“મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?”

દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે તાકી રહ્યા કે જાણે એને આ પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર જ ન હોય ! અને પછી બોલ્યા “તમારી એવી તે કઈ યોગ્યતા છે?” પ્રશ્ન પૂછનારને આ ઉત્તરથી ઘણું જ માઠું લાગ્યું. પણ તેઓ એ અપમાન ગળીને ચૂપ થઈ ગયા. પરંતુ પરમહંસદેવ વિષે જાણવાની જે તીવ્ર ઇચ્છા હ્રદયમાં ઉદ્ભવી હતી, તે ઇચ્છા કેમેય દૂર ન થઈ. ઊભું વધુ ને વધુ તીવ્ર બનવા લાગી અને એ ઇચ્છાને સંતુષ્ટ કરે એવી વ્યક્તિ ત્યારે એમના ધ્યાનમાં એક જ હતી અને તે દેવેન્દ્ર મઝુમદાર. ભલે એમણે અપમાન કરી લીધું, છતાં પણ ગમે તેમ કરીને એમને રીઝવીને એમની પાસેથી જ પરમહંસદેવની માહિતી મેળવી શકાશે એમ માનીને તેઓ દેવેન્દ્રની સેવા કરવા લાગ્યા. વહેલી સવારે દેવેન્દ્રના ઓરડાનાં બારણાં આગળ એની મનપસંદ સુગંધી તમાકુનો હુક્કો ભરેલો જોઈને દેવેન્દ્ર પ્રસન્ન થઈ જતા. કેટલાય દિવસ સુધી આ ક્રમ ચાલુ રહ્યો એટલે દેવેન્દ્ર તપાસ કરીને હોકો ભરનારને બોલાવ્યા અને પૂછ્યું “શા માટે તમે મારા માટે રોજ આ કામ કરી રહ્યા છો?”

“દેવેનબાબુ, આપ જો મારા આ કામથી ખરેખર પ્રસન્ન થયા હો, તો મારા ઉપર એક કૃપા કરો. મને પરમહંસ દેવ પાસે લઈ જશો?” એવી આજીજીપૂર્વક તેમણે દેવેન્દ્રને કહ્યું કે દેવેન્દ્ર તેમના અંતરની આટલી પ્રબળ ઇચ્છા જોઈને પીંગળી ગયા અને તેમણે હા પાડી.

પરમહંસ દેવનું નામ સાંભળતાં જ જેમના અંતરમાં એમને મળવાનું તીવ્રતમ ખેંચાણ જાગ્યું હતું, તે હતા અક્ષયકુમાર સેન. બાંકુરા જિલ્લાના મયનાપુર ગામમાં એક ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો હતો. ગરીબીને કારણે ગામડાની નિશાળમાં જ તેમને અભ્યાસ કરવો પડયો હતો. ગરીબીમાંથી મુક્તિ મળે એટલે તેઓ સારી નોકરી માટે કલકત્તા આવ્યા હતા. જોડાસાંકોમાં ટાગોર પરિવારનાં બાળકોને ખાનગી ટયુશન આપવાનું કામ તેમને મળ્યું હતું. દેવેન્દ્ર મઝુમદાર પણ જોડાસાંકોમાં ટાગોરને ત્યાં જ કામ કરતા હતા. પરંતુ અક્ષયે કદી સામે ચાલીને તેમની ઓળખાણ કરી ન હતી. અક્ષય હંમેશાં પોતાને અસુંદર, અજ્ઞાની અને નિર્ધન ગણતા. એથી ક્યાંય આગળ આવતા નહીં. તેઓ પોતે કૃષ્ણભક્ત હતા. પારિવારિક ગુરુ પાસે તેમણે મંત્રદીક્ષા લીધી હતી. અને તેઓ ખૂબ જ૫ કરતા. કૃષ્ણદર્શન માટે વ્યાકુળ હતા. તે માટે ગંગાકિનારે બેસીને જપધ્યાન કરતા, પણ કંઈ જ પરિણામ આવતું ન હતું અને તેથી તેમને અંતરમાં એમ થતું હતું કે જેમણે ભગવાનને જોયા હોય એવો કોઈ મહાત્મા મળી જાય તો તે જરૂર ભગવદ્ દર્શન કરાવી શકે. આ દરમિયાન એમણે એક દિવસ વરંડામાં ટાગોર કુંટુંબના ધીરેન્દ્રની આગળ દેવેન્દ્ર મઝુમદારને પરમહંસદેવની વાત કરતા સાંભળ્યા અને એમના અંતરમાં પરમહંસદેવ વિષે વિશેષ જાણવાની ઇચ્છા જાગી. પણ ત્યારે તો તેમની હિમ્મત ન થઈ કે ત્યાં જઈને બન્નેને પૂછે. પણ થોડા દિવસ બાદ એમણે હિમ્મત કરીને પૂછ્યું અને પછી તો દેવેન્દ્રને પ્રસન્ન કરી પરમહંસદેવ પાસે લઈ જવાની રજા પણ મેળવી લીધી. હવે એ દિવસ ક્યારે આવશે એની આતુરભાવે પ્રતીક્ષા કરવા લાગ્યા.

એવામાં ખબર મળ્યા કે મહિમાચરણ ચક્રવર્તીને ત્યાં શ્રીરામકૃષ્ણ પધારવાના છે. અક્ષયે મનમાં જ નક્કી કરી લીધું કે દેવેન્દ્રબાબુની સાથે ત્યાં જવું જ. પણ તે દિવસે દેવેન્દ્ર પોતાની સાથે આવવાનું અક્ષયને કહ્યું નહીં. દેવેન્દ્ર અને ધીરેન્દ્ર બંને ઘોડાગાડીમાં બેસી ગયા. અક્ષયને ખબર પડતાં જ તેઓ દોડતા આવ્યા અને તેમણે દેવેન્દ્રના પગ પકડી લીધા. આજીજી કરી, “મહાશય મારા ઉપર કૃપા કરો. મને પરમહંસદેવનાં દર્શન કરવા લઈ જાઓ.” બે હાથ જોડી દીનભાવે કરગરવા લાગ્યા. હવે દેવેન્દ્ર એમને ના પાડી શક્યા નહીં અને તેમને ઘોડાગાડીમાં બેસાડ્યા. મહિમાચરણને ત્યાં સાંજે પાંચ વાગે સહુ આવી પહોંચ્યાં. બધાએ શ્રીરામકૃષ્ણનો ચરણ-સ્પર્શ કરી એમને પ્રણામ કર્યા. અક્ષયે પણ બધાની જેમ જ કર્યું. શ્રીરામકૃષ્ણે એમના તરફ દૃષ્ટિ કરી. સ્મિત કર્યું અને એ ક્ષણે અક્ષયની જાણે દુનિયા જ બદલાઈ ગઈ! તેઓ આજુબાજુના વાતાવરણને ભૂલી ગયા. પોતાના દેહને સુધ્ધાં ભૂલી ગયા અને શ્રીરામકૃષ્ણના માધુર્યમાં લીન થઈ ગયા. શ્રીરામકૃષ્ણના પ્રથમદર્શનનું વર્ણન એમણે આ રીતે કર્યું છે:

શ્રી મૂર્તિ નયન દ્વારે પ્રવેશિ હૃદય પૂરે
હૃદય કરિલો અધિકાર
આપન-આપન-હારા બહિલો નૂતનધારા
સેઈ દેહે હઈનુ નૂતન…
કિછુઈ ના પાઈ ખુંજે જૈનો કોનો નવરાજ્યે
સ્વપ્ન હયછિ આગ્રયાન.

“શ્રીમૂર્તિ મારા નયન દ્વારમાં થઈને હૃદયપૂરમાં પ્રવેશી અને ત્યાં અધિકાર સ્થાપી દીધો. હું મારી જાતને ખોઈ બેઠો. નૂતન ધારા વહેવા લાગી. આ દેહમાં જ મેં નવું રૂપ મેળવ્યું. શોધવાથી તો મને કંઈ જ ન મળ્યું. જાણે કોઈ નવા રાજ્યમાં સ્વપ્નલોકમાં આવી પહોંચ્યો છું.”

શ્રીરામકૃષ્ણના દર્શન પછી ત્યાં કીર્તન ગવાવા લાગ્યાં. એવામાં તો શ્રીરામકૃષ્ણ ઊભા થઈને નૃત્ય કરવા લાગ્યા. થોડીવારમાં નૃત્ય કરતાં કરતાં તેઓ સમાધિમાં સ્થિર થઈ ગયા. અક્ષયને માટે તો આ બધું જ આશ્ચર્યકારક અને અગમ્ય હતું. તેમને સમગ્ર વાતાવરણ પવિત્રતાનાં આંદોલનોથી સભર લાગતું હતું. ત્યાં તો શ્રીરામકૃષ્ણની બાજુમાં જ ઊભીને નૃત્ય કરી રહેલા બ્રાહ્મો નેતા વિજય ગોસ્વામીએ શ્રીરામકૃષ્ણ તરફ નિર્દેશ કરીને કહ્યું: “આ રહ્યા આપણા કૃષ્ણ.” વિજયના આ શબ્દો અક્ષયના અંતરમાં એક ઝબકારો કરી ગયા. તેમણે અનુભવ્યું કે જેને માટે તે વર્ષોથી ઝંખી રહ્યા હતા, તે જ આ કૃષ્ણ છે. આ હતું અક્ષયે કરેલું શ્રીરામકૃષ્ણનું પ્રથમ દર્શન!

એ પછી તો તેઓ પાછા ગાડીમાં બેસીને ઘેર ગયા. પણ ગાડીમાં બેસીને જે અક્ષય આવ્યા હતા, તે હવે નહોતા રહ્યા. ગાડીમાં શ્રીરામકૃષ્ણના ભક્ત-શિષ્ય શ્રી રામબાબુ પણ સાથે હતા. તેમણે તો રસ્તામાં શ્રીરામકૃષ્ણની લીલાની અનેક વાતો અક્ષયને કરી. વરસોથી તૃષાતુર રહેલા અક્ષયના અંતરમાં જાણે અમૃતધારા વરસી રહી. આ વાતોથી તેમને તૃપ્તિ થતી જ ન હતી. એટલે તેઓ શ્રીરામબાબુને ત્યાં સિમુલિયા ઊતરી ગયા. અને તે રાત્રે બે વાગ્યા સુધી તેમણે પરમહંસદેવના અનેક લીલાપ્રસંગો વિષે જાણ્યું. બીજે દિવસે વહેલી સવારે તેઓ ધરે પહોંચ્યા પણ ત્યારથી જ તેમનું હૃદય શ્રીરામકૃષ્ણ પાસે ફરીથી જવા આતુર બની ગયું. એ તો હતું શ્રીરામકૃષ્ણનું દૈવી ચુંબકત્ત્વ ! જેમને એકવાર પણ એમની કૃપાદૃષ્ટિ મળી કે એમનો દિવ્યસ્પર્શ મળ્યો હોય તે મનુષ્ય તેમની પાસે ફરી ગયા વગર રહી શકતો જ નહીં.

થોડા દિવસ બાદ અક્ષય એક મિત્ર સાથે દક્ષિણેશ્વર પહોંચી ગયા. આ વખતે શ્રીરામકૃષ્ણે અક્ષયને એના જીવન વિષે ઘણી વાતો પૂછી અને તેના વિષે જાણી લીધું. પછી અક્ષય જયારે એમનો ચરણસ્પર્શ કરવા ગયા ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાના ચરણો પાછા ખેંચી લીધા અને કહ્યું: “મન પવિત્ર થશે, પછી થશે.” ત્રણ જ મુલાકાતમાં અક્ષય શ્રીરામકૃષ્ણના અવતારકાર્યને ઓળખી ગયા અને એમણે શ્રીરામકૃષ્ણનું શરણ પૂર્ણભાવે સ્વીકારી લીધું. તેઓ તેમના પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ મહિમા’માં લખે છે: મેં શ્રીરામકૃષ્ણ સાથે નથી ક્યારેય વાત કરી કે નથી કોઈ પ્રશ્ન પૂછ્યો, પણ મને એટલી તો ખબર હતી કે જે કોઈને ય ઠાકુરનો સ્પર્શ પોતાના હૃદય પર થાય તેની બાહ્યચેતના લુપ્ત થઈ જાય છે અને એ સ્થિતિમાં તે શ્રીકૃષ્ણનાં દર્શન કરી શકે છે. મને પણ આ રીતે શ્રીરામકૃષ્ણનાં દર્શન થાય એ આશાથી મેં તેમની પાસે આવવાનું ચાલુ રાખ્યું હતું અને જયારે જયારે હું એમની પાસે હોઉં ત્યારે હું જુદી જ વ્યક્તિ બની જતો. હું વિચારતો કે ક્યારે ઠાકુર મારા ઉપર કૃપા કરી મારા હૃદયનો સ્પર્શ કરશે? ઘણા દિવસો પસાર થઈ ગયા પણ મારી ઇચ્છા પૂરી ન થઈ. હું એમની પાસે આશાભર્યો જતો અને નિરાશ થઈ આંસુભરી આંખે પાછો ફરતો.

મારા સમગ્ર જીવન દરમિયાન ફક્ત બે જ વાર મેં ઠાકુર સાથે વાત કરી છે, એક દિવસે એમને એકલા જોઈને મેં કહ્યું, “ઠાકુર, હું અજ્ઞાનથી અંધ છું” ઠાકુરે કહ્યું, “ભગવાન છે.” તેમનો કહેવાનો આશય એ હતો કે “તમે ભલે અંધ છો, પણ ભગવાન તમને જુએ છે.” બીજી વખત જ્યારે હું ઠાકુર માટે આઈસ્ક્રીમ લઈને ગયેલો અને તે તેમણે સ્વીકાર્યો નહીં, ત્યારે મેં એમને પૂછ્યું: “ઠાકુર, આપે કેમ આઈસ્ક્રીમ ન ખાધો? મને એથી ખૂબ દુ:ખ થયું.” ત્યારે તેમણે સ્મિતપૂર્વક કહ્યું: “જો તું બપોરે આઈસ્ક્રીમ લાવ્યો હોત તો મેં જરૂર ખાધો હોત, પણ અત્યારે સાંજ છે અને જો હું અત્યારે આઈસ્ક્રીમ ખાઈશ તો માંદો પડી જઈશ. એટલે ન ખાધો. “જે રીતે ઠાકુર મારી સાથે વર્તન કરતા એ રીતે જો બીજા કોઈ સાથે કર્યું હોય તો તે કદી પાછો આવ્યો ન હોય. બીજા ઘણા લોકો તેમના ચરણસ્પર્શ કરી શકતા હતા. પણ જેવો હું કરવા જતો કે તેઓ પોતાના ચરણો પાછા ખેંચી લેતા… ઠાકુર આધ્યાત્મિક વાતો જે રીતે કરતા તે હું સમજી શકતો નહીં એટલે હું એક ખૂણામાં બેસીને એમને હંમેશાં જોયા કરતો.”

અકળ હોય છે અવતારપુરુષનું વર્તન અને વ્યવહાર! સામાન્ય માણસ પોતાની ઉપરછલ્લી દૃષ્ટિથી એ સમજી શકે નહીં. કોઈ વ્યક્તિ પ્રત્યે તેમની બહારથી દેખાતી કઠોરતા, ઉપેક્ષા કે અસહિષ્ણુતાની પાછળ રહેલો હોય છે એ વ્યક્તિ પ્રત્યેનો અપાર પ્રેમ અને અનંત કરુણા! અક્ષય પ્રત્યેના ઠાકુરના કઠોર વર્તનની પાછળ છલકાતી હતી ઠાકુરની અદ્વૈતુકી કૃપા અને એટલે જ તો અનેક જન્મો પછી પણ અક્ષય મનની અશુદ્ધિઓમાંથી મુક્ત થઈ શક્યા ન હતા, તે ઠાકુરના આવા વર્તનથી થોડા દિવસમાં જ મુક્ત બની પરમ પવિત્ર બની ગયા. પ્રાર્થના અને આંસુથી તેમણે પોતાની મલિનતા ધોઈ નાખી અને એ નિર્મલ હૃદયમાં એમણે અનુભવ્યું કે ઠાકુર એ સાક્ષાત્ પરમાત્મા છે. આ વિશે એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે; “શ્રીરામકૃષ્ણે મને જે બતાવ્યું અને સમજાવ્યું તેથી મને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે તેઓ સ્વયં ભગવાન છે. તેઓ અવતારપુરુષ છે. વિશ્વના સ્વામી છે. સર્વવ્યાપી છે. તે જ રામ છે. તે જ કૃષ્ણ છે. તે જ કાલી છે. ખરેખર એ સચ્ચિદાનંદ પોતે જ છે. તે મન અને બુદ્ધિથી પર છે. પણ પાછું એ ખરું કે નિર્મલ મન અને વિશુદ્ધ બુદ્ધિથી જ એ સમજી શકાય છે.”

પણ આ કક્ષાએ પહોંચતાં પહેલાં અક્ષયને તીવ્ર સંઘર્ષ અને મનોમંથનમાંથી પસાર થવું પડયું હતું. તેમને એકબાજુથી શ્રીરામકૃષ્ણ પ્રત્યેનું તીવ્ર મધુર આકર્ષણ હતું તો બીજી તરફ એમને શ્રીરામકૃષ્ણનો ભય પણ લાગતો હતો. તેમના હ્રદયમાં શ્રીરામકૃષ્ણ પ્રત્યે રહેલા અપાર પ્રેમને તેઓ વ્યક્ત કરી શકતા ન હતા. શ્રીરામકૃષ્ણની હાજરીમાં એમની વાચા બંધ થઈ જતી. આથી એમણે દેવેન્દ્રનાથને કહ્યું: “આપ મારા માટે ઠાકુરને વિનંતી કરો કે તેઓ મને આશીર્વાદ આપે”. જ્યારે દેવેન્દ્ર શ્રીરામકૃષ્ણને કહ્યું “હું શું કહ્યું?” “તું એને કંઈક સલાહ આપ.” અને દેવેન્દ્ર અક્ષયને શ્રીકૃષ્ણનું નામ જપવા કહ્યું. તેઓ દેવેન્દ્રની સલાહ માની કૃષ્ણનામ જપવા લાગ્યા.

થોડા દિવસો બાદ ઠાકુર દેવેન્દ્રના ઘરે પધાર્યા. અક્ષય પણ બધા ભક્તોની સાથે ત્યાં ગયા. દેવેન્દ્ર બધાને જમાડવાના કાર્યમાં રોકાયેલા હતા. આથી તેમણે અક્ષયને ઠાકુરને પંખો નાંખવા કહ્યું. તે દિવસે અક્ષયને ઠાકુરની સાવ નજીક તેમના ચરણ પાસે બેસીને સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું અને તેમનું રોમેરોમ હર્ષથી પુલકિત બની ગયું.

શ્રીરામકૃષ્ણે પોતાની ઐહિક લીલા સમાપ્ત કરતાં પહેલાં પોતાના સર્વ શિષ્યોને પહેલી જાન્યુઆરી ૧૮૮૬ના રોજ કલ્પવૃક્ષ બનીને ઇચ્છિત વરદાન આપ્યાં હતાં. તે દિવસે બપોરે શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં આવ્યા. ભક્તો તેમની પાછળ પાછળ આવતા હતા. તે વખતે અક્ષય અને બીજા ભક્તો એક વૃક્ષની નીચલી ડાળી પર બેઠા હતા. તેમણે શ્રીરામકૃષ્ણને જોયા અને તેઓ જલ્દીથી નીચે ઊતરીને શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ સમાધિમગ્ન ઊભા હતા! તેમનું બાહ્ય ભાન ચાલ્યું ગયું હતું. અક્ષયે ચપાનાં બે પુષ્પો લીધાં અને સમાધિમગ્ન ઠાકુરના ચરણોમાં મૂક્યાં. થોડીવારે ઠાકુર સમાધિમાંથી જાગ્યા. પછી બધા ભક્તો – શિષ્યોને તેમણે ઊંચા હાથ કરી આશીર્વાદ આપ્યા કે તમને ચૈતન્યની પ્રાપ્તિ થાઓ. એ પછી એક પછી એક બધા શિષ્યોએ એમના ચરણસ્પર્શ કરી એમને પ્રણામ કર્યા, ત્યારે શ્રીરામકૃષ્ણે દરેકની આંતરિક ઇચ્છા પૂર્ણ કરી. તેમના કૃપાસ્પર્શે કોઈને ઈષ્ટદેવનાં દર્શન થયાં, કોઈની કુંડિલની જાગી ઊઠી, કોઈ અલૌકિક આનંદની અનુભૂતિ કરવા લાગ્યા. કેટલાકની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અક્ષય દૂર રહીને આ બધું જોતા હતા ત્યાં એકાએક શ્રીરામકૃષ્ણની એમના પર દૃષ્ટિ પડી અને તેઓ બોલ્યા: “કેમ રે!” અને અક્ષય પણ દોડીને ઠાકુર પાસે પહોંચી ગયા. ત્યારે ઠાકુરે એમની છાતીને સ્પર્શ કર્યો અને તેમના કાનમાં મંત્ર આપ્યો. જીવનમાં જે સ્પર્શને માટે તેઓ ઝંખતા હતા, જેને મેળવવા માટે તેમણે કેટલાંય આસું સાર્યાં હતાં એ સ્પર્શ મળતાં જ અક્ષયનું હૃદય આનંદથી ઉછાળા મારવા લાગ્યું, અને શરીર તો એ આનંદના આવેગથી કાબૂમાં જ ન રહ્યું અને તેમનું શરીર વાંકુંચૂકું થઈ ગયું. તેઓ ભાવાવેશમાં આવીને નૃત્ય કરવા લાગ્યા. અત્યાર સુધી શ્રીરામકૃષ્ણે અક્ષયને એ સ્પર્શ નહોતો આપ્યો. જયારે એમની એ સ્પર્શ ઝીલવાની આંતરિક ક્ષમતા બરાબર તૈયાર થઈ ત્યારે જ એમને એ સ્પર્શ મળ્યો એટલું જ નહીં પણ મંત્રદીક્ષા પણ મળી અને તે સાથે જ તેમની આંતરિક શક્તિઓ જાગૃત થઈ ગઈ. કૃપાસ્પર્શ અને મંત્રદીક્ષા પામેલા અક્ષય હવે સામાન્ય માનવી ન રહ્યા.

૧૫મી ઑગસ્ટ ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણની તબિયત ઘણી જ નાજુક હતી. આથી સ્વામી વિવેકાનંદે અક્ષયને તે રાત્રે શ્રીરામકૃષ્ણની સેવા માટે ત્યાં રોકી રાખ્યા અને અક્ષયને ઠાકુરને પંખો નાંખવાની સેવા સોંપી. આમ ઠાકુરની સાવ સમીપ રહેવાની અક્ષયની ઇચ્છા પણ ઠાકુરે આ રીતે પૂરી કરી દીધી. તે રાત્રે ઠાકુરની તબિયત બગડતાં તેઓ કલકત્તા જઈને ગિરિશબાબુ અને રામબાબુને તાબડતોબ બોલાવી લાવ્યા હતા. તે રાત્રે, ૧૬મી ઑગસ્ટે સવારે એક ને બે મિનિટે શ્રીરામકૃષ્ણે પોતાની ઐહિક લીલા સમાપ્ત કરી ત્યારે અક્ષય ઠાકુરની સમીપ જ હતા.

ઠાકુર આ લોક છોડી ચાલ્યા ગયા. પણ અક્ષયના હૃદયમાં એમણે કશુંક જગાડી દીધું હતું અને હવે તે એમના અંતરમાંથી પ્રગટી રહ્યું હતું. તેમનામાં નહોતી કોઈ કાવ્યશક્તિ કે નહોતી એવી દૃષ્ટિ અને છતાં શ્રીરામકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એમના હ્રદયમાંથી કાવ્યદેહે પ્રગટવા મથી રહ્યો હતો. એમને પોતાને પણ એ સમજાતું નહોતું. એમણે પોતાની આ આંતરિક સ્થિતિની સ્વામી વિવેકાનંદને વાત કરી. ત્યારે સ્વામીજીએ ઠાકુર પ્રત્યેનો એમનો પ્રેમ અને એમના દિલની સચ્ચાઈ જોઈને એમને ઠાકુરના બાલજીવનની કથાને કાવ્યમય રીતે લખવા કહ્યું. ત્યારે અક્ષયે કહ્યું: “મારામાં એવી કોઈ શક્તિ નથી કે હું ઠાકુરની જીવનકથા કાવ્યમય રીતે લખું.” તે વખતે સ્વામીજીએ એમને પ્રોત્સાહન આપતાં કહ્યું: “તમને ખબર છે? અંગ્રેજ કવિ કેડમોન ભરવાડ હતો, જેને બારાખડીયે આવડતી નહોતી. પણ એક રાત્રે તેણે દેવદૂતને સ્વપ્નમાં જોયો અને તે દેવદૂતની કૃપાથી તેની કાવ્યશક્તિ જાગી ઊઠી અને તે શીઘ્રરચના કરવા લાગ્યો. તેનાં કાવ્યો લોકોમાં ગવાવાં લાગ્યાં.” સ્વામીજીએ આપેલા ઉત્સાહથી અક્ષયે શ્રીરામકૃષ્ણની બાલકથા લખવાનો પ્રારંભ કર્યો અને પછી તો જાણે શબ્દધોધ ઉપરથી સહજપણે વહેતો થયો અને બાલકથા પૂરી થઈ ગઈ. સ્વામીજીને બતાવતાં તે તેમને ખૂબ સ્પર્શી ગઈ. આથી તેઓ અક્ષયને શ્રીમા શારદાદેવી પાસે લઈ ગયા. શ્રીમાએ એ કથા સાંભળી અને તેઓ ભાવવિભોર બની ગયા. તેમણે અક્ષયને આશીર્વાદ આપ્યા કે “તમારો ગ્રંથ નિર્વિઘ્ને પૂરો થાઓ.” પછી શ્રીમા જ્યારે કામારપુકુર ગયાં હતાં, ત્યારે તેમણે અક્ષયને ત્યાં બોલાવ્યા. ત્યાં શ્રીરામકૃષ્ણની બાળલીલાના સાક્ષી જે વૃદ્ધજનો હતા તેમની આગળ આ કથા સંભળાવી. આ કથા સાંભળતાં જ સહુની સમક્ષ જાણે શ્રીરામકૃષ્ણનું બાળજીવન તાદૃશ થતું હોય એવું અનુભવાયું. શ્રીમાએ ભાવાવેશમાં તેમને ફરીથી આશીર્વાદ આપી કહ્યું: “શ્રીઠાકુરના જીવન વિષે હજુ વધારે લખો.” આમ અક્ષયને શ્રીમાના આશીર્વાદ મળ્યા. સ્વામીજીનું પ્રોત્સાહન મળ્યું. ઠાકુરના અન્ય સંન્યાસી પુત્રો અને ગૃહીભક્તો પાસેથી જોઈતી તમામ માહિતી મળી અને અક્ષયની કલમમાંથી શ્રીરામકૃષ્ણની જીવનધારા અસ્ખલિત વહેવા લાગી.

અક્ષય જ્યારે આ ગ્રંથ લખતા હતા ત્યારે તેઓ દિવસે આહિરી ટોલામાં નોકરી કરવા જતા હતા અને રાત્રે આ ગ્રંથ લખતા. તેઓ લખતાં પહેલાં ગંગાકિનારે જતા અને ત્યાં બેસીને ઠાકુરને આર્દ્રભાવે પોકારતા. પ્રાર્થના કરતા કે “હે ઠાકુર, મારા ઉપર કૃપા કરો. મને શક્તિ આપો કે જેથી હું આપના જીવન વિષે કંઈક લખી શકું.” અને પછી તેઓ તુરત જ પોતાના અંતરમાં પ્રેરણાનો સ્રોત અનુભવતા. તે પછી તુરત જ પોતાના ઘરે પાછા ફરતા અને લખવા બેસી જતા. આ રીતે શ્રીઠાકુરની કૃપાથી ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’ એ આખો ગ્રંથ પ્રેરણાની સર્વોચ્ચ ભૂમિકામાંથી લખાયો છે. સરળ ભાષા, પ્રવાહી શૈલી અને ભક્તિભાવ ભરી હૃદયંગમ રજૂઆતને લઈને પૂંથિએ સમગ્ર બંગાળમાં ઘરે-ઘરે શ્રીરામકૃષ્ણની જીવનધારાને વહાવી છે. કાવ્યમય શૈલી હોવા છતાં પૂંથિની ભાષા એટલી સરળ ને ભાવવાહી છે કે અભણ માણસ પણ એ સાંભળીને એ ભાવને પોતાના અંતરમાં અનુભવી શકે છે. જયારે પૅથિની નકલ સ્વામી વિવેકાનંદને અમેરિકામાં મોકલવામાં આવી ત્યારે તે વાંચીને એમણે સ્વામી રામકૃષ્ણાનંદને પત્રમાં લખ્યું : “હમણાં જ મેં અક્ષયનો ગ્રંથ પૂરો કર્યો. તેમને મારા તરફથી હૃદયપૂર્વકનાં સેંકડો અભિનંદન. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતે જ અવિર્ભાવ પામ્યા છે ! અક્ષય કૃપા પાત્ર છે. તેમને બધાની સમક્ષ ‘પૂંથિ’ વાંચવાનું કહેજો. ઉત્સવમાં તેમણે બધાંની આગળ પૂંથિ વાંચવી જ જોઈએ. જો તે બહુ લાંબુ થઈ જાય તો તેનો સારાંશ વાંચવો. આખા ગ્રંથમાં મને એક પણ અયોગ્ય શબ્દ મળ્યો નથી. એ પુસ્તક વાંચતાં મને જે આનંદ થયો છે તે હું વર્ણવી શકતો નથી. આ પુસ્તકનું વધારે વેચાણ થાય તે માટે તમે બધા પ્રયત્ન કરો, અને પછી અક્ષયને ગામડે ગામડે જવાનું કહો. ઘણું જ ઉત્તમ! અક્ષય તેઓ તેમનું કામ કરશે જ. ગામડે-ગામડે જઈને શ્રીરામકૃષ્ણ ઉપદેશને પ્રસરાવો. શું આનાથી વધારે કૃપાપાત્ર કોઈ હોઈ શકે? અક્ષયનું પુસ્તક અને અક્ષય પોતે બંને લોક સમૂહોને આલોકિત કરશે. વહાલા અક્ષય, હું સંપૂર્ણ હૃદયથી તમને આશીર્વાદ આપું છું. મારા પ્રિય ભાઈ, ઠાકુર તમારી જીભ પર બિરાજે અને બારણે-બારણે તમે એમના ઉપદેશને વહાવો. એ માટે કંઈ સંન્યાસી હોવાની જરૂર નથી. અક્ષય એ બંગાળના સામાન્ય લોકસમુદાયનો માર્ગદર્શક છે. અક્ષયની સંભાળ રાખજો. તેની શ્રદ્ધા અને ભક્તિ ફળ્યાં છે!”

આ શ્રદ્ધા અને ભક્તિ એમના જીવનના અંતિમ સમયે પણ એમને ફળ્યાં. ત્યારે છેલ્લા ચાર દિવસ તેમને ખૂબ તાવ આવી ગયો હતો. લોહીના ઝાડા થઈ ગયા હતા. પણ તેઓ તો શ્રીઠાકુર અને શ્રીમાના ધ્યાનમાં જ રહેતા હતા. જયારે અંતિમ ક્ષણો પાસે આવતી જણાઈ ત્યારે તેમના ભાઈ મોટેથી શ્રીરામકૃષ્ણ નામનો જપ કરીને તેમને સંભળાવવા લાગ્યા. તે સમયે તેમણે કહ્યું: “ચુપ રહો, જુઓ, શ્રીઠાકુર અને શ્રીમા આવ્યાં છે.” અને એ ભાવદર્શનમાં તેઓ ધ્યાનસ્થ બની ગયા. આંખો અર્ધ ઉઘાડી. ચહેરા પર આનંદની આભા પ્રસરાવીને તેમનો આત્મા શરીરના સ્થૂળ પિંજરને છોડીને શ્રીઠાકુર અને શ્રીમા સાથે આનંદના અનંત-લોકમાં ચાલી નીકળ્યો ઈ.સ. ૧૯૨૩ના સાતમી ડિસેમ્બરે.

ઝીણી આંખો, જાડા હોઠ, ચપટું નાક, પાતળું શરીર અને ઘેરો કાળો રંગ, અને પાછળથી એમાં ઉમેરાયેલી લાંબી સફેદ મૂછો અને દાઢી ને જાડા કાચના ચશ્મા, દેહની આવી બાહ્ય કુરૂપતામાં શ્રીરામકૃષ્ણના કૃપાસ્પર્શે આંતરિક સૌંદર્યં કેવું પ્રગટયું ! એનું મૂર્તિમંત ઉદાહરણ એ અક્ષયનું જીવન છે. એમણે શ્રીઠાકુરને આતુરભાવે પ્રાર્થના કરી: ‘હે ઠાકુર, મારા પર કૃપા કરો, મારા મનની મિલનતાને ધોઈ નાખો’ અને ઠાકુરે એમના પર કેવી કૃપા કરી કે ખુદ સ્વામી વિવેકાનંદે પણ લખવું પડ્યું કે “આનાથી વધારે કૃપાપાત્ર બીજું કોણ હોઈ શકે.” કેમ કે શ્રીરામકૃષ્ણે એમને પોતાની ચેતના સાથે તદ્રુપ બનાવીને એમના દ્વારા પોતાની જીવનકથા કાવ્યદેહે પ્રગટ કરાવી એમને પણ અમરતા બક્ષી દીધી! ધન્ય છો અક્ષયબાબુ તમે!”

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.