સતનો મારગ છે શૂરાનો

ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા ધામ’ સૌરાષ્ટ્રનાં સંતસ્થાનોમાં આગવું સ્થાન અને માન ધરાવે છે. આ સ્થાનક નીલકંઠ સ્વામી નામના સિદ્ધ મહાપુરુષની પરંપરામાં સ્થાપવામાં આવેલું. તેમનો મૂળ આશ્રમ ઝીંઝુવાડા-ઝંઝાવાટ ખાતે કચ્છના નાના રણને કાંઠે હતો. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી અને રાણી ગંગાદેવીને ત્યાં સામંતસિંહજી નામે કુમારનો જન્મ વિ.સં. 1668ની સાલમાં થયો. એ પછી આંબાજી, અજયસિંહ, મેગળજી અને મેળાજી એ ચાર પુત્રો અને ચાંપબાઈ નામે એક પુત્રીનો જન્મ થયો. નીલકંઠ સ્વામીનો આશ્રમ એ સમયે એમના પ્રશિષ્ય યાદવસ્વામી સંભાળતા. સામંતસિંહજી અને આંબાજી એકવાર શિકાર માટે નીકળ્યા અને આશ્રમની હદમાં શિકાર કર્યો. યાદવસ્વામીએ ઠપકો આપી ઘાયલ હરણને બચાવ્યું. આ ચમત્કાર જોઈ બન્ને રાજકુંવરોના જીવનમાં પરિવર્તન આવી ગયું. વૈરાગ્યભાવના જાગૃત થતાં વિ.સં.1686ના ભાદરવા સુદ પ, ઋષિપંચમીને બુધવાર તા.11-09-1630ના રોજ અઢાર વર્ષની ઉંમરે યાદવસ્વામી પાસે દીક્ષા લઈ સામંતસિંહજીએ ષટ્પ્રજ્ઞ સ્વામી અને નાના ભાઈએ અમરચૈતન્ય સ્વામી નામ ધારણ કર્યાં. સમય જતાં તીર્થાટન કરીને યાદવસ્વામીએ પોતાના શિષ્યો સાથે ઝીંઝુવાડા છોડ્યું અને દૂધરેજમાં જગ્યા બાંધી. બહેન ચાંપબાઈએ પણ સંન્યાસદીક્ષા લઈ ચુલી ગામે આશ્રમ સ્થાપેલો. ઈ.સ. 1634, વિ.સં. 1690માં યાદવપુરીનું નિર્વાણ. ઝીંઝુવાડા, ઝીલકેશ્ર્વર કુંડની પાસે થતાં ષટ્પ્રજ્ઞચૈતન્યપુરી 22 વર્ષની વયે

ઝીંઝુવાડા છોડી દૂધરેજ આશ્રમની ગુરુગાદીએ બિરાજ્યા અને છઠ્ઠાબાવાના નામે ઓળખાયા. એમના શિષ્યો થયા લબ્ધરામ, ભાણસાહેબ, કનૈયાદાસ તથા ધ્યાનદાસ.

ષટ્પ્રજ્ઞદાસજી અને અમરચૈતન્ય સ્વામી એ બેઉ ભાઈઓને લોકસમુદાય ‘આંબા-છઠ્ઠા’ એવા સહેલા હુલામણા નામે ઓળખતો. એમાં નાનાભાઈ અમરચૈતન્ય સ્વામી કે આંબાજી સંતકવિ હતા. પોતાની ભજન-રચનાઓ બન્ને ભાઈઓના સંયુક્ત નામે તેમણે પ્રચલિત કરી. તેમનું બીજું એક નામ ભજનાનંદ પણ હતું. આંબાજીએ ભેસાણ ગામે સમાધિ લીધી હોવાનું નોંધાયું છે. એમનું સમાધિસ્થાન દૂધરેજિયા સાધુઓનું તીર્થસ્થાન બન્યું છે. આંબાજી – અમરચૈતન્ય સ્વામીએ ઘણી બધી ઉપદેશાત્મક ભજનવાણીની રચનાઓ આપી છે.

એવાં સતનાં જળ સીંચજો રે

માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે… એવાં સતનાં

પ્રેમનાં પાંદડાં ને દયાની રે ડાળ્યું;

પૂન્યનાં મૂળ પિયાળ છે રે,

ધરમ વિના તમે ઢળી રે પડશો,

વેળાએ કરો એની વાડ રે… એવાં સતનાં

સુકરિત ફૂલ છે ગુલાબનાં;

ફળ લાગ્યાં દો ને ચાર રે,

ફાલ્યો ફૂલ્યો રે એક વરખડો,

વેડનહારા હુશિયાર રે… એવાં સતનાં

ઈ ફળ ચાખે એ તો ચળે નૈં ને,

અખંડ રે’વે એનો આ’ર રે,

પરતીત નો હોય જેની પરલે હોશે,

ખેહ હોશે જેનાં અગનાન… એવાં સતનાં

જાણજો તમે કાંક માણજો,

મનખો નૈં આવે વારંવાર રે,

આંબો છઠ્ઠો એમ બોલિયા રે,

સપના જેવો છે આ સંસાર રે… એવાં સતનાં

(પિયાળ-પાતાળ, વેળા-સમય, સુકરિત-સત્કૃત્યો, વરખડો-વૃક્ષ, વેડનહારા-ફળ તોડનાર, ચળે-ડગે, આર-કેફ, પરતીત-વિશ્વાસ, પરલે-પ્રલય, ખેહ-રાખ, મનખો-મનુષ્ય અવતાર)

માનવજીવનને ફૂલ-ઝાડ તરીકે ઓળખાવતાં આ સંતકવિ કહે છે કે માનવી તો મૂળ વિનાનું ઝાડ છે. એને સતનાં પાણી સીંચજો. પ્રેમ, દયા, ધર્મ અને પુણ્ય વિના તે વૃક્ષ નહીં ટકી શકે. સત્યનું આચરણ હશે તો પુણ્યનાં મૂળ પાતાળ સુધી પહોંચશે. પછી દયાની ડાળ્યું ફૂટશે અને એમાં પ્રેમનાં પાન કોળી ઊઠશે. એમાં સુગંધી ગુલાબ જેવાં ફૂલને અમૃતફળ લાગશે, પણ પૂર્ણ પ્રતીતિ એટલે કે શ્રદ્ધા હશે તો જ એ ફળ પ્રાપ્ત થશે. ફાલેલ-ફૂલેલ વૃક્ષનાં ફળો વેડનારા પણ ચતુરસુજાણ ગુરુ જોઈશે. સ્વપ્ન જેવા ક્ષણભંગુર આ સંસારમાં તમે સદ્ગુરુની કૃપાથી કાંઈક જાણી લેજો, કાંઈક માણી લેજો. ક્યારે આ વૃક્ષ ધરાશાયી થઈ જાય એનો ભરોસો નથી. માટે સત્કૃત્યોરૂપી ફૂલો ખીલે એવી સેવા અને સત્કાર્યો કરતાં જજો.

Total Views: 446

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.