શ્રીરામકૃષ્ણ (હસીને) – એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન. …

ઠાકુર ભાવપૂર્ણ થઈને નીચે ઊતરી આવીને નરેન્દ્રની પાસે બેઠા છે. એ અવસ્થામાં તેની સાથે વાત કરે છે.

(નરેન્દ્રને) ‘આગ લગાવી દીધી; એ તો સરસ! ત્યાર પછી ચૂપ. બહુ મજાનું, હુંય ચૂપ થઈ રહ્યો છું, તુંય ચૂપ થઈ રહે.’

(નરેન્દ્ર) ‘વાત એ કે આનંદરસમાં મગ્ન થવું !’

નરેન્દ્ર પાસે બેઠેલ છે. તેને ઘેર ખાવાના સાંસા છે. એટલે તેના સારુ તે હંમેશાં ચિંતાતુર રહ્યા કરે. એની સાધારણ બ્રાહ્મ-સમાજમાં આવજા હતી. હજીયે દર વખતે જ્ઞાનવિચાર કરે, વેદાન્ત વગેરે ગ્રંથો વાંચવાની ખૂબ ઇચ્છા. અત્યારે તેનું વય ૨૩ વરસનું હશે. ઠાકુર એકટશે નરેન્દ્રને જોઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય, નરેન્દ્રને) – તું તો ‘ખ’ (આકાશ જેવો), પણ જો ટેક્સ (યાને ઘરની ચિંતા) ન હોત તો! (સૌનું હાસ્ય).

‘કૃષ્ણકિશોર કહેતો, ‘હું ખ’ (આકાશ સમાન અલિપ્ત). હું એક દિવસ તેને ઘેર ગયો; જોયું તો એ ચિંતા કરતો બેઠો છે, ઝાઝું બોલે નહિ. મેં પૂછ્યું, ‘અરે ! શું થયું છે ભાઈ, આમ સાવ ઉદાસ થઈને બેઠા છો કેમ ?’ તે બોલ્યો, ‘ટેક્સવાળો આવ્યો’તો; તે કહી ગયો છે કે જો પૈસા નહિ ભરી જાઓ તો લોટાવાટકા વગેરે બધાં લીલામ કરીને પૈસા વસૂલ કરવામાં આવશે. એટલે મને ચિંતા ઊભી થઈ છે. મેં તેને હસતાં હસતાં કહ્યું કે ‘એ શું વળી, તમે તો ‘ખ’ (આકાશ સમાન). લઈ જાય તો સાલો ભલેને લોટા વાટકા લઈ જાય, એમાં તમને ‘ખ’ને શું ?’

‘એટલે તને કહું છં કે તું તો ‘ખ;’ એમાં એટલી ચિંતા કરે છે શેનો ? …
‘અને એક બીજી વાત. જ્ઞાન-અજ્ઞાનથી પાર થાઓ. કેટલાય કહેશે કે અમુક મહાજ્ઞાની; પરંતુ ખરું જોતાં તેમ નહિ. વસિષ્ઠ એટલા મોટા જ્ઞાની, પણ પુત્રોના શોકથી સાવ અધીરા થઈ ગયેલા. એ જોઈને લક્ષ્મણ બોલ્યા, ‘રામ, આ શી નવાઈ ! આ ગુરુજી પણ આટલા શોકાતુર ?’ એટલે રામે કહ્યું, ‘ભાઈ જેનામાં જ્ઞાન છે, તેનામાં અજ્ઞાનેય છે; જેને પ્રકાશનું જ્ઞાન છે, તેને અંધકારનું જ્ઞાનેય છે; જેને સારાનું જ્ઞાન છે, તેને નરસાનું જ્ઞાન પણ છે; જેને સુખનું જ્ઞાન છે, તેને દુ :ખનું જ્ઞાન પણ છે. ભાઈ, તમે એ બેયની પાર જાઓ, સુખદુ :ખની પાર જાઓ, જ્ઞાન-અજ્ઞાનની પાર જાઓ. એટલે તને કહું છું કે જ્ઞાન-અજ્ઞાનથી પર થા.’
– શ્રીરામકૃષ્ણ કથામૃત : ૨.૫-૭

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.