થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, “સ્વામીજી, આપની સંસ્થા દ્વારા થતા ગ્રામીણ વિકાસના કાર્યક્રમો વિશે પ્રશંસા સાંભળીને પટણાથી હું આવ્યો છું. ભારત સરકારે એક નવી યોજના ઘડી છે: ‘કેપ’- CAPE (Comprehensive Access to Primary Education). આ યોજના હેઠળ અનૌપચારિક શિક્ષણનાં ઘણાં કેન્દ્રો ખોલવાનાં છે, અમારી ઇચ્છા છે, બિહારમાં આપની પ્રતિષ્ઠિત સંસ્થામાં સૌ પ્રથમ આવાં કેન્દ્રો ખૂલે.” આ પછી આ યોજના વિષેની વિસ્તૃત માહિતી આપતાં તેમણે કહ્યું કે ભા૨ત સ૨કા૨ને પ્રતીતિ થઈ છે કે આપણા સંવિધાનમાં દરેક બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી, પણ તે લક્ષ્યથી આપણે હજી ઘણા દૂર છીએ. આનાં કારણો જાણવા માટે સરકારે વિશેષ સર્વેક્ષણ સમિતિની રચના કરી હતી. સમિતિએ લાંબા ગાળાના પર્યવેક્ષણ બાદ એવું તારણ કાઢ્યું છે કે પ્રાથમિક શિક્ષણ નિઃશુલ્ક હોવા છતાં બાળકો શાળામાં દાખલ થતાં નથી અથવા દાખલ થયા પછી થોડા સમયમાં જ શાળાએ જવાનું બંધ કરી દે છે. તેનાં કારણો છે – શાળાના શિક્ષણનો તેમના દૈનન્દિન જીવન સાથે સુમેળનો અભાવ, અરુચિકર શિક્ષણ વ્યવસ્થા, શાળામાં સાધનોનો અભાવ વગેરે. પણ મોટામાં મોટું કારણ છે – તેઓની આર્થિક સ્થિતિ. ગરીબ બાળકોને, વિશેષરૂપે ગામડાંઓમાં, ખેતરમાં કામ ક૨વા જવું પડે છે. અથવા મજૂરી કરવા જવું પડે છે. આથી નવી યોજના ‘કેપ’ હેઠળ એવાં કેન્દ્રો ખોલવાનો વિચાર કરવામાં આવ્યો છે, જેમાં શાળાનો નિશ્ચિત સમય નહિ હોય, જ્યારે બાળકો બપોરે અથવા રાતે કાર્યમાંથી પ૨વારી ગયાં હશે, ત્યારે જ આ કેન્દ્રો ખુલશે. વળી આ અનૌપચારિક શિક્ષણનાં કેન્દ્રોમાં શિક્ષકો ફક્ત માર્ગદર્શકનું કાર્ય કરશે. કોઈ નિર્ધારિત પાઠ્યક્રમ (Syllabus) નહિ હોય. બાળકોની જરૂરિયાત પ્રમાણે તેમના દૈનિક જીવન સાથે સંકળાયેલ ખેતી, પર્યાવરણ વગેરે પ્રમાણે વિભિન્ન વિષયો પર સરળ ભાષામાં રુચિકર સાહિત્ય ‘મોડ્યુલ’ અથવા ‘કેપ્સ્યુલ’ના રૂપમાં એન.સી.ઈ.આર.ટી. (National Council of Educational Research & Training) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સાહિત્ય દ્વારા તેઓને શીખવવામાં આવશે. ઑફિસરે આવાં કેન્દ્રોની શરૂઆત કરવા માટે ફરી આગ્રહ કર્યો ત્યારે રામકૃષ્ણ મિશનના સંન્યાસીએ હસતાં હસતાં કહ્યું, “રામકૃષ્ણ મિશન દ્વારા આવાં ઘણાં કેન્દ્રો ઘણાં વર્ષોથી ઘણી જગ્યાએ ચાલે છે, પણ અમે એ યોજનાને ‘કેપ’ નામ નથી આપ્યું, એટલો જ ફે૨ છે.” આ પછી આ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રોની માહિતી આપતાં તેમણે કહ્યું કે દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રશિક્ષિત યુવકો (જેમાંના મોટા ભાગના પછાત જાતિના છે) પ્રશિક્ષણ બાદ પોતપોતાના ગામમાં પાછા જઈ ગ્રામવિકાસના કાર્યક્રમો યોજે છે, તેના ભાગરૂપે આવા પચાસથી વધુ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો રાત્રે ચલાવે છે, જેથી બધાં બાળકો પોતાના કામથી ૫૨વારી આવી શકે. આ માટે તેઓ કોઈ પગાર લેતા નથી, સ્વામી વિવેકાનંદના ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના આદર્શથી પ્રેરાઈને બાળકોને રાત્રિ પાઠશાળામાં નિઃશુલ્ક માર્ગદર્શન આપે છે. સાક્ષરતાની સાથે ખેતી, વૃક્ષઉછેર, ગોપાલન, મધમાખી ઉછેર વગેરે દૈનિક જીવનમાં ઉપયોગી વિષયો પણ શીખવે છે; સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજનો વગેરે તો ખરા જ. આ પછી જ્યારે એ ઑફિસ૨ને કહેવામાં આવ્યું કે સ્વામી વિવેકાનંદે આજથી લગભગ સો વર્ષો પહેલાં જ, સર્વેક્ષણ સમિતિ દ્વારા હાલમાં તારવેલ વાત કહી દીધી હતી કે આર્થિક કારણોસર બાળકો શાળામાં નહિ જાય, અને એ માટે તેમણે સમસ્યાનું સમાધાન પણ સૂચવ્યું હતું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

મહમ્મદે પર્વત પાસે જવું પડશે

૨૦મી જૂન ૧૮૯૪ના રોજ શિકાગોથી સ્વામી વિવેકાનંદજીએ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને પત્રમાં લખ્યું હતું: “ધારી લઈએ કે આપણે દરેક ગામડામાં મફત શિક્ષણ આપતી નિશાળો ઉઘાડી શકીએ; તો પણ ગરીબ વિદ્યાર્થીઓ તમારી શાળાઓમાં આવવાને બદલે રોજી કમાવા, ખેતી ક૨વા જ જશે. આપણી પાસે નથી પૈસા, તેમ જ કેળવણી લેવા આવવાની આપણે તેમને ફરજ પાડી શકીએ એમ પણ નથી. આમ પ્રશ્ન તદ્દન આશાઉકેલ વિનાનો દેખાય છે. પણ આ અશક્ય દેખાતા પ્રશ્નને શક્ય બનાવવાનો માર્ગ મેં શોધ્યો છે, તે આ છે: જો પર્વત મહમ્મદ પાસે ન જાય તો મહમ્મદે પર્વત પાસે જવું. જો ગરીબો ભણવા ન આવી શકે તો આપણે તે ગરીબ લોકો પાસે તેમનાં ખેતરમાં, કારખાનામાં અને દરેક સ્થળે ભણતર પહોંચાડવું જોઈએ.”

સ્વામીજીના ઉપરોક્ત વિચારોથી પ્રેરાઈને રામકૃષ્ણ મિશન દ્વારા કેટલાંય વર્ષોથી દેશના વિભિન્ન ભાગોમાં વિશેષરૂપે આદિવાસી વિસ્તારમાં લગભગ ૧૬૦૦ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો ચાલે છે. આ બધી માહિતી પ્રાપ્ત કરી સરકારી ઑફિસર મુગ્ધ થઈ ગયા. સરકારની ગ્રાંટ સ્વીકારવા જતાં કેટલી મુશ્કેલીઓ નડે છે તેનો ખ્યાલ હોવાથી રામકૃષ્ણ મિશને આ ‘કેપ’ કાર્યક્રમ હેઠળ ગ્રાન્ટ તો ન સ્વીકારી પણ એન.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રકાશિત સાહિત્ય (‘મોડ્યુલ’ અને ‘કેપ્સ્યુલ’)નો સહર્ષ સ્વીકાર કર્યો.

જો આપણે આઝાદી પછી તરત જ સ્વામીજીના વિચારો પ્રમાણે અનૌપચારિક શિક્ષણનો દેશમાં પ્રસાર કર્યો હોત તો? તો કદાચ આપણે સમસ્ત દેશવાસીઓને ફક્ત સાક્ષર જ નહિ, સાચા અર્થમાં શિક્ષિત કરી શક્યા હોત. આજે આપણે આઝાદીનાં – લોકશાહીનાં – મીઠાં ફળોથી વંચિત છીએ એનું મુખ્ય કારણ છે આમજનતામાં- મતદાન કરનારાઓમાં – શિક્ષણનો અભાવ. સ્વામીજી યુગદ્રષ્ટા હતા. તેમણે આ સમસ્યા પારખી લીધી હતી અને એટલે જ એમણે શિક્ષણને સૌથી વધુ મહત્ત્વ આપ્યું હતું. મદ્રાસમાં ૧૮૯૭માં તેમણે ‘મારી સમર યોજના’ નામના પોતાના ભાષણમાં કહ્યું હતું, “પ્રજા શા માટે જાગતી નથી? પ્રથમ પ્રજાને શિક્ષણ આપો. તમારું બંધારણ ઘડનારું મંડળ રચો, એટલે કાયદાઓ ઘડાતા આવશે. પ્રથમ જે શક્તિમાંથી, જે પ્રજાકીય સંમતિમાંથી કાયદો ઉત્પન્ન થવાનો છે એ શક્તિ, એ સંમતિ તો પેદા કરો! રાજાઓ તો ગયા; નથી પ્રજાકીય સંમતિ, લોકોની નવી શક્તિ ક્યાં છે? શક્તિને ઉપર લાવો. એટલા માટે સામાજિક સુધારા માટે સુધ્ધાં, આપણી પહેલી ફરજ છે લોકોને શિક્ષણ આપવાની, એ સમય આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની જ છે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૪, પૃ. ૯૭)

એક અહેવાલ પ્રમાણે સમસ્ત વિશ્વમાં સૌથી વધુ નિરક્ષર બાળકો અને પ્રૌઢ લોકો ભારતમાં છે! વિશ્વનાં ૨૨% નિરક્ષર બાળકો અને ૩૦% પ્રૌઢ લોકો ભારતમાં વસે છે. (‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’, અમદાવાદ ૧૩-૯- ૯૪)ભારતમાં ૬થી ૧૪ વર્ષની વયના લગભગ ૧.૯થી ૨.૪૦ કરોડ બાળકો (જેમાં ૬૦% બહેનો છે) અને ૧૫થી ૩૫ વર્ષની વયના ૧૨.૨ કરોડ પ્રૌઢ લોકો (જેમાં ૬૨% બહેનો છે) નિરક્ષર છે. શિક્ષણ ખાતાના વાર્ષિક અહેવાલ પ્રમાણે બિહાર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના ૪૮ જિલ્લાઓમાં અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe) અને અનુસૂચિત જાતિ (Scheduled caste)ની માત્ર એક ટકા બહેનો જ સાક્ષર છે! (‘ઈન્ડિયન એક્સપ્રેસ’, અમદાવાદ, ૧૨/૧૦/૯૪)

ડિસેમ્બર ’૯૩માં દિલ્હી ખાતે નવ દેશોની એક મહત્ત્વપૂર્ણ કૉન્ફરન્સ યોજાઈ ગઈ, જેનો વિષય હતો ‘Education For All’ – (બધાં માટે શિક્ષણ). આ શિખર સંમેલનમાં ભારતના પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે પ્રાથમિક શિક્ષણને હવે અમે પ્રાથમિકતા આપીશું અને એ માટે આઠમી પંચવર્ષીય યોજના (૧૯૯૨-૯૭)માં પ્રાથમિક શિક્ષણ માટે પાછલી યોજના કરતાં ૩૧૩% વધુ નાણા ફાળવવામાં આવશે. ‘ઑપરેશન બ્લેક બોર્ડ’, ‘નેશનલ લીટરસી મિશન’, ‘પ્રોપેલ’ (PROPEL) પ્રોજેક્ટ વગેરે ઘણા નવા કાર્યક્રમો વિશેની વાત કરી તેમણે કહ્યું કે હવે આપણે ‘દૂરવર્તી શિક્ષણ’ (Distance Education) ૫૨ સૌથી વધુ મહત્ત્વ આપવું પડશે. લોકો શિક્ષણ સુધી ન આવી શકે તો શિક્ષણને લોકો પાસે જવું પડશે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું ‘મોહમ્મદે પર્વત પાસે જવું પડશે,’ એનું મહત્ત્વ હવે આપણે સમજી રહ્યા છીએ. આઝાદી પછી તરત જ જો આપણે ‘દૂરવર્તી શિક્ષણ’ પર ભાર મુક્યો હોત તો? અહો, તો તો દેશની અવસ્થા જુદી જ હોત!

ખેર, જાગ્યા ત્યારથી સવાર!

ભણતરનો ભાર

દિલ્હીમાં કરવામાં આવેલ એક મોજણીથી જાણવા મળ્યું છે કે જાહેર શાળાઓના પ્રાથમિક વર્ગોમાંના વિદ્યાર્થીઓના શાળાના દફતરનું સરેરાશ વજન ૪ કિલો- ગ્રામથી વધુ છે! પુસ્તકો અને નોંધપોથીઓનો થેલો લઈ જતાં પૂર્વ-શાળાનાં બાળકો માટે પણ હાલનાં વર્ષોમાં પરિસ્થિતિ વધારે વણસી છે અને આ દૃશ્ય માત્ર મહાનગરો પૂરતું સીમિત નથી, પરંતુ નાનાં નાનાં નગરો અને મોટાં ગામડાંઓમાં પણ તે નજરે પડે છે. પણ આ ભૌતિક બોજ કરતાં પણ વધારે ભયંક૨ તો છે ભણતરનો બોજ. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આજીવન સ્વશિક્ષણ અને કૌશલ-નિર્માણ માટેની ક્ષમતા સહિત શિક્ષણની ગુણવત્તા સુધારીને શાળાના દરેક કક્ષાના વિદ્યાર્થીઓ, ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ ૫૨નો બોજ ઘટાડવા માટેનાં સાધનો અંગે સલાહ આપવા માટે એક રાષ્ટ્રીય સલાહકાર સમિતિ રચવામાં આવી. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. યશપાલના અધ્યક્ષપદ હેઠળની આ સમિતિમાં અન્ય સાત કેળવણીકારોને સભ્યરૂપે નીમવામાં આવ્યા. ૧૫ જુલાઈ, ૧૯૯૩ના રોજ આ સમિતિએ પોતાનો અહેવાલ મંત્રાલય સમક્ષ રજૂ કર્યો છે. દેશભરની જુદી જુદી સંસ્થાઓ તેમ જ શિક્ષકો અને કેળવણીકારો સાથે વિવિધ ચર્ચા-વિચારણા કરી, પરામર્શન લઈ, દેશના જુદા જુદા ભાગોમાંનાં પાઠ્યપુસ્તકોનું વિશ્લેષણ કર્યા બાદ સમિતિએ આ અહેવાલ તૈયાર કર્યો છે. પ્રો. યશપાલ લખે છે, “આ અભ્યાસ બાદ, મને પોતાને અને સમિતિના મોટા ભાગના સાથીદારોને ખાતરી થઈ કે વધારે અનિષ્ટકારક બોજો તો સમજણના અભાવનો છે. વાસ્તવમાં સરકારી તેમ જ મ્યુનિસિપિલ શાળાઓના મોટા ભાગના આપણા વિદ્યાર્થીઓ પર નિરર્થક યંત્રવત્ બોજો વધુ નહિ હોય પરંતુ સમજણના અભાવનો બોજો એટલો જ દુઃખદાયક છે. અમને એવું સૂચન કરવામાં આવ્યું છે કે હકીકતમાં અધવચ્ચે અભ્યાસ છોડી જનારાં બાળકો પૈકીનો મોટો વર્ગ કદાચ એવાં બાળકોનો હોય છે, જેઓ સમજણના અભાવ સાથે સમાધાન કરવા ઈચ્છતા નથી. આવા વિદ્યાર્થીઓ, બરાબર સમજ્યા સિવાય કેવળ ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ કરતાં ક્ષમતાની દૃષ્ટિએ ચડિયાતા હોય છે. હું અંગત રીતે માનું છું કે, સંપૂર્ણ સારી રીતે સમજીને કરેલો ખૂબ થોડો અભ્યાસ અલ્પ સમજણથી કરેલા વધુ અભ્યાસ કરતાં વધુ સારો છે.”

‘ભારતનું ભાવિ’ એ વિષય પર ૧૮૯૭માં મદ્રાસમાં પોતાના ભાષણમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. ‘યથા ખરશ્ચન્દન ભારવાહી ભારસ્ય વેત્તા ન તુ ચન્દનસ્ય” ‘ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે. પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.” જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો લાયબ્રેરીઓ દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત, અને વિશ્વકોષો મહાન ઋષિઓ થઈ ગયા હોત.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૪, પૃ. ૧૭૩-૧૭૪)

અન્ય એક પ્રસંગે સ્વામીજીએ કહ્યું હતું, “આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. વિચાર કરવાનું આવડતાં પહેલાં જ મનમાં અનેક હકીકતો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. મનનો સંયમ પ્રથમ શીખવવો જોઈએ. જો મારે મારું શિક્ષણ ફરી લેવાનું હોય, અને તેમાં મને કંઈ કહેવાની છૂટ હોય, તો હું પ્રથમ મારા મન ઉપર કાબુ મેળવતાં શીખું, અને પછી મારે જોઈતી હોય તો બીજી હકીકત શીખું. લોકોને હકીકતો શીખતાં લાંબો સમય લાગે છે, કારણ કે તેઓ ધારે ત્યારે મનને એકાગ્ર કરી શકતા નથી.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧૦, પૃ. ૨૩૨)

૧૮૯૯ની શરૂઆતમાં બેલુ૨મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી  સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવના આવેશમાં કહ્યું હતું, “આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને દંભ ફેલાઈ રહ્યાં છે. શું કોઈ બુદ્ધિશાળી માણસ આ બધું જોયા પછી પણ શાંત રહી શકશે? શું તેથી તેની આંખમાં આંસુ નહિ આવે? મદ્રાસ, મુંબઈ, પંજાબ, બંગાળ; જ્યાં જ્યાં હું નજર કરું છું ત્યાં ત્યાં ક્યાંય મને જીવંતપણાનાં ચિહ્નો દેખાતાં નથી. તમે પોતાને ખૂબ કેળવાયેલા માનો છો. પણ તમે કેવી નકામી વિદ્યા શીખ્યા છો! પરદેશી ભાષામાં, બીજાના વિચારો ગોખીને તમારા મગજમાં તે ઠાંસો છો, અને એ રીતે વિદ્યાપીઠની ઉપાધિઓ મેળવીને તમે પોતાને કેળવાયેલા માનો છો; ખરું? ધિક્કાર છે તમને! શું આ વિદ્યા છે? તમારી વિદ્યાનું ધ્યેય શું છે? તો એક કારકુન, કાં તો એક વકીલ અથવા બહુ બહુ તો એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ થવાનું, કે જે પણ કારકુનીનું બીજું સ્વરૂપ જ છે! શું આટલામાં જ આ બધું સમાઈ જતું નથી? તમારું કે દેશનું એ ભલું કરશે?” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૧૧, પૃ. ૩૪)

અફસોસ! આઝાદીને મેળવ્યાનાં ૪૭ વર્ષો પછી પણ આપણે કારકુન બનાવનારી કેળવણી, માહિતીના ભારવાળી કેળવણી, માત્ર ડિગ્રી મેળવી આપનાર કેળવણી સાચવીને બેઠા છીએ!

પ્રો. યશપાલના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ પોતાના અહેવાલમાં અનેક ઉપયોગી ભલામણો કરતાં લખ્યું છે કે મુખ્ય સમસ્યા જ્ઞાનના વિસ્ફોટન સાથે સંકળાયેલી છે. સમિતિ એમ માને છે કે સરળતાપૂર્વક લઈ શકાય તેવાં વહીવટી પગલાં દ્વારા આ સમસ્યાઓને સંપૂર્ણપણે પહોંચી વળી શકાય તેમ નથી અને આ સમસ્યાઓ આપણી સંસ્કૃતિ, અસ્મિતા, અને સામાજિક ધ્યેયો સાથે કેન્દ્રીય રીતે જોડાયેલી હોઈ તે અંગે વિસ્તૃત ચર્ચાઓ જરૂરી છે.

ભણતરના ભાર વિશે હવે લોકોની ચેતના જાગ્રત થઈ રહી છે. માત્ર માહિતીના સંચયવાળી કેળવણી (જે કાર્ય હવે કૉમ્પ્યુટરો વધુ સરળતાથી કરી શકે છે) નિરર્થક છે, એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે, એ આશાજનક વાત છે. સ્વામી વિવેકાનંદજીનાં સૂચનોને આપણે આઝાદી પછી તરત જ અમલમાં મૂક્યાં હોત તો! કદાચ દેશની પરિસ્થિતિ આજે જુદી જ હોત! ખેર, જાગ્યા ત્યારથી સવાર!

સંસ્કૃત અને સંસ્કૃતિ

લોર્ડ મૅકોલેએ આપણા દેશમાં એવી કેળવણી પદ્ધતિ દાખલ કરી કે જેમાં શિક્ષિત થયા પછી આપણા દેશવાસીઓ આપણી સંસ્કૃતિ અને ધર્મથી તદ્દન વિખુટા પડી જાય. લોર્ડ મૅકોલેએ પોતાના પત્રમાં લખ્યું હતું, ‘No Hindu who has received English Education ever remains attached to his religion.’ (અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરેલ કોઈ પણ હિન્દુ પોતાના ધર્મથી સંલગ્ન રહી શકશે નહીં.) વિડંબના છે કે આઝાદી પછી આપણે આ પ્રક્રિયાને વધુ વેગ આપ્યો છે. ધર્મનિરપેક્ષતાના નામે કેળવણીમાંથી ધર્મ, આધ્યાત્મિક મૂલ્યો અને નૈતિક મૂલ્યોને બાકાત રાખવામાં આવ્યાં અને તેથી ભારતીય સંસ્કૃતિની ગરિમા વિષે આજનો વિદ્યાર્થી તદ્દન અજાણ છે. ‘મેરા ભારત મહાન’ આ બોર્ડ તે પેટ્રોલ ટેન્કરની પાછળ વાંચે છે અને હસે છે. અન્યત્ર ક્યાંય તેને આ શબ્દો જોવા મળતા નથી. ભારતીય સંસ્કૃતિ અને વેદાંતનું અમૃત આપણે પાયું નહિ તેથી આજનો વિદ્યાર્થી પાશ્ચાત્ય ભોગવાદી સભ્યતાનું ગટરનું પાણી પીને પોતાની તરસ છીપાવી રહ્યો છે અને નશીલા પદાર્થોના સેવન દ્વારા, કેબલ ટી.વી., ડિસ્કોની ગ્લેમરની અસર દ્વારા, ચારિત્ર્ય શિથિલતા દ્વારા ઝડપથી આત્મ-વિનાશ તરફ ધસી રહ્યો છે. આઝાદી પછી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના વધુ ને વધુ ગુલામ બની રહ્યા છીએ. ડૉ. રાધાકૃષ્ણન કમિશન, ડૉ. કોઠારી કમિશન – આ બધા અહેવાલો અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા છે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના અભાવમાં આપણું અધઃપતન નિશ્ચિત છે, એમ આ અહેવાલોમાં નિર્દેશિત કરવામાં આવ્યું હતું તેમ છતાં આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મને ધિક્કારતા થાય એવા શિક્ષિતોનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે. આજે આપણે એટલી હદ સુધી પાશ્ચાત્ય સભ્યતાના ગુલામ બની ગયા છીએ કે માતા-પિતા- ‘મમ્મી’ ‘ડૅડી’ બની ગયાં છે, અંગ્રેજી શિક્ષણનું એવું ઘેલું લાગ્યું છે કે એક પગી પણ પોતાના બાળકને અંગ્રેજી શિક્ષણ અપાવવા કૉન્વેન્ટમાં દાખલ કરવામાં ગૌરવ અનુભવે છે, ભલેને ઘરમાં ખાવાના સાંસા હોય, ભલેને એ માટે મોટું ‘ડૉનેશન’ આપવું પડતું હોય!

આ પ્રક્રિયાના જ ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી બોર્ડ (સી.બી.એસ.ઈ.) દ્વારા દેશમાંથી સંસ્કૃત અને સંસ્કૃતિને નેસ્તનાબુદ કરવા માટે, સંસ્કૃતને ફરજિયાત બનાવવાને બદલે વૈકલ્પિક વિષયરૂપે પણ પાઠ્યક્રમમાંથી કાઢી નાખ્યો. મામલો ગયો સુપ્રિમ કોર્ટમાં. કેન્દ્ર સરકારના ધારાશાસ્ત્રી ઍડિશનલ સોલિસિટર જનરલ કે. ટી. એસ. તુલસીએ એવી રજૂઆત કરી કે આજે માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સંસ્કૃતને મૂકવામાં આવશે, તો કાલ ઊઠીને ફ્રેન્ચ અને જર્મન ભણાવવી પડશે. આવું જ ચાલ્યું તો બોર્ડ ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હશે એવી લોચા ભાષામાં ભણતરની સગવડ કરવાનો વારો એક તબક્કે આવશે.

વરિષ્ઠ ન્યાયામૂર્તિ શ્રી કુલદીપ સિંહ અને ન્યાયમૂર્તિ શ્રી બી. એલ. હાંસારીએ આ દલીલોને નકારતાં કહ્યું, “સંસ્કૃતના ભણતર વિના ભારતીય સંસ્કૃતિ અને વારસા પર જેની માંડણી થઈ છે – એ ભારતીય ફિલસૂફી તત્ત્વદર્શનને સમજવાનું અશક્ય છે. સંસ્કૃત પંચના અહેવાલનો ઉલ્લેખ કરીને ન્યાયમૂર્તિઓએ કહ્યું, “રાષ્ટ્રીય એકાત્મની દૃષ્ટિએ સંસ્કૃત આ મહાદેશની વિવિધતામાં એકતા અનુભવતી પ્રજાને એક તાંતણે બાંધતો સેતુ છે.”

સંસ્કૃતને અભ્યાસક્રમમાં મૂકવાનો નિર્ણય લેતાં અરબી કે ફારસીને પણ એ જ સ્તરે મૂકવામાં નહીં આવે તો દેશની ધર્મનિરપેક્ષતાને આંચ આવી શકે એવા તર્કને આ ન્યાયમૂર્તિઓએ નિરર્થક લેખાવીને કહ્યું છે, “સેક્યુલરવાદ કાંઈ ઈશ્વરવિરોધી કે ઈશ્વરવાદી નથી. એ આસ્તિકો – નાસ્તિકોને સમાન ગણે છે.” સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ શ્રી એચ. આર. ખન્નાને ટાંકતા ન્યાયમૂર્તિ શ્રી હાંસારીએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ નિષ્ઠાવાન હિન્દુ કે નિષ્ઠાવાન મુસ્લિમ હોવાને કા૨ણે એ ધર્મનિરપેક્ષ મટી જવાની માન્યતા ભૂલ ભરેલી છે.

આ ન્યાયમૂર્તિઓએ ‘સેક્યુલરીઝમ’નો ખરો અર્થ સમજાવતા કહ્યું છે, “ધર્મ નિરપેક્ષ રાજ્યનો અર્થ એવો નથી થતો કે એ ધર્મવિરોધી છે, પણ એનો અર્થ એટલો જ છે કે એ તમામ ધાર્મિક બાબતોમાં તટસ્થ (ન્યુટ્રલ) ભૂમિકા અપનાવે છે.” સુપ્રિમ કોર્ટ બોર્ડને આગામી ૩ મહિનામાં જ તેના વૈકલ્પિક વિષયોમાં સંસ્કૃતનો ફરી સમાવેશ કરવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.

ભારતીય વારસાના જતન માટે સંસ્કૃતનો અભ્યાસ નિશ્ચિત અનિવાર્ય હોવાનું જણાવતાં આ ચુકાદો લખનાર ન્યાયમૂર્તિ શ્રી હાંસારીએ ભારપૂર્વક કહ્યું છે, “આપણી સંસ્કૃતિના ઝરણાંને સુકાતાં અટકાવવા સંસ્કૃતનું ભણતર અનિવાર્ય છે.” સી.બી.એસ.ઈ. જેવી જવાબદાર સંસ્થાની સંસ્કૃત વિરોધી ભૂમિકાનો ઉઘડો લેતા તેમણે કહ્યું છે, “ભારતીય તત્ત્વદર્શન અને સંસ્કૃતિનો અભ્યાસ સંસ્કૃતના જ્ઞાન વિના અશક્ય છે, વેદ, પુરાણ અને ઉપનિષદ સંસ્કૃતમાં લખાયાં છે. કાલિદાસ, ભવભૂતિ અને બાણભટ્ટે લેખનમાં સંસ્કૃતનો સહારો લીધો અને શંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય, વલ્લભાચાર્ય ભારતીય સંસ્કૃતિનો પાયો સંસ્કૃત વિના મજબૂત કરી શક્યા નહોત.” ૧૮૯૭માં મદ્રાસમાં ‘ભારતનું ભાવિ’ વિષય પર પ્રવચન કરતાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “સંસ્કૃત ભાષા અને પ્રતિષ્ઠા ભારતમાં એક સાથે રહે છે. જેવી તમે એ પ્રાપ્ત કરી કે તમારી સામે કંઈ બોલવાની કોઈની તાકાત નહીં રહે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૪, પૃ.૧૭૦)

સ્વામી વિવેકાનંદ કહેતા, “ધર્મ એ કેળવણીનું હાર્દ છે.” પણ ધર્મનો અર્થ તેઓ કોઈ વિશિષ્ટ સંપ્રદાય એમ નહોતા માનતા. દરેક ધર્મમાં નિહિત સર્વસામાન્ય આધ્યાત્મિક મૂલ્યોની કેળવણી પર તેઓ ભાર મૂકતા હતા. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશમાંથી પ્રેરણા લઈ તેમણે શિકાગો વિશ્વધર્મસભામાં ઘોષણા કરી હતી કે બધા ધર્મો મહાન છે, અને દરેક ધર્મે ઉચ્ચ કોટિના સંતો આપ્યા છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રમાણે આપણે આઝાદી પછી તરત જ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં એ સર્વધર્મસમન્વયની ભાવના કેળવવા બધા મુખ્ય ધર્મોના મૂળભૂત ઉપદેશોનું અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપ્યું હોત તો શું આજે વિદ્યાર્થીઓનું જેટલું નૈતિક અધઃપતન થઈ રહ્યું છે, તેમ થાત? ‘ધર્મનિરપેક્ષતા’નો સાચો અર્થ બતાવવા બદલ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતની ગરિમા વિષે આપણી આંખો ઉઘાડવા બદલ સુપ્રિમ કોર્ટને લાખ લાખ ધન્યવાદ.

ખેર, જાગ્યા ત્યારથી સવા૨!

આજથી એક સો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ કેળવણી વિષયક જે વિચારા વ્યક્ત કર્યાં હતા તેનેા અમલ કર્યો હોત તો તેમણે સેવેલ સ્વપ્ન – કે ભારત પેાતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સમસ્ત વિશ્વનો જય કરશે, આજે પૂર્ણ થઈ ગયું હોત.

ખેર, જાગ્યા ત્યારથી સવાર!

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.