મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ત્યજી દીધો છે કે મન જડ મસ્તિષ્કનો એક ઉપવિકાર અથવા ગૌણ નીપજ છે અને જેમ લીવરમાંથી પિત્ત ઉત્પન્ન થાય છે તેવી જ રીતે તે નીપજે છેે. એમાંથી મોટા ભાગના એવું માને છે કે જેટલો દેહ સાચો છે એટલું જ મન સાચું છે.

એમનું કથન એવું છે કે વ્યક્તિ દેહ અને મન અથવા મન અને દેહ નથી, પરંતુ સમન્વિત દેહમન છે. કેટલાક વિચારક એનાથી પણ આગળ જવા ઇચ્છે છે. તેઓ કહે છે કે મન જડથી ભિન્ન છે; એને જોઈ, સ્પર્શી, એનો માપતોલ વગેરે કરી શકાતાં નથી. એમની ભાષામાં તે થોડા ‘આધ્યાત્મિક’ જેવા છે. પાશ્ચાત્ય દેશોમાંથી જે વ્યક્તિ મન અને તેની આવશ્યકતાઓને દેહથી શ્રેષ્ઠતર સમજે છે, તે વ્યક્તિ આધ્યાત્મિક કહેવાય છે. ધાર્મિક પુરુષ એવું માને છે કે એનું મન કે ‘આત્મા’ દેહના મૃત્યુ પછી પણ જીવિત રહે છે. મન જ ક્રિયાની પ્રેરક શક્તિ છે. માનવીનું વ્યક્તિત્વ માનસિક ઘટકોના સંદર્ભમાં તેની વ્યવહારની સમષ્ટિ છે, પરંતુ માનસિક શક્તિઓની અભિવ્યક્તિ માટે તેને એક દેહની આવશ્યકતા રહે છે. પરંતુ માનવને વિચાર અને ભાવનાઓનો સમૂહ તથા એક મનોવૈજ્ઞાનિક એકમ માત્ર માનવાથી પાશ્ચાત્ય મનોવિજ્ઞાનની આ માન્યતાઓ અને જ્ઞાન અધૂરાં જ રહી ગયાં છે.

હિંદુઓની માન્યતા વધારે ગહન છે. માનવનું વ્યક્તિત્વ જટિલ છે. માનવ સ્વરૂપત : એક સ્વ-ચૈતન્ય આધ્યાત્મિક એકમ છે અને તે સૂક્ષ્મ મનોમય અને સ્થૂળ જડ દેહ દ્વારા આવૃત છે. આત્મા દેહ અને મનથી ભિન્ન છે; સૂક્ષ્મશરીર સ્થૂળશરીર કરતાં દીર્ઘસ્થાયી છે, પરંતુ આત્માની ચરમ-મુક્તિ પર તેનો પણ ત્યાગ થઈ જાય છે. સૂક્ષ્મશરીર સાથે તાદત્મ્ય પ્રાપ્ત વ્યક્તિગત ચૈતન્ય આત્મા જન્મના સમયે સ્થૂળદેહ સાથે સંયુક્ત હોય છે. મૃત્યુના સમયે સૂક્ષ્મ અને સ્થૂળ દેહ એકબીજાથી અલગ થઈ જાય છે. મુક્તિના સમયે આત્મા સૂક્ષ્મદેહથી પણ અલગ થઈ જાય છે.

હિંદુ માન્યતાનો પ્રતિધ્વનિ ઓર્ફિયસના ગીતમાં જોવા મળે છે : ‘માનવ પૃથ્વી અને નક્ષત્રમંડિત અંતરિક્ષનું સંતાન છે.’ યહૂદી-ખ્રિસ્તી બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે માનવનું નિર્માણ ઈશ્વરની શક્લમાં(રૂપે) થયું છે; અને તેને થોડા સમય માટે દેહમંદિરમાં રાખવામાં આવ્યો છે. ભગવદ્ગીતા(૨.૧૩,૨૨)માં કહ્યું છે :

જે રીતે દેહમાં રહેલ આત્માની આ દેહમાં કૌમાર્ય, યૌવન અને જરા અવસ્થાઓ હોય છે, એ જ રીતે તેને દેહાંતર પ્રાપ્તિ પણ થાય છે.

જે રીતે વ્યક્તિ જૂનાં કપડાંને ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, એવી જ રીતે જીર્ણ શરીરને ત્યજીને દેહમાં રહેલ આત્મા કે જીવ બીજું નવું શરીર ધારણ કરે છે.

શ્રીરામકૃષ્ણે પોતાના ભત્રીજાનો દેહત્યાગ જોયો અને પછી કહ્યું, ‘મેં જોયું કે જાણે મ્યાન(સ્થૂળ દેહ)ની અંદર તલવાર(સૂક્ષ્મ દેહ) રાખેલ હતી, તે મ્યાનમાંથી બહાર કાઢવામાં આવી. તલવારમાં કંઈ બગડ્યું ન હતું. તે જેવી હતી તેવી જ રહી. મ્યાન ત્યાં પડી રહ્યું.’

શ્રીરામકૃષ્ણ ક્યારેક ક્યારેક પોતાના આત્માને સ્થૂળ શરીરમાંથી બહાર નીકળતો જોતા. એમના પાર્થિવ જીવનકાળમાં જ ભક્તગણોએ એમને પ્રાય : બીજે સ્થાને જોયા, જ્યારે એમનો સ્થૂળ દેહ અન્ય સ્થાને હતો. પોતાનાં દિવ્યલીલા-સહચરી શ્રીશારદાદેવીને એક વાર એવી અનુભૂતિ થઈ કે એમનો આત્મા દેહને છોડીને ઉચ્ચ આધ્યાત્મિક લોકમાં ચાલ્યો ગયો છે. જ્યારે તેઓ ફરીથી નીચે આવ્યાં, ત્યારે તેઓ શરીરમાં પ્રવેશવા ઇચ્છતાં ન હતાં.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને પોલીસ સાર્જન્ટનું ઉદાહરણ જોવા મળે છે. એ રાત્રિના અંધકારમાં પોતાનું ફાનસ લઈને પહેરો ભરે છે. કોઈ તેનો ચહેરો જોઈ શકતું નથી, પરંતુ તેના પ્રકાશની મદદથી સાર્જન્ટ બીજાના મુખને જોઈ શકે છે. જો તમે તેનું મુખ જોવા ઇચ્છતા હો તો તમારે તેને ફાનસને તેના મુખ તરફ કરવા વિનંતી કરવી પડે. શ્રીરામકૃષ્ણ કહે છે કે જો આવી રીતે તમે ભગવાનને જોવા ઇચ્છો તો તેમને પ્રાર્થના કરો. ‘હે ભગવાન ! એક વાર કૃપા કરીને આપનો જ્ઞાનાલોક આપના મુખ પર ધારણ કરો, હું આપનાં દર્શન કરીશ.’ શ્રીરામકૃષ્ણ આગળ કહે છે, ‘ઘરમાં જો દીવો ન જલતો હોય, તો એ દારિદ્ર્યનું ચિહ્ન છે. હૃદયમાંથી જ્ઞાનનો દીપક પ્રગટાવવો જોઈએ.’

આપણા અધ્યાત્મ આચાર્ય આપણને બતાવે છે કે ભગવત્કૃપા પુરુષાર્થ, આધ્યાત્મિક પિપાસા અને સંઘર્ષના રૂપે આવે છે. એમની સહાયતાથી સાધક એ સાક્ષાત્ ભગવત્કૃપાનો અનુભવ કરવા સમર્થ બને છે, અને તે જીવને ઈશ્વર કે બ્રહ્મનું મિલન કરાવે છે. હિંદુ શાસ્ત્રોમાં કહ્યું છે :

મનુષ્યને સ્વયંને પોતાના ઉચ્ચતર આત્મા દ્વારા ઉન્નત કરવો જોઈએ. તેણે પોતાને અધોગામી કરવો ન જોઈએ. સમુચિત પ્રયાસ દ્વારા આત્મા જ આત્માનો બંધુ બને છે. તેના અભાવમાં તે જ તેનો શત્રુ બનશે. (ગીતા, ૬.૫,૬)

मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । અર્થાત્ ‘મન જ મનુષ્યોનાં બંધન અને મોક્ષનું કારણ છે.’ (અમૃતબિંદોપનિષદ – ૨)

આટલું હોવા છતાં પણ હિંદુ ભાગ્યવાદી બની જાય છે અને પોતાને નિયતિ પર છોડી દે છે.

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.