રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના વર્તમાન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આ સંમેલનમાં યુવા વર્ગના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

૧૨ મી જાન્યુઆરી-સ્વામી વિવેકાનંદના જન્મદિન પ્રસંગે અહીં એ રસપ્રદ પ્રશ્નોત્તરીના અંશો રજૂ કરીએ છીએ.

પ્ર. અમને લાગે છે કે, અહીં હાજર રહેલા પ્રત્યેક પ્રતિનિધિ નીચેના પ્રશ્નનો ઉત્તર મેળવવા ખૂબ આતુર છે:

આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ તે ખૂબ કષ્ટદાયક અને અશાંતિપૂર્ણ છે. તથા આ પવિત્ર સ્થળથી તદ્દન ભિન્ન છે. અહીં અમને પ્રાપ્ત થયેલી પવિત્ર અનુભૂતિને અમે શી રીતે ચિરકાલીન બનાવી શકીએ?

ઉ. આ માટે જેને અભ્યાસ કહે છે તેની આવશ્યકતા છે. તમે જે સારા વિચારો મેળવ્યા, જે સારી ઊર્મિઓ તમે અનુભવી તેનો તમારે અભ્યાસ કરવો. વાચનથી, સમાનધર્મીઓ સાથે ચર્ચાથી, અને જીવનમાં અને કાર્યમાં તેના આચરણથી તે અભ્યાસ પ્રાપ્ત થાય છે. આ યુવા સંમેલનના પ્રતિનિધિઓની એ મુખ્ય જવાબદારી છે કે, તેઓ આ સુંદર ભાવનાઓને, વલણને ચાલુ રાખે અને વિકસાવે એ પોતે જ એક કલા છે.

સામાન્ય રાજકીય સંમેલનો કરતાં આ સંમેલનને આ બાબત જ જુદું પાડે છે. અહીં જે ગાંભીર્ય જોવા મળે છે તેનો ઘણે સ્થળે અભાવ હોય છે. ઘણી વાર તો એ તમાશો હોય છે. ભારતમાં લોકોને તમાશો ગમે છે અને જરાય ગાંભીર્ય હોતું નથી. સ્વામીજી કહે છે કે, આ સમય નથી રડવાનો કે નથી સૂવાનો. આ સમય કાર્યનો છે, સખત પરિશ્રમ સાથેના કાર્યનો છે. વાતો નહીં, કામ કરો, એમ સ્વામીજી કહે છે. પણ ભારતમાં આપણે વાતો ખૂબ કરી છે. એ સત્ય છે, દરેક જગ્યાએ વાતો, વાતો, વાતો. દુનિયાના બીજા કોઈ ભાગમાં મને એ જોવા નથી મળ્યું. ભારતમાં આપણને બે બાબતો લાગુ પડે છે : (૧) ખૂબ વાતો કરવી અને, (ર) બધે થૂંકવું. કારણ કે આપણાં મન કેળવાયેલાં નથી. નિયમનમાં નથી. તમે આમ ન કરો તે જોજો.

તમે યુવાન છો, શક્તિશાળી છો, સંસ્કાર ઝીલો તેવા છો. એટલે તો તમારા પર પડેલી અસરોને તમે વિકસાવી અને સુદૃઢ કરી શકો તેમ છો. એમ કરવું તે જ આ સંમેલનનો મહાન સંદેશ છે. માટે, એમ કરવાનું ચાલુ રાખવા અને તે સુદૃઢ કરવા લેવું ઘટે તે દરેક પગલું લેજો-વાચનનું, ચર્ચાનું અને પ્રત્યક્ષ કાર્યનું. દાખલા તરીકે, માનવ સેવાના ઉમદા વિચારને અમલમાં મૂકીને, નાના સ્વને ભૂલીને, અહીં તમે જે ભાવના અનુભવી તેને ચિરકાળ પ્રાપ્ત કરી શકશો. હું ભારપૂર્વક કહીશ કે, એ તમારી વિશેષ જવાબદારી છે. તમે જ્યાં હો ત્યાં તમને તમારા વડીલો તરફથી, ત્યાંના સ્વામીજીઓ તરફથી જરૂરી સહાય મળશે જ પરંતુ, આ સંમેલનની અંજલિરૂપે એને જાળવી રાખવા જરૂર પ્રયત્ન કરજો.

પ્ર. મોટા ભાગના સામાજિક અને રાજકીય પ્રશ્નોનું એક કારણ શંકા છે. સ્વામીજીના બોધથી એને શી રીતે દૂર કરી શકાય?

ઉ. વારુ, શંકાની ઘણી કક્ષાઓ છે. કોઈક કક્ષા સહન કરી શકાય છે. જો એનું પ્રમાણ વધારે હોય તો એ વિષમ માનસ છે. શંકાનો અતિરેક એટલે માણસનું જીવન એટલું અગવડભર્યું છે; બીજા લોકો સાથે એના સંબંધો સુખભર્યા રહી શકે નહીં. પણ માનવ જીવનમાં શંકાનું થોડું તત્ત્વ તો રહેશે જ. એની સપાટી નીચી રાખવી જોઈએ. પરંતુ આત્મ શ્રદ્ધા અને બીજાઓમાં શ્રદ્ધા એ એનો ઉત્તમોત્તમ ઉપાય છે. આ બંને હશે તો શંકાની માત્રા ઓછી હશે. મને તમારામાં વિશ્વાસ નહીં હોય તો હું તમારા પર શંકા કરીશ. મને તમારામાં વિશ્વાસ હશે તો હું તમારા પર વહેમાઈશ નહીં. એટલે તો વેદાંતનો આત્મશ્રદ્ધાનો બોધ અગત્યનો છે. કેવળ આત્મશ્રદ્ધા દ્વારા જ તમને બીજામાં શ્રદ્ધા પ્રગટ થશે. સામાન્ય રીતે, શંકાશીલ લોકોને પોતાનામાંયે શ્રદ્ધા હોતી નથી. તેઓ પોતાના પર પણ વહેમાતા હોય છે. આમ, અનિષ્ટનો આરંભ અહીં થાય છે. પછી એ સર્વત્ર ફેલાય છે. માટે, જાત વિશે જરા પણ શંકાશીલ ન રહો. આત્મશ્રદ્ધા કેળવો, પછી એનો વિસ્તાર બીજાઓ પર પણ કરો. આ ચારિત્ર્ય ઘડતરનો મોટો વિષય છે. આ પ્રશ્નોત્તરની બેઠકમાં એક-બે વાક્યમાં એ સમજાવી શકાય નહીં. પણ સ્વામી વિવેકાનંદના પત્રોમાં ઘણે સ્થળે એનું સુંદર નિરૂપણ તમને જોવા મળશે. શંકા, ઈર્ષા અને એવી બીજી નિર્બળતાઓને જીતવાની પ્રેરણા આપે તેવું ઘણુંક વિવેકાનંદની પત્રધારામાં છે. તમે સૌ એ વાંચો અને જરૂરી પ્રેરક બળ મેળવો.

પ્ર. વારુ! ઈશ્વરની કૃપા અને મનુષ્યકર્મ વિશે શો સંબંધ છે?

ઉ. એનો આધાર તમારી જાત ઉપર છે. તમારું કર્મ તમે કર્યે જાઓ એ કર્મનું ફળ તમારું હવે પછીનું કર્મ નિર્ણીત કરશે. પણ ચાવી હજી તમારા હાથમાં છે. તમારા કર્મ ઉપર તમે પૂરું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરો. કારણ કે એ તમારું જ કર્મ છે, અન્યનું નહીં. હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ –હું અહીં આરંભના ખ્રિસ્તી ધર્મની વાત કરું છું અને જૈન ધર્મમાં કર્મનો આ મોટો સિદ્ધાંત છે. આજે સમગ્ર જગત ધીમે ધીમે દૃઢતાપૂર્વક આ કર્મ સિદ્ધાંતનો સ્વીકાર કરી રહ્યું છે.

આ કર્મ-સિદ્ધાંત વિશે બે મોટી ગેરસમજ આપણા દેશમાં પ્રવર્તે છે. પહેલી ગેરસમજ એ છે કે સિદ્ધાંતનો અર્થ થાય નિયતિ અથવા કિસ્મત. સ્વામીજી આપણને કહે છે કે, આ સમજણ સાવ ખોટી છે. એમને મતે, કર્મ એટલે માનવસ્વાતંત્ર્યનો સંપૂર્ણ સ્વીકાર. તમે મુક્ત છો, તમે તેમ રહી શકો છો, તમે તેનાથી ઊલટી રીતે પણ વર્તી શકો છો, કર્મ-સિદ્ધાંતનો એ અર્થ છે. એમ નથી કહેતો કે, તમે રડ્યા રસળ્યા કરો. એ તમને એમ નથી કહેવા કહેતો કે, ‘હું શું કરું? એ મારું ભાગ્ય છે.’ કર્મ-સિદ્ધાંત આ નથી જ. આપણે નિર્બળ રાષ્ટ્ર બન્યા ત્યારથી આપણે આમ સમજવા લાગ્યા. પરંતુ સબળ રાષ્ટ્ર તરીકે એને સાચી રીતે સમજશું. આપણને આ સમજણ આપવા સ્વામીજીનું આગમન થયું હતું. આ સિદ્ધાંતની સમજણમાં પ્રથમ સુધારો એ કરવાનો છે. બીજી વધારે ગંભીર ગેરસમજ એ છે કે આ કહેવાતા કર્મ-સિદ્ધાંતને માની આપણે હૃદયના નિષ્ઠુર બની ગયા. કોઈને તકલીફમાં જોશો તો તમે કહેશો : ‘એ તો એનાં કરમ ભોગવે છે, હું શું કામ વચ્ચે પડું?’ છેલ્લી કેટલીક સદીઓમાં આપણે આ અતિ દુષ્ટ વલણ વિકસાવ્યું છે. ત્યારે સામે પક્ષે, કર્મ-સિદ્ધાંત કહેશે કે, એનું કર્મ એવું હોય તો જઈને એને મદદ કરવી એ મારું કર્મ છે. મારાં બધાં કર્મની મને હજી ક્યાં ખબર છે? કર્મ-સિદ્ધાંતને સાચી રીતે સમજવાથી આવું ભાવાત્મક, માનવતાવાદી વલણ એમાંથી ઉત્પન્ન થશે. કર્મ-સિદ્ધાંતમાંથી આ બે ગેરસમજો દૂર થશે, માનવવિકાસ માટે અને આંતર માનવ સંબંધો માટે આ ઉત્તમ સિદ્ધાંત થશે.

આથી, પશ્ચિમમાં આ કર્મ-સિદ્ધાંતમાં લોકોને ઊંડો રસ છે. ખ્રિસ્તી ધર્મમાં કર્મ-સિદ્ધાંત નથી તો, એનું સ્થાન લે તેવું બીજું કશુંક છે. એ સ્થાન લેનાર તત્ત્વને ખ્રિસ્તી પુરાણમાં શયતાન કહેવાય છે. તમારું અને મારું બૂરું કરનાર શયતાન છે. આજે કોઈ સંસ્કારી ખ્રિસ્તી શયતાનમાં માનતો નથી. એનું સ્થાન લઈ શકે એવો બીજો કોઈ સિદ્ધાંત હોવો જોઈએ. કર્મ-સિદ્ધાંતમાં એ સાંપડે છે ને એ સિદ્ધાંત જગતભરમાં ફેલાતો જાય છે. પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત સહ-અસ્તિત્વ ધરાવે છે. દુનિયાની વસતિના વધારે ને વધારે લોકોને એ પ્રેરણા આપી રહેલ છે.

પ્ર. બેંકનો મારો સરખો નોકરિયાત, પછી ભલે હું કે બીજાં કોઈ, પોતાના દૈનિક જીવનમાં સ્વામીજીના સંદેશ શી રીતે અપનાવી અમલમાં મૂકી શકે?

ઉ. તમે, હું, બધા સશકત માણસો માટેનો એ સંદેશ છે. વેદાંતને વ્યવહારમાં કેમ આચરવું તે બતાવવા માટે જ તે સંદેશ છે. આપણી પાસે વેદાંત છે, ઉપનિષદો અને ‘ગીતા’નો ગૂઢ બોધ છે. પરંતુ, આપણે તેનો ઉપયોગ માત્ર બપોરની ચા પછીની નવરાશ વેળાની ચર્ચામાં કરીએ છીએ ને ત્યાં જ તેની ઉપર પૂર્ણવિરામ મૂકી દઈએ છીએ. આપણા અંગત જીવનમાં અને અંદરો અંદરના માનવ સંબંધોમાં આ વિચારોને, આ મહાન સત્યોને અમલમાં મૂકતા નથી.

સ્વામીજી પધાર્યા અને ‘ભારતીય જીવનમાં વેદાંત’ એ વિષય પર મદ્રાસમાં આપેલા એક વ્યાખ્યાનમાં તેમણે આ વ્યવહારુ વેદાંતની મહાન કલાની પદ્ધતિ, તેની જાણકારી આપણને આપી. (‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરેલી ૫૭૦ પૃષ્ઠોનાં નાના પુસ્તક ‘સિલેક્શન્સ’ (સંચયન)માં તમને તે મળશે. આ વ્યાખ્યાન તેમાં છે. દસ રૂપિયાનું એ પુસ્તક તમે સૌ લઈ શકો છો. તમે ખરીદી શકો એ માટે એનું મૂલ્ય રૂપિયા ૨૯/- માંથી રૂ. ૧૦/- કરવામાં આવ્યું છે.) એ વ્યાખ્યાનો વાંચો અને વેદાંતને આચરણમાં મૂકવા બાબત સ્વામીજી આપણને શું કહે છે તેનો પરિચય મેળવો. યુવાન લોકોને હું ઘણી વાર કહેતો હોઉં છું તેમ બે સિનેમા-ટિકિટો એક પુસ્તકમાં ફેરવાઈ છે. એટલે આ બાબતના આ સુંદર વિચારને તમારી સમક્ષ રજૂ કરું છું. આપણી પાસે શક્તિ છે, આપણી પાસે સામર્થ્ય છે. રોજિંદા જીવનમાં વેદાંતને કામે કેમ લગાવવું તેના થોડા માર્ગદર્શનની જ આપણને જરૂર છે. સ્વામી વિવેકાનંદનો એ જ મુખ્ય સંદેશ હતો.

પ્ર. ઠીક, તો પૂર્ણતાનો આપ શો અર્થ કરો છો?

ઉ. પૂર્ણતાના જુદા જુદા પ્રકારો છે. કાર્યમાં ઉત્કૃષ્ટતા એક પ્રકારની પૂર્ણતા છે. કંઈ પણ કામ કરો ત્યારે એ પૂર્ણતાથી કરો. લઘરવઘર રીતે કશું ન કરવું. બધામાં ઉત્કૃષ્ટતા, પૂર્ણતા તેને કહેવાય છે.

પરંતુ, મુક્તિ કે મોક્ષના નામે ઓળખાતી સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક પૂર્ણતા છે. એનો અર્થ એ કે તમે પરિતૃપ્ત બનો છો, પૂર્ણ બનો છો. ધારો કે હું ખાઉં છું. હું ખાવાનું ચાલુ રાખું છું. કારણ કે પેટ હજી ખાલી છે. ને એ ભરાઈ જાય પછી, ખાવાનું બંધ. હવે બસ, હું કહું છું. તમે પરિતૃપ્ત થઈ જાઓ તેવી દશા મનુષ્ય – જીવનમાં પણ આવે છે, એ પૂર્ણતા. fulfilled (પરિતૃપ્ત થયો) એ એક પ્રાચીન સંસ્કૃત શબ્દનું અંગ્રેજી રૂપાંતર છે. બુદ્ધે તે શબ્દ વાપર્યો હતો. બુદ્ધગયામાં, એ મંગલ પૂર્ણિમાની રાત્રિએ, એમને બોધિ (પ્રકાશ)ની ઉપલબ્ધિ થઈ તેવા, એ ઊભા થઈ ઊઠ્યા અને બોલ્યા : ‘મને પરિતૃપ્તિ લાધી છે.’ સંસ્કૃત શબ્દ કૃતકૃત્ય છે. હું કૃતકૃત્ય, કૃતાર્થ થયો છું. તમે સર્વોત્તમ દશાને પ્રાપ્ત કરો, ત્યારે તમે કૃતકૃત્ય બનો છો. આ કૃતકૃત્યતાનો ખ્યાલ આપણને આધુનિક જીવનશાસ્ત્રમાં સૂત્રરૂપે મળે છે; જીવશાસ્ત્ર કહે છે કે, માનવ તબક્કે ઉત્ક્રાંતિનું ધ્યેય પરિતૃપ્ત છે. તમે પરિતૃપ્ત છો? તમે પૂર્ણ છો? ઉત્ક્રાંતિ તમને આ પ્રશ્ન પૂછશે. મહાન વેદાંતિક વિચારનો આ પડઘો છે. એટલે એ એક અદ્‌ભુત વિચાર છે. માનવને પૂર્ણ થવા દો અને નવા કરારમાંના પોતાના ગિરિબોધમાંના મહાન સંદેશને અંતે જીસસ કહે છે : સ્વર્ગમાં પિતા પૂર્ણ છે તેમ તમે પણ પૂર્ણ બનો. તર્કપૂત શ્રદ્ધા સાર્થ વેદાંત આપણને આ બોધ આપે છે. તો તર્કપૂત શ્રદ્ધાના દૃષ્ટિકોણથી એને સમજવા કોશિશ કરો. એટલે તમને પૂર્ણતા પ્રતિ ડગ ભરવાનો પંથ પ્રાપ્ત થશે.

દરેક કક્ષાએ પૂર્ણ થવું ઘટે. દાખલા તરીકે, આપણા લોકો ઘણી વાર એવા નથી હોતા. પૂર્ણતાના ખ્યાલથી તેઓ ઘણા દૂર છે. દરેક કાર્ય લઘરવઘર કરવામાં આવે છે, સારી રીતે નહીં. ઓફિસમાં જાઓ અને એકદમ લઘરવઘર રીતે કામ કરતા લોકો જોવા મળશે. ઉત્કૃષ્ટતાનો, પૂર્ણતાનો કશો ખ્યાલ જ નથી. ઉચ્ચ ચારિત્ર્યના સર્જન માટે આપણને તેની આવશ્યકતા છે.

પરદેશોમાં તમને એ જોવા મળશે. જાપાની પ્રજાનો હું ખાસ ઉલ્લેખ કરી શકું. એ લોકોનું ધ્યેય હંમેશાં ઉત્કૃષ્ટતા, પૂર્ણતા રહ્યું છે. એ લોકો જે કંઈ કરે તે પૂર્ણ જ હોવું જોઈએ. તેથી જ તે એ ઉદ્યોગને ક્ષેત્રે જગત ઉપર વર્ચસ્વ જમાવી રહ્યા છે. આથી સ્વામીજી ઇચ્છતા હતા કે આપણામાં એ ભાવના આવે. સર્વોચ્ચ પૂર્ણતા લાખો વર્ષો પછી કદાચ આવે. આપણને તે ખબર નથી; પરંતુ હાલ આપણે દૈનિક જીવનમાં, દૈનિક કાર્યમાં, દૈનિક માનવ સંબંધોમાં પૂર્ણતા હાંસલ કરી શકીએ. આના દ્વારા તે પૂર્ણતા પણ આવશે જ.

પ્ર. વિજ્ઞાન અને વેદાંત વચ્ચે શો અનુબંધ છે?

ઉ. વિજ્ઞાન અને વેદાંત વચ્ચે સંવાદિતા છે એ સ્વામી વિવેકાનંદનું શ્રેષ્ઠ યોગદાન છે. વેદાંત સત્યોનો એક સંગ્રહ છે; મત નહીં, મમત નહીં, સંપ્રદાયો નહીં પણ, મહાન ઋષિઓએ સાક્ષાત્ કરેલાં અને તમે પ્રતીત કરી સાક્ષાત્કાર કરી શકો તે માટે તમારી સમક્ષ રજૂ કરેલાં સત્યો છે. એ જ રીતે, આધુનિક વિજ્ઞાને કેટલાંક સત્યોનું શોધન કરેલું છે. તો તમે તેને પણ કસી શકો છો ને તપાસી શકો છો. તફાવત માત્ર એટલો છે કે, વૈજ્ઞાનિક સત્યો બાહ્ય પ્રકૃતિના અભ્યાસ પરથી તારવવામાં આવે છે ત્યારે વેદાંતના સત્યો આંતરિક અભ્યાસ પરથી, મનુષ્યના સત્ય સ્વભાવ પરથી. એક ભૌતિક પ્રકૃતિ છે, બીજી માનસ-પ્રકૃતિ છે. બંને વચ્ચે કશો સંઘર્ષ નથી. એટલે સ્વામીજી કહે છે, બંનેને જોડો વિજ્ઞાન અને યંત્રવિદ્યા વડે બાહ્ય પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરો અને આધ્યાત્મિક વિજ્ઞાન વડે આંતરિક પ્રકૃતિ પર. સ્વામીજીનો સંદેશ આ છે. ભારત મહાન દેશ, મહામાનવોથી ભરેલો દેશ બનશે. વિજ્ઞાન અને વેદાંતની આ બે સરિતાઓનો સંગમ ભારતની ભૂમિ પર થવા દો. તમારી ઉપર, જુવાન પેઢી ઉપર સ્વામીજીએ આ જવાબદારી નાખી છે. તો આ વિચાર ગ્રહણ કરો, વિચારને સાકાર કરવા મંડી પડો. અને, યાદ રાખો કે ભારતના સંદર્ભમાં, પશ્ચિમની માફક, વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંઘર્ષ નથી. બંનેનો આધાર તર્ક છે. બંનેના પાયામાં અન્વેષણ છે. બંનેની કસોટી કરી શકાય છે, એટલે અહીં સંઘર્ષ નથી.

સ્વામીજી આ સમજી ગયા હતા. પાછળથી, જવાહરલાલ નહેરુ જેવા મહાપુરુષોએ પણ કહ્યું હતું કે, ભારતના સંદર્ભમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંઘર્ષ નથી. પાશ્ચાત્ય સંદર્ભમાં આવો સંઘર્ષ હતો પણ હવે ત્યાં, વેદાંતે રજૂ કરેલાં વલણ- ધર્મ પ્રત્યે અપનાવતા થયા હોવાથી, ધર્મની સમજણ વધી હોવાથી એ સંઘર્ષ દૂર થયો છે. બ્રહ્મચર્યના દિશાદર્શક મુદ્રાલેખ અને આત્મશ્રદ્ધા સાથે વેદાંત અને વિજ્ઞાન સહકાર્યરત હોય તેવો ખ્યાલ આપણી કેળવણી માટે પ્રેરક બનવો જોઈએ. આ વિષય ઉપરનું આ સ્વામીજીનું જ વાક્ય છે.

પ્ર. એક વાર શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું : ‘આ જગતમાં હું ફરીથી આવીશ.’ એ આવશે ત્યારે હું તેમને શી રીતે જાણી શકીશ?

ઉ. તમે જાણો છો તે પ્રમાણે, મહાન અવતારને ઓળખવો અતિ કઠિન કાર્ય છે. ઘણી વાર એ આપણી પકડમાંથી છટકી જાય છે. શ્રીકૃષ્ણને મહાન અવતાર તરીકે આજે આપણે ઓળખીએ છીએ. પરંતુ, પોતાના જીવનકાળ દરમિયાન, એમણે સ્યમંતકમણિ ચોર્યો હોવાનું આળ એમની પર મૂકવામાં આવ્યું ત્યારે એમને પોતાની પ્રામાણિકતા પુરવાર કરવી પડી હતી. કૃષ્ણને ચારે કોર દોડધામ કરવી પડી હતી. એ મણિ શોધી જેનો હતો તેને એ આપવો પડ્યો હતો અને કહેવું પડ્યું હતું કે, હું ચોર નથી. એટલે કૃષ્ણને પુરાવો આપવો પડ્યો હતો. આમ, અવતારોને કઠિનાઈઓ ભોગવવી પડી હતી. આ બધાં માનવીય પરિબળો પાછળનું ગૂઢ દૈવી તત્ત્વ ઓળખવું સહેલું ન સમજશો. એ માટે આપણી પાસે આધ્યાત્મિક સંવેદનશીલતા જોઈએ. તમે આધ્યાત્મિક રીતે સંવેદનશીલ હશો તો શ્રીરામકૃષ્ણ પુન: અવતરશે ત્યારે એમને ઓળખી શકશો.

પરંતુ તમારે એની રાહ જોઈ બેઠા ન રહેવું. એમની સાથે જીવો. એમની પાસેથી પ્રેરણા લો. રાંધેલું ખવાયું નથી ત્યાં ફરી રાંધવાનો સવાલ જ થતો નથી. તો, એમણે જે આપ્યું છે તે પ્રથમ આરોગો. પછી વધારે માગો, એટલે શ્રીરામકૃષ્ણે જે આપ્યું છે તે લઈ તેને આત્મસાત્ કરવાનું કાર્ય આજે આપણે કરવાનું છે. પછી લોકોમાં એનો પ્રચાર કરો અને, આ મહાન અવતારને, અનુગ્રહને સમગ્ર જગતમાં ફેલાવો. એ માટે તો તેઓનું આગમન થયું હતું. બુદ્ધની ભાષામાં એ છે ‘બહુજન હિતાય, બહુજન સુખાય.’ ઘણાંના સુખ માટે, ઘણાંના કલ્યાણ માટે શ્રીરામકૃષ્ણ પધાર્યા હતા. આ કાર્ય અવિરતપણે કરો અને ૨૫૦૦ વર્ષમાં આ કાર્ય પૂરું થાય ત્યારે, શ્રીરામકૃષ્ણ પુન: અવતરે ત્યારે એમને ઓળખવાની વાત કરી શકાય. તમારા જીવનકાળમાં તમને બીજા રામકૃષ્ણનાં દર્શન થવાનાં નથી. શ્રી અરવિંદે કહ્યા પ્રમાણે, ‘બીજાં ૫૦૦ વર્ષ સુધી પૃથ્વી શ્રીરામકૃષ્ણ પરમહંસ જેવા અવતારની પ્રસવપીડા જીરવી નહીં શકે. એમણે જે વિચારધન આપ્યું છે તેનું અનુભૂતિમાં પ્રથમ રૂપાંતર કરવું ઘટે.’ એમણે ઉત્પન્ન કરેલી આધ્યાત્મિક ચેતનાનું કાર્યમાં રૂપાંતર કરવું ઘટે. આ ન થાય ત્યાં સુધી વિશેષ માગવાનો આપણને શો અધિકાર છે? વધારે લઈને આપણે કરીશું શું?

(સમાપ્ત)

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.