(સપ્ટેમ્બર ’૯૫થી આગળ)

(૨૦) મૃદુનિ કુસુમાદિપ!

ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. મૃદુતા, સંવેદનશીલતા, ઉદારતાની સાથે સાથે હિમ્મત, નિર્ભયતા, દૃઢ સંકલ્પબળ, શીઘ્ર નિર્ણયશક્તિ અને અન્યને સન્માર્ગે વાળવાની અદ્ભુત આત્મશક્તિનો એમનામાં સમન્વય થયેલો જોવા મળતો હતો. આ રહ્યા એમના અદ્ભુત વ્યક્તિત્વના થોડા પ્રસંગો!

એક વખત ગૌરીમા તેમની વિદ્યાર્થીનીઓ સાથે ગંગામાં સ્નાન કરવા માટે ગયાં હતાં. ત્યાં પહોંચીને તેમણે જોયું તો એક છોકરી નદીના વમળમાં ફસાઈ ગઈ હતી. કિનારે ઊભેલા લોકો તેને વમળમાં તણાતી જોઈ રહ્યા હતા. પણ કોઈનામાં એટલી હિંમત નહોતી કે તેને બચાવવા નદીમાં કૂદી પડે. આથી ગૌરીમાએ એ લોકોને ઠપકો આપ્યો પણ કોઈ એ વમળમાં પડવા તૈયાર ન થયું. એટલે ગૌરીમા પોતે જ સાડીનો કચ્છ મારીને ‘ઓ મા ભવાની, તારો જય હો’ કહેતાંક એ પ્રવાહમાં કૂદી પડ્યાં. એ જોઈને એમની વિદ્યાર્થીનીઓ બૂમો પાડવા લાગી “મા, તમે આ શું કર્યું? તમને તરતાં તો આવડતું નથી. તમે જલ્દી પાછાં આવતાં રહો.” અને પછી એ વિદ્યાર્થિનીઓ જોર જોરથી ‘બચાવો, બચાવો’ની બૂમો પાડવા લાગી. ત્યાં બે મજબૂત માણસો આવ્યા ને એ વમળમાં કૂદી પડ્યા અને પેલી છોકરી અને ગૌરીમા બંનેને બચાવી લીધાં. અન્યના રક્ષણ કાજે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર મદદ કરવાની ભાવના ગૌરીમાના અંતરમાં અહર્નિશ પ્રજ્વળતી હતી.

મૃદુનિ કુસુમાદપિ હોવા છતાં તેઓ વજ્રાદપિ કઠોરાણિ પણ બની શકતાં. ઘણાંને તેમનું બાહ્ય વર્તન અને વાણી ઉગ્ર પણ જણાતાં. જ્યાં જ્યાં અસત્ય, શિથિલતા, પ્રમાદ, ૫૨પીડનવૃત્તિ કે આત્મશ્લાધા જણાય ત્યાં તેમનો પુણ્યપ્રકોપ પ્રજ્જવળી ઊઠતો અને તેઓ રણચંડી પણ બની જતાં. એક વખત એક શ્રીમંત દારૂડિયો એમની પાસે આવ્યો અને તેમને ચરણસ્પર્શ કરવા નીચે નમ્યો ત્યારે તેમણે ચોખ્ખા શબ્દોમાં તેને કહ્યું: “દારૂ પીનારને હું મારા ચરણસ્પર્શ કરવા નથી દેતી.” આ સાંભળીને તે શ્રીમંત માણસને ખરાબ લાગ્યું. પણ તેણે બે હાથ જોડીને કહ્યું; “મા, તમે સહુના માતા છો, તો પછી દારૂડિયાના માતા કેમ ન બની શકો?” આ સાંભળીને તેમણે કહ્યું, ‘બરાબર છે. પણ જો તું દારૂ પીવાનું છોડી દે તો જ હું તારી મા બનીશ.” “તો મને આશીર્વાદ આપો કે હું દારૂમાંથી હંમેશ માટે મુક્ત બની જાઉં” એમ કહીને તે નીચે નમ્યો અને હવે ગૌરીમાએ તેને પોતાના ચરણ-સ્પર્શ કરવા દીધા અને આશીર્વાદ આપ્યા. એ પછી તેણે સાચ્ચે જ દારૂ પીવાનો છોડી દીધો અને તેની જીવનશૈલી જ બદલાઈ ગઈ. ગૌરીમા પતિતોના હૃદયને શ્રીરામકૃષ્ણ અને શ્રીમા પ્રત્યે વાળી દેતાં. તેમણે કેટલાય લોકોને શ્રીમા પાસે દીક્ષા લેવા માટે મોકલ્યા હતા. ૫૨મ ભાગવત્ શક્તિ પ્રત્યે લોકોને જાગૃત ક૨વાના શ્રીરામકૃષ્ણના કાર્યમાં તેમના અંતરંગ સંન્યાસી પુત્રોએ આપેલા યોગદાનની જેમ જ માની આ પુત્રીનું પણ યોગદાન રહેલુ છે.

ગૌરીમાનો પ્રેમ, સદ્ભાવ, ને કરુણા ફક્ત મનુષ્યો પૂરતાં જ સીમિત ન હતાં, પરંતુ સર્વ પ્રાણીઓ પ્રત્યે પણ તેમનો પ્રેમ અને કરુણા છલકાતાં રહેતાં. નાનાં પ્રાણીઓનું દુઃખ જોઈને એમનું હૃદય દ્રવી જતું. તેમના સંપર્કમાં આવનાર મૂંગા પ્રાણીઓનાં દુઃખ, દર્દને દૂર કરવા તેઓ હંમેશાં તત્પર રહેતાં. એક વખત થોડા વાંદરાઓ કોણ જાણે ક્યાંયથી બિલાડીના એક નાનકડાં બચ્ચાંને ઉપાડી લાવ્યા અને તેને છત પર લઈ ગયા. ત્યાં આ વાંદરાઓ બચ્ચાને હેરાન કરવા લાગ્યા. ગૌરીમાની દૃષ્ટિ એ બચ્ચા પર પડી ને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું; “અરેરે, વાંદરાઓના હાથમાં આ નાજુક બચ્ચું મરી જવાનું.” પણ એ છત એવી હતી કે ત્યાં ચઢવા કોઈ તૈયાર જ ન થયું કેમકે ત્યાં ચઢવા માટે કોઈ સીડી ન હતી. બાજુના મકાનમાંથી કૂદીને જ એ છાપરાં પર જઈ શકાય તેમ હતું. અને એ રીતે ચઢવામાં પૂરું જોખમ હતું. ને ચઢતાં વાંદરાઓ હુમલો કરે તો તેનો પણ ભય હતો. કોઈ પોતાનો જાન જોખમમાં મૂકવા તૈયાર ન થયું. પણ ગૌરીમાએ એક ક્ષણમાં જ નિર્ણય લઈ લીધો. તેમણે પોતાના હાથમાં એક લાકડી લીધી. તેઓ જાનના જોખમે પણ બાજુના મકાનની તૂટેલી દિવાલના આધારે કૂદીને છત પ૨ ચઢ્યાં. વાંદરાઓ ધૂરકિયાં કરતા રહ્યા. પણ ગૌરીમા કશાયથી ડર્યા વગર વાંદરાઓને ભગાડીને એ નાનકડા બિલાડીના બચ્ચાને પોતાના પાલવમાં બાંધીને નીચે લઈ આવ્યા અને ત્યારે જ તેમણે રાહત અનુભવી.

આશ્રમની ગાયો, ઘોડા એ બધાંને પણ ગૌરીમાનું અપાર વાત્સલ્ય મળતું. આશ્રમની પ્રત્યેક વ્યક્તિની જેમ આ પશુઓ ૫૨ પણ એમની અમીદૃષ્ટિ સતત રહેતી. જ્યારે જ્યારે તેમની દેખભાળ કરનાર નોકર ન આવ્યો હોય ત્યારે તેઓ પોતે તેમની દેખભાળ કરતાં. ગાયોને તો તેઓ દેવતા માનીને તેમની પૂજા કરતાં. આમ પશુ, પક્ષી, વનસ્પતિ અને મનુષ્યો સર્વમાં તેઓ ચૈતન્યના દર્શન કરતાં અને એ રીતે જ તેમની સાથે વર્તતાં. માતાનું વાત્સલ્ય અને સંઘમાતાનું અનુશાસન બંનેનો આશ્રમવાસિનીઓ તેમનામાં અનુભવ કરતી હતી. તેમની છત્રછાયામાં ઘડાયેલી બાલિકાઓ પછી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પોતાના પગ પ૨ સ્વમાનભેર ઊભી રહી શકતી હતી. અને સઘળી મુશ્કેલીઓનો સ્વસ્થતાથી સામનો કરી શકતી હતી. નિર્ભયતા અને આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને નિશ્ચલતા, દૃઢ સંકલ્પબળ અને હિમ્મતની સાથે સાથે અંતે વાસિનીઓમાં ધર્મપરાયણતા અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોનું તેઓ સતત સિંચન કરતાં રહેતાં અને એથી જ તો એમનો આશ્રમ વટવૃક્ષની જેમ પાંગરતો રહ્યો અને અનેક નારીઓના જીવનને ઉજ્જવળ બનાવતો રહ્યો.

(૨૧) ઈશ્વરની એજન્ટ છું

ગૌરીમાને જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી. કેટલાય વિરોધો અને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો પણ તેમણે પોતાના આદર્શો સાથે ક્યારેય બાંધછોડ કરી ન હતી. અશક્ય અને મુશ્કેલ જણાતાં કાર્યોને તેમણે ઉપાડ્યાં હતાં. પણ તેઓ માનતા હતાં કે તે કાર્યો એમનાં નથી, પણ શ્રીરામકૃષ્ણનાં જ છે. આથી મુશ્કેલીઓ હટી જશે અને સફળતા મળશે જ એવી એમને દૃઢ શ્રદ્ધા હતી. પોતે નામના કે વ્યક્તિગત લાભ મેળવવા તો કશું જ કરતાં ન હતાં. ઈશ્વરનાં સંતાનોની સેવા દ્વારા ઈશ્વરની જ સેવા થઈ રહી છે, એવી એમને સતત અનુભૂતિ થતી રહેતી. તેઓ કહેતાં; “હું કંઈ જ નથી. હું તો ઈશ્વરની પ્રતિનિધિ છું. ઠાકુરે શીખવ્યું છે કે માણસ તો દુર્બળ ને તુચ્છ છે. તે બીજા પ્રત્યે ઉદારતા દાખવી શકતો નથી. વધુમાં વધુ તે ઈશ્વરના આવિર્ભાવોની સેવા કરી શકે અને આવી સેવાથી જ તે પોતે શુદ્ધ, પવિત્ર થાય છે. અને તેને પોતાને જ તેનાથી લાભ થાય છે. તેથી તે ઈશ્વરની વધુ નજીક આવે છે.” તેમના અનુયાયીઓને તેઓ હંમેશાં કહેતાં કે મુશ્કેલીઓથી નાસીપાસ ન થાઓ. હંમેશાં આત્મવિશ્વાસથી આગળ વધો.

ગૌરીમા ક્યારેય જાહેરમાં આગળ આવવા ઈચ્છતા નહીં. જ્યારે જ્યારે સંસ્થામાં કે જાહેરમાં એમની પ્રશંસા કરવામાં આવતી ત્યારે તેઓ નારાજ થતાં. પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહેવાના સ્વભાવને કારણે એમના જીવનકાળ દરમિયાન એમની જીવનકથા લખી શકાઈ ન હતી. જાહેર પ્રસિદ્ધિ એ ધ્યેયમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન છે તેમ તેઓ માનતાં. તેઓ એમ પણ કહેતાં કે “પ્રાપ્તિ અને કીર્તિની ઝંખના પ્રમાણિક કાર્યકર માટે નૈતિક મૃત્યુ સમાન છે. કાર્યની કંઈ પણ મહત્તા હોય તો તે એક માત્ર ભગવાનની છે. આપણે બધાં તો એનાં સાધનો જ છીએ. તેણે આપણને તેના સાધનો તરીકે સ્વીકાર્યાં છે, એ જ મોટી વાત છે. એ જ એની કૃપા છે.” પ્રસિદ્ધિથી દૂર રહીને સમર્પિત ભાવે કાર્યો કરવાં એ પણ સાધના જ છે ગૌરીમાએ પોતાના ઉત્તરકાળમાં આ સાધનાને સિદ્ધ કરી અને ભગવાનનો સાચો સેવક કેવો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.

એવું કહેવાય છે કે સંસ્થાઓ સફળ થાય છે તે તેનાં મકાનો લાંબા કે પહોળાં છે તેથી નહીં. પણ તેમાં જે લોકો રહે છે, જીવે છે, સ્વપ્નાંઓ સેવે છે, અને ભવિષ્યનું આયોજન કરે છે – એ દ્વારા સંસ્થાઓ સફળ થાય છે, વિકસે છે. આ બાબતને ગૌરીમાએ ચરિતાર્થ કરીને શ્રીરામકૃષ્ણના ઉદાત્ત આદર્શો પર સ્ત્રીશિક્ષણની ઉત્તમ સંસ્થા ઊભી કરી, પરંતુ પોતે તો પોતાની જાતને એક પરિચારિકા તરીકે જ ઓળખાવતાં. ભલે તેઓ પોતાને સેવિકા ગણતાં હતાં, પણ તેમનું પવિત્ર અને નિષ્કંલક જીવન જ તેમની વિદ્યાર્થિનીઓને સતત મૂર્તિમંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું હતું. તેઓ હંમેશાં કહેતા; “યાદ રાખો. સ્ત્રીઓનું સૌંદર્ય વસ્ત્રો, અલંકારો અને પ્રસાધનોથી નથી આવતું પણ શરીરની અને મનની પવિત્રતાથી આવે છે.”

ગૌરીમાનું પોતાનું જીવન મૂળથી જ સારું અને સરળ હતું. તેમના જીવનમાં કોઈ જાતનો બાહ્ય દેખાવ ન હતો. કોઈ પણ જાતનો ભભકો કે બાહ્ય દેખાવ તેમને પસંદ ન હતો. એવી દરેક બાબતમાં તેઓ ઉદાસીન હતાં. જે કંઈ સાજ-સજ્જા કે ભોગની વ્યવસ્થા થતી તે તેમના દામોદ૨ને માટે જ કરવામાં આવતી હતી. એમને પહેરવા માટે તો લાલ કિનારવાળી સાડી પૂરતી હતી અને બંને હાથમાં શંખની એક એક ચૂડી. જો ભક્તો તેમને આગ્રહ કરીને કિંમતી વસ્ત્રો ને આભૂષણો આપતાં તો તેઓ તેનો વિરોધ કરતાં અને તેમને પાછાં આપી દેતાં. પણ જો ભક્તો બહુ જિંદ કરીને પરાણે આપે તો એ બધાંની પોટલી વળાવીને ભંડારમાં મુકાવી દેતાં. પોતે આપેલી આવી કિંમતી વસ્તુઓની આવી દુર્દશા જોઈને પછી બીજી વાર ભક્તો તેમને આવી વસ્તુઓ આપવાનો વિચાર પણ ન કરતા. પોતાના માટે તો કાંઈ પાસેથી કંઈ લેવું નહીં, ફક્ત ઈશ્વરાધીન બનીને જીવવું એ એમનું જીવનવ્રત હતું. અને એટલે જ એમના જીવનસ્વામી દામોદરને એમનું સઘળું યોગક્ષેમ વહન કરવું પડ્યું.

(૨૨) દામોદરની સેવા

ગૌરીમા અનેકવિધ કાર્યોમાં વ્યસ્ત રહેતાં હોવા છતાં એમનું સમગ્ર ચિત્ત તો વૃંદાવનની ગોપીઓની જેમ જ પોતાના સ્વામી દામોદરની સાથે જ જડાયેલું રહેતું. સંસ્થાનો જવાબદારીભર્યાં સઘળાં કાર્યોની સાથે સાથે ગૌરીમાની દામોદરભક્તિ અને સેવાસાધના પણ નિયમિત ચાલતાં હતાં. એમાં એક દિવસ પણ અપવાદ નહોતો રહ્યો. નિયમિત પૂજા પાઠ, જપ-ધ્યાન બધું જ છેક સુધી ચાલતું રહ્યું હતું. દામોદર તો એમના પતિ હતા, પ્રિયતમ હતા. તેમના જીવનદેવતા હતા. તેમનું સર્વસ્વ હતા. તેમની પૂજામાં તેઓ જરા સરખી પણ ઉણપ ચલાવી શકતાં નહીં. સામાન્ય માનવ ભલે તેની સ્થૂળ દૃષ્ટિથી તેના દામોદરને પથ્થરનો એક ટૂકડો જ માને પણ ગૌરીમા માટે એ સાક્ષાત્ શ્રીકૃષ્ણ હતા. તેની પૂજા કરતાં કરતાં, તેનું ધ્યાન ધરતાં ધરતાં તેઓ એવાં તન્મય બની જતાં કે તેમનું બાહ્ય ભાન લુપ્ત થઈ જતું અને કૃષ્ણ સાથે તેમની ચેતના તદ્રુપ બની જતી. આ મૂર્તિ એમના માટે જીવતી જાગતી વ્યક્તિ સ્વરૂપ બની ગઈ હતી. તેઓ તેની સાથે વાતો કરતાં, પ્રેમ કરતાં, તેની સમક્ષ આંસુ વહાવતાં, અને ભાવ જગતમાં તેની સાથે દિવ્યલોકમાં વિહાર પણ કરતાં. દામોદર શિલા સાથેની આવી અતૂટ શ્રદ્ધાને જોઈને શ્રીમા શારદામણિએ પણ કહ્યું હતું કે એ આશ્ચર્યજનક છે કે પથ્થરના એક ટુકડાને લઈને ગૌરદાસીએ કેવું લાંબું જીવન વીતાવી દીધું છે ! તેના માટે તે સાક્ષાત્ કૃષ્ણ છે.

ગૌરીમા માટે એ જીવતું જાગતું પ્રભુનું સ્વરૂપ હતુ, અને તેઓ તેમની સાથે એ જ રીતે વર્તતાં હતાં. તેની પ્રત્યેક જરૂરિયાતોનું તેઓ પૂરેપૂરું ધ્યાન રાખતાં હતાં. એક વખત બપોરના સમયે બધાં કામો કરીને તેઓ સૂતાં હતાં પણ તેમને હૃદયમાં બેચેની થવા લાગી. તેઓ વિચારી રહ્યાં કે “આજે કેમ અજંપો અનુભવાય છે? કેમ ઊંધ નથી આવતી? આમ કેમ થાય છે?” પણ તેમને કંઈ કારણ મળ્યું નહીં, પણ થોડી વારમાં તેમના મનમાં ઝબકારો થયો કે “મારા પતિને તો દૂધ પીવાની ટેવ છે, અને આજે તો હું નેમને દૂધ આપતાં ભૂલી ગઈ છું. અરેરે, એથી એમને ઊંઘ આવતી નથી. આથી જ એમને બેચેની અનુભવાય છે.” પછી તેમણે ઊઠીને દૂધ બનાવ્યું અને દામોદરને ધર્યું. પછી પાછાં આવીને કહ્યું કે દૂધ પીને હવે એમને ઊંઘ આવી ગઈ છે. એ પછી એમના ચિત્તમાં શાંતિ થઈ અને તેઓ ઊંઘી ગયાં.

બીજો પ્રસંગ પણ આવો જ બન્યો હતો. તે રાત્રે ગૌરીમાને ઠીક ન હતુ. એટલે એમણે કોઈ રસોઈ ન બનાવી. થોડાં ફળ અને મીઠાઈનો દામોદરને ભોગ ધરાવી દીધો. પછી તેઓ સૂઈ ગયાં. પણ એમને ઊંઘ જ ન આવી. અરધી રાત્રે સેવિકાઓએ જોયું તો રસોડામાં ચૂલો સળગી રહ્યો છે ને ગરમા ગરમ પૂરીઓ તળાઈ રહી છે! સેવિકાઓને આશ્ચર્ય થયું. તેમણે તેમને પૂછ્યું; “મા, અત્યારે અર્ધી રાત્રે આ શું?” ત્યારે તેમણે કહ્યું, “જુઓને, થોડી ઊંઘ પછી પતિને મને જગાડીને કહ્યું, મને ભૂખ લાગી છે. એટલે પછી ઊઠીને હું એમના માટે પૂરીઓ બનાવું છું.” એમણે જાતે જ પૂરીઓ બનાવીને સ્વામીને ભોગ ધર્યો ને પછી તેઓ ગીત ગાવા લાગ્યાં:

માધવ બહુત બિનતી કરી તોય
દેઈ તુલસી તિલિ દેહ સમર્પિતુ
દયા જાનિ ન છોડપિ મોય

હે માધવ તમને ખૂબ વિનંતી કરું છું. તુલસી પાનને તલ દઈને મારી જાત તમારે ચરણે ધરી દીધી છે. દયા કરો, મને ત્યજી દેશો નહીં.

આવી ઉત્કટ ભક્તિભાવનાએ એ મૃણ્મય શિલાને ચિન્મય શક્તિ સ્વરૂપ બનાવી દીધી અને તે કૃષ્ણ બનીને જીવનપર્યંત એમના વ્યક્તિત્વમાં ઓતપ્રોત બની રહી.

(ક્રમશ:)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.