અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન પર્વતમાળાની સમીપ જઈ રહ્યાં છીએ કે જે તેમની મૂર્તિ રૂપ છે તેમજ તેમનું નિવાસસ્થાન છે. સાંજને સમયે જ્યારે બરફથી ઢંકાયેલ પહાડની ગુફા તથા ઝૂલતાં પાઈન વૃક્ષોની ઉપરના ભાગમાં ઊગતો ચંદ્ર નજરે પડતો, ત્યારે તો મહાદેવની કથા પૂર જોરમાં સ્મરણપથે પડતી. સર્વોપરી, જે ધ્યાનરાજ્યની બહુ જ નજીકના બાહ્ય ભાગમાં અમે વસતાં હતાં, તેના હૃદય અને કેન્દ્ર તરીકે ધ્યાનમગ્ન, નિર્વાક્, ગુણાતીત, મનોબુદ્ધિને અગોચર એ દેવાધિદેવ જ બિરાજતા હતા. માનવી પ્રજ્ઞાની સહાયથી ઈશ્વરને જેટલા પ્રમાણમાં જાણવાને સમર્થ થયો છે, તેમાં હિંદુઓની આ શિવ વિષયક ધારણા એ છેલ્લી સીમા છે, એમાં શક નથી. તેઓ જ સર્વ ઉપાધિવર્જિત ઈશ્વર અને વળી તેમને અંતરમાં હૃદયકંદરામાં પ્રાપ્ત કરી શકાય છે.

આ ખૂબ સંભવિત છે કે ચરમ જ્ઞાનના અન્વેષણમાં અવ્યક્ત સત્તાનું આવી રીતે સાકારરૂપમાં ચિંતન કર્યા પછી જ તેની બીજી દિશા- એટલે કે ઈશ્વરનું સ્થૂળ જગતની અંદર રહેલી શક્તિરૂપે ચિંતન કરવું અનિવાર્ય બની જાય છે. બીજું કંઈ નહીં તોપણ એટલું તો સમજાય એવું છે કે જેણે આ બંનેનું ગંભીરતમ તત્ત્વ હૃદયંગમ કર્યું છે, તે માનવી, સાકાર-ઈશ્વરની જેટલાં પ્રતીકોની સહાયથી ધારણા કરવાનો પ્રયત્ન કરે, તે બધાં જ પ્રતીકોનો અર્થ સમજવાને સમર્થ છે, કારણ કે એ બધાંય પ્રતીકો શિવ અને શક્તિ એ બેમાંથી કોઈ ને કોઈ પ્રતીકની અંદર આવી જ જાય. માનવી જો ‘પરબ્રહ્મ’નું જરા પણ ચિંતન કરે તો કાં તો તેને અનાદિ અનંત સત્તારૂપે, નહીં તો પછી અનાદિ અનંત ‘શક્તિ’ રૂપે તેનું ચિંતન કરવું પડશે. આ પ્રક્રિયાની પાછળ કોઈ પ્રાકૃતિક નિયમ છે કે નહીં, એ બાબતમાં હંમેશાં મતભેદ રહેશે. એ વાત ગમે તેમ હોય, પણ ઓગસ્ટ મહિનામાં કોઈ અજ્ઞાત કારણે સ્વામીનું ચિત્ત શિવ પરથી શક્તિ પ્રત્યે ખેંચાયું હતું, એમ અમને લાગ્યું હતું. તેઓ હંમેશાં રામપ્રસાદનાં ગીતો ગાવા લાગ્યા – જાણે તેઓ પોતાની શિશુ તરીકે કલ્પના કરતાં કરતાં એ ભાવમાં જ મગ્ન થઈ જવાના હોય તેમ. તેઓએ એક વાર અમને કેટલાંકને કહ્યું હતું કે, ‘જ્યાં જ્યાં હું નજર કરું છું, ત્યાં ત્યાં જગન્માતાની ઉપસ્થિતિનો અનુભવ કરું છું, જાણે કે તેઓ સાકાર રૂપે ઓરડામાં બેઠાં છે.’

તેઓને સર્વદા જગન્માતા સંબંધી અત્યંત સરળ અને સ્વાભાવિક રીતે વાત કરવાનો અભ્યાસ થઈ ગયો; અમારાંમાંથી જે જરાતરા મોટી ઉંમરનાં હતાં, તેઓ પણ એ રીતે વાત કરવા લાગ્યાં; અને તેથી જ જ્યારે કોઈ ચિરપોષિત ઉદ્દેશ્યનો ત્યાગ કરવાની જરૂર પડતી, ત્યારે તેઓ ‘માની જેવી ઇચ્છા’, ‘મા બધું જાણે’ એમ બોલીને મનને પ્રબોધ દેતા.

વિપરીત ભાવોનો દ્વન્દ્વ

પરંતુ ક્રમે ક્રમે સ્વામીના તન્મયભાવે આથી પણ વધારે ગંભીરભાવ ધારણ કર્યો. તેઓ અતિશય ખેદ સાથે ફરિયાદ કરવા લાગ્યા કે તેમને ચિંતનનો રોગ લાગુ પડ્યો છે – એવો ચિંતનવ્યાધિ કે જે માનવીને બાળીને ખાખ કરી નાખે, માનવીને નિદ્રા કે વિશ્રામ કરવાનો સમય દે નહીં, તેમજ ઘણી વાર બરોબર મનુષ્યને કંઠસ્વરે ક્રમાગત ઉત્તેજના ઉત્પન્ન કરીને જરાય છોડવા માગે નહીં. અગાઉ તેઓ સર્વદા અમને સુખદુ :ખ, સારુંનરસું વગેરે દ્વંદ્વોથી પર થવા-રૂપ આદર્શ સમજાવવાનો પ્રયત્ન કરતા કે પાપબોધ-સમસ્યાનું સમાધાન હિંદુઓની ધારણામાં રહેલું છે. પરંતુ હવે તેઓ જગતની અંદર જે કંઈ ઘોરરૂપ, વેદનાદાયક અને દુર્બાેધ્ય – અગમ્ય ગણાતું તેના પર જ સમગ્ર મન :સંયોગ કરવા લાગ્યા. આ માર્ગે જ તેઓ હવે પ્રપંચની પાછળ જે અદ્વય બ્રહ્મ રહ્યો છે, તેને પ્રાપ્ત કરવાને કૃતસંકલ્પ થયા. તેમની કાશ્મીરયાત્રાનો ઉદ્દેશ્ય વિફળ થવાથી ‘ભીષણની પૂજા’ જ હવે તેમનો મૂળમંત્ર થઈ ગયો. રોગ અથવા વેદના જોતાં જ તેમને યાદ આવતું કે – ‘જે સ્થાને દુ :ખ થાય છે, વેદનાનો અનુભવ થાય છે, એ સ્થાન પણ તે જ ! તેઓ જ વેદના અને તેઓ જ વેદના આપનાર; કાલી ! કાલી ! કાલી !’

કાલી માતા

એક દિવસ તેઓએ કહ્યું હતું કે તેમના મગજમાં કેટલાંક ચિંતન ખૂબ પ્રબળ રીતે ચાલી રહ્યાં છે અને તે બધાંને ભાષામાં મૂકયા સિવાય તેઓથી રહેવાય એમ નથી. તે દિવસે સાંજે જ અમે એક જગ્યા જોઈને અમારી નૌકામાં પાછાં આવ્યાં અને જોઈએ તો તેમને હાથે લખાયેલી ‘Kali the Mother’ (મા કાલી) શીર્ષકવાળી કવિતા અમારે માટે ત્યાં પડી હતી. સ્વામી ત્યાં આવીને એ મૂકી ગયા હતા. પછીથી અમે સાંભળ્યું હતું કે દિવ્યભાવના આવેશમાં લખતાં લખતાં, કાવ્ય પૂરું થતાં જ તેઓ આવેશની તીવ્રતાથી થાકી જઈ ભોંય પર પડી ગયા હતા. તે કવિતા આ છે –

‘મા કાલી’

તારલા બધા સાવ ભૂંસાયા,
વાદળે ઘેરાં વાદળ છાયાં,

બિભીષણ અંધકારની કાયા,
ઝંઝાવાતે –

મોકળે ગળે ગાય હો ગાણાં
છોડી મૂક્યાં પાગલખાનાં –

ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં તોતિંગ
ભીમ આઘાતે –

સપાટે બધું થાય સપાટે,
દરિયે દીધી હાકલ ભેળી,

ડુંગર ડુંગર જેવડાં મોજાં અડતાં ઊંચે
આભની મેડી.

વીજળીના ઝબકાર બતાવે
મૃત્યુ ભીષણ,
હજાર મોઢે ઓકતું કાળાં દુ :ખ દાવાનલ;

આનંદ – કેફે નાચે પાગલ !
આવ હે માતા ! આવ કરાળી !

મૃત્યુ તારા શ્વાસે ફૂંકાય;
પદાઘાતે સૃષ્ટિ લોપાય

આવ હે કાલી !
પ્રલય કાળી !

દુ :ખને વરે,
મોતને ભેટે,

નાચે સર્વનાશની સાથે
તેને મળતી માતા જાતે.

આ સમય પહેલાંના કેટલાક દિવસથી તેઓ પોતાની નૌકા અમારી નૌકાઓથી દૂર સરકાવી દેતા અને માત્ર એક જણ બ્રાહ્મસમાજી ડાૅક્ટર જ તેઓ ક્યાં છે, એ જાણતા; તથા તેઓ જ તેમની રોજિંદી જરૂરિયાતની ચીજો બાબતની પૂછપરછ કરી શકતા. ડાૅક્ટર આ ગ્રીષ્મઋતુમાં કાશ્મીરમાં વાસ કરતા હતા. સ્વામી પ્રત્યેનો તેમનો સુહૃદ અને ભક્તિપૂર્ણ વ્યવહાર ખૂબ પ્રશંસનીય હતો. બીજે દિવસે સાંજે ડાૅક્ટર બાબુ દરરોજની જેમ ગયા; પરંતુ સ્વામીને ધ્યાનમગ્ન જોઈને કંઈ બોલ્યા ચાલ્યા વિના પાછા આવ્યા. તે પછીને દિવસે એટલે કે ૩૦મી સપ્ટેમ્બરે સ્વામી ક્ષીરભવાની નામક કુંડનું દર્શન કરવા નીકળી ગયા હતા, તેમજ એમ કહી ગયા હતા કે કોઈએ તેમની પાછળ પાછળ ત્યાં આવવું નહીં; આ દિવસથી તે ૬ઠ્ઠી ઓકટોબર સુધી તેઓ ગેરહાજર હતા.

પુનરાગમન

આ દિવસે (છઠ્ઠી ઓકટોબરે) બપોર પછી અમે જોયું તો નૌકામાં તેઓ અમારી નજીક આવી રહ્યા હતા. નૌકા નદીની જમણી બાજુએ આવી રહી હતી. સ્વામીના એક હાથમાં વાંસનો ડંડીકો હતો અને બીજા હાથમાં પીળાં ફૂલો હતાં અને તેઓ નૌકાના આગલા ભાગમાં ઊભા હતા. તેઓએ અમારી હોડીમાં પ્રવેશ કર્યો, તેમનાં રૂપ-રંગ બદલાઈ ગયાં હતાં. તેમણે ચુપચાપ ગલગોટાની માળા અમારે મસ્તકે અડાડી. આશીર્વાદ આપતાં આપતાં એક એક કરીને અમારી બધાંની પાસે આવ્યા. છેવટે એ માળા અમારામાંથી એકના હાથમાં મૂકી તેઓ બોલ્યા, ‘આ માળા મેં માને ધરાવી હતી.’ એ પછી તેઓ બેઠા તથા હસતાં હસતાં બોલ્યા, ‘હવે, હરિ ૐ હરિ ૐ નહીં; હવે તો મા, મા !’

અમે બધાં નિ :સ્તબ્ધ થઈને બેઠાં હતાં. જેથી ચિંતન-પ્રવાહ શાંત પડી જાય, એવું કંઈક એ સ્થાનમાં હતું. અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હોત, તોપણ એક શબ્દ પણ મુખમાંથી કાઢી શકયાં હોત નહીં. સ્વામી ફરી બોલવા લાગ્યા, ‘મારો બધો સ્વદેશપ્રેમ તણાઈ ગયો છે; મારું જે હતું, તે બધું જ ગયું છે; હવે તો છે કેવળ ‘મા, મા !’

વળી જરા વાર શાંત રહીને તેઓ કહેવા લાગ્યા, ‘મેં બહુ, બહુ ભૂલ કરી છે; માએ મને કહ્યું કે ‘મ્લેચ્છોએ મારા મંદિરમાં પેસીને મારી પ્રતિમાને અપવિત્ર કરી, તેમાં તારે શું ? તું મારું રક્ષણ કરે છે કે હું તારું રક્ષણ કરું છું ?’ આમ હવે મારે સ્વદેશપ્રેમ જેવું કંઈ નથી. હવે તો હું માત્ર એક નાનો બાળક !’

આ પછી તેઓ વિવિધ વિષયોની વાતો કરવા લાગ્યા. તેમણે કહ્યું કે હવે હું જલદી કલકત્તા જઈશ. ગયા અઠવાડિયાની વિભિન્ન માનસિક મથામણોને પરિણામે તેમને જે શારીરિક અસ્વસ્થતા આવી હતી, તેનો પણ થોડા શબ્દોમાં તેમણે ઉલ્લેખ કર્યો. તેઓ સસ્નેહ બોલ્યા, ‘અત્યારે હું આના કરતાં વધારે કહી શકીશ નહીં, કહેવાનો નિષેધ છે.’ તે પછી અમારી રજા લેતાં પહેલાં વળી બોલ્યા, ‘પરંતુ આધ્યાત્મિક બાબતમાં હું કોઈ રીતે પ્રતિજ્ઞાબદ્ધ થયો નથી.’

Total Views: 412

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.