(ગતાંકથી આગળ)

બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા (ઈશ્વર) પૂર્ણ છે.’ ઈસુ ખ્રિસ્તનો આ ઉપદેશ હોવા છતાં પણ આ જ વાત ખ્રિસ્તી જગતમાં થઈ છે. ઈસુનો ઉદ્દેશ સાધના પર ભાર દેવાનો હતો. ‘તેઓ બધા મને ‘પ્રભુ, પ્રભુ’ કહે છે, તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં કરે, પરંતુ જે મારા સ્વર્ગસ્થ પિતાની ઇચ્છાનું પાલન કરશે તે સ્વર્ગમાં પ્રવેશ પામશે.’ (બાઇબલ, સંત મેથ્યુ, ૭.૨૧) ઈસુ ખ્રિસ્તે એક સક્રિય આધ્યાત્મિક જીવનનો, એક તીવ્ર સંઘર્ષ અને પ્રયાસમય જીવનનો ઉપદેશ આપ્યો હતો. મહાન ખ્રિસ્તી સાધકોએ આવું જ જીવન વિતાવ્યું હતું. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશેલ પાપ, પરાર્થકૃત-પ્રાયશ્ચિત્ત અને સરળ મુક્તિના સિદ્ધાંતો પર આધ્યાત્મિક ભાર દેવાને કારણે ભૌતિક જગતમાં સફળતા મેળવનાર કેટલાય કર્મઠ લોકોએ પોતાને એ સમજીને એટલા આત્મવિમોહિત કરી રાખ્યા છે કે તેઓ આધ્યાત્મિક સ્તર પર કંઈપણ ન કરી શકે. આધ્યાત્મિક પ્રેરણાને મહાન સાધકોએ મહત્ત્વ પ્રદાન કર્યું હતું, એને આ આત્મસંમોહને નષ્ટ કરી દીધી છે. પરિણામે લૌકિક ઉદ્દેશોની પૂર્તિની દિશામાં મહાન શક્તિ કામે લગાડવામાં આવી છે. આધ્યાત્મિક આદર્શની ઉપેક્ષા કરીને આધુનિક સભ્યતા ઝડપથી વિનાશ તરફ દોટ મૂકી રહી છે. ઘણું મોડું થઈ જાય તે પહેલાં જ આવશ્યક પગલાં ભરાય, તો તેને રોકી શકાય છે.

એક શરાબીને ન્યાયાધીશ સામે રજૂ કર્યો. તેણે સાથે રહેલા પોલીસને પૂછ્યું, ‘તમને કેવી રીતે ખબર પડી કે શરાબ પીવાથી કેદી પર માઠી અસર પડી છે?’ પોલીસે જવાબ આપ્યો, ‘તે એક ટેક્સી ડ્રાઈવર સાથે ચર્ચા કરતો હતો.’ આ સાંભળીને ન્યાયાધીશે કહ્યું, ‘એનાથી કંઈ સાબિત થતું નથી.’ એટલે પોલીસે જવાબ આપ્યો, ‘મહાશય, પરંતુ ત્યાં કોઈ ટેક્સી ચાલક ન હતો.’ આપણામાંથી અનેક આવું જ કરી રહ્યા છે. ભાવાવેગોની મદિરાના નશામાં આપણે સર્વત્ર શત્રુને જોઈએ છીએ અને પૂરી તાકાત અજમાવીને એમની સાથે લડીએ છીએ; પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી ભીતર એનાથી પણ વધારે બદતર શત્રુ છે. આપણી નૈતિક અને આધ્યાત્મિક હત્યા કરવા તે તત્પર છે. અહંકાર અને વાસનાઓ સામે લડવામાં આપણી યુદ્ધ કરવાની ક્ષમતાનો વધારે સદુપયોગ કરી શકાય છે. અજ્ઞાન અને વિધ્વંસાત્મક પ્રવૃત્તિઓની મદિરાના નશામાં હોઈએ, ત્યારે એ જ આપણા પ્રબળતમ શત્રુ છે. સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે માનવે પોતાની જાતને સંમોહિત કરીને પોતાના પર મિથ્યા અહંકાર આરોપિત કરી લીધો છે.

પોતાના પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તન

યુનાની પુરાણોમાં નાર્સીસસ નામના એક સુંદર યુવકની કથા છે. તે સરોવરના જળમાં પડતા પોતાના જ પ્રતિબિંબ સાથે પ્રેમ કરવા લાગ્યો. તે શોકાકુલ બનીને મરી ગયો, કારણ કે આત્મસંમોહનનો અંત નિરાશામાં જ પરિણમે છે. આવો આત્મસંમોહ એક રોગ છે. એનું સાચું નિદાન કરતાં ડૉ. કાર્લ યુંગે કહ્યું છે, ‘… અહંકાર એટલા માટે રોગગ્રસ્ત છે કે તે પૂર્ણપણે અલગથલક થઈ ગયો છે. અને એણે માનવજાતિ તથા આત્મા સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે.’ એક હિંદુ કહેવત છે : ‘અજ્ઞાન-મદિરાપાન કરીને સમગ્ર સંસાર ઉન્મત્ત બની જાય છે.’

શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘હું મર્યો કે બલા ટળી.’ અને ‘અહંકાર રહે તો જ્ઞાન પ્રાપ્તિ ન થાય અને મુક્તિ ન મળે.’ તેઓ આ પણ કહે છે, ‘પાશબદ્ધ જીવ, પાશમુક્ત શિવ.’

મહાન યોગાચાર્ય પતંજલિ બતાવે છે કે કેવી રીતે અજ્ઞાન દ્વારા જીવ દુર્ગતિને પામે છે. અજ્ઞાન એક નકારાત્મક તત્ત્વ જ નથી, કારણ કે તે અહંકાર નામનો ભયંકર ભ્રમ પેદા કરે છે. અહંકાર રાગને જન્મ દે છે અને રાગ દ્વેષને. આ ક્રમિક પરિણામોના ફળ સ્વરૂપે જીવન પ્રત્યે તીવ્ર આસક્તિ અને દુ :ખ જન્મે છે. અહંકેન્દ્રિત થવાનો અર્થ એ છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ રુગ્ણ બની જવું. બધી સાધનપદ્ધતિઓ અહંકારરૂપી બીમારીઓને દૂર કરવાનો ઉપાય છે. હિંદુ શાસ્ત્રોમાં એમને યોગ કહે છે. સર્વપ્રથમ છે કર્મયોગ કે નિષ્કામ કર્મ, જેમાં બધાં કર્મોનાં ફળને આત્મસમર્પણના ભાવથી ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. ક્રમશ : બધા પ્રકારનાં કર્મ સમર્પણમાં પરિણત થઈ જાય છે અને સ્વાર્થી અહંકાર પર વિજય મળે છે.

રાજયોગનો માર્ગ પણ છે, જેમાં મનને વ્યક્તિત્વના ઉચ્ચથી ઉચ્ચતર પક્ષો પર એકાગ્ર કરવામાં આવે છે. આ અનુસંધાન દરમિયાન જીવને એ જ્ઞાન થાય છે કે તે અહંકાર કે મન નથી, પરંતુ એનાથી ભિન્ન એક ચૈતન્ય સત્તા છે. સાધક આત્માના વાસ્તવિક રૂપના ચિંતન દ્વારા અહંકારને ત્યજવાનો પ્રયત્ન કરે છે. એનાથી દેહ અને મનની સાથે તાદાત્મ્ય ઉત્પન્ન કરનાર મહાન ભ્રમનો નાશ થાય છે.

જ્ઞાનયોગમાં સાધક એનાથી પણ આગળ વધે છે. તે વ્યષ્ટિ-ચેતનાથી સમષ્ટિ-ચેતના સુધી પહોંેચે છે. તેનો અહંકાર બ્રહ્મમાં લીન થઈ જાય છે. આ જ્ઞાનયોગમાં અહંકારનું સૂક્ષ્મતમ રૂપ પણ નાશ પામે છે.

પરંતુ જે આધુનિક કળિયુગમાં આપણે જીવીએ છીએ, તેમાં ભક્તિયોગ સૌથી સરળ છે. સાધક પિતા, માતા, મિત્ર કે પ્રિયતમના રૂપે ઉત્કટ પ્રેમ અને સમર્પણના ભાવથી ભગવાનની આરાધના કરે છે. જીવન ભગવાનની એક અવિચ્છિન્ન સેવામાં પરિણત થઈ જાય છે. શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘એ વાત સાચી છે કે એકાદ બે વ્યક્તિનો સમાધિ પામીને ‘અહં’ ચાલ્યો જાય છેે, પરંતુ સાધારણતયા ‘અહં’ જતો નથી… આવી દશામાં જો ‘હું’ દૂર ન થાય તો સાલાને ‘દાસ અહં’ બનેલો રહેવા દો.’ આ પ્રેમપૂર્ણ સેવાથી અહંકાર ક્રમશ : પોતાનું અશુભ સ્વરૂપ ત્યજીને ઉચ્ચતર જીવમાં રૂપાંતરિત થઈ જાય છે અને તે પ્રભુના હાથનું યંત્ર બની જાય છે. શ્રીરામકૃષ્ણની ભાષામાં કાચો અહં પાકો અહં બની જાય છે અને તે હાનિકારક નથી.

આપણે ખરેખર આત્માને દેહથી જ નહીં, પરંતુ મનથી પણ પૃથક્ અનુભવી શકીએ છીએ. યોગની નૈતિક અથવા આધ્યાત્મિક સાધનાઓ દ્વારા એક માનવ દેહવિશેષમાં વ્યષ્ટિ-જીવના રૂપે નિવાસ કરી રહેલ અખંડ આત્માની અતિ સ્પષ્ટ અનુભૂતિ કરવા લાગે છે. જે વિભક્ત થાય છે તે વ્યષ્ટિ મન છે, જીવાત્મા નહીં. આપણે જેને પૃથકતા સમજીએ છીએ, તે મનના વિભક્ત બનવાનું કારણ બને છે. નૈતિક આચરણ અને સાધના દ્વારા એક નવીન બોધશક્તિ કે પ્રજ્ઞાનો ઉદય થાય છે, એની સહાયથી આપણને એ જ્ઞાન થાય છે કે આપણે ન તો દેહ છીએ કે ન તો મન. આપણે પોતાનાં વિચારો અને ભાવનાઓના સાક્ષી બની શકીએ છીએ. કેન ઉપનિષદમાં કહ્યું છે (૧.૨) ‘આત્મા ઇન્દ્રિયોના માધ્યમથી અભિવ્યક્ત થાય છે, ઇન્દ્રિયો આત્માનું યંત્ર છે.’ વસ્તુત : આપણે માનવજીવનની સીમાઓમાં બંધાયેલ નથી. આત્માને દેહથી પૃથક્ કરી શકાય છે, એ સત્યના સાક્ષાત્કારમાં ઘણો આનંદ રહેલો છે.

પોતાના સ્વરૂપ વિષયક આ સત્યને ભૂલીને, અહંકારની સાથેના તાદાત્મ્યથી આપણે પ્રકૃતિના હાથનું રમકડું બનીએ છીએ. અહં-કેન્દ્રિત વ્યક્તિ એક મનમોજી બાળકના હાથમાંના દડા જેવી છે. તેને કોઈ સ્વાધીનતા હોતી નથી. તે પ્રકૃતિની શક્તિઓની ગુલામ છે. અત્યધિક અહં-કેન્દ્રિત લોકોને આધ્યાત્મિક જીવન ઘણું કઠિન લાગે છે. તે પોતાના નિમ્ન મનોવેગોને ઘણા સારા સમજવાની ભૂલ કરીને તેમનું અનુગમન કરે છે. તેઓ અંતરાત્માની ‘ક્ષીણ-મૂકવાણી’ સાંભળવા ક્ષણભર પણ રાહ જોતા નથી. જે લોકો આધ્યાત્મિક જીવન જીવવાનું સાહસિક કાર્ય કરવા ઇચ્છે છે એ બધા લોકો માટે અહંકારને થોડી માત્રામાં ઓછો કરવો અનિવાર્ય રૂપે પૂર્વ અપેક્ષિત છે. ખોટી બાહ્ય વિનમ્રતાની નહીં, પરંતુ પોતાના અંતરમાં રહેલ દેવત્વમાંની શ્રદ્ધા પર આધારિત ગૌરવયુક્ત શાલીનતાની આવશ્યકતા છે. ઈશ્વર પ્રત્યે સમર્પણ, વૈરાગ્ય અને નૈતિક દોષ દૂર કરવાની તત્પરતાના અભાવમાં આધ્યાત્મિક જીવન ઘણું કઠિન બની જાય છેે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે પોતાના સંસાર અને ઈશ્વર પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.