શ્રીકૃષ્ણની બાળલીલા

થોડા દિવસોમાં રામ અને શ્યામ ગોઠણભેર ચાલી ચાલીને ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ પોતાના ઘૂંટણ અને હાથની મદદથી ગોકુળમાં બધી જગ્યાએ એકી સાથે ચાલતા. એ સમયે એમના પગે બાંધેલ ઝાંઝરી રણઝણ કરતી વાગવા લાગતી અને એનો રણઝણ અવાજ બધાંને આનંદ પમાડતો. જ્યારે કોઈ સ્ત્રી રસ્તામાં ચાલી જતી હોય તો તેઓ તેમને પોતાની માતા સમજીને એની પાછળ પાછળ જતા. જ્યારે આ બંનેને પોતાની ભૂલ સમજાતી ત્યારે તેઓ યશોદા અને રોહિણી પાસે જઈને એમના પાલવમાં છુપાઈ જતા. વ્રજની મહિલાઓને આ બંનેને ઘૂંટણિયાભર ચાલતા જોઈને ખૂબ આનંદ થતો અને પરસ્પર કહેતી, ‘જુઓ તો ખરા! કૃષ્ણ અને બલરામ કેવા મજાના ઘૂંટણિયાભર ચાલી રહ્યા છે!’ જ્યારે કૃષ્ણ-બલરામ થોડા મોટા થયા ત્યારે વ્રજમાં ઘરની બહાર કેટલીયે બાળલીલાઓ કરવા લાગ્યા. એ બંનેની બાળલીલાઓને ગોપીઓ તો જોઈ જ રહેતી. જ્યારે તે બંને કોઈ વાછડાનું પૂંછડું પકડી લેતા અને પેલો વાછડો ડરીને આમતેમ ભાગવા માંડતો ત્યારે તેઓ બંને વધારે જોર કરીને તેનું પૂંછડું પકડી રાખતા અને વાછડો પણ એમને ઘસડતો ઘસડતો દોડવા લાગતો. ગોપીઓ પોતાના ઘરનાં કામકાજ છોડીને આ બધું જ જોતી રહેતી અને હસી હસીને લોટપોટ થઈ જતી. આવા પરમાનંદમાં મગ્ન બની જતી !

આ રીતે ગોકુળમાં દિવસો પસાર થવા લાગ્યા. કૃષ્ણ અને બલરામ હવે મોટા થઈ રહ્યા હતા. તેઓ ચાલતાં શીખી ગયા અને ગોપબાળકો સાથે બાળલીલા કરવા લાગ્યા. એમનાં તોફાન અને ટીખળો ગોપીઓને આનંદમાં લાવી દેતાં. આજે પણ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ ભક્તોના મનને આનંદથી ભરી દે છે. યશોદાની પાસે ગોપીઓના ઘરમાં કૃષ્ણે કરેલાં તોફાનોની ફરિયાદો આવવા લાગી. એક દિવસ ગોપીઓનું એક ટોળું નંદબાબાના ઘરે ગયું. યશોદા માતાને વારંવાર સંભળાવીને કનૈયાનાં કરતૂતો વિશે એક ગોપી કહેવા લાગી, ‘અરે યશોદા, કાનુડો તો ઘણો નટખટ થઈ ગયો છે. કાલે સવારે જ મારે ઘેર આવ્યો હતો. હું તો ગાયો દોહવાની તૈયારીઓ કરતી હતી પરંતુ, હું ગાયને દોહવા ગઈ ત્યારે મને ખબર પડી, અને મેં શું જોયું એની વાત કરું? તારા નટખટ કાનુડાએ વાછડાને છોડી મૂક્યો અને એ વાછડો ગાયનું બધું દૂધ પીઈ ગયો. જ્યારે હું પાછી ઘરમાં આવી ત્યારે જોયું તો, એ તો દૂર ઊભો ઊભો હસતાં હસતાં મારી મશ્કરી કરતો હતો. હું તો એને પકડવા દોડી પણ એ કાંઈ મારી પકડમાં આવે ખરો! એ તો દૂર ભાગીને છુપાઈ ગયો.’ બીજી ગોપીએ ઠપકો આપતાં કહ્યું, ‘અરે યશોદા! તારો લાલો તો ચોરીની કળામાં અત્યંત નિપુણ છે. મારા ઘરમાંથી દહીં અને માખણની ચોરી કરવા કેટલાય પેંતરા અજમાવી જાણે છે. અરે, પોતે એકલો ખાતો હોય તો એક વાત, પણ એ તો બધાં દૂધદહીં વાંદરાઓને ખવડાવી દે છે. અરે બહેન, એનાં આ તોફાનોની કેટલીક વાતો અમારે તમને કહેવી! અમારા ઘરમાં દૂધદહીંનાં માટલાં સુધી પહોંચવું એના માટે અશક્ય બની જાય એ રીતે ઊંચી જગ્યાએ રાખીએ છીએ. અને એ તો ગુસ્સે થઈને એ માટલાને પથ્થર મારીને ફોડી નાખે છે. આવું તોફાન કરીને એ તો પોતાના સાથીઓ સાથે મોં ફાડીને નીચે ઊભો રહી જાય છે અને માટલામાંથી નીચે પડતાં દૂધદહીં પીઈ જાય છે.’ એક બીજી ગોપીએ પોતાની ફરિયાદ કરતાં કહ્યું, ‘યશોદા તમે કહો છો કે દૂધદહીંનાં માટલાં કેમ સંતાડીને રાખતાં નથી? તો હવે એની વાત પણ સાંભળી લો. અમે અમારી ચીજવસ્તુઓને એની નજરે ન ચડે એ રીતે અંધારી જગ્યામાં છુપાવી દઈએ છીએ અને તમે તો એને ઘણાં મણિમય આભૂષણો પહેરાવી રાખો છો. એના પ્રકાશથી એ બધું જોઈ લે છે. આ તમારો કાનુડો એટલો બધો ચાલાક છે કે કોણ ક્યારે ક્યાં રહે છે, એ પણ જાણી લે છે અને જયારે અમે બધાં ઘરનાં કામકાજમાં પડ્યાં હોઈએ ત્યારે તે પોતાનું કામ પાર પાડી લે છે.’ બીજી એક સખીએ પોતાની ફરિયાદ કરતાં કહ્યું, ‘અરે બહેન યશોદા, મેં તો મારાં દૂધ અને દહીંનાં માટલાં શીકાં પર રાખ્યાં હતાં. એવામાં કૃષ્ણ અને બલરામ આવ્યા. એ બંનેના હાથ શીકા સુધી ન પહોંચ્યા ત્યારે બે-ચાર જાડાં લાકડાંને એક ઉપર એક ગોઠવ્યાં. હું દરરોજ વલોણું કરતી વખતે વાપરતી એક એક ત્રિપાઈ એના પર રાખી દીધી. આ ત્રિપાઈ પર બલરામ ચઢી ગયા. પણ એ બંનેએ જોયું કે પેલું શીકું તો તેની પહોંચની બહાર ઘણું ઊંચું હતું, એટલે તમારો લાલો બલરામના ખભે ચઢી ગયો. પછી બંનેએ માટલામાં રાખેલ માખણ પેટ ભરીને ખાધું. બરાબર એ જ સમયે ઓરડામાં આવીને આ તમારા કાનુડાને રંગે હાથ પકડી લીધો. પણ એના મુખ પર ભયનું તો નામ જ જોવા ન મળે! અને વળી, એ તો મને એવી રીતે જોતો હતો કે જાણે એ પોતે જ ઘરનો માલિક હોય અને હું જ ચોર હોઉં!’

વળી બીજી એક સખીએ કહ્યું, ‘યશોદા ! મેં મારા ઘરને ધોઈને પોતું કરીને સાફ કર્યું હતું. એવામાં તમારો નટખટ લાલો મારી પાસે આવીને માખણ માગવા લાગ્યો. મેં કહ્યું, ‘કનૈયા ! અત્યારે તો મારી પાસે તને આપવા જેવું કંઈ નથી.’ એમ કહીને હું તો ઘરનાં બીજાં કામકાજે વળગી ગઈ. એણે તો બદલો લેવા માટે બહારથી કીચડ, કાદવ અને કચરો લાવીને મારા ઘરમાં ફેંકી દીધાં અને હસતો હસતો ત્યાંથી ભાગી ગયો.’

આ રીતે ગોપીઓ યશોદામૈયાને ફરિયાદો કરતી રહી, પણ કોઈનેય કૃષ્ણ પ્રત્યે રોષ ન હતો! ઊલટાનું તેઓ તો કૃષ્ણની આ બાળલીલાથી હરખાતી હતી. જ્યારે કૃષ્ણ પોતાનાં આવાં ન કરવા જેવાં ટીખળ-તોફાનોની વાત સાંભળતા, ત્યારે પોતાના ચહેરાનો હાવભાવ એક ભલાભોળા બાળક જેવો બનાવીને એક ખૂણામાં ઊભા રહી જતા. અને વળી યશોદાજી આવી રાવથી કંટાળીને  તેમને ધખતાં, ત્યારે બાળકૃષ્ણની આંખોમાંથી દડદડ આંસુ ટપકવા લાગતાં. એમને રોતા જોઈને યશોદાજીનું હૃદય દ્રવી ઊઠતું અને લાલાને પોતાના ખોળામાં લઈ લેતાં. કૃષ્ણનાં સુંદર મુખમંડળ, ભલુંભોળું ચિતવન અને મધુર હાસ્ય ગોપીઓના મન પર છવાઈ જતું.

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.