ કસરત કે યોગાસન કરવાં. કોઈપણ કસરત કે યોગાસનો આપણે શા માટે કરીએ છીએ, તેનાથી કયાં પરિવર્તન શક્ય બને છે, તે કરવાની સાથે કઈ આચારસંહિતા જરૂરી છે, તે બાબતની પૂરી જાણકારી મેળવીને, મન લગાવીને કસરત કે યોગાસન કરવામાં આવે, તો તેને વધારે અસરકારક બનાવી શકાય છે. ચાલવાની પ્રવૃત્તિ-કસરત વધારે અનુકૂળ અને અસરકારક બને છે. શક્ય હોય તો સવારે કુદરતી માહોલમાં મૌન સેવીને મનોમન શરીરનું નિરીક્ષણ કરતાં કરતાં ચાલવું વધારે લાભદાયી બને છે.

ખોરાકનું મહત્ત્વ વધતું જાય છે અને શ્રમનું મહત્ત્વ ઘટતું જાય છે. આ પ્રકારની જીવનશૈલી આરોગ્ય માટે ગંભીર સ્થિતિ સર્જી શકે છે. અગમચેતીરૂપે કસરત-યોગાસન-પ્રાણાયમ વગેરેના પ્રયોગ શરૂ કરવા જ પડશે. રોગનો ખરો ઇલાજ દવા નથી. શરીરનું, મનનું ઘડતર કરવું અને તેમને સક્ષમ બનાવવા એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

આટલું યાદ રાખો :

*કસરત કરવાથી કે દવા લેવાથી રોગ દૂર થઈ જશે, એમ ન માનવું. * રોગ દૂર કરવા મન અને શરીરનું તંત્ર અગત્યનો ભાગ ભજવે છે.

* શરીરને હળવું, સ્ફૂર્તિલું અને ગતિશીલ રાખવા કસરત જરૂરી છે. * ચાલવાથી શરીરમાં ઊર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયા ઝડપી બને છે અને ધીમે ધીમે શરીરનાં ખરાબ તત્ત્વો બહાર નીકળી જાય છે.

* ડાયાબિટીસના દર્દીઓ ચાલે તો ઇન્સ્યુલિન વધારે પ્રજ્વલિત કરી શકાય છે. * શરીરને ટકાવી રાખવા દવા કરતાં કસરત વધારે મદદરૂપ બને છે.

* માત્ર શરીરનું આરોગ્ય સુધારવા માટે જ નહીં, પરંતુ મન પ્રફુલ્લિત કરવા કસરત કરવી જોઈએ. * નિયમિત કસરતથી શરીરનો બાંધો મજબૂત બને છે, નકારાત્મકતા ઘટતી જાય છે, હોર્મોન્સ સક્રિય રહે છે અને ચામડી ચમકદાર રહે છે.

* મન તંદુરસ્ત હશે તો શરીર સરસ અને સ્વસ્થ રહેશે અને શરીર સ્વસ્થ હશે તો મન પ્રસન્ન રહેશે. બન્ને વચ્ચે આવો અરસપરસનો સંબંધ છે. * રોગ આવ્યા પછી કસરત કરવા માંડો છો, તેના બદલે રોગ ન આવે એ માટે કસરત કરો.

* અતિ પ્રવૃત્તિ અને અતિ આરામ આ બન્નેમાંથી એક પણ સ્થિતિ યોગ્ય નથી. * કુદરતી માહોલમાં કસરત કે યોગાસન કરો તો વધારે લાભદાયી નીવડે છે.

* વ્યાયામને જીવનશૈલીનો ભાગ બનાવો.

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.