શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો – “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું નથી. એવા સમયે જપધ્યાન છોડીને પૂજા-પાઠ કરવાં ઉચિત છે – કે પછી બળપૂર્વક જપધ્યાન કરવાં જોઈએ?” સ્વામી બ્રહ્માનંદજી મહારાજે પત્રમાં લખ્યું – “મન પરિશ્રમ કરવા ઇચ્છતું નથી. બધો જ વખત તે સુખ શોધે છે. કંઈક મેળવવા માટે પરિશ્રમ કરવો જોઈએ. પહેલી અવસ્થામાં અભ્યાસ દૃઢ કરવા માટે બળપૂર્વક જપધ્યાન વગેરે કરવાં જોઈએ. જો વધુ સમય બેસવાથી કષ્ટ થતું હોય તો સૂતાં-સૂતાં જપ કરવો. આ રીતે અભ્યાસ દૃઢ કરી લેવો અને આત્મસાત્ કરી લેવો પડશે. મન ન લાગે તો શું છોડી દેવો જોઈએ! આવી રીતે કરવાથી તો કદી પણ અભ્યાસ દૃઢ નહીં થાય. મનની સાથે ખાસ્સી લડાઈ કરવી પડશે. આવી રીતના પ્રયત્નનું નામ જ સાધના છે. મનને વશ કરવું એ જ સાધના છે.”

પણ ક્યારેક અસાધારણ અણધારી સ્થિતિ સર્જાઈ ગઈ હોય, વ્યક્તિગત જીવનમાં કોઈના મૃત્યુથી અથવા અન્ય કોઈ ઘટનાથી મન અત્યંત વ્યથિત અને અસ્થિર થઈ ગયું હોય અથવા દેશમાં અને સમાજમાં અણધારી અરાજકતાની સ્થિતિ સર્જાઈ ગઈ હોય અને મન અત્યંત ખિન્ન, બેચેન હોય ત્યારે શું કરવું?

શ્રીમા શારદાદેવી કહેતાં: “મન ધ્યાન ધરવા જેવી સ્થિતિમાં ન હોય ત્યારે બળજબરીથી તેની પાસે તેમ કરાવવું નહીં. એવી સ્થિતિમાં પ્રણામ કરીને આસન પરથી ઊઠી જવું.” આવા સમયે આપણે ધ્યાનનો સમય ઓછો કરી પ્રાર્થના અને નામ-સ્મરણમાં વધુ સમય ગાળી શકીએ. અણધારી ઘટનાઓથી અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી શકીએ, આથી તે લોકોને તો લાભ થશે જ પણ સાથે-સાથે પોતાના મનમાં પણ શાંતિ આવશે અને મન ધ્યાન માટે પ્રસ્તુત થશે.

આની સાથે-સાથે આ ઘટનાઓથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન પણ આપણે ચાલુ રાખી શકીએ. શ્રીકૃષ્ણ આપણી સમક્ષ આ નિર્લેપતાનો ઉત્કૃષ્ટ આદર્શ મૂકે છે. મહાભારતનું ઘોર યુદ્ધ થવાની અણી પર છે. બન્ને બાજુએ મહાન યોદ્ધાઓ શસ્ત્રો લઈ એકબીજા પર પ્રહાર કરવા આતુર છે. યુદ્ધ પ્રારંભ થવાની ઘોષણા થઈ ચૂકી છે. શંખ ફૂંકાઈ ચૂક્યા છે, રણશિંગા વાગી ગયાં છે, ઘોડાઓની હણહણાટી અને હાથીઓની ગર્જના – આ બધાંનો તુમુલ ધ્વનિ થઈ રહ્યો છે, આવા કપરા સમયે અર્જુન જેવો મહારથી ‘હવે હું યુદ્ધ નહિ કરું’ એમ કહી ધનુષ્ય હેઠે મૂકી રથની પાછળ બેસી જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ જરાય ચલાયમાન થયા વગર શ્રીકૃષ્ણ જાણે કે હસતા હોય તેમ કહે છે – “હે અર્જુન, જેનો શોક ન કરવો જોઈએ એવા મનુષ્યો માટે તું શોક કરે છે અને પંડિતોની વાણીમાં વાત કરે છે. પણ જેમના પ્રાણ ચાલ્યા ગયા છે અથવા જેમના પ્રાણ હજુ ચાલ્યા નથી ગયા તેઓ માટે પણ પંડિતો શોક કરતા નથી.”

तमुवाच हृषीकेशः प्रहसन्निव भारता।
सेनेयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः॥

श्री भगवानुवाच
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांच भाषसे।
गतासूनगतासूंच नानुशोचन्ति पण्डिताः।।

(ગીતા: ૨/૧૦-૧૧)

સંસાર અને સંસારની સમસ્યાઓને જો અનાસક્તિપૂર્વક જોવાનો પ્રયત્ન કરીશું, સાક્ષીભાવે ઘટનાઓથી વેગળા રહીને જોવાનો પ્રયત્ન કરીશું તો મન એટલું વિક્ષિપ્ત નહીં થાય અને આપણે ધ્યાન કરવા સક્ષમ થઈશું.

ખરેખર તો ધ્યાન સમય (Time)માંથી સમયનિરપેક્ષતા (Timelessness)માં જવાની પ્રક્રિયા છે. સમય, સ્થળ અને કારણ (Time, Space and Causation) એ ત્રણેયથી ઉચ્ચસ્થાને જે પરમ સત્ય છે તેના પરનું ચિંતન છે. જેમ એરોપ્લેનમાંથી ધરતી પરનાં મકાનો, વૃક્ષો વગેરે સાવ નાનાં લાગે છે તેમ જ મન જ્યારે ઊર્ધ્વ સ્થિતિમાં આવશે ત્યારે સંસારની બધી સમસ્યાઓ, મોટી-મોટી ઘટનાઓ પણ નાની-નાની લાગશે અને આપણાં મનને પ્રભાવિત નહિ કરી શકે.

ધ્યાનમાં આ અલિપ્તતા મેળવવાની પ્રક્રિયામાં ધ્યેય (ઈષ્ટ) વિશેની કલ્પના પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શરૂઆતમાં ધ્યાનમાં સરળતા રહે એ અર્થે ભલે આપણે ઈષ્ટના સાકાર સ્વરૂપનું ચિંતન કરતા હોઈએ પણ એ ભૂલી ન જવું જોઈએ કે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ જ સગુણ સાકાર થઈ આપણા ઈષ્ટના રૂપમાં આવ્યા છે.

શ્રીરામનામ સંકીર્તનમાં પ્રથમ જ પંક્તિ છે-

‘शुद्ध ब्रह्म परात्पर राम,
कालात्मक परमेश्वर राम’

“શુદ્ધ બ્રહ્મ જેઓ આ સંસારથી પર છે તેમણે જ કાળમાં આબદ્ધ થઈ પરમેશ્વર રામરૂપે અવતાર લીધો છે.”

શ્રીરામકૃષ્ણદેવ નીચેની પ્રસિદ્ધ પંક્તિઓ ઘણીવાર પોતાના ઉપદેશોમાં ટાંકતા-

जो राम दशरथ का बेटा,
वही राम घट घट में लेटा।
वही राम जगत पसेरा,
वही राम है सब से न्यारा।।

આપણી રામ વિષેની કલ્પના ફક્ત ઐતિહાસિક રામ, અયોધ્યામાં દશરથને ત્યાં જન્મેલા રામ સુધી જ સીમિત ન રહેવી જોઈએ. પણ એ જ રામ શાશ્વત રામ છે અને સર્વવ્યાપક બ્રહ્મરૂપે દરેક વ્યક્તિના હૃદયમાં અત્રતત્ર સર્વત્ર વ્યાપ્ત છે, એવી ધારણા કરવાથી આપણી સંકુચિતતા દૂર થશે. તદુપરાંત એ જ રામ વળી ચરાચર સૃષ્ટિથી કાર્ય-કારણના સંબંધોથી પર છે તેવી ધારણા દૃઢ થવાથી આ જગતની સમસ્યાઓ અને ઘટનાઓ આપણા મનને વિચલિત નહીં કરે.

આમ આપણે ધ્યાનનાં પ્રથમ સોપાનો વિશે આપણે થોડી ચર્ચા કરી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગનાં આઠ સોપાનોમાં ધ્યાન એક સપ્તમ સોપાન છે. આ માટે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરતાં પહેલાં દૈનંદિન જીવનમાં નિયમિતતા, બધી ઈન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર, નૈતિક નિયમોનું પાલન વગેરેની આવશ્યકતા પર આપણે ચર્ચા કરી. કાર્યની વચ્ચે પણ ધ્યાનની આવશ્યકતા તેમ જ કાર્ય અને ધ્યાન વચ્ચેના સંબંધ, ધ્યાન અને જપ તેમ જ ધ્યાન અને પ્રાર્થના કેવી રીતે એકબીજાના પૂરક છે, તે પણ આપણે જોયું. બાહ્ય પરિબળોનો મનની એકાગ્રતા ૫ર કેવો પ્રભાવ પડે છે, મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતા, ધ્યાનના અભ્યાસ માટે અસીમ ધૈર્ય, ખંત અને ઉત્સાહની કેટલી આવશ્યકતા છે એ બધું પણ આપણે વાર્તાઓ અને ઉદાહરણોના માધ્યમથી જોયું. ધ્યાનના પ્રકારો અને ધ્યાનના અભ્યાસમાં આવતા અંતરાયોની વિસ્તારથી ચર્ચા આપણે અલગથી કરવાનો પ્રયત્ન કરીશું.

(સંપૂર્ણ)

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.