શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી ચલાવી લેવું, જપ-ધ્યાન અને જ્ઞાનયજ્ઞની ધૂણી ધખાવવી એ જ એમનું મુખ્ય લક્ષ્ય. ત્યાર પછી મોટા ભાગના શિષ્યો અનુભૂતિની ઝંખના સાથે મઠમાંથી તીર્થયાત્રાએ નીકળી પડ્યા. સ્વામીજી પણ ક્યારેક સચ્ચિદાનંદ કે વિવિદિશાનંદ નામ ધારણ કરીને તીર્થયાત્રાએ નીકળી પડ્યા. બે વાર નાનામોટા પ્રવાસ કરીને કોઈ ને કોઈ કારણસર મઠમાં પાછા ફર્યા. ૧૮૯૦માં ફરી પાછા ઉત્તર તરફ હિમાલય ભણી ચાલી નીકળ્યા. સંન્યાસીના સામાનમાં બીજું તો શું હોય ? દંડ, કમંડળ, બેએક પુસ્તકો, ગુરુના શુભાશિષ અને આત્મખોજનો દૃઢ સંકલ્પ. એમના હૃદયમાં દેશોદ્ધારનું ક્ષાત્રતેજ છલકતું હતું, દેશના દરિદ્રો અને પીડિતો માટે કરુણા ઊભરી આવતી હતી. આત્મા બ્રહ્મની ખોજ ચાહતો હતો અને અંતરમાં ગુરુકૃપાનું ભાથું હતું.

આમ પરિવ્રાજક રૂપે સ્વામી વિવેકાનંદ કોલકાતા છોડીને બિહારમાં ગયા, ત્યાંથી ગંગામૈયાના કિનારે ચાલીને કાશી આવ્યા. અહીં વિશ્વનાથનું પાદપ્રક્ષાલન કર્યું. દશાશ્વમેધ ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, ભગવાન તથાગતનું સારનાથ, આ બધાં તીર્થાેની યાત્રા કરી અને અનેક સાધુસંતો સાથે સત્સંગ પણ કર્યો. ત્યાંથી તેઓ અયોધ્યા થઈને વૃંદાવન અને આલમોડા ગયા. ત્યાંથી ગઢવાલ, રુદ્રપ્રયાગ, ગંગોત્રી, યમુનોત્રીની તીર્થયાત્રા કરી અને વચ્ચે હાથરસ પણ ગયા. ત્યાંથી ઉત્તરમાં ફર્યા પછી રાજસ્થાન ગયા. બેત્રણ સ્થળોએ ત્યાંના મહારાજાઓએ મહેલમાં આવકાર્યા અને ખેતડીના મહારાજાને પોતાના શિષ્ય બનાવ્યા.

સ્વામીજી રાજસ્થાનથી અમદાવાદ આવ્યા, ત્યાંથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરી વળ્યા. પોતાના પરિભ્રમણકાળમાં સ્વામીજીએ ઘણો મોટાભાગનો સમય ગુજરાતમાં ગાળ્યો. પોરબંદરમાં તેઓ રાજ્યના વહીવટદાર શંકર પાંડુરંગ પંડિતના મહેમાન બન્યા. એમણે સર્વપ્રથમ સ્વામીજીને વિલાયતમાં જવા સૂચન કરતાં કહ્યું, ‘સ્વામીજી, તમે આ દેશમાં કંઈ નહીં કરી શકો, એવો ભય મને લાગે છે. કદાચ થોડા લોકો તમારા કાર્યને પ્રશંસશે. તમારે પશ્ચિમમાં જવું જોઈએ. ત્યાંના લોકો તમને અને તમારા કાર્યને સમજશે. તમે પશ્ચિમના લોકોને હિંદુ ધર્મની તેજોજ્જવલ અને આંખ ઉઘાડતી વ્યાખ્યા સમજાવી શકશો.’ આમ તેમને પશ્ચિમમાં જવાનું સૂચન પોરબંદરના તત્કાલીન દીવાન પાસેથી મળ્યું હતું. ત્યાં તેઓ ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા. શિકાગો-ધર્મસભામાં ભાગ લેવાનો જે વિચાર સ્વામીજીના અંત :કરણમાં જૂનાગઢ અને પોરબંદરમાં અંકુરરૂપે ફૂટેલ તેનું અહીં વધારે વિકસેલ સ્વરૂપ પ્રકટ થયું. એમણે સાંભળેલું કે બીજે વર્ષે (ઈ.સ.૧૮૯૩) આ સભાનું અધિવેશન ભરાશે અને વિશ્વના વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ એમાં ભેગા મળશે. એ બાબતની વાતો કરતાં એમણે એક દિવસ હરિદાસબાબુને કહેલું, ‘જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે અને બધું બરાબર ગોઠવાઈ જાય તો હું જવા તૈયાર છું.’

ગુજરાતમાંથી તેઓ હાલના મધ્યપ્રદેશમાં ગયા. ત્યાં ખંડવામાં જૂન ૧૮૯૨માં સ્વામીજીએ શ્રીહરિદાસ ચટ્ટોપાધ્યાયને શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં ભાગ લેવાની પોતાની ઇચ્છાનો ઇશારો કર્યો. ૧૮મી ઓક્ટોબર, ૧૮૯૨ના રોજ તેમણે બેલગામના જંગલ ખાતાના અધિકારીને કહ્યું હતું કે જો બધી વ્યવસ્થાઓ થાય તો તેમને વિશ્વધર્મ-પરિષદમાં ભાગ લેવાનું ગમશે.

પોરબંદરમાં જેને વિશે પોતાને પ્રથમ જાણકારી મળી હતી તે શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં જવાનો વિચાર પ્રગટ થયો. પણ એમને લાગ્યું કે એ કંઈ મા જગદંબાની ઇચ્છા થોડી હતી ? તે ગુરુઆજ્ઞા ક્યાં હતી? એમનું પરિભ્રમણ ચાલુ જ રહ્યું.

આ બાજુએ હિંદુ પ્રતિનિધિઓને રેવરન્ડ હેનરી બેરોઝે હાર્વેસ્ટ ફિલ્ડમાં છપાયેલ આમંત્રણપત્ર મોકલ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘હિંદુ ધર્મ દરિયાની યાત્રાના પક્ષમાં નથી. છતાં પણ જો હિંદુ પ્રતિનિધિઓ આ ધર્મપરિષદમાં નહીં આવે તો વિશ્વના ધર્મોને હિંદુ ધર્મ પાસે આપવાનું કંઈ નથી એમ લોકો માની લેશે.’ ખ્રિસ્તીઓની ઉદારતા પ્રસ્થાપિત કરતાં તેમણે કહ્યું, ‘આજે ખ્રિસ્તીઓ માને છે કે નિરક્ષર, અસંસ્કારી અને જંગલીઓમાં પણ ઈશુ ખ્રિસ્તનો પ્રકાશ જોવા મળે છે.’

અહીં સુધીના પોતાના પરિભ્રમણ દરમિયાન સ્વામીજી લગભગ આખો ભારત દેશ ખૂંદી વળ્યા. એમને અનેક અનુભવોમાંથી પસાર થવું પડ્યું. રાજમહેલોની રંકતા એમણે જોઈ. સાથે ને સાથે રંકની ઝૂંપડીમાં સદ્ગુણોની અમીરાતનો અનુભવ પણ કર્યો. એક મુસલમાન ફકીરની ચાકરી પણ પામ્યા. ભંગીની ચલમ ફૂંકીને તેની સાથે તાદાત્મ્ય પણ સાધ્યું. રાંક ડોશીના રોટલાની મીઠાશ એમની જીભે રમતી હતી. પોતાના આ પરિભ્રમણકાળમાં મિથ્યાકુલાભિમાન, બાળલગ્ન, બાળવિધવા જેવી સામાજિક સ્વાસ્થ્યને હાનિકારક બનતી કુરૂઢિઓનાં માઠાં પરિણામો પણ જોયાં. જ્ઞાતિજાતિભેદ, અસ્પૃશ્યતા, અસ્પૃશ્યો પ્રત્યેનો અત્યંત કઠોર વ્યવહાર, અંગ્રેજી રાજ્ય દ્વારા થતું ભયંકર શોષણ, રાજાશાહીનો મધ્યયુગી વ્યવહાર, ભયંકર દરિદ્રતા, ધર્મની-સંપ્રદાયની વાડાબંધી આવું બધું એમણે પ્રત્યક્ષ જોયું. એ જોઈને એમનું દિલ વલોવાઈ જતું અને મનમાં ને મનમાં એનું સતત ચિંતન ચાલ્યા કરતું. આ બધું તો એમણે જોયું પણ એની સાથે દેશની નિરક્ષર રાંક પ્રજાને એક સૂત્રે બાંધતી સાંસ્કૃતિક એકતાનું પણ એમને દર્શન થયું. ભારતનો ઉદ્ધાર કરવાની ધગશ હતી પણ મનમાં ઘડભાંગનું ઘેરું ધુમ્મસ હતું. અંતરમાં ઊર્જર્સ્વી ક્ષાત્રવૃત્તિ હતી પણ તેને વહેવાનો માર્ગ મળતો ન હતો. દિશાદોર માટે તેઓ ખૂબ મથ્યા છતાંયે જાણે કે અંધતમસથી ઘેરાઈ ગયા. એટલે જ એમણે એમના એક પ્રવચનમાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન, ઇન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહિ કે તારી સમાજ વ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહિ કે ભારતનો નીચે પડેલો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર અને ભંગી સુધ્ધાં – તારા લોહીનાં સગાઓ છે, બંધુઓ છે; હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા અને ગૌરવ લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર કે, ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું ઘોષણા કર કે, ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી, કંગાળ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી – એ દરેક મારો ભાઈ છે.’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે અને મારી વૃદ્ધાવસ્થાનું પુણ્ય સ્વર્ગ અને વારાણસી છે.’ હે ભાઈ ! પોકારી ઊઠ કે, ‘ભારતની ધરતી એ મારું સર્વોત્તમ સ્વર્ગ છે, ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે ! હે જગજનની અંબે ! તું મને મનુષ્યત્વ આપ. હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ અને મને મર્દ બનાવ !’

મધ્યપ્રાંતોમાંથી મુંબઈ, વળી ત્યાંથી હૈદ્રાબાદ અને બેંગ્લોર થઈને સ્વામીજી મદ્રાસ ગયા. ત્યાંથી રામેશ્વર થઈને ભારતના દક્ષિણના બિંદુએ કન્યાકુમારી પહોંચ્યા. અંતે એમને કન્યાકુમારીની પેલી પાર શિલા પર ધ્યાનસ્થ થતાં માર્ગ મળ્યો. અહીંથી જ તેમને પશ્ચિમમાં જવાની પ્રબળ પ્રેરણા મળી. ત્યાંથી મદ્રાસ આવ્યા બાદ તેમણે પશ્ચિમમાં જવાની વાતને જાહેર કરી. મદ્રાસના ભક્તોએ તેમના જવા માટે ૫૦૦/- રૂપિયા જેટલું ફંડ ભેગું કર્યું. પણ આ ફંડ પૂરતું ન હતું એટલે સ્વામીજીએ તે રકમને ગરીબોમાં વહેંચી આપવાની સલાહ આપી. પછી દક્ષિણના રાજા મહારાજા કે શ્રેષ્ઠીઓએ પણ તેમાં ઝાઝો રસ ન લીધો. શરૂઆતમાં વચન આપ્યું પણ પાળ્યું નહીં.

એવામાં ખેતડીના મહારાજાને ત્યાં પુત્રજન્મ થયો હતો. એમાં એના ઉત્સવના પ્રસંગે એમને મદ્રાસથી ખેતરી આવવાનું આમંત્રણ આપવા મુનશી જગમોહનલાલને રૂબરૂ મોકલ્યા. જગમોહનલાલને શાંતિથી સાંભળીને તેમને કહ્યું કે હું ૩૧મી મેના રોજ સ્ટીમર દ્વારા અમેરિકા જવાની તૈયારી કરું છું. માંડ દોઢેક મહિનો બાકી છે. એટલે હું ત્યાં કેવી રીતે આવી શકું? પરંતુ જગમોહનલાલે આગ્રહ કરતાં કહ્યું, ‘સ્વામીજી, તમારે એક દિવસ માટે પણ ખેતડી આવવું પડશે. જો નહીં આવો તો રાજાજી ઘણા નિરાશ થશે. પશ્ચિમમાં જવાની તમારી વ્યવસ્થાઓ વિશે તમારે કોઈ મૂંઝવણ અનુભવવાની જરૂર નથી. મહારાજા પોતે જ એ બધી ગોઠવણ કરશે. તમારે તો ત્યાં માત્ર આવવાનું જ છે.’
સ્વામીજી આ આમંત્રણનો અસ્વીકાર ન કરી શક્યા અને તેઓ મુનશી જગમોહનલાલ સાથે મદ્રાસથી ખેતડી જવા રવાના થયા. ૨૧ એપ્રિલ, ૧૮૯૩ના રોજ તેઓ ત્યાં પહોંચ્યા. મૈસૂરથી જગમોહનલાલે સ્વામીજીની પશ્ચિમની યાત્રા અને આવશ્યક નાણાં વિશે વિગતવાર માહિતી આપી દીધી હતી.

૧૧ એપ્રિલ, ૧૮૯૩ના રોજ ખેતડીના મહારાજાએ મુનશી જગમોહનલાલને લખેલા પત્રમાં જણાવ્યું કે તેઓ એ પશ્ચિમની યાત્રા માટે ૩૦૦૦/- રૂપિયા કે તેથી વધારે રકમની જરૂર પડે તો તેઓ પૂરી પાડશે. જો કે રાજના વહીવટી વિભાગે અગાઉથી આટલી રકમ પૂરી પાડવી ન જોઈએ તેમ કહીને રાજાના નિર્ણયનો વિરોધ પણ કર્યો.

આમ છતાં પણ અંતે સ્વામીજી ૧૦મી મેના રોજ ખેતરીથી નીકળ્યા ત્યારે મહારાજા અજિતસિંહ જયપુર સુધી તેમને વળાવવા ગયા. તેમણે મુનશી જગમોહનલાલને મુંબઈ સુધી સ્વામીજી સાથે જવા કહ્યું અને અમેરિકા જવાની દરિયાઈ યાત્રા સ્વામીજી માટે સુખદ બને તેવી આવશ્યક બધી વ્યવસ્થા કરવાની ભલામણ કરી. મુંબઈ પહોંચીને મુનશી જગમોહનલાલે સ્વામીજી માટે આવશ્યક વસ્ત્રો અને બીજી વસ્તુઓની ખરીદી કરી. તેમને માટે એક રેશમી ભગવો ઝભ્ભો અને રેશમી પાઘડી પણ ખરીદી. દરિયાઈ યાત્રા માટે જરૂરી નાણાંની બધી વ્યવસ્થા થઈ ગઈ. સ્વામીજી ઇચ્છતા હતા કે તેઓ સામાન્ય વર્ગની ટિકિટ લઈને આ યાત્રા કરે પણ મુનશી જગમોહનલાલે ભારપૂર્વક સ્વામીજીને ફર્સ્ટ ક્લાસની ટિકિટ સ્વીકારવા કહ્યું.

પરંતુ સ્વામીજીએ દલીલ કરી કે એક સાધુ તરીકે આવી સુખસુવિધાવાળી યાત્રા ન કરી શકે. તેના જવાબમાં જગમોહનલાલે જણાવ્યું કે આપ તો ખેતડીના મહારાજાના ગુરુ તરીકે વિદેશ જાઓ છો એટલે મહારાજાના ગુરુ તરીકે સામાન્ય વર્ગમાં તમારે યાત્રા ન કરવી જોઈએ. જગમોહનલાલે થોમસ કૂક એન્ડ કંપની પાસેથી ટ્રાવેલર્સ ચેક્ પણ ખરીદી લીધા હતા. પછીથી પત્રવ્યવહાર દ્વારા ખબર પડી કે આ ચેક ખોવાઈ ગયા હતા. એટલે મહારાજાએ તરત જ થોમસ કૂકને નવા ચેક આપવા લખ્યું અને એને માટે આવશ્યક નાણાં પણ ભરી દીધાં. હરિ મહારાજ એટલે કે સ્વામી તુરીયાનંદજી સ્વામીજી સાથે માઉન્ટ આબુથી મુંબઈ જતી ગાડીમાં સાથે હતા.

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.