વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ?

તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ માણસને પોતાની પત્ની તરફથી પણ ભય રહેતો નથી. લોખંડના ટુકડાથી સમ અંતરે બે ઓછી વધતી શક્તિનાં લોહચુંબકો રાખો તો, લોખંડના ટુકડાને ક્યું ખેંચશે? ચોક્કસ, મોટું જ. ખરે જ ઈશ્વર મોટું લોહચુંબક છે. એની સામે નાનું ચુંબક, સ્ત્રી, શું કરી શકે?

સાપ ઝેરી પ્રાણી છે. એને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન છે. સાત સાપનો હાર બનાવી એ પોતાના ગળામાં ધારણ કરી શકે. (જ્ઞાની પણ એ રીતે સંસારના ભયથી મુક્ત રહી શકે છે.)

એક વાર એક મારવાડી ભક્ત શ્રીરામકૃષ્ણ પાસે ગયો અને, કેટલાક હજાર રૂપિયાની ભેટ તેમને આપવાની રજા માગી. પરંતુ, આ સદ્‌ભાવભરી વિનંતીને ઠાકુરે કડક શબ્દોમાં ઠુકરાવી દીધી. એમણે કહ્યું, ‘તમારા પૈસા સાથે મારે કશી લેવાદેવા નથી. હું એ રાખું તો મારું મન એમાં જ ભમ્યા કરે.’ એટલે એ ગૃહસ્થે એ રકમ ઠાકુરના કોઈ સંબંધીને નામે વ્યાજે મૂકવા સૂચન કર્યું, જેથી એ રકમનો ઉપયોગ ઠાકુરની સેવા માટે થાય. ઠાકુર કહે, ‘એ છેતરપીંડી થશે. વળી, મારા મનમાં સતત એમ રહે કે મારા પૈસા મેં ફલાણા પાસે રાખ્યા છે.’

પણ મારવાડીનો આગ્રહ ચાલુ રહ્યો. શ્રીરામકૃષ્ણના જ એક વચનનો એણે આધાર આપ્યો, ‘મન તેલ જેવું હોય તો, કામકાંચનના સાગર પર એ તરે.’

આ સાંભળી ઠાકુરે ઉત્તર વાળ્યોઃ ‘એ સાચું જ છે પણ, તેલનું ટીપું પાણી પર લાંબો સમય રહે તો એ સડવા લાગે. એ જ રીતે, ‘કામકાંચન’ના સમુદ્ર ઉપર મન વધારે વખત તરતું રહે તો એના લાંબા સમયના સંપર્કથી મનમાં સડો પેસે અને એમાંથી દુર્ગંધ ઊઠે.’

-શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૮-૧૯

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.