જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકૉર્ટનો ન્યાયાધીશ બને અને મનમાં માને કે, ‘સૌથી ઊંચી પાયરીએ પહોંચીને હું કેવો સુખી થઈ ગયો છું ! હવે મારે બીજું શું જોઈએ?’ ભગવાન એને કહેશે, ‘તથાસ્તુ.’ પણ એ ન્યાયાધીશ સાહેબ નિવૃત્ત થઈ પેન્શન પર ઊતરે અને પોતાના ભૂતકાળનું અવલોકન કરે, ત્યારે એને ભાન થાય કે એણે પોતાનું જીવન વેડફ્યું છે. એટલે પોકારી ઊઠે, ‘અરે, આ જીવનમાં મેં શું સાચું કામ કર્યું છે !’ ભગવાન પણ એને કહે છે, ‘અરે, તેં શું કર્યું છે !’

આ જગતમાં માણસ બે વૃત્તિઓ લઈને જન્મે છે, વિદ્યા અને અવિદ્યા; વિદ્યા મુક્તિપથે લઈ જાય અને અવિદ્યા સંસારનાં બંધનમાં નાખે. જન્મ સમયે, બેઉ વૃત્તિઓ સમતોલ હોય છે, જાણે ત્રાજવાનાં બે પલ્લાં. એક પલ્લામાં જગત પોતાના સુખોપભોગ મૂકે છે અને બીજામાં, આત્મા પોતાનાં આકર્ષણો મૂકે છે. મન સંસાર પસંદ કરે તો, અવિદ્યાનું પલ્લું ભારે થાય છે અને માણસ સંસાર તરફ ઢળે છે; પરંતુ એ આત્માને પસંદ કરે તો, વિદ્યાનું પલ્લું નમે છે અને એને ઈશ્વર તરફ ખેંચે છે.

એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે, પણ એ એકડાને ઉઠાવી લો તો, એ બધાં મૂલ્યહીન બની જાય છે. એ અનેક મીંડાંની કિંમત એ એકને લઈને જ છે. પહેલાં એક, પછી અનેક. પહેલાં શિવ પછી જીવો અને જગત.

શહેરમાં નવા આવનારે સૌ પ્રથમ, પોતાના રાતવાસા માટે આરામદાયક જગ્યા શોધવી જોઈએ. અને એ મળ્યા પછી માલસામાન રાખીને નિશ્ર્ચિંત બનીને એ શહેરનાં જોવાલાયક સ્થળોએ જઈ શકે. નહીં તો, રાતે અંધારામાં સારું ઠેકાણું શોધતાં ખૂબ મુશ્કેલી પડે. એ જ રીતે, ઈશ્વરમાં પોતાનું સનાતન સ્થાન નિશ્ર્ચિત કર્યા પછી જ, આ સંસારરૂપી વિદેશમાં આવનાર નિર્ભય રીતે પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી શકે. નહીં તો, જ્યારે મોતનો ભયંકર અને કાળો ઓળો એના પર ઊતરશે, ત્યારે એણે ઘણી યાતનાઓ ભોગવવી પડશે.

અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને એની સુગંધથી આકર્ષાઈ, ઉંદરિયામાં પકડાઈ જાય અને કોઠારમાંના ચોખા સલામત રહે. જીવનું પણ તેવું જ છે. એ બ્રહ્માનંદને ઉંબરે ઊભો છે; જે સંસારના કોટિકોટિ આનંદો કરતાંય ચડિયાતો. પણ એ પરમ આનંદને માટે યત્ન કરવાને બદલે, જીવ સંસારની ક્ષુલ્લક બાબતોમાં પડીને માયાના પિંજરામાં પકડાય છે ને ફંદામાં પડી મૃત્યુ પામે છે.(શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી, પૃ. 3-4)

Total Views: 369

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.