શ્રીકૃષ્ણને બંદી રાજાઓનું નિવેદન :

એક દિવસની વાત છે, દ્વારકામાં જ્યારે શ્રીકૃષ્ણ રાજસભામાં બેઠા હતા, ત્યારે તેમના દ્વારપાલે આવીને તેમને જણાવ્યું કે એક અજાણી વ્યક્તિ તમને મળવા માગે છે. શ્રીકૃષ્ણની આજ્ઞા મેળવીને એ વ્યક્તિને સભાભવનમાં ઉપસ્થિત કરવામાં આવી. તે વ્યક્તિએ શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા અને જરાસંધે કેદી બનાવ્યા હતા તે વીસ હજાર રાજાઓનું (જેઓએ જરાસંધના દિગ્વિજય સમયે તેની સામે મસ્તક નમાવ્યું ન હતું અને એટલા માટે તેઓને કેદ કરવામાં આવ્યા હતા) દુ:ખ શ્રીકૃષ્ણ સમક્ષ આ રીતે નિવેદિત કર્યું, ‘સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણ! તમે મન અને વાણીથી અગોચર છો. જેઓ તમારી શરણમાં આવે છે તે બધાનાં ભય અને પાપ તમે દૂર કરી દો છો. જરાસંધે કેદી બનાવ્યા હોવાથી અમે ઘણું કષ્ટ ભોગવી રહ્યા છીએ. જરાસંધ ભગવાન શિવનો પરમ ભક્ત છે. તેણે શિવજીને એક સો રાજાઓના નરમુંડોની માળા અર્પણ કરવાની પ્રતિજ્ઞા કરી છે. ભગવન્! અમે લોકોએ તમારાં અનુપમ પરાક્રમ વિશે સાંભળ્યું છે અને એ પણ સાંભળ્યું છે કે તમે શરણાગતની રક્ષા કરો છો. અમે બધા તમારા શરણાગત છીએ, તમારા સિવાય અમારા કોઈ રક્ષક નથી. તમે કૃપા કરીને અમને જરાસંધના બંધનમાંથી મુક્ત કરો.’
જે સમયે તે દૂત શ્રીકૃષ્ણને રાજાઓની વ્યથા સંભળાવી રહ્યો હતો ત્યારે, ‘નારાયણ, નારાયણ’નું ગાન કરતા કરતા પરમ તેજસ્વી દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોતાં જ શ્રીકૃષ્ણ હર્ષિત થઈને સભાસદો અને સેવકો સહિત ઊભા થઈ ગયા અને મસ્તક નમાવીને તેમની વંદના કરવા લાગ્યા. જ્યારે નારદજીએ આસન ગ્રહણ કરી લીધું ત્યારે શ્રીકૃષ્ણ પોતાની શ્રદ્ધાથી તેમને સંતુષ્ટ કરતાં કરતાં મધુર વાણીમાં બોલ્યા, ‘હે દેવર્ષિ! ત્રણેય લોકમાં કુશળ-મંગળ તો છેને? તમે ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહો છો અને અમારું સૌભાગ્ય છે કે અમને તમારા તરફથી ત્રણેય લોકના સમાચાર ઘેર બેઠાં મળતા રહે છે. ત્રણેય લોકમાં એવી એક પણ વાત નથી કે જે તમે જાણતા ન હો. તેથી અમે એ જાણવા માગીએ છીએ કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આ સમયે શું કરવા માગે છે?’
નારદજીએ કહ્યું, ‘શ્રીકૃષ્ણ! તમે પોતાની માયાથી જ આ જગતની રચના અને સંહાર કરો છો તેમજ આપની માયાને કારણે જ આ જગત અસત્ય હોવા છતાં પણ સત્ય જણાય છે. તમે એક સાધારણ માનવીની જેમ અજાણ્યા થઈને પાંડવોના સમાચાર પૂછી રહ્યા છો. પરંતુ હું જાણું છું કે તમે સ્વયં પરબ્રહ્મ છો છતાંય મનુષ્યોના જેવી લીલા કરી રહ્યા છો. એટલા માટે તમારા ફોઈના દીકરા અને પરમ ભક્ત યુધિષ્ઠિર શું કરવા માગે છે એ વાત હું તમને કહી સંભળાવું છું. યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ દ્વારા તમને પ્રાપ્ત કરવા માટે આરાધના કરવા માગે છે. આ યજ્ઞમાં તમારાં દર્શન કરવા માટે મહાન દેવતાઓ અને યશસ્વી રાજાઓ એકત્રિત થશે. તમે સ્વયં પરમેશ્વર છો, તમારાં દર્શનમાત્રથી તેઓ બધા પવિત્ર થઈ જશે. આ યજ્ઞ માટે માત્ર તમારી અનુમતિ અને આશીર્વાદની અપેક્ષા છે.’
શ્રીકૃષ્ણે નિર્ણય લેવાનો હતો કે પહેલાં કેદી રાજાઓને છોડાવવા કે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવું. પોતાના સભાસદોના હાવભાવથી તેઓ સમજી ગયા કે તેઓ પહેલાં જરાસંધ પર ચઢાઈ કરવા માગતા હતા. શ્રીકૃષ્ણે હસીને ઉદ્ધવજીને કહ્યું, ‘મિત્ર! તમે મારા પરમ હિતેચ્છુ, સુહૃદ તથા શુદ્ધ સંમતિ આપવાવાળા છો. હવે તમે જણાવો કે આ અંગે આપણે શું કરવું જોઈએ. તમારી વાતમાં અમને શ્રદ્ધા છે એટલા માટે અમે તમારી સલાહ અનુસાર જ કામ કરીશું.’
ઉદ્ધવજીએ જ્યારે જોયું કે ભગવાન સર્વજ્ઞ હોવા છતાં પણ અજાણ્યાની જેમ પ્રશ્ન પૂછી રહ્યા છે ત્યારે તેમણે નમ્રતાપૂર્વક કહ્યું, ‘ભગવન્! નારદજીએ તમને સલાહ આપી છે કે ફોઈના દીકરા પાંડવોના રાજસૂય યજ્ઞમાં સંમિલિત થઈને તેમને સહાયતા કરવી જોઈએ. તેમની આ વાત બરાબર છે અને વળી એ પણ બરાબર છે કે શરણાગતોની રક્ષા કરવી તે આપણું એક આવશ્યક કર્તવ્ય છે. પ્રભુ! જો આપણે એ દૃષ્ટિએ વિચાર કરીએ કે રાજસૂય યજ્ઞ માત્ર તે જ રાજા કરી શકે છે કે જેણે દશેય દિશાઓમાં વિજય પ્રાપ્ત કરી લે, એનો સીધો અર્થ એ છે કે પાંડવોએ યજ્ઞ કરવા માટે જરાસંધને હરાવવો આવશ્યક છે. માત્ર જરાસંધને જીતી લેવાથી જ આપણો મહાન ઉદ્દેશ પૂર્ણ થશે, સાથે ને સાથે તેના દ્વારા કેદી બનાવાયેલા રાજાઓને મુક્તિ મળશે અને તેના પરિણામરૂપે તમને સુયશની પ્રાપ્તિ પણ થશે. તેથી મારો અભિપ્રાય એ છે કે તમે મહારાજા યુધિષ્ઠિર પાસે જાઓ અને તેમને જરાસંધનો વધ કરવા માટે પ્રેરિત કરો. મેં એ પણ સાંભળ્યું છે કે જરાસંધમાં દશ હજાર હાથીઓનું બળ છે. તેને સરળતાથી મારી શકાશે નહીં. તેને હરાવી શકે છે તો માત્ર ભીમસેન, કારણ કે તેઓ પણ તેના જેટલા જ બળવાન છે. જરાસંધને દ્વંદ્વયુદ્ધમાં જીતી લેવામાં આવે એ જ સૌથી સારું છે. નહીંતર જ્યાં સુધી પોતાની વિશાળ સેનાને લઈને યુદ્ધ માટે ઉપસ્થિત થશે, ત્યારે તેને જીતવો સરળ નહીં બને. જરાસંધ બ્રાહ્મણ-ભક્ત છે. જો કોઈ બ્રાહ્મણ તેની પાસે કંઈ પણ માગે તો તે તેને કદાપિ નિરાશ કરતો નથી. એટલા માટે ભીમસેન બ્રાહ્મણના વેશમાં જાય અને તેની પાસે યુદ્ધની ભિક્ષા માગે. ભગવન્! એમાં સંદેહ નથી કે તમારી હાજરીમાં ભીમ અને જરાસંધનું યુદ્ધ થાય, તો ભીમ અવશ્ય તેને મારી નાખશે.’
ઉદ્ધવજીની આ સલાહ બધી રીતે હિતકારક અને નિર્દાેષ હતી. દેવર્ષિ નારદે અને સ્વયં શ્રીકૃષ્ણે પણ તેમની વાતનું સમર્થન કર્યું. શ્રીકૃષ્ણે જરાસંધના કેદી રાજાઓના દૂતને મધુર વાણીમાં આશ્વાસન આપતાં કહ્યું, ‘જઈને કેદી રાજાઓને આશ્વાસન આપો કે થોડાક જ સમયમાં તમને મુક્તિ મળી જશે,’ દૂતે ગિરિવ્રજ જઈને રાજાઓને આ શુભ સમાચાર સંભળાવ્યા. તે રાજાઓ પણ કેદમાંથી તાત્કાલિક છૂટવાની અને ભગવાનનાં દર્શનની રાહ જોવા લાગ્યા.
શ્રીકૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં આગમન :
શ્રીકૃષ્ણે ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા કરી. તેમની સાથે સાત્યકિ વગેરે ઘણા બધા યદુવંશીઓ પણ હતા. થોડા દિવસની યાત્રા પછી શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. જ્યારે વીર પાંડવોએ જોયું કે શ્રીકૃષ્ણ પધાર્યા છે ત્યારે તેઓના જીવમાં જીવ આવ્યો અને તેમની ઇન્દ્રિયો સચેત થઈ અને તેઓ બધા ઊભા થયા. જે શ્રીકૃષ્ણનાં દર્શન અત્યંત દુર્લભ છે તેમની પ્રેમભરી હાસ્ય-મુદ્રા તેમજ સુશોભિત મુખ-સૌંદર્ય જોઈ તેઓ આનંદમગ્ન બની ગયા. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર અને ભીમસેનને પ્રણામ કર્યા અને અર્જુનને હૃદયપૂર્વક આલિંગન કર્યું. ત્યાર બાદ તેઓ પોતાનાં ફોઈ કુંતીને મળવા ગયા અને તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા. કુંતીએ અત્યંત સ્નેહપૂર્વક તેમને હૃદય સરસા ચોંપી દીધા. તેમનાં નેત્રોમાં પ્રેમનાં આંસુ છલકાઈ આવ્યાં. ભગવાને પૂછ્યું ત્યારે જેનાં દર્શન સમસ્ત ક્લેશોનો અંત કરવા માટે જ થાય છે, તેઓને પોતાને પડેલાં કષ્ટો એક પછી એક યાદ કરીને કહ્યાં. તેમણે ભગવાનને કહ્યું, ‘કૃષ્ણ! જે વખતે તમે અમને પોતાના સમજીને સ્મરણ કર્યું અને અમારાં ક્ષેમકુશળ જાણવા માટે અક્રૂરને મોકલ્યા તે વખતે અમારું કલ્યાણ થઈ ગયું. હું જાણું છું કે તમે સંપૂર્ણ જગતના પરમ હિતૈષી અને આત્મા છો. આ મારું છે અને આ પારકું છે એ પ્રકારની ભ્રાંતિ તમારામાં નથી. આવું હોવા છતાં પણ હે કૃષ્ણ! જે તમારું હંમેશાં સ્મરણ કરે છે તેમના હૃદયમાં આવીને તમે બેસી જાઓ છો અને તેમના ક્લેશોને કાયમને માટે મિટાવી દો છો.
ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણનું ખૂબ સમ્માન કર્યું અને કેટલાક દિવસ ત્યાં જ રહેવાની પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને શ્રીકૃષ્ણ કેટલાક મહિના ઇન્દ્રપ્રસ્થમાં રહ્યા અને પાંડવો સાથે સુખપૂર્વક સમય વ્યતીત કર્યો.

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.