૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે, હૃદય ઉપર અહંકાર છવાઈ જાય ત્યારે, ઈશ્વર ત્યાં પ્રકાશી શક્તો નથી.

૧૦૦. વાદળાંની માફક અહંકાર ઈશ્વરને આપણી દૃષ્ટિથી આચ્છાદિત રાખે છે. ગુરુકૃપાથી એ વાદળ હટી જાય તો, પૂર્ણ પ્રભા સાથે ઈશ્વરનું દર્શન કરી શકાય છે. જેમ કે, તમે ચિત્રમાં જુઓ છો કે શ્રીરામચંદ્ર ભગવાન છે તે (જીવ) લક્ષ્મણથી બેત્રણ ડગલાં જ આગળ છે પણ, માયારૂપી સીતા બંનેની વચ્ચે હોવાથી લક્ષ્મણને રામ દેખાતા નથી.

૧૦૧. પ્રશ્ન: મહાશય આપણે આમ બંધનમાં શા માટે છીએ ? ઈશ્વરને આપણે કેમ જોઈ શક્તા નથી ?

ઉત્તર: જીવનો અહંકાર પોતે જ માયા છે. પ્રકાશને ઢાંકી રાખનાર આવરણ એ જ છે. ‘હું’ના મરણની સાથે બધાં દુ:ખ દૂર થાય છે. ઈશ્વરની કૃપાથી, પોતે કર્તા નથી એ જ્ઞાન માણસને મળે તો, એ જરૂર જીવનમુક્ત થાય છે અને પછી, એ અભયને પામે છે.

૧૦૨. મારી આગળ આ કપડું રાખું તો તમે મને જરાય જોઈ શક્શો નહીં, ભલે ને હું પહેલાંના જેટલો જ તમારી પાસે હોઉં. એ જ રીતે, બીજા કોઈ પદાર્થ કરતાં ઈશ્વર તમારી વધારે સમીપ છે તે છતાં, અહંકારના આવરણને લઈને તમે એને જોઈ શક્તા નથી.

૧૦૩. જ્યાં લગી અહંકાર છે ત્યાં લગી, જ્ઞાન કે મોક્ષ શક્ય નથી; અને જન્મમરણના ફેરાનો અંત આવતો નથી.

૧૦૪. હાંડલીમાં ઠંડા પાણીમાં રાખેલાં દાળ, ચોખા કે બટેટાંને, ચૂલે ન ચડાવ્યાં હોય ત્યાં સુધી તમે અડી શકો છો. જીવને પણ એ જ વાત લાગુ પડે છે. આ દેહ હાંડલી છે; ધન, વિદ્યા, જ્ઞાતિ, કુળ, સત્તા અને સ્થાન ચોખા, દાળ અને બટેટાં જેવાં છે. અહંકાર ચૂલામાંના અગ્નિ જેવો છે. અહંકાર જીવને ગર્વથી તપાવે છે.

[હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.