એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે અનિયમિત હોય છે. એની સીધી અસર આરોગ્ય પર થાય છે. આવા લોકો સતત તણાવમાં રહેતા હોય છે. એ પણ સ્પષ્ટ છે કે તમે તણાવમુક્ત પ્રસન્ન રહીને કામ કરશો તો કામની અને જીવનની ગુણવત્તામાં સુધારો થશે. ઘણા દર્દીઓ કહે છે, ‘સાહેબ, મારે ગુણવત્તા સાથે કંઈ લેવાદેવા નથી. મને દવા આપીને ઝડપથી સાજો કરી દો.’ દર્દીના આવા વલણથી ડોક્ટરને થોડી નિરાશા થાય છે. દરેક દર્દીએ એક વખત પોતાના ડોક્ટરને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. ડોક્ટર જરૂરી દવા આપતા જ હોય છે, એની સાથે દર્દીના હિતમાં સૂચનો પણ કરતા હોય છે. ઘણા દર્દીઓ ડોકટરની ઉપરવટ જઈને દવાઓ લઈ લે છે, જે ખતરનાક નીવડી શકે છે. જરૂર ન હોય ત્યારે વધારે દવા લેવાઈ જાય તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

જે. કૃષ્ણમૂર્તિ સ્વસંવાદ કરવા પર ભાર મૂકતા હતા. યુવાન દર્દીઓને હું પૂછું છું, ‘પોતાની જાત સાથે વાત કરવા પંદર મિનિટ ફાળવો છો ?’ મોટાભાગના યુવાનો કહે છે, ‘સાહેબ, આજના જમાનામાં એવો સમય જ ક્યાં મળે છે ?’ આજે જમાનાને દોષ દેવાની ફેશન થઈ ગઈ છે, પણ વાસ્તવમાં જિંદગી જીતવા માટે આપણી પાસે આયોજન જ હોતું નથી. ભાગદોડમાં આપણે તનમન સાચવી શકતાં નથી. એટલે જ લખવું પડે છે, ‘વીસમી સદી વિજ્ઞાનની સદી હતી, એકવીસમી સદી અધ્યાત્મની સદી બનશે.’ વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થવો જરૂરી છે. માણસના મનનું સ્વાસ્થ્ય સુધારવા યોગ-અધ્યાત્મ તરફ પ્રયાણ કરવું અનિવાર્ય છે. મનનું સ્વાસ્થ્ય સુધરશે ત્યારે આપણું આંતરિક તંત્ર વધારે સક્રિય બનશે. જ્યાં સુધી માણસની અંદર કુદરતી શક્તિનો ઉદ્ભવ નહીં થાય, ત્યાં સુધી માંદગીથી છુટકારો મળશે નહીં, હોસ્પિટલો છલકાતી રહેશે, દર્દી વધતા રહેશે, દવાઓ શોધાતી રહેશે.

હાઈટેકનોલોજીનો આ જમાનો છે. બાળકના જન્મની સાથે જ તેને રોગપ્રતિકારક શક્તિનું રસીકરણ અને એન્ટિબાયોટિક આપવામાં આવે છે. રોગનું નિદાન ખૂબ ઝડપથી થાય છે અને દવા પણ ઝડપથી શરૂ થઈ જાય છે. રોગ આવ્યા બાદ આપણામાં જાગૃતિ આવે છે. પરંતુ શ્રેષ્ઠ સ્થિતિ એ ગણાય કે રોગ ન આવે એ માટે આપણે હંમેશાં સાવચેત રહીએ. ઉત્તમ સ્વાસ્થ્ય તરફ પાછા વળવા આપણે પોતાની જાત સાથે વાત કરવી પડશે, નકારાત્મક ભૂમિકાને દૂર કરતાં શીખવું પડશે. અનેક સારી ઘટનાઓ બને છે ત્યારે આપણા મગજનાં રસાયણોમાં હકારાત્મક ફેરફારો થાય છે અને આપણી પ્રસન્નતામાં વધારો થાય છે. આપણે સતત પ્રસન્ન રહેવા પ્રયત્ન શા માટે નથી કરતા ? જિંદગીનો દૃષ્ટિકોણ બદલીએ, વર્તનમાં પરિવર્તન લાવીએ, તો અંતરમાં અકલ્પનીય ફેરફાર થશે.

રાજકોટમાં પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા ધ્યાનયોગ શિબિરો થાય છે. શિબિરાર્થિઓ પ્રતિભાવમાં લખે છે, ‘મારી દવાઓ ઓછી થઈ ગઈ, દર્દમાં ખૂબ રાહત અનુભવાય છે, માનસિક શાંતિ અને પ્રસન્નતા વધી છે!’ વગેરે….. શિબિરોનાં હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. પણ એક બાબત મહત્ત્વની છે : શિબિર માત્ર પાંચ છ દિવસ જ હોય છે. શિબિરાર્થિઓએ યોગ-ધ્યાનના પ્રયોગો લાંબા ગાળા સુધી નિયમિત રીતે ચાલુ રાખવા જોઈએ. લાંબે ગાળે વિશિષ્ટ અનુભૂતિ થશે, ત્યારે તમે ખુદને સક્ષમ અનુભવી શકશો.

વિજ્ઞાન પણ આ દિશામાં વિચાર કરતું થઈ ગયું છે. લેબોરેટરીની ચાર દીવાલો વચ્ચે થયેલાં સંશોધનોની મર્યાદાનો ખ્યાલ વૈજ્ઞાનિકોને આવવા લાગ્યો છે. જો કે દવાને કે તેનાં સંશોધનોને નકામાં ન ગણી શકાય. દવાઓ આશીર્વાદ રૂપ બની જ છે, પણ તેમનો મર્યાદિત ઉપયોગ થવો જરૂરી છે; ત્યાં સુધી સંપૂર્ણ સમાધાન પ્રાપ્ત નહીં થાય. દવાની સાથે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે, તો તંદુરસ્ત રહેવાનું સમાધાન મળી જ રહેશે. નિયમોને વળગી રહેશો તો એક સમય એવો આવશે કે વગર દવાએ ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.

સંપૂર્ણ સ્વાસ્થ્ય-તંદુરસ્તીમાં 10% હિસ્સો શારીરિક તંદુરસ્તીનો છે, 10% હિસ્સો સામાજિક, 20% હિસ્સો માનસિક તંદુરસ્તી અને 60% હિસ્સો આધ્યાત્મિક તંદુરસ્તીનો છે. આપણે સંપૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત કરવા તરફ પ્રયાણ કરવું જોઈએ. આપણાં કેટલાંક જૂનાં સિદ્ધાંતો, નિયમો, રીતિરીવાજો છે, તેમને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ફરીથી જીવંત કરવાં પડશે. અઠવાડિયામાં એક દિવસ ભોજનનો ત્યાગ કરવામાં આવે તો અંદરના તંત્રને વ્યવસ્થિત થવાનો સમય મળે છે. ઉપરાંત નિયમિતતા કેળવવાથી આપણી બાયોલોજીકલ ઘડિયાળ વ્યવસ્થિત બને છે. આપણી ઘણી પરંપરાઓ એવી છે કે તે ઉત્તમ આરોગ્ય માટે ખૂબ સારી છે. આપણે તેમને ફરીથી જીવંત કરવી પડશે. મૃત્યુ આપણા હાથમાં નથી પણ જિંદગી તો આપણા હાથમાં છે ને! આપણે જ જિંદગીને તંદુરસ્તીથી છલકતી રાખી શકીએ છીએ.

આટલું યાદ રાખો

* વધારે દવાઓ લેવાથી ઝડપથી સાજા થઈ જવાય તેવી દર્દીઓની માન્યતા ખોટી છે. ડોક્ટરની ભલામણ વગર વધારે દવા લેવાથી લાભને બદલે નુકસાન થવાની સંભાવના વધીજાય છે. એક સાથે અનેક ‘પથી’ઓની દવાઓ ડોક્ટરનીજાણ બહાર લેવી જ ન જોઈએ.

* કુદરતે આપણા શરીરમાં લેબોરેટરી સ્થાપી છે. એ રોગ સામે લડે છે. આ ઊર્જાને ‘ઇમ્યુનિટી’ કહે છે.

* ‘ઇમ્યુનિટી’નો આધાર આપણી કુદરતી શક્તિ પર છે, જેને વિકસાવી શકાય છે.

* શરીરનાં તત્ત્વોને સંતુલિત રાખવામાં ખોરાક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, પણ આપણો ખોરાક જ અસંતુલિત થઈ ગયો છે.

* સામાન્ય સિવાયની તકલીફોમાં દવા લેવી કે ન લેવી તેનો નિર્ણય ડોક્ટરના અભિપ્રાય મુજબ લો.

* દર્દીઓના બે વર્ગ થયા છે. એક વર્ગ વધારે દવા માગે છે અને બીજો વર્ગ દવા વગર સાજો થવા માગે છે.

* દવાઓના સંશોધન પાછળ જેમ ખર્ચ થાય છે, તે રીતે માણસની કુદરતી શક્તિ વિકસાવવામાં પણ ખર્ચ થવો જોઈએ. જીવનને નિયમિત-સંયમિત બનાવવામાં આવે તો તંદુરસ્ત રહી શકાય છે.

* 20મી સદી વિજ્ઞાનની હતી, 21મી સદી અધ્યાત્મની બનશે. દવા આશીર્વાદ રૂપ ભલે ગણાય, પણ તેનો મર્યાદિત ઉપયોગ થવો જોઈએ.

* સંપૂર્ણ તંદુરસ્તીમાં 10% હિસ્સો શારીરિક તંદુરસ્તીનો છે, 10% હિસ્સો સામાજિક, 20% હિસ્સો માનસિક તંદુરસ્તી અને 60% હિસ્સો આધ્યાત્મિક તંદુરસ્તીનો છે.

* મૃત્યુ આપણા હાથમાં નથી પણ જિંદગી તો આપણા હાથમાં છે ને! આપણે જ જિંદગીને તંદુરસ્તીથી છલકતી રાખી શકીએ છીએ.

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.