મોહમાં નાખનારી, અવિદ્યા માયા

સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય ત્યાં જઈ જોરથી એ ગર્જના કરે છે. એ ગભરાઈ ચીસ પાડી ઊઠે છે અને, એ ભયંકર પ્રાણીથી દૂર નાસી જવા કોશિશ કરે છે. પણ હરિ મહોરું હટાવી લે છે ત્યારે, ગભરાયેલી છોકરી પોતાના ભાઈને ઓળખી, એની પાસે દોડી જઈ બોલી ઊઠે છે, ‘અરે ભાઈ ! આ તો તું છો !’ સૌ માણસો માટે વાત આવી છે. જે માયાની પાછળ બ્રહ્મ ગોપિત છે તે ન સમજી શકાય તેવી માયા સૌને મોહમાં નાખે છે, ભય પમાડે છે અને બધાં કર્મો કરાવે છે. પણ, બ્રહ્મમુખેથી માયાનું આવરણ હટી જાય છે ત્યારે, માણસને એનામાં કોઈ ભયંકર અને અક્કડ શેઠ નથી દેખાતા પરંતુ, પોતાના પ્રિયતમ અંતરાત્માનું દર્શન થાય છે.

ઈશ્વર સર્વવ્યાપી છે તો, આપણે કેમ એને જોઈ શક્તા નથી ? ખૂબ શેવાળથી ઢાંકેલા તળાવને કાંઠેથી જોતાં તમને એ તળાવનું પાણી નહીં દેખાય. પાણી જોવું હોય તો, સપાટી પરની બધી શેવાળ ખસેડૉ. આંખો પર માયાનું પડ છે ને તમે ફરિયાદ કરો છો કો તમને પ્રભુ દેખાતા નથી. તમારે એમને જોવા હોય તો, તમારી આંખો પરનું માયાનું પડ દૂર કરો.

વાદળ સૂરજને ઢાંકી દે છે તેમ માયા ઈશ્વરને ઢાંકી દે છે. વાદળ હટે ત્યારે, સૂરજ દેખાય તેમ, માયા ખસે ત્યારે ઈશ્વર પ્રગટ થાય.

હંસ નીરક્ષીર જુદાં પાડે છે એવી માન્યતા છે. એ દૂધ પી જાય અને પાણીને રહેવા દે. બીજાં પંખી એમ ન કરી શકે. ઈશ્વર માયા સાથે ઓતપ્રોત થઈ ગયો છે. સામાન્ય માણસો એને માયાથી ભિન્ન જોઈ શકતાં નથી. માત્ર પરમહંસ માયાને ત્યજીને ઈશ્વરના વિશુદ્ધ રૂપને જોઈ શકે છે.

તમે માયાના સ્વરૂપને પિછાણી લો તો, જેમ ચોર પોતે ઘૂસ્યાની ખબર પડી ગઈ છે તે જાણી નાસી જાય છે તેમ એ સ્વયં નાસી જશે.

– શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૨

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.