૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી તેમણે આધુનિક શિક્ષણ-વ્યવસ્થા, કુશળ નેતૃત્વ અને સંગઠન, તેમજ ગરીબોની સેવાનો પ્રાણમંત્ર ભારતીય રાષ્ટ્રશરીરમાં સંચારિત કર્યો. ૧૮૯૯ માં પોતાના ગુરુભાઈ હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ) અને તેમની શિષ્યા ભગિની નિવેદિતા સાથે સ્વામીજીએ ફરીથી બ્રિટન અને અમેરિકામાં વેદાંત પ્રચાર માટે સફર કરી.

અમેરિકાના ન્યૂયોર્કના વતની, સ્વામીજીના પ્રિય અનુયાયી મિ. ફ્રાન્સિસ લેગેટ અને તેમનાં પત્ની બેટ્ટી લેગેટે સ્વામીજીને પોતાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નિવાસસ્થાન ‘રિજલી મેનર’માં નિમંત્રિત કર્યા. સ્વામીજીના કેટલાક ઘનિષ્ઠ મિત્રો અને શિષ્યો પણ ત્યાં સ્વામીજીના સત્સંગલાભ માટે એકત્ર થયા.

શહેરી જીવનની ભાગદોડથી દૂર સુંદર સુરમ્ય ગ્રામ્ય વિસ્તારમાં ઉન્મુક્ત પ્રકૃતિની સ્નેહછાયામાં સ્થિત રિજલી મેનર પુરાતન ઋષિઓના આશ્રમ સમ પવિત્ર આધ્યાત્મિક ચર્ચાથી ગુંજી ઊઠ્યું. સ્વામીજી ૧૮૯૯ના ઓગસ્ટથી નવેમ્બર માસ દરમિયાન અહીં રહ્યા હતા. સ્વામીજીનાં શિષ્યા જોસેફાઈન મેકલાઉડના માનસપટલમાં આ દિવસો ‘દિવ્ય ગ્રીષ્મ’ નામે હંમેશને માટે અંકિત થઈ ગયા હતા. આ ‘દિવ્ય ગ્રીષ્મ’ કાળની એક અનોખી ઘટના હતી કે સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે.

આજના સમયમાં આપણે અનેક આર્થિક- સામાજિક સમસ્યાઓ લઈને અતિચિંતન કરીએ છીએ. આનું પરિણામ છે અનિદ્રા, ઉચ્ચ રક્તચાપ, હૃદયરોગ જેવી બીમારીઓ.

એ સમય દરમિયાન સ્વામીજી નવ-સ્થાપિત રામકૃષ્ણ મિશન અને બેલુર મઠના ભવિષ્યના સંચાલન વિશે મહત્ત્વપૂર્ણ ચિંતનમાં મગ્ન હતા. મનોવિજ્ઞાનના વિશેષજ્ઞ સ્વામીજીએ રામકૃષ્ણ સંઘનું સંચાલન પોતાના ધ્યાનમગ્ન મનમાં ખલેલ ન પહોંચાડે એ માટે એક સહજ રસ્તો શોધી નીકાળ્યો : પોતાના હાથ વડે કામ કરવું.

મન, હૃદય અને હાથ – સાધના, ભક્તિભાવ અને શારીરિક કર્મ – આ ત્રણેય વચ્ચે સીધો સંબંધ છે. શારીરિક કર્મ કરવાથી હૃદય ઈર્ષ્યા-દ્વેષથી મલીન થતું નથી અને મન ચિંતા-કુવિચારોથી ડહોળાતું નથી.

રિજલી મેનરમાં સ્વામીજીનાં ઘનિષ્ટ મિત્રોમાં એક હતાં કુમારી મોડ સ્ટમ (Miss Maud Stumm) જેઓ સ્વામીજીને ૧૮૯૫માં પેરિસ શહેરમાં પ્રથમ વાર મળ્યાં હતાં. તેઓ એક સારાં ચિત્રકાર હતાં. સ્વામીજીએ એમની પાસે ચિત્ર દોરતાં શીખવાનું નક્કી કર્યું.

સ્વામીજીની વિનંતીથી કુમારી સ્ટમ સહર્ષ એમને ચિત્ર દોરતાં શીખવવા તૈયાર થયાં. તેઓએ ચિત્ર દોરવાની સામગ્રીઓ એકત્ર કરી અને શીખવવા માટે એક સમય નિર્ધારિત કર્યો.

ભારતીય પરંપરા અનુસાર વિદ્યાર્થી શિક્ષક પાસે ગુરુદક્ષિણા આપી વિદ્યાદાનની પ્રાર્થના કરે છે. મુંડક ઉપનિષદ અનુસાર :

तत् विज्ञानार्थं स गुरुम् एव अभिगच्छेत्
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ।। 12 ।।

શિષ્ય હાથમાં સમિધ (ઇંધણ માટેનાં લાકડાં) લઈને વિદ્વાન બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાય છે.
સ્વામીજી પણ હાથમાં એક મોટું લાલ સફરજન લઈ ચિત્ર દોરતાં શીખવા માટે ઉપસ્થિત થયા. વિનમ્રતાપૂર્વક એમણે એ સફરજન કુમારી સ્ટમને સોંપ્યું.

ભારતીય પ્રથાથી અવજ્ઞ કુમારી સ્ટમે પૂછ્યું, ‘આ શેના માટે છે, સ્વામીજી?’
વેદાંતનાં ગહન તત્ત્વોને સહજતાથી આધુનિક સમાજને સમજાવવાની કળાના નિપુણ સ્વામીજીએ ઉત્તર આપ્યો કે, આ ફળ તમારી શિક્ષા ફળપ્રદ થાય એ આશાનું પ્રતીક છે.

કુમારી સ્ટમ કહે છે, ‘સ્વામીજી કેવા અદ્‌ભુત વિદ્યાર્થી નીવડ્યા ! માત્ર એક જ વાર મારે એમને કશું સમજાવવું પડતું. એમની યાદશક્તિ અને એકાગ્રતા અવિશ્વસનીયરૂપે તીવ્ર હતી. એક નવ-શિખિયા હોવા છતાં પણ એમનાં ચિત્રો આકર્ષકરૂપે સંપૂર્ણ અને અર્થસભર હતાં. ચાર ક્લાસ પૂરા થયા પછી સ્વામીજીને વિશ્વાસ આવી ગયો કે એ તૈલચિત્ર બનાવવા માટે તૈયાર છે. હરિ મહારાજ પોતાનું ચિત્ર દોરવા માટે ઊભા રહ્યા અને સ્વામીજીએ સફળતાપૂર્વક એમનું ચિત્ર દોર્યું પણ ખરું !’

એક દિવસ કુમારી સ્ટમ તેમજ અન્યોએ સ્વામીજી કેવી રીતે પાઘડી બાંધે છે એ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. એમરિકામાં સ્વામીજીએ ઘણી વાર વિસ્મિત બાળકો તેમજ મોટેરાઓ સમક્ષ પાઘડી બાંધવાની કળાનું પ્રદર્શન કર્યું હતું. આજે ફરીથી તેઓએ પોતાની પાઘડી છોડી, ફરી બાંધીને બતાવી. તેઓ પોતે જે રીતે પહેરતા હતા એ સિવાય બીજા કેટલા પ્રકારે પાઘડી પહેરી શકાય એનું રહસ્ય પણ સમજાવ્યું.

કુમારી સ્ટમ કહે છે, ‘જ્યારે એમણે રણપ્રદેશના આરબની જેમ પાઘડી પહેરીને બતાવી ત્યારે મેં એમને સ્થિર ઊભા રહેવાની વિનંતી કરી કે જેથી હું તેમનું આરબી પાઘડીવાળું ચિત્ર દોરી શકું. સહમતિપૂર્વક તેઓ સ્થિર થઈ ઊભા રહ્યા. હું ચિત્ર દોરી રહી હતી ત્યારે એમણે પવિત્રતા અને સત્ય વિશે અનેક ઉપદેશ આપ્યા હતા.’

ચિત્ર પૂરું થયા બાદ કુમારી સ્ટમે કહ્યું, ‘સ્વામીજીના મુખની રેખાઓ અત્યંત સરળ અને આકર્ષક છે અને છતાં પણ દોરવામાં અત્યંત અઘરી છે.’

 

Total Views: 555

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.