અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે. જ્યાં સુધી આપણે તેને માટે યોગ્ય સ્થાન તૈયાર નહીં કરીએ, જ્યાં સુધી આપણાં જીવનનાં દ્વારો તેને માટે તદ્દન ખુલ્લાં મૂકી નહીં દઈએ, અને બહાર જઈને ખુદ તેને અંદર લાવવા માટે તેનો હાથ નહીં પકડીએ, ત્યાં સુધી ભારત માતા પોતે પોતાનું મોં ઢાંકીને, જમીન ઉ૫૨ ધૈર્યપૂર્ણ નજર માંડીને અસમર્થ બનીને ઊભી રહેવાની છે. એ મહાન માતાનું આનંદદાયક મુખદર્શન થાય તે માટે પહેલાં તેની આસપાસ તેની આ દીકરીઓનું, ભવિષ્યની ભારતીય નારીઓનું, એક શક્તિશાળી વર્તુળ રચાય તે જરૂરી છે. તેમણે (ભારતીય નારીઓએ) જ પોતાના મગરૂબ મસ્તક વડે તેનો ચરણસ્પર્શ કરી, એ પવિત્ર ચરણોમાં તેમની પોતાની, પોતાના પતિની અને પોતાના બાળકોની જિંદગી સમર્પિત કરવાની છે. ત્યારે જ, અને માત્ર ત્યારે જ, તે (ભારત માતા) વિશ્વ સમક્ષ ઉનન્ત મસ્તકે ઊભી રહી શકશે. આજે તેનું પવિત્ર મંદિર પડછાયાઓથી ભરેલું છે. પરંતુ જ્યારે ભારતીય નારીત્વ રાષ્ટ્રીયતાની આરતી ઉતારી શકશે, ત્યારે માતાનું એ મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠશે, એટલું જ નહીં, પરંતુ અરુણોદય ખરેખર નજદીક આવી લાગશે. ભારતના એક છેડેથી બીજા છેડા સુધી બધા સમજુ લોકો કબૂલ કરે છે કે, આ કટોકટીના સમયે આપણી નારીના શિક્ષણને કશાક પુનરાવલોકનની ભારે જરૂર છે. તેમની મદદ અને સહકાર વિના અત્યારનું કોઈ પણ કાર્ય પરિપૂર્ણ થઈ શકશે નહીં. અત્યારની સમસ્યા એ સ્ત્રી અને પુરુષની બંનેની સમસ્યા છે. અને જ્યાં સુધી આપણે આપણી એ માતા (માતૃભૂમિ)ને આપણામાંના દરેકના જીવન-મંદિરમાં પધરાવવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણા હૃદય તેને સમર્પિત થયેલાં છે તેવી બડાઈ મારવાનું કેટલું બધું નિરર્થક હશે!

જો કે ભારતમાં નવા પ્રકારના નારી-શિક્ષણની બાબતમાં, તેના સાચા હેતુઓ વિષેની ગેરસમજણને કારણે, હંમેશાં થોડો ખચકાટ રહ્યો છે અને આમાં લોકો ખરેખર ડહાપણવાળા છે. શું ભૂતકાળની હિંદુ નારીઓ આપણે માટે શરમનું કારણ બની છે કે જેથી આપણે તેમની પરાપૂર્વથી ચાલી આવતી મોહકતા અને મધુરતા, તેમની સૌમ્યતા અને પવિત્રતા, તેમની સહિષ્ણુતા અને બાળકના જેવી પ્રેમની ઊંડાઈ અને દયાભાવનાને પાશ્ચાત્ય જ્ઞાન તથા સામાજિક આક્રમણખોરીની પ્રથમ અણઘડ પેદાશના હિતમાં ત્યજી દેવાની ઉતાવળ કરવી છે? આ મુદ્દા ઉપર ભારતનો અવાજ અતિ મક્કમ છે. તે કહે છે: “એ કબૂલ છે કે, અત્યારે નારીને માનસિક સુસજ્જતા માટે વધારે કઠિન સામગ્રીની જરૂર છે, તેમ છતાં પ્રાચીન પદ્ધતિની ચારિત્ર્યવિષયક શિક્ષણની જે વધારે જરૂરી માગ છે તેમાં (તે પૂરી કરવામાં) નિષ્ફળ જવું તેના કરતાં આ (નવી સામગ્રી)ની પ્રાપ્તિમાં નિષ્ફળ જવું વધારે સારું છે. જે દિમાગી તાલીમ નમ્રતાને જડમૂળથી ઉખેડી નાખે, અને કોમળતાને છીનવી લે, તે તાલીમ કોઈ પણ રીતે સાચી તાલીમ નથી. આ સદ્ગુણો કદાચ મધ્યયુગીન અને અર્વાચીન સંસ્કૃતિઓમાં જુદી જુદી રીતે વ્યક્ત થતા હશે, પરંતુ તે બંને (સંસ્કૃતિઓ)માં તે જરૂરી તો છે જ. આપવા લાયક એવા બધા શિક્ષણે પહેલું કાર્ય ચારિત્ર્યના વિકાસનું તથા તેને દૃઢ બનાવવાનું કરવું જોઈએ, અને બૌદ્ધિક સજ્જતાને માત્ર દ્વિતીય પસંદગી આપવી જોઈએ.”

આથી ભારતીય નારી માટેના જે પ્રશ્નનો ઉકેલ લાવવાનો છે તે આ છે કે, (તેને માટે) એવા પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ કે જે આત્મા અને મન – બંનેનો વિકાસ, એકબીજા સાથે સુસંગત રહીને, સાધવાનું તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. એક વખત આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ વિષે સફળતાપૂર્વક વિચાર થાય, તથા તેની પર્યાપ્તતાનું નિદર્શન કરવામાં આવે, તે પછી તો આપણી પાસે કોઈ પણ પ્રકારની ધાંધલ-ધમાલ વગર નારી – શિક્ષણનો (નવો) યુગ આવી જશે. (આ દિશામાં) દરેક સફળ પ્રયોગ નવા પ્રયત્નો શરુ કરવા માટેનો સંકેત થઈ પડશે. વિદેશોમાં નારીના હિતની સેવા કરવા માટે (લોકોમાં) ક્યારનીય ઝંખના જાગેલી છે. માત્ર અમને (આ દિશામાં) માર્ગ બતાવવામાં આવે તેવું અમે માગીએ છીએ.

શિક્ષણ માટે પદ્ધતિનો પ્રશ્ન મહત્ત્વનો છે, પરંતુ તે (શિક્ષણના) હેતુના પ્રશ્ન આગળ ગૌણ મહત્ત્વ ધરાવે છે. આપણે આપણા બાળકોનો વિકાસ સાધવાનો જે પ્રયત્ન કરીએ છીએ તેમાં આપણો મૂળભૂત હેતુ જ અસરકારક બની રહે છે. તેથી કન્યાઓને શિક્ષણ આપવામાં તો કયા આદર્શ ઉપર કામ કરવાનું છે તેની આપણી પાસે સુસ્પષ્ટ સમજણ હોય તે ઘણું વધારે અગત્યનું છે. અને ખાસ કરીને આ બાબતમાં તો કદાચ વિશ્વના બધા દેશોમાં ભારત વધારે ભાગ્યશાળી છે. (કારણ) તે, સૌથી વધુ તો, મહાન નારીઓની ભૂમિ છે, આપણે ગમે તે તરફ વળીએ, ઈતિહાસ તરફ કે સાહિત્ય તરફ, પરંતુ દરેક જગ્યાએ આપણને આ ભૂમિ (ભારત માતા) એ જેમના બળને પાળ્યું – પોષ્યું છે, અને સન્માન્યું છે, તથા જેમની સ્મૃતિ કાયમ માટે પવિત્ર રાખી છે તેવાં મહાન ચરિત્રો જોવા મળશે.

આપણે કઈ પ્રકારની નારીની પ્રશંસા કરીએ? શું તે શક્તિશાળી, સૂઝબૂઝવાળી, ઉદારચિત્ત, કટોકટીની ક્ષણ માટે યોગ્ય હોય તેવી હોવી જોઈએ? તો શું આપણી પાસે ચિતોડની પદ્મિની, ચાંદબીબી, ઝાંસીની રાણી નથી? શું તે સાધુચરિત, કવિ અને આધ્યાત્મિક હોવી જોઈએ? તો આપણી પાસે મીરાંબાઈ નથી? શું તે વહીવટમાં કુશળ એવી રાણી હોવી જોઈએ? ક્યાં છે રાણી ભોવાની, ક્યાં છે અહલ્યાબાઈ? ક્યાં છે મૌમનસિંહની જાહનાબી? શું આપણા મતે પતિવ્રતા નારી સૌથી વધુ જવલંત હોય છે? તો સતી સાવિત્રીનું શું? સદાને માટે સ્તુત્ય એવી સીતાનું શું? શું નારી કૌમાર્યમાં સર્વશ્રેષ્ઠ છે? તો અહીં ઉમા છે અને વિશ્વના સમસ્ત નારી સમુદાયમાં ગાંધારી જેવી ભવ્ય નારી બીજી કઈ મળશે?

વળી, આ આદર્શો રચનાત્મક છે. અર્થાત્ ભારતીય બાળકને તેમની કીર્તિ કે ભવ્યતા ઉપર નહીં, પરંતુ તેમની પવિત્રતા, સાદાઈ, સન્નિષ્ઠા ઉપર, એક શબ્દમાં, તેમના ચારિત્ર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શિક્ષણ અપાય છે. ખરેખર, માણસના પોતાના અને વિદેશી આદર્શો વચ્ચે હંમેશાં આ જ તફાવત હોય છે. પહેલાની અસરથી આપણે એક પ્રયત્નનું અનુકરણ કરતા હોઈએ છીએ, બીજાની પ્રશંસા કરીને આપણે તેના પરિણામને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. ભારતીય નારીના શિક્ષણની શરૂઆત અને અંત તેના પોતાના ઈતિહાસમાં અને શૌર્ય સાહિત્યમાં નિરુપાયેલા નારીત્વના રાષ્ટ્રીય આદર્શોને ઊંચા ઉઠાવવામાં થતા હોય છે. જે શિક્ષણ આ ન કરે તે કદી નક્કર શિક્ષણ હોઈ શકે નહીં.

પરંતુ બેશક, નારીને સમર્થ તો બનાવવી જ જોઈએ. સીતા અને સાવિત્રી પત્ની તરીકે મહાન હતી, તે તેઓ પોતે નારી તરીકે મહાન હતી એ પુરોગામી સત્યના પરિણામે જ હતી. જીવનનું દરેક સ્થાન તેમણે ખૂબસૂરતીથી અને કર્તવ્યનિષ્ઠાથી ભરી દીધું હતું. બંનેએ સામાજિક આદર્શની દરેક માગણીને સંતોષી હતી. એકી સાથે રાણી અને ગૃહિણી, સંત અને નાગરિક (સાંસારિક), આજ્ઞાંકિત પત્ની અને એકાકી વૈરાગણ – આમ એક બહાદુર લડવૈયાની જેમ તેમના સમયના જીવન નાટકમાં તેમને ભાગે આવેલી બધી ભૂમિકામાં તેઓ સમર્થ રહી હતી. તેઓ પૂર્ણ પત્નીઓ હતી, તેમ છતાં જો તેમનાં લગ્ન જ ન થયાં હોત તો તેઓ પુત્રી, બહેન અને શિષ્યા તરીકે પણ એટલી જ પૂર્ણ હોત. જીવનના બધા જ સંજોગોને પહોંચી વળવાની આ સમર્થતા, પત્નીત્વની પહેલાં નારીત્વ, અને નારીત્વ પહેલાં માનવીયત્વ – એ જ દરેક યુગમાં કન્યાઓના શિક્ષણનો હેતુ હોવો જોઈએ.

પરંતુ આજના સમયમાં ભારતના નૈતિક આદર્શે નવું પરિમાણ ધારણ કર્યું છે – રાષ્ટ્રીય અને નાગરિક પરિમાણ. અહીં પણ નારીને તેની ભૂમિકા ભજવવા તૈયાર કરવી જોઈએ. અને ફરી એક વાર, એ તરફ સંઘર્ષ કરવામાં જ તેને શિક્ષણ મળતું જશે. દરેક યુગને તેનો પોતાનો બૌદ્ધિક સમન્વય હોય છે, જેની ધારણા તે યુગનો આદર્શ પ્રાપ્ત થાય તે પહેલાંથી મનમાં બંધાઈ જવી જોઈએ. રૂઢિચુસ્ત હિન્દુ નારીના આત્મ પરિપૂર્ણતા માટેના નિશ્ચિત માનસિક ખ્યાલના અસંખ્ય રસ્તાઓ પાશ્ચાત્ય માનસ માટે ખરેખર ભૂલભૂલામણી ઊભી કરે છે. ખરેખર તો, રૂઢિચુસ્ત હિન્દુ નારીએ તેના વિષે સામાન્ય રીતે માનવામાં આવે છે તે રીતની અણપઢ કે નિરક્ષર હોવાને બદલે તેની પોતાની રીતે અત્યંત વિલક્ષણ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છે, માત્ર આધુનિક સમયના લોકોએ તેને કશું મહત્ત્વનું હોવાનું ગણ્યું નથી એટલું જ.

તે જ રીતે, ૨૦મી સદીની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની સમર્થતાના આદર્શને પ્રાપ્ત કરવા માટે એક વિશિષ્ટ પ્રકારનો સમન્વય પ્રાપ્ત કરવો પડશે. હવે શિક્ષાર્થી પાસે, ભૂતકાળની પૌરાણિક – સામાજિક સભ્યતામાં કરવામાં આવતું હતું તે રીતનું, કોઈ પણ કથનનું માત્ર ભાવનાત્મક પાસું રજૂ નથી કરવાનું. હવે વિદ્યાર્થીએ આ કથનની મર્યાદાઓ, તેનો સમાન મૂળમાંથી ઉત્પન્ન થયેલા વિચારો સાથેનો સંબંધ, અને જે તબક્કાઓ દ્વારા માનવજાતિ આ પ્રકારની સ્થિતિ ઉપર પહોંચી છે તે બધાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બીજા શબ્દોમાં, આધુનિક સમન્વય વૈજ્ઞાનિક, ભૌગોલિક અને ઐતિહાસિક છે, અને જ્ઞાનના આ ત્રણે પ્રકારો નારીએ પુરુષની જેમ જ પ્રાપ્ત કરવાના છે, કારણ, સત્યમાં કોઈ જાતિ (લિંગ) ભેદ હોતો નથી.

ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ

(‘Hints on National Education in India’માંથી સંકલિત)

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.