ગતાંકથી આગળ…

શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના ગહન આકર્ષણનો અનુભવ કર્યો હતો. એક આધ્યાત્મિક વ્યક્તિમાં જ બીજા પ્રત્યે સાચો પ્રેમ હોય છે. સાંસારિક લોકોનો કહેવાતો પ્રેમ પ્રાય: સૂક્ષ્મ સ્વાર્થપરાયણતા હોય છે.

જ્ઞાની વ્યક્તિ બધાને સમાનરૂપે જ ચાહે છે, કારણ કે એમણે ઉપનિષદના અહીં જણાવેલ પ્રસિદ્ધ કથનની સત્યતાની અનુભૂતિ કરી છે. (બૃહદારણ્યક ઉપનિષદ – ૨.૪.૫, ૪.૫.૬)

स होवाच न वा अरे पत्युः कामाय पतिः
प्रियो भवत्यात्मनस्तु कामाय पतिः प्रियो भवति ।

न वा अरे जायायै कामाय जाया प्रिया
भवत्यात्मनस्तु कामाय जाया प्रिया भवति ।

न वा अरे पुत्राणां कामाय पुत्राः प्रिया
भवन्त्यात्मनस्तु कामाय पुत्राः प्रिया भवन्ति ।

न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं
भवत्यात्मनस्तु कामाय सर्वं प्रियं भवति ।

પતિના પ્રયોજન માટે પતિ પ્રિય હોતો નથી, પરંતુ આત્મા માટે પતિ પ્રિય હોય છે. પત્નીના પ્રયોજન માટે પત્ની પ્રિય હોતી નથી, આત્મા માટે પત્ની પ્રિય હોય છે. પુત્રના પ્રયોજન માટે પુત્ર પ્રિય હોતો નથી, આત્મા માટે પુત્ર પ્રિય હોય છે. બધી વસ્તુઓ એમના પ્રયોજન માટે પ્રિય હોતી નથી, પરંતુ આત્મા માટે પ્રિય હોય છે.

જ્ઞાની પુરુષનું જીવન આપણને એવો બોધ આપે છે કે ત્યાગ અને અનાસક્તિનો અર્થ ઉપેક્ષા કે નિષ્ઠુરતા નથી. નિષ્ઠુરતા અનાસક્તિ નથી; તે સ્વાર્થપરાયણતા તેમજ પોતાના અહંકારમાં વળગી રહેવું માત્ર છે. યથાશક્તિ બીજાને સહાયતા કરો. પરંતુ તેની સાથે આસક્ત ન બની જવાય એ માટે દરેક પ્રકારની સાવધાની રાખો. જો તેવું ન કરી શકો તો બીજાના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરો. નિષ્ઠાપૂર્વક અંત:કરણની પ્રાર્થના કરવાથી તમને ખ્યાલ આવશે કે તમે જેમને મદદ કરવા ઇચ્છો છો, તેમને મદદ મળી રહી છે. પરંતુ યાદ રાખો, બીજા માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સાન્નિધ્યનો અનુભવ થવો જોઈએ. જો આસક્ત બન્યા વગર ન રહેવાતું હોય તો, તેને સહાયતા ન કરવી તે જ સારું છે. તમારે તો પ્રાર્થના કરવી જ ઉત્તમ છે. ખરેખર તો બધા નિષ્ઠાવાન સાધકોએ બીજાઓ માટે આવી પ્રાર્થના કરવી એને પોતાની દૈનંદિન સાધનાનું અંગ બનાવી દેવું જોઈએ.

સાંસારિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન થવા દરમિયાન થોડા સમય માટે આપણામાં બીજાઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ આવે છે. પોતાની રક્ષા માટે આપણે ઉપેક્ષાના ભાવને મનમાં સ્થાન પણ આપી શકીએ છીએ, પરંતુ માત્ર એવું તો થોડાક સમય માટે કરી શકીએ છીએ. ઈશ્વરપ્રાપ્તિનો આદર્શ સ્વીકાર કરીને તથા પવિત્ર જીવન વિતાવતા રહીને તમને ખ્યાલ આવશે કે બીજાઓ પ્રત્યે પુરાતન પ્રેમ પવિત્ર અને ઉદાત્ત બનીને ફરીથી આવ્યો છે, જેમાંથી આસક્તિ દૂર થઈ ગઈ છે અને તેનું સ્થાન તીવ્ર ભગવદ્ ભક્તિએ પ્રાપ્ત કરી લીધું છે. આવું થતાં તમે બીજાઓને નિસ્વાર્થપણે પરમાત્મભાવથી પ્રેમ કરવા લાગો છો. માત્ર આ જ સાચો પ્રેમ છે. આપણે આ બન્ને પ્રકારનાં ભયસ્થાનોથી બચીને ચાલવું જોઈએ. પહેલું, બીજાઓ પ્રત્યે માનવીય પ્રેમ રાખવો અને તેને ઉપરછલ્લો દિવ્ય કહેવો અને બીજું, સારી ભાવનાઓ પ્રત્યે પણ અત્યધિક ઉપેક્ષા અને કર્તવ્યોની પણ અવહેલના કરવી. આ બન્નેય આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે.

સાચાં સગાંસંબંધી :

આપણાં સાચાં સગાંસંબંધી કોણ છે? શંકરાચાર્યે પોતાના એક સ્તોત્રમાં કહ્યું છે : ‘बान्धवाः शिवभक्ताश्च’- ભગવાન શિવના ભક્તો મારા બંધુ છે. મોટે ભાગે આપણે જેને પોતાનાં સગાંસંબંધી સમજીએ છીએ, તેઓ આપણે માટે પૂર્ણ અપરિચિત હોય છે. તેઓ એક બૌદ્ધિક સ્તર પર રહે છે, અને આપણે બીજા પર. જે નિષ્ઠાવાન આધ્યાત્મિક સાધક ઝડપથી આધ્યાત્મિક પ્રગતિ કરવા માગે છે, તેઓએ પોતાના જ ઘરમાં અજાણી વ્યક્તિની જેમ રહેવાનું શીખી લેવું જોઈએ. મિત્રો અને સંબંધીઓ સજ્જન અને ધાર્મિક હોય તો તેઓનો સંગ કરી શકો છો. પરંતુ જો તેઓ સાંસારિક તથા અધાર્મિક મનોવૃત્તિના હોય અને પોતાની સાથે તમને પણ સાંસારિક ભાવમાં ઢસડી જવાનો પ્રયત્ન કરે તો, તેઓના સંગનો ત્યાગ કરવો એ જ એકમાત્ર ઉત્તમ માર્ગ છે. તમે આગળ વધવા માગો અને બીજા સૂતા રહેવા માગે તો તમે શું કરી શકવાના છો?

જે લોકોને સાંસારિક તથા અધાર્મિક સંબંધીઓ સાથે રહેવું પડે છે, તેઓએ અતિથિભવનમાં જેમ અતિથિ રહે તેવી રીતે રહેવું જોઈએ. તેઓએ માલિકીપણાનો ભાવ છોડીને એક ટ્રસ્ટીની જેમ રહેવું જોઈએ. ક્યારેય પણ કોઈની પર ભાવનાત્મક અધિકાર બતાવશો નહીં. તેઓ તમારી સંપત્તિ નથી. જો તમારે કંઈક રાખવુંં હોય તો, તે વસ્તુને એક ટ્રસ્ટીની જેમ તમારી પાસે રાખો, માલિકની જેમ નહીં, તથા પરમાત્માના યંત્રરૂપે તેનું સંચાલન કરો.

પોતાના પરિવાર પ્રત્યે યથાર્થ દૃષ્ટિકોણ અપનાવવાનું શીખો. કેવળ માનવીય સ્વરૂપના પ્રેમ અને દ્વેષ સાથે સંબંધિત તેમજ આસક્તિ અને વિપરીત લિંગ સાથે સંબંધિત બધા જૂના સંબંધોથી તમારી જાતને સંપૂર્ણપણે મુક્ત કરો, ત્યારે વાસ્તવિક આધ્યાત્મિક સાધના શક્ય બનશે. આ પહેલાંના બધી સાધનાઓના પ્રયાસ તો પ્રાથમિક તૈયારી છે અને બીજું કંઈ પણ નહીં. કિશોરાવસ્થામાં હું ખૂબ ભાવુક હતો. લોકોને એક-બે વખત મળતાંવેંત જ હું તેઓ પ્રત્યે ખૂબ જ આસક્ત બની જતો. મને એ પણ ખ્યાલ આવ્યો કે હું મારાં માતા-પિતા, મિત્રો અને સંબંધીઓના પ્રેમથી અભિભૂત બની જતો તથા તેઓ વિશે ખૂબ વિચાર કર્યા કરતો. અંતમાં મારે માટે એ ભાવનાઓ અત્યંત અસહ્ય બની ગઈ અને મેં મારી જાતને દૃઢતાપૂર્વક કહ્યું, ‘આ મનોવૃત્તિને બદલવી પડશે.’ ત્યારબાદ હું વિશેષપણે નિર્વિશેષ પરમાત્મા તરફ વળ્યો. સર્વવ્યાપી પરમાત્માના વિચાર જ આપણને વ્યક્તિઓ તરફની આપણી આસક્તિથી મુક્તિ અપાવી શકે છે. તમારે આનું ચિંતન એટલી તીવ્રતાથી કરવું જોઈએ કે આ તમારા માટે યથાર્થ, સ્થાયી અને સ્પષ્ટ બની જાય. બીજી વ્યક્તિઓના વિચાર એક ને એક દિવસે પરપોટાની જેમ નાશ પામશે. એ સમયે પણ આ વિચાર તમને દિલાસો આપવામાં સક્ષમ હોવો જોઈએ.

રાગ પણ દ્વેષના જેટલો ખરાબ છે :

દ્વેષ પણ રાગ અથવા આસક્તિ જેટલો જ ખરાબ છે. વાસ્તવમાં તો બન્ને એક જ છે. મેં જેમ પહેલાં કહ્યું તેમ, રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. એકને બીજાથી શ્રેષ્ઠ સમજવાના ભ્રમમાં કદાપિ ન પડૉ. બન્નેય બંધન છે અને માનવને પતિત કરીને તેને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન થવા દેતા નથી. બન્નેનો ત્યાગ કરવો જોઈએ. (ક્રમશ:)

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.