ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત કરી પહોંચ્યો અને એક નાના શિશુની જેમ માતાની મૂર્તિ સામે ભાવવિભોર થઈ ગયો. માતાની પૂજા સમાપ્ત કરી તે મંદિરની બહાર આવ્યો અને સમુદ્રના કિનારા પર ઊભા રહેતા વિચારોમાં ખોઈ ગયો. થોડે દૂર એક શિલાખંડ પર તેની દૃષ્ટિ પડી. જાનની પરવા કર્યા વગર તે ઘૂઘવતા સમુદ્રમાં કૂદી પડ્યો. તરીને તે શિલાખંડ પર પહોંચ્યો અને ઊંડા ધ્યાનમાં નિમગ્ન થઈ ગયો પણ આ કોઈ સાધારણ દેવી-દેવતા પરનું ધ્યાન નહોતું. આ ધ્યાન હતું ભારતમાતાનું. ભારતનું ગૌરવમય અતીત, તેના અંધકારમય વર્તમાન અને તેના સુવર્ણમય ભવિષ્યના વિચારોમાં તે ડૂબી ગયો. ભારતની જનતાની ગરીબી, દુર્દશા, નારીઓ પરના અત્યાચાર, ધર્મના નામ પર પાખંડ વગેરે જે તેણે પોતાની સગી આંખે નિહાળ્યું હતું એ બધું તેના મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ ગયું. ભારતના એ અંતિમ શિલાખંડ પર બેઠેલા એકાંકી યુવા સંન્યાસીનું હૃદય ભારતનાં તિરસ્કૃત અને પદદલિત લોકોના આર્તનાદથી વ્યથિત થઈ ગયું. તેની હૃદયવીણાના તાર ભારતના ભૂખ્યા, તરસ્યા, અભણ જનતાની લાચારીના દર્દભર્યા સૂરોથી ભર્યા હતા. દેશમાં ચારે તરફ ફેલાયેલ દરિદ્રતા અને અશિક્ષાનો આર્તનાદ એ તારોને ઝણઝણાવી દેતો અને તેના હૃદયને વલોવી દેતો.

પરિણામે એક સંત એક દેશભક્તના રૂપમાં પરિણત થઈ ગયો. પોતાની શાશ્વત મુક્તિ માટે લાલાયિત એક સંન્યાસી વિશ્વના કલ્યાણમાં નિમગ્ન મહામાનવના રૂપમાં પરિવર્તિત થઈ ગયો, જેની આજે સમસ્ત વિશ્વ સ્વામી વિવેકાનંદના નામથી અભ્યર્થના કરે છે.

આ સમયની પોતાની માનસિક સ્થિતિનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાથી ૧૯ માર્ચ ૧૮૯૪ના પત્રમાં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું… “આ બધાનો તેમજ ગરીબાઈ અને અજ્ઞાનનો વિચાર કરતાં હું ઊંઘી શકતો નહિ. કેપકેમોરીનમાં ભારતના છેલ્લા ભૂમિપ્રદેશ પર મા-કન્યાકુમારીના મંદિરમાં બેસીને મેં એક યોજના વિચારી. આપણે કેટલાય સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને અધ્યાત્મ વિદ્યા શિખવીએ છીએ. પણ આ બધું ગાંડપણ છે. આપણા ગુરુદેવ કહેતાં કે, ભૂખ્યા પેટે ધર્મ ન થાય! આ ગરીબ માણસો પશુ જેવું જીવન ગાળે છે તે કેવળ અજ્ઞાનને લીધે જ… રાષ્ટ્ર તરીકે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવ્યું છે અને ભારતનાં બધાં દુ:ખોનું એ જ કારણ છે. દેશની અદૃશ્ય થઈ ગયેલી વિશિષ્ટતા આપણે દેશને પાછી મેળવી આપવાની છે અને પ્રજાને ઊંચે લાવવાની છે.”

ભારતના રાષ્ટ્રીય ચેતનાના ઇતિહાસમાં કન્યાકુમારીનો આ શિલાખંડ, જેના પર બેસીને સ્વામીજીએ એકસો વર્ષ પૂર્વે ધ્યાન કર્યું હતું, એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહીં જ સ્વામીજીએ સમુદ્ર પાર કરી વિદેશ જઈ ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના વિનિમયથી પોતાના દેશવાસીઓ માટે ત્યાંની સંપદ અને ટેક્નોલૉજી લાવવાની યોજના બનાવી. યુગોથી પ્રગાઢ નિદ્રામાં નિમગ્ન ભારતની રાષ્ટ્રીય ચેતના સ્વામી વિવેકાનંદજીના અનંત વિસ્તારિત સંવેદનશીલ હૃદયમાં ફરી એકવાર જાગી ઊઠે છે. આત્મદ્રષ્ટા વિવેકાનંદ, યુગદ્રષ્ટા-રાષ્ટ્રચેતા વિવેકાનંદ બની જાય છે. અહીં સ્વામીજી પોતાના જ શબ્દોમાં ‘ઘનીભૂત ભારત’ (Condensed India) બની જાય છે.

શ્રીરામકૃષ્ણ દેવે કાશીપુરના બગીચામાં પોતાની મહાસમાધિના થોડા દિવસો પૂર્વે કહ્યું હતું – ‘નરેન જગતને ઉપદેશ આપશે.’ નરેને ઘસીને ના પાડી ત્યારે તેમણે કહ્યું – “જગન્માતાના આદેશથી તારે આ કરવું જ પડશે.” નરેન તો સમાધિના આનંદમાં ડૂબી જવા માગતો હતો. પણ સમસ્ત ભારતના પરિભ્રમણ બાદ લોકોનાં દુ:ખદર્દ સગી આંખે નિહાળ્યા બાદ એક અદ્‌ભુત પરિવર્તન થાય છે અને તે મોક્ષાકાંક્ષી સંન્યાસી રાષ્ટ્રચેતા વિવેકાનંદ બની જાય છે.

૩૧મી મેએ સ્વામી વિવેકાનંદજી મુંબઈથી જહાજ દ્વારા અમેરિકા રવાના થયા. ૧૧મી સપ્ટેમ્બરે શિકાગો ધર્મસભામાં પોતાનું ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું અને ભારતીય સંસ્કૃતિનો ઝંડો સમસ્ત વિશ્વમાં ફરકાવી દીધો. જે દેશને વિશ્વ ગુલામ અને પછાત રાષ્ટ્રરૂપે ધિક્કારથી જોતું હતું તે ઉચ્ચત્તમ ગૌરવસ્થાન પામ્યું.

આ વર્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, જ્યારે સ્વામી વિવેકાનંદજીની ભારત પરિક્રમા શતાબ્દી અને શિકાગો ધર્મમહાસભાની શતાબ્દી એક સાથે ઉજવાઈ રહી છે. ભારત સરકારે આ વર્ષને ચેતના વર્ષ રૂપે ઉજવવાનું નક્કી કર્યું છે, એ અત્યંત આવકારદાયક પગલું છે. આ નિમિત્તે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે: કલકત્તામાં એક વિશાળ ધર્મમહાસભાનું આયોજન, વિભિન્ન ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સૌહાર્દ ભાવના કેળવવા માટે દેશના વિભિન્ન ભાગોમાં સર્વધર્મ સભાઓનું આયોજન, જનસાધારણમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો દ્વારા ચેતના જાગૃત કરવા માટે જાહેરસભાઓનું આયોજન, યુવા વર્ગ માટે પરિસંવાદો, વિવિધ સ્પર્ધાઓ, નિબંધ વક્તૃત્વ સ્પર્ધાઓ, પ્રશ્નોત્તરીના કાર્યક્રમો વગેરેનું આયોજન, પ્રદર્શન, શોભાયાત્રા વગેરેનું આયોજન, પ્રાદેશિક ભાષાઓમાં સ્મારિકાઓ, પુસ્તકો અને ઓડિઓ અને વિડિઓ કૅસેટોનું પ્રકાશન વગેરે. સ્વામી વિવેકાનંદજીનાં શિકાગો વ્યાખ્યાનોનું પુસ્તક વિભિન્ન ભાષાઓમાં સસ્તા મૂલ્યે પ્રકાશિત કરી મોટા પાયા પર વિતરણ કરવાની યોજના પણ છે.

આજે જ્યારે આપણો દેશ અત્યંત કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સ્વામી વિવેકાનંદજીનો સંદેશ વધુ પ્રાસંગિક બની જાય છે. એકસો વર્ષ પૂર્વે તેમણે શિકાગોની મહાસભામાં સર્વ ધર્મોની સત્યતાની વાત કરી વિભિન્ન ધર્મો વચ્ચે સહિષ્ણુતા જ નહિ, ૫રસ્પર સ્વીકારની જે વાત કરી હતી તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. દેશની કેટલીય વર્તમાન સમસ્યાઓનો અદ્‌ભુત ઉકેલ સ્વામીજીનાં લખાણોમાંથી મળી શકે તેમ છે.

આપણે આશા રાખીએ કે આ વર્ષે સ્વામી વિવેકાનંદજીના વિચારોનો બહોળો પ્રચાર-પ્રસાર થાય અને ખરા અર્થમાં આ એક ચેતનવંતુ વર્ષ બની જાય, નવચેતનાની એક લહેર આવે અને ભારતમાતાને ઉચ્ચ ગૌરવમય સ્થાન અપાવે.

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.