(શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.)

માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા – મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. આ ઉપરાંત આધુનિક વિજ્ઞાન ટેક્નૉલૉજી, ભારતના પ્રાચીન ઉદાર અને ઉદાત્ત આધ્યાત્મિક પરંપરાઓનું શિક્ષણ માનવીને માનવ બનાવનારું બની રહ્યું છે. ‘માણસ બનો અને માણસ બનાવો’ની આ શિક્ષણપ્રણાલીથી Man Making and Character Buildingનું અનન્ય કાર્ય આ શિક્ષણ સંસ્થાઓ કરે છે. વિદ્યાર્થીઓને પોતાના દેશ બાંધવો પ્રત્યેના ૠણ માટે જાગૃત પણ કરે છે. જીવનના ઉચ્ચતમ મૂલ્ય અને વ્યવહારિક આદર્શને નજર સામે રાખીને ભારતભરમાં આવેલી વટવૃક્ષસમી આ શિક્ષણસંસ્થાઓ પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શોને જીવંત-રૂપ આપે છે અને સાથે ને સાથે આધુનિકતાના ખ્યાલો પણ વિદ્યાર્થીના જીવનમાં ઊતારે છે. ‘સાથે મેળવવું, સાથે ભોગવવું’ની ભાવના વિદ્યાર્થીને સાચો સામાજિક માનવ બનાવે છે. વિદ્યાર્થીઓમાં નિર્ભયતા, હિંમત અને સાહસને આ સંસ્થાઓ પ્રેરે છે. મનની ઊઘાડી બારીવાળું, વિવેકદૃષ્ટિવાળું મન-હૃદય આ સંસ્થાઓમાં કેળવાય છે. સદ્ભાવ અને સમન્વયકારી દૃષ્ટિ ખીલવવાનો પણ પ્રયાસ અહીં થાય છે.

ખારા સમુંદરમાં મીઠી વીરડી સમાન શૈક્ષણિક સંસ્થાઓ

(૧) અત્યંત પછાત આદિવાસીઓ માટેનું અબુઝમાડ શિક્ષણ સંકુલ

મધ્યપ્રદેશના અબુઝમાડ પહાડી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ સૌથી વધારે પછાત આદિવાસી છે, જ્યાં કોઈ સેવાભાવી સંસ્થાનું અસ્તિત્વ નથી. એ વિસ્તારમાં આદિવાસીઓની સેવા માટે રામકૃષ્ણ મિશન નારાયણપુર કાર્યક્ષેત્ર હેઠળ અબુઝમાડ પર્વતીય અને જંગલના વિસ્તારમાં આકાબેડા, કુતુલ, કરચયલ, ઈકારભાટી અને કુંડલામાં ૧૯૮૬થી પાંચ શાખાઓ ચાલે છે. દરેક શાખામાં ૮૦ વિદ્યાર્થીઓ સમાઈ શકે તેવી નિવાસી પ્રાથમિક શાળા તેમજ હોર્લ્ટીકલ્ચર તેમજ ખેતીવાડીનાં નિદર્શન કેન્દ્રો પણ આવેલાં છે. ૧૯૮૮થી ૧૯૯૩ સુધીની સાલમાં આ આદિવાસી વિસ્તારની શાળાનાં ધોરણ પાંચ, આઠ અને દશના બૉર્ડનાં પરિણામો ૧૦૦ % રહ્યાં છે. એટલું જ નહિ જિલ્લા કક્ષાએ પ્રથમ વીસ વિદ્યાર્થીઓમાં અવારનવાર ચારથી માંડીને દશેક વિદ્યાર્થીઓએ પોતાનાં સ્થાન મેળવ્યાં છે. સુષુપ્ત શક્તિ જાગતાં આ વિદ્યાર્થીઓએ પોતાની તેજસ્વિતા વિદ્યાકીય ક્ષેત્રે તેમજ રમતગમત, સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે પણ પ્રગટ કરી છે. અત્યંત પછાત વિસ્તારના આધુનિકતાના બધા ખ્યાલોથી તદૃન દૂર રહેલા અને જંગલના વિસ્તારમાં રહેતા આ વિસ્તારના, આદિવાસીઓનો શૈક્ષણિક અને અન્ય વિકાસ જોતાં સૌ કોઈને આશ્ચર્ય નીપજે તેવું છે . વિવેકાનંદ વિદ્યાપીઠ નારાયણપુર તેનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત ગ્રામ-વિકાસના અનેક પ્રકલ્પો આ કેન્દ્ર દ્વારા ચાલે છે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનાં તાલીમ કેન્દ્રે પણ પોતાનું આગવું સ્થાન રાખ્યું છે.

(૨) દિવ્યાયન (રાંચી-બિહાર) અનૌપચારિક શિક્ષણ કેન્દ્ર – એક ઝલક:

(રાંચી-બિહાર)ના અત્યંત પછાત વિસ્તારના આદિવાસીઓના કલ્યાણ માટે આ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રે કૃષિ, બાગાયત, મધમાખી ઉછેર, મરઘાં ઉછેર, ખેતીના ઓજારોનું સમારકામ, કાષ્ટકલા, વેલ્ડીંગ, લુહારીકામ, ગોપાલન, પાક સંરક્ષણ, સામાજિક વનીકરણ, રાત્રિ પાઠશાળાના શિક્ષકો માટે અધ્યાપન તાલીમ કેન્દ્ર દ્વારા વિશિષ્ટ તાલીમ આપવાનું કાર્ય કર્યું છે, જેમાં ૧૯૬૯થી અત્યાર સુધી, દોઢ માસની ટૂંકા ગાળાની તાલીમના ૧૪૮ અભ્યાસક્રમોમાં ૫,૫૪૨ યુવાનોને તાલીમ અપાઈ છે. ગ્રામીણ ક્ષેત્રની ટૂંકા ગાળાની તાલીમના ૧૧૫૩ અભ્યાસક્રમોમાં ૪૦,૨૩૨ યુવાનોને તાલીમ અપાઈ છે. ૫૫ રાત્રીય પાઠશાળા તેમજ ૫૫ ગ્રામીણ પુસ્તકાલય દ્વારા શિક્ષણનો પ્રચાર પ્રસાર આ કેન્દ્રોમાં ચાલે છે. દિવ્યાયનની આ એક અતિ સંક્ષિપ્ત ઝલક છે.

(૩) રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલૂર (હાવરા)

૧૯૪૧માં શરૂ થયેલા આ શાખાકેન્દ્રમાં ત્રણ વર્ષના ડીગ્રી સુધીના અભ્યાસક્રમ માટે નિવાસી વિનયન અને વિજ્ઞાન કૉલેજો છે. આ સંસ્થામાં ૩૦૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત ૧૬૬ વિદ્યાર્થીઓ તેના ઉચ્ચત્તર માધ્યમિક એકમમાં અભ્યાસ કરે છે. ૨૨૦ શિક્ષાર્થીવાળી નિવાસી B.Ed. કૉલેજ ‘શિક્ષણ મંદિર’ના નામે ચાલે છે. સરકારી સહાયથી ૪૬૨ વિદ્યાર્થીઓ માટેની સિવિલ, મીકૅનિકલ અને ઈલેક્ટ્રીકલ શાખાના ૩ વર્ષના ડિપ્લોમા કોર્સની ‘શિલ્પ મંદિર’ નામની પૉલિટૅકનિક સંસ્થા પણ ચાલે છે. કોમ્યુનિટી પૉલિટેકનિક કાર્યક્રમ હેઠળ ૩૬૩ વિદ્યાર્થીઓને વિશિષ્ટ તાલીમ અપાય છે. ‘શિલ્પાયતન’ નામના જૂનિઅર ટેકનિકલ સ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક વ્યવસાયલક્ષી શાળામાં અનુક્રમે ૮૪ અને ૫૬ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યુત વાયરીંગ, ઑટૉમિકૅનિક્સ, ડ્રાફ્ટમેનશીપ, સુથારી, મુદ્રણ અને બુક બાઈન્ડીંગ માટે ૧૧૧ વિદ્યાર્થીઓને આ સંસ્થાના શિલ્પ વિદ્યાલય દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાના જનશિક્ષણ મંદિર દ્વારા ચાલતાં ૧૩ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રમાં અનુસૂચિત જાતિ અને બીજા પછાત વર્ગનાં ૩૮૬ બાળકોને હરતાં ફરતાં દૃશ્ય શ્રાવ્ય એકમ, શૈક્ષણિક ફિલ્મ અને નિ:શુલ્ક પુસ્તકાલય દ્વારા શિક્ષણ સેવા અપાય છે. ૧૦૦ બાળકોને જુદા જુદા હસ્ત ઉદ્યોગની તાલીમ અપાય છે અને ૨૦૬ ગરીબ વર્ગના લોકોને દરજીકામ, ઊનનું વણાટકામ, સુથારી કામ અને બુક બાઈન્ડીંગની તાલીમ અપાય છે. આ સંસ્થાના સમાજ સેવક શિક્ષા મંદિરમાં ૨૧ યુવાનોને ગ્રામ્ય વિકાસ કાર્યક્રમ માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.

(૪) રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોઈમ્બતુર:

કોઈમ્બતુર, ઉટાકામન્ડ રોડ ઉપર શહેરથી ૧૮ કિ.મી. દૂર ચાલતા આ વિદ્યાલયમાં વિવિધ શૈક્ષણિક સુવિધાઓ વિદ્યાર્થીઓને સાંપડે છે. આ વિશાળ શૈક્ષણિક સંકુલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

આ સંસ્થાની નિવાસી માધ્યમિક શાળામાં ૧૯૫ વિદ્યાર્થીઓ – જેમાં થોડા અંધવિદ્યાર્થીઓ પણ હોય છે – ને સઘન અને સર્વાંગી વિકાસનું શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ૮૨૫ વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચતર માધ્યમિક શાળા અને બુનિયાદી શાળાના શિક્ષકો માટે ૩૯ વિદ્યાર્થીઓની તાલીમી સંસ્થા પણ અહીં છે. ઉચ્ચતર બુનિયાદી શાળામાં ૨૪૨ બહેનો અને ૭૦૨ ભાઈઓ અભ્યાસ કરે છે. આ સંસ્થાની એક આગવી સંસ્થા એટલે સ્વાયત્ત ટીચર્સ ટ્રેઈનીંગ કૉલેજ છે. જેમાં બી.એડ્., એમ.એડ્., એમ.ફીલ; અને પીએચ.ડી.ના અભ્યાસક્રમોમાં ૧૨૦ વિદ્યાર્થીઓ માટેની જોગવાઈ છે. આ સંસ્થાનું ઍકસ્ટૅન્શન સર્વિસ યુનિટ ૨૦ અભ્યાસક્રમો માટે નોકરી કરતા શિક્ષકોની તાલીમનો કાર્યક્રમ પણ ચલાવે છે. આ સંસ્થાનું અંધજનો માટેનું સંશોધન અને વિકાસ કેન્દ્ર પોતાની બ્રેઈલ-લિપિની કૉમ્પ્યુટરાઈઝડ પ્રિન્ટિંગ પ્રણાલી દ્વારા તામિલનાડુ અને આંધ્રપ્રદેશની ૭૯ શાળાઓને સહાયરૂપ થાય છે. ૮૦૫ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને વિનયન વિભાગમાં ડિગ્રી અને માસ્ટર્સ ડિગ્રી સુધીના અભ્યાસક્રમ માટેની સ્વાયત્ત મહાશાળાઓ આ સંસ્થા ચલાવે છે. આ સંસ્થાનું શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય ૧૬૨ શિક્ષાર્થીઓને તાલીમ આપે છે. આ સાથે સંલગ્ન રમતગમતનું શિક્ષણ આપતી શાળાના ૧૪ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને રમતગમતના ક્ષેત્રમાં પ્રવીણતા આપે છે. ઔપચારિક શિક્ષણ સાથે શાળાના વિદ્યાર્થીઓને વિવિધ રમતગમતમાં અપાતી તાલીમ આ સંસ્થાનું આગવું આકર્ષણ છે. રૂરલ ઍન્જિનીયરિંગ પર ભાર મૂકીને ત્રણ વર્ષના ચાલતા ડિપ્લોમા કોર્સવાળી ૩૫૧ વિદ્યાર્થીઓ માટેની એક સ્વાયત પૉલિટેકનિક પણ આ સંસ્થા ચલાવે છે. કૉમ્યુનિટિ પૉલિટેકનિક કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ૨૯૪ યુવાનોને જુદા જુદા વ્યવસાયની તાલીમ અપાય છે. આ સંસ્થાની ખેતીવાડી શાળામાં ૧૦૭ વિદ્યાર્થીઓને બે વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ અપાય છે. આ ઉપરાંત બે વર્ષની મુદતના ફિટિંગ, ટર્નિંગ, ડ્રાફ્ટમેનશીપ, મોટર મિકૅનિક, ઈલેક્ટ્રિકલ વાયરીંગ અને ૧ વર્ષની મુદતના કૉમ્પ્યુટર સોફ્ટવેર માટે કુલ બધા મળીને ૧૩૪ વિદ્યાર્થીઓને આ સંસ્થાની ઈન્ડસ્ટ્રિઅલ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તાલીમ અપાય છે. તેમજ આ સંસ્થાના ઈન્ડસ્ટ્રિઅલ વિભાગ દ્વારા ઍન્જિનીયરિંગ શાખાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રાયોગિક તાલીમ અપાય છે. આ સંસ્થા સંકુલમાં ૧૩૨૨ વિદ્યાર્થીઓ માટે ૮ છાત્રાલયની સુવિધા છે.

(૫) રામકૃષ્ણ મિશન આશ્રમ, મદ્રાસ

૧૯૩૨માં શરૂ થયેલ રામકૃષ્ણ મિશન બૉયઝ સ્કૂલ્સ વિભાગમાં આ કેન્દ્ર ૩ ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ૪ પ્રાથમિક શાળાઓનું સંચાલન કરે છે. એક વિદ્યાર્થી મંદિર પણ ચલાવે છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૩૦૬૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમ જ આ સંસ્થાના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગની શાળાઓમાં ૮૯૦ ભાઈઓ અને ૭૦૯ બહેનો અભ્યાસ કરે છે. આ સંસ્થાના કૉમ્પ્યુટર કેન્દ્રમાં ૧૦૨ વિદ્યાર્થીઓ તાલીમ મેળવે છે.

(૬) રામકૃષ્ણ મિશન શારદા વિદ્યાલય, મદ્રાસ

૧૯૨૧માં શરૂ થયેલ બહેનો માટેની આ સંસ્થાની બે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૫૩૬૧ બહેનો અભ્યાસ કરે છે. આ સંસ્થાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ૯૧૨ બહેનો અને નિમ્ન પ્રાથમિક શાળામાં ૭૯૮ બહેનો અભ્યાસ કરે છે. ૨૮૧ બાળકો માટે પ્રિ. બૅઝિક સ્કૂલની પણ વ્યવસ્થા છે.

(૭) રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ હોમ, મદ્રાસ

રામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક સ્વામી રામકૃષ્ણાનંદજીએ ૧૯૦૫માં સ્થાપેલ આ સંસ્થામાં ૧૭૦ વિદ્યાર્થીઓ માટેની નિ:શુલ્ક નિવાસી વ્યવસ્થા સાથેની માધ્યમિક શાળા છે. આ જ સંસ્થાના નિ:શુલ્ક નિવાસી વ્યવસ્થાવાળી ટૅકનિકલ ઈન્સ્ટિટયુટમાં ૧૨૫ વિદ્યાર્થીઓ માટે ૩ વર્ષના ડિપ્લોમા કોર્સ તેમજ ઑટોમોબાઈલ ઍન્જિનિયરીંગમાં બહારના વિદ્યાર્થી તરીકે પોસ્ટ ડિપ્લોમા કોર્સ ૧૩ વિદ્યાર્થીઓ માટે ચલાવાય છે. કૉલેજના ૩૨ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક છાત્રાલયની વ્યવસ્થા પણ અહીં છે. ૩૨૯ વિદ્યાર્થીઓવાળી પ્રાથમિક શાળા તેમજ મલીયાન્કરનાઈ ગામે ૪૬૦ વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચતર પ્રાથમિક શાળા ચલાવાય છે.

(૮) રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, મદ્રાસ

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ કૉલેજના નામે ૧૯૪૬માં શરૂ થયેલી આ સંસ્થામાં ૧૮૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કૉલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગના વિદ્યાર્થીઓ માટે ૧૯૩ વિદ્યાર્થીઓની હૉસ્ટેલ પણ આ સંસ્થા ચલાવે છે. આ સંસ્થાના રસાયણ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને સંસ્કૃત વિભાગના Ph.D.ના વિદ્યાર્થીઓ માટે સંશોધન કાર્યની સુવિધાઓ પણ છે. આ સંસ્થાના મેધાવી વિદ્યાર્થીઓ માટેના શિષ્યવૃત્તિ તેમજ ફી અને રહેવામાં રાહત પાછળ આશરે ૫ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. ૩૦૦ વિદ્યાર્થીઓ માટે N.S.S. અને ૯૦ વિદ્યાર્થીઓ માટે N.C.C.ની તાલીમની વ્યવસ્થા અહીં છે. આ સંસ્થાના રાત્રિ દરમિયાન ચાલતાં કૉલેજ વિભાગમાં ૧૭૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

(૯) નરેન્દ્રપુર શિક્ષણધામ

ઉત્તર કલકત્તામાં ૧૯૪૩થી આ શિક્ષણ- સંસ્કાર- ધામનો શુભારંભ થયો. આજે રાજભવનથી ૧૬ કીલો- મીટર દૂર ૧૫૦ એકર જમીનમાં આશરે બે હજાર જેટલાં વિદ્યાર્થીઓ માટેની નિવાસીશાળા ધરાવતું હરિયાળા વૃક્ષો, મધમધતાં પુષ્પોદ્યાન, આમ્રકુંજો અને તળાવોથી ભરેલું આ વિદ્યાસંકુલ એક આદર્શ પ્રાચીન ગુરુકુળ પરંપરાથી ચાલતું અનન્ય શિક્ષણધામ છે. સ્વામી વિવેકાનંદના Life-Building, Man- Making, Character Makingના આદર્શને વરેલી આ સંસ્થા વિદ્યાર્થીઓને ‘માનવ બનો અને બનાવો’ના શિક્ષણ સાથે ભારતીય આધ્યાત્મિક જીવન, ત્યાગ, સેવા અને બલિદાન જેવાં ઉચ્ચ જીવનમૂલ્યોની જીવંત કેળવણી આપે છે. વિદ્યાર્થીઓની ભીતર રહેલી શક્તિઓ અને આધ્યાત્મિક શક્તિને જગાડવાનો પ્રયત્ન પણ અહીં સુપેરે થાય છે.

નરેન્દ્રપુર રામકૃષ્ણમિશન આશ્રમની પ્રવૃત્તિઓ આ પ્રમાણેની છે:

(૧) સામાન્ય શિક્ષણ (૨) યાંત્રિક અને વ્યવસાયલક્ષી શિક્ષણ (૩) અંધજનો માટેનું શિક્ષણ (૪) અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનું સાર્વત્રિક કલ્યાણકાર્ય (૫) યુવનેતૃત્વ, બાળકલ્યાણ, સમૂહ શિક્ષણ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સઘન વિકાસ માટેના કાર્યક્રમો (૬) ડૉક્ટરી સેવા અને બીજાં સેવા કાર્યો.

નરેન્દ્રપુર વિદ્યાર્થી મંદિર

૧૯૪૩ના બંગાળના ભીષણ દુષ્કાળ વખતે શરૂ થયેલા આ વિદ્યાર્થી મંદિરમાં ત્રણ જ વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીગૃહમાં ગરીબ અને અનાથ વિઘાર્થીઓને રાખવામાં આવે છે. વિવિધ પ્રદેશોમાંથી, વિવિધ જ્ઞાતિઓમાંથી, પછાત વર્ગના તેમજ ખોડ-ખાંપણવાળા વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે. અત્યારે ૬૦૦ વિદ્યાર્થીઓ આ શિક્ષણ સંસ્થાનો લાભ લે છે. ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ સમાજમાં ગોઠવાઈ જાય, ધંધોરોજગારી મેળવે તેમજ પોતાના પગ ઉપર ઊભા રહે તેવા શિક્ષણની વ્યવસ્થા આ વિભાગમાં છે.

નિવાસી ડિગ્રી કોલેજ

કલકત્તા યુનિવર્સિટી સાથે જોડાયેલ આ વિદ્યાસંકુલ ૧૯૬૦માં શરૂ થયું. કૉલેજ તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિનયન અને વિજ્ઞાન વિભાગના વિવિધ શિક્ષણ વિષયોના અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પૂરક શિક્ષણની વ્યવસ્થા પણ આ સંસ્થામાં છે. આજનો યુવાન વિદ્યાર્થી બલિષ્ઠ, નિરોગી અને દૃઢ મનોબળવાળો બને; નૈતિક મૂલ્યોનો ઉપાસક બને, ભારતીય જીવનનાં ઉચ્ચતમ મૂલ્યોને જીવનમાં ઊતારતા શીખે અને દેશબાંધવો પ્રત્યે કરુણા, સહાનુભૂતિ, કૃતજ્ઞતા અને સહાયની લાગણી કેળવતાં શીખે એવી શિક્ષણ વ્યવસ્થા આ સંસ્થાનું અનેરું આકર્ષણ છે. આ સંસ્થાનાં પરિણામો ૮૮થી ૯૪ ટકાની વચ્ચે રહે છે. તેમ જ કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ દસમાં વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન મેળવતા રહે છે. ઉચ્ચતર માધ્યમિકના પરિણામો ૯૯થી ૧૦૦ ટકા રહે છે તેમ જ બોર્ડમાં પ્રથમ ૨૦માં સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન મેળવે છે. આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ વિદ્યાકીય સિદ્ધિઓ હાંસલ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનાં પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ મેળવ્યાં છે. રમત ગમત, N.C.C., N.S.S. જેવાં ક્ષેત્રે પણ આ સંસ્થાનું પ્રદાન અનન્ય રહે છે. નિવાસી માધ્યમિક શાળા સંકુલ

ધો. ૫, , ૭ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને બંગાળી માધ્યમમાં ચાલતી આ શાળાનું મકાન ત્રણ મજલાનું છે અને બન્ને માધ્યમ માટે અલગ શાળા અને અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા છે. નવ અલગ અલગ હૉસ્ટેલમાં ૭૬૪ જેટલા વિદ્યાર્થીઓ આ સંકુલમાં અભ્યાસ કરે છે. રમતનું વિશાળ મેદાન, કિશોરો માટેનું ખાસ વાચનાલય અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું સભાખંડ એક આકર્ષણ છે.

ધો. ૭ અંગ્રેજી માધ્યમ અને ૮, , ૧૦ના વિદ્યાર્થીઓ માટેનું અલગ શિક્ષણ સંકુલ બે માળના વિશાળ મકાનમાં ચાલે છે. આ ઉપરાંત હૉસ્ટેલ, વર્કશૉપ, ખેતીવાડી માટેની પ્રયોગશાળા, ખેત વ્યવસ્થાવાળી સુવિધા, રમત-ગમતનાં વિશાળ મેદાનો, સ્ટેડિયમ, જીમ્નેશિયમ હોલ, વિશાળ સભાખંડ અને જ્ઞાનવૃદ્ધિ કરતું પુસ્તકાલય વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રગતિ માટે પૂરક બની રહે છે. આ સંસ્થાના કેટલાય મેધાવી વિદ્યાર્થીઓ બૉર્ડનાં પ્રથમ ૨૦ વિદ્યાર્થીઓમાં પોતાનું સ્થાન મેળવે છે. શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવે છે અને લગભગ બધા જ પ્રથમ વર્ગ સાથે પાસ થાય છે. રમત-ગમત, વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક (રાજ્ય અને રાષ્ટ્રકક્ષાની) કસોટીઓ અને શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓએ પણ પોતાનાં પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે.

શિશુ વિદ્યાલય

બાલમંદિરથી માંડીને પ્રાથમિક ધોરણ ૪ સુધીના ૪થી ૯ વર્ષની ઉમરનાં ૩૫૨ બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના ૩૦ વિદ્યાર્થીઓ માટે નિવાસી વ્યવસ્થા પણ આ સંસ્થામાં છે. કેન્દ્રિય પુસ્તકાલય

આ વિશાળ વિદ્યાસંકુલના શાળા-મહાશાળા અને બીજી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની જ્ઞાનવૃદ્ધિ માટે, તેમજ શિક્ષકો માટેના આ વિશાળ પુસ્તકાલયમાં ૬૦ હજાર જેટલાં પુસ્તકો, ૫૦૦ જેટલાં અપ્રાપ્ય પુસ્તકો, ૫ હસ્તપ્રતો, ૮૫ સામયિકો તેમજ વર્તમાનપત્રો છે.

ટૅક્નિકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણ સંકુલ:

જૂનિયર ટૅકનિકલ સ્કૂલ: જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકતા નથી તેમને માટે આ શાળા કાર્ય કરે છે. એમાં વેલ્ડીંગ, ટર્નીંગ, ઈલેક્ટ્રીશ્યન, અને મીકેનીકલ ડ્રાફ્ટમેનના અભ્યાસક્રમો ચાલે છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ ચાલે છે. ગરીબ અને પછાત કોમના વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમોનો સારો લાભ મળે છે.

ભારત સરકારના N.C.T.V.T. (નેશનલ કાઉન્સિલ ઑફ ટ્રેઈનિંગ ઈન વોકેશનલ ટ્રેડસ)ની માન્યતાવાળા ઑટોમોબાઈલ અને મોટર મિકેનિક્સમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો, ચલાવે છે.

આ સંસ્થાના કોમર્શીયલ ઈન્સ્ટિટ્યુટમાં શાર્ટહેન્ડ અને ટાઈપ-રાઈટીંગનો અભ્યાસક્રમ બંગાળી અને અંગ્રેજી માધ્યમમાં ચાલે છે.

અંધજનો માટેનું શિક્ષા સંકુલ

૧૯૫૭થી શરૂ થયેલ આ વિદ્યા-સંકુલમાં ૧૭૫ વિદ્યાર્થીઓને નિવાસ, અભ્યાસ અને તાલીમની સગવડતા મળી રહે છે. આ શિક્ષણ સંકુલમાં – ૧. અભ્યાસમાં મેધાવી વિદ્યાર્થીઓ માટેની વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા છે. ૨. સંગીતમાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને સંગીતનું સઘન શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. ૩ અંધ વિદ્યાર્થીઓની હાથની કળા અને કારીગરીનો વિકાસ થાય તેવી તાલીમ અપાય છે. ૪. વૈજ્ઞાનિક ખેતી, મરઘાઉછેર, ડેરી વિજ્ઞાન, બાગાયતી કામ, હૉર્ટીકલ્ચર, જેવી તાલીમ ગ્રામ્ય વિસ્તારના અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબોમાંથી આવતા ગરીબ અને અંધ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત સંગીત સાથે સામાન્ય શિક્ષણ, હસ્તકલા કારીગરી, શારીરિક શિક્ષણ, વ્યવસાયલક્ષી સંગીત શિક્ષણ, ઔદ્યોગિક વ્યવસાયલક્ષી તાલીમ, ઍગ્રો ઈન્ડસ્ટ્રિઝ અને પશુસંવર્ધનની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્થાઓ અંધજનો માટેની નીચેની પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરે છે:

૧ અંધજનોનું વિસ્થાપન ૨. સબકૉન્ટ્રેક્ટ વર્કશૉપ, ૩. સ્વરોજગારી, બ્રેઈલ પુસ્તકાલય, વિભાગીય બ્રેઈલ મુદ્રણાલય, અને અંધજનોના શિક્ષકો માટે વિભાગીય તાલીમ કેન્દ્ર, ટોકીંગ-બૂક લાયબ્રેરી, અને કૃત્રિમ સ્વિમિંગ પુલની વ્યવસ્થા આ સંસ્થામાં છે. આ સંસ્થાને અંધજનો માટેની અનન્ય સેવા માટે ૧૯૮૩માં ભારત સરકારનો રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૮૪ની ૧૬મી એપ્રિલે ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિશ્રીના વરદહસ્તે આ સંસ્થાને ૧ લાખ રૂપિયાનો ડ્રાફ્ટ એનાયત કરવામાં આવ્યો હતો.

લોકશિક્ષા પરિષદ

રામકૃષ્ણ મિશનની સ્વામી વિવેકાનંદના સંદેશ અને આદર્શો પ્રમાણે ચાલતી આ એક ૨૧મી સદીને અનુરૂપ શિક્ષણપ્રથા અને વ્યવસ્થા છે. આના દ્વારા દૂર સુદૂરના ખેડૂતો, કારીગરોને કુશળ અને દૃષ્ટિવાળા બનાવવાની વાત છે. એટલે જ આ શિક્ષણ પ્રથામાં વિશાળ પાયા પરનો તાલીમી કાર્યક્રમ હોય છે જેથી વધુ ને વધુ સંખ્યામાં શિક્ષાર્થીઓ આ શિક્ષણપદ્ધતિનો લાભ લઈ શકે. વાસ્તવિક રીતે શીખવા ઈચ્છતા શિક્ષાર્થીને અનુરૂપ થવાની વાત આમાં આવે છે. એટલે જ વિવિધ વિષયોના શિક્ષણનો એમાં સમાવેશ કરવામાં આવે છે. આ શિક્ષણ પદ્ધતિ એવી શિક્ષણ પ્રણાલી છે કે જેના દ્વારા આ યુવા પેઢી પોતાની ઉત્પાદક શક્તિમાં કૌશલ્ય કેળવે. આ પ્રણાલીમાં ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવસાયી શિક્ષણની વ્યવસ્થા છે કે જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના શિક્ષાર્થીઓ એમાં ભાગ લઈ શકે. આ કાર્યક્રમ જમાનાને સુસંગત અને ઉદ્દેશ્યવાળો બને તે માટે અહીં દર્શાવેલા સિદ્ધાંતો અને પ્રણાલીઓનું અનુસરણ કરવામાં આવે છે.

(૧) આ અભ્યાસક્રમ અનૌપચારિક છે. છતાં અભ્યાસક્રમના ચોક્કસ મુદ્દાઓ પ્રમાણે ચાલવાનું રહે છે પણ શીખનારની જરૂર પ્રમાણે એમાં પરિવર્તન કરી શકાય છે એટલું જ નહીં અભ્યાસક્રમની સમય મર્યાદા અને સ્થળ પણ શિક્ષાર્થીની અનુકૂળતા પ્રમાણેની ગોઠવણી કરી શકાય છે.

(૨) દર વર્ષે એ ને એ જ અભ્યાસક્રમ કે પાઠ્યક્રમ ચલાવવો એવું નથી હોતું પરંતુ તાલીમની માગ પ્રમાણે એમાં પરિવર્તન કરવાનાં રહે છે. ભારે કિંમતની ભૌતિક સાધનસામગ્રીમાંથી બચવા માટે ઉદ્યોગગૃહો, ફૅક્ટરીઓ અને ઉત્પાદનના મૂળ કારખાનામાં જ આ તાલીમની ગોઠવણી કરવામાં આવે છે. આને કારણે તાલીમનો ખર્ચ ઘટે છે અને જુદી જુદી ઉત્પાદક પદ્ધતિઓનો પ્રત્યક્ષ ખ્યાલ જે તે ક્ષેત્રમાંથી મળી રહે છે. થોડો તાલીમી સ્ટાફ ઊભો કરવો પડે છે. બાકીના મોટાભાગના ખુલ્લા ઔદ્યોગિક ક્ષેત્રો કે તાલીમી શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોને માનદ વેતન આપીને ગોઠવી શકાય છે. આને કારણે પણ આ શિક્ષણ વ્યવસ્થાનો ખર્ચ ઘટાડી શકાય છે.

(૩) જ્યારે તાલીમકેન્દ્ર અને સાધનો પૂરા પાડવામાં આવે ત્યારે આ સંસ્થા તાલીમ સાથે ઉત્પાદન કેન્દ્ર ચલાવીને આવકનો સ્રોત ઊભો કરશે. આને કારણે તાલીમાર્થીઓને વધુ ઉપયોગી પ્રાયોગિક તાલીમની તકો મળે છે, તેઓ વધુ કુશળ કારીગર બને છે અને સંસ્થાને તાલીમ અને નિભાવ માટે થોડું નાણાકીય ઉપાર્જન પણ કરી આપે છે.

(૪) લાંબા ગાળાના અભ્યાસક્રમોમાં જૂના તાલીમાર્થીઓને પણ વધુ સારી તાલીમ અપાય છે. આવા તાલીમાર્થીઓ ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ કાર્ય કરે છે અને બીજા વધુ તાલીમ પામેલા પાસેથી નવું શીખે છે. એથી તાલીમની ગુણવત્તા સુધરે છે અને તાલીમાર્થીઓને એક અનોખું પ્રેરણાબળ મળે છે.

(૫) આ તાલીમી એકમો એક વિકાસકેન્દ્ર તરીકે કાર્ય કરે છે જેમાં વિવિધક્ષેત્રની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પ્રત્યે ધ્યાન અપાય છે. આને કારણે તાલીમના કાર્યક્રમોની ગુણવત્તા સુધરે છે, વધે છે. આ કાર્યક્રમ સમાજની જરૂરત પર રચાયેલો છે. આ શિક્ષણ પદ્ધતિમાં ભૂતકાળના તાલીમાર્થીઓ સાથે અનુબંધ રહે છે. વ્યાપારી પેઢીઓ, ઔઘોગિક સંસ્થાઓ, ફેક્ટરીઓ, તથા કારખાનાઓ સાથે જોડાયેલી આ તાલીમ છે એટલે વાસ્તવિક ઉત્પાદન સાથે પ્રત્યક્ષ સંબંધ જળવાઈ રહે છે. સમાજના વાતાવરણ અને સમાજની જરૂરત પર આધારિત આ તાલીમ છે. પરિણામે આવાં તાલીમ કેન્દ્રોને સમાજ સાથે લેવાદેવા છે અને જીવંત તાલીમ, પ્રત્યક્ષ તાલીમને લીધે કારીગર વધારે કુશળ કારીગર બને છે.

(૬) સ્વરોજગારી તરફ વળે અને Job-Seekersને બદલે Job-Givers બને, સાચા ઍન્ટરપ્રેન્યૉર બને તેવી આ તાલીમ છે. પરિણામે ગૃહઉદ્યોગ, કુટિર ઉદ્યોગ સ્થાપીને પોતપોતાના વિસ્તારમાં સ્થાયી થાય છે. પરિણામે ગામડાના લોકોને શહેર તરફ દોડી જવું પડતું નથી.

(૭) સાર્વત્રિક શિક્ષણ અને સંપૂર્ણ નિરક્ષરતા નાબુદીના ઘનિષ્ઠ કાર્યક્રમની સાથે સમગ્ર રાષ્ટ્રમાં આ અનૌપચારિક વ્યવસાય શિક્ષણનો કાર્યક્રમ ઉપાડી લેવા જેવો છે. જેથી ૨૧મી સદીના આવનારાં નવાં પરિવર્તનો, નવા ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રોનો વાસ્તવિક પ્રત્યક્ષ ખ્યાલ તાલીમાર્થીઓને ગામડે ગામડે જઈને આપી શકાય.

લોકશિક્ષા પરિષદમાં ચાલતા અભ્યાસક્રમો

(૧) ઍડવાન્સ કાર્પેન્ટરી (૨) ઈલૅક્ટ્રીશ્યન, (૩) લેથ ઑપરેશન (૪) પ્લમ્બીંગ અને સેનેટરી ફીટીંગ (૫) રેડીઓ, ટી.વી. મૅન્યુફૅક્ચરીંગ ઍન્ડ સર્વીસીંગ (૬) ઍડવાન્સ ફોટોગ્રાફી (૭) બેઝીક કાર્પેન્ટરી (૮) રીપેર ઍન્ડ મૅઈન્ટેનન્સ ઑફ કલર ટી.વી. એન્ડ વી.સી.આર. (૯) ક્રોપ હસબન્ડરી (૧૦) પોલ્ટ્રી કીપીંગ એન્ડ ડેરી મૅનેજમૅન્ટ (૧૧) આર્ટીફીશ્યલ ઈનસેમીનેશન (૧૨) યુઝ કેર એન્ડ મૅન્ટેનન્સ ઓફ ઍગ્રો ઈક્વીપમેન્ટસ. (૧૩) ફાર્મર્સસન્સ ટ્રેઈનીંગ ઈન ઍગ્રો મશીનરીઝ (૧૪) બી કીપીંગ (૧૫) પીસ્સી કલ્ચર (૧૬) પોલ્ટ્રી કીપીંગ (૧૭) ઍન્ટરપ્રીન્યનૉરશીપ ટ્રેઈનીંગ (૧૮) ઍન્ટરપ્રીન્યોરશીપ ડૅવલપમેન્ટ ઈન પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ (૧૯) રૂરલ ઍન્ટરપ્રિન્યૉરશીપ ડેવલપમેન્ટ (૨૦) આર. ઈ. ડી. વી. ફોર વીમેન (૨૧) ઍન્ટરપ્રિન્યોરશીપ ગાઈડન્સ (૨૨) મશરૂમ કલ્ટીવેશન (૨૩) મોટીવેશનલ ટ્રેઈનિંગ ઈન બેટર હૉમ મૅનેજમૅન્ટ (૨૪) મૅશન્સ ટ્રેઈનીંગ (૨૫) ટ્રેઈનિંગ ઑફ સ્મોકલૅસ ચૂલ્હા (૨૬) સ્પોકન ઈંગ્લિશ (૨૭) ફોટોગ્રાફી ઍન્ડ ડાર્કરૂમ પ્રૉસેસીંગ (૨૮) કોમર્શીયલ સાઈન બૉર્ડ રાઈટીંગ (૨૯) રૅફ્રીજરેશન ઍન્ડ ઍરકન્ડીશનરીંગ (૩૦) ટાઈપરાઈટર, સ્કૂટર મૉપેડ, વૉચ રીપેરીંગ (૩૧) કૉમ્પ્યુટર, ટૅલૅક્સ ઑપરેશન (૩૨) મશીન નીટીંગ (૩૩) ટેઈલરીંગ (૩૪) મૉટર ડ્રાઈવિંગ, મૉટર મીકૅનીક્સ (૩૫) સીલ્ક સ્ક્રીન પ્રિન્ટીંગ (૩૬) ડૉલ મેઈકિંગ (૩૭) ટેલીફોન ઑપરેશન (૩૮) બેટરી, ઍલીમીનેટર, સ્ટેબીલાઈઝર મેઈકિંગ ઍન્ડ રીપેરીંગ (૩૯) સોપ, ડીટરજન્ટ ઍન્ડ શેમ્પુ મેઈકીંગ (૪૦) ફુડ-ફૂટ પ્રિઝર્વેશન (૪૧) ઑરીઍન્ટેશન ઑન મેટરનલ ઍન્ડ ચાઈલ્ડ હેલ્થ કેર (૪૨) પૅથૉલોજી – લેબોરેટરી ટૅક્નીશ્યન (૪૩) ફિઝિયોથેરાપી (૪૪) ઑફીસ મૅનૅજમૅન્ટ (૪૫) ગૅસ ઍન્ડ ઈલેક્ટ્રીકલ વેલ્ડીંગ (૪૬) બૂક બાઈન્ડીંગ, લેધર સ્ક્રેપ જેવા અનેક વિષયોમાં તાલીમ આપવામાં આવે છે. નવા જમાનાને અનુરૂપ નવા આવનારા મોટા ઉદ્યોગોને અનુરૂપ ૨૧મી સદીના પડકારોને ઝીલનારા સમાજની જરૂરતોને પોષનારા, લોકોના વિસ્થાપનની સમસ્યાઓને દૂર કરનારા, ઘરે બેઠાં રોટી-રોજી આપવાનું કૌવત આપનારા, પોતાના વ્યવસાયમાં નિત્ય-નવીન દૃષ્ટિ લાવનારા આવાં અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો જ રાષ્ટ્રની ધબકતી નાડીને વધુ સારી રીતે ધબકતી રાખી શકશે. આમાં અંગ્રેજી બાબુ કે ધોળાં કપડાં પહેરીને વ્હાઈટ-કોલર જોબની પાછળ પડનારા, નોકરી ધંધો શોધનારા, પેદા કરવાને બદલે સ્વરોજગારી તરફ વળનારા અને બીજાને પણ રોજગારી આપનારા ઍન્ટરપ્રિન્યૉર ઊભા કરી શકીશું એટલે એલ્વીન ટોફલરની દૃષ્ટિએ મૉર્ડન ટૅક્નૉલૉજી વીથ ગાંધિયન ફિલૉસૉફીનું સ્વપ્ન કે દર્શન સાકાર થશે. આવી જ સંસ્થાઓ સમાજને ઉપયોગી થઈ શકશે. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનું આવું પ્રદાન આપણા સમાજ માટે આશીર્વાદરૂપ નિવડે તેવું છે.

‘શિખરો ઊંચા અને મારગ આકરા’ પર ચાલવાની આ રામકૃષ્ણ મઠના સંન્યાસીઓની શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ પ્રેરિત શક્તિ અને મા શારદાદેવીની પ્રેરક અમીદૃષ્ટિ આ સંકુલોના સંચાલનમાં મહત્વનાં પરિબળ બની રહ્યાં છે. શિક્ષણમાં શિક્ષણની આજની રણ-વેરાન ભૂમિમાં આવાં શિક્ષણસંકુલો એક અનન્ય રણવીરડી જેવા છે. ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી આપણે થોડું આચમન કરીને આપણી શિક્ષણ સંસ્થામાં તેનું અનુપાન કરાવી શકીએ તો આપણું શિક્ષકપણું, આચાર્યપણું ધન્ય બની જાય. શિક્ષણના આ તીર્થસલિલનું સ્નાન આપણા દેહને – ચિત્તને સદાય પાવનકારી બનાવે તેવી અભિલાષા.

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.