મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે
પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા ગામે ઈ.સ. ૧૮૯૬ના મે ની પહેલી તારીખે પ્રભાતના ત્રણ વાગે એમનો જન્મ થયો હતો. પિતા બિપીન બિહારી ભટ્ટાચાર્ય અને માતા મોક્ષદાસુંદરી ખૂબ જ ધર્મપરાયણ હતાં. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં મા આનંદમયી જન્મથી જ જાગ્રત હતા. તેમનો આત્મા પંચ મહાભૂતના દેહમાં ઊતરી આવ્યો હોવા છતાં તે દેહનાં બંધનોથી કે માયાના આવરણથી બંધાયો ન હતો. આથી તે પોતાના મૂળસ્રોત પરમાત્મા સ્વરૂપ જ હતો. જન્મીને બીજાં બાળકો રુદન કરવા લાગે છે, ત્યારે મા રડ્યાં ન હતાં પણ છતનાં નળિયાનાં કાણાંમાંથી કેરીઓથી લચી પડેલા આંબાના વૃક્ષને જોઈ રહ્યાં હતાં. ઘોડિયામાં સૂતાં-સૂતાં કીર્તનના શબ્દો સાંભળતાં સાંભળતાં તેઓ ભાવસમાધિમાં સરી પડતાં. શૈશવકાળથી જ અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ એમના જીવનમાં સહજપણે ઊતરી આવી હતી. ખેવડાની પ્રાથમિક નિશાળમાં તેઓ વાંચતાં, લખતાં શીખ્યાં. એમની અદ્ભુત સ્મરણશક્તિ જોઈને તેમના શિક્ષકે ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાલિકા અભ્યાસમાં ખૂબ આગળ વધશે. પરંતુ તેમના ઘરની પરિસ્થિતિ અભ્યાસને અનુકૂળ નહોતી. વૈરાગી પિતા, ઘરકામના ભારે બોજાથી દબાયેલાં માતા, ત્રણ બિમાર નાનાં ભાઈબહેનો, વૃદ્ધ દાદીમા – આ બધાને લીધે તેઓ શાળામાં વધારે અભ્યાસ કરવાનો સમય મેળવી શકતાં ન હતાં. આથી આગળ અભ્યાસ કરી શક્યાં નહીં.
શ્રી મા આનંદમયી જ્યારે બાર વર્ષ ને દસ માસના હતાં ત્યારે તેમનાં લગ્ન આટપાડાના જગત્બંધુ ચક્રવર્તીના બીજા પુત્ર રમણીમોહન સાથે થયાં. માએ રમણીમોહનનું નામ, તેઓ સ્વભાવે ઉગ્ર અને ભોળા હોવાથી ભોળાનાથ પાડ્યું હતું. લગ્ન પછી તુરત જ ભોળાનાથની નોકરી છૂટી ગઈ એટલે તેઓ નોકરીની શોધમાં ઢાકા ગયા. ત્યાં તેમના બહેનના ઘરે રહીને છૂટુંછવાયું કામ કરતા રહ્યા. પણ સ્થાયી નોકરી તેમને ચાર વરસ બાદ જ મળી. ત્યાં સુધી મા એમના જેઠના ઘરે શ્રીપુ૨ – નુરૂન્દી વગેરે સ્થળે રહ્યાં. આ ચાર વર્ષનો કાળ માના જીવનમાં મૂક સેવા સાધના અને આજ્ઞાપાલક્તાનો કાળ હતો. આટલી નાની વયે પણ તેમણે જેઠાણીના કાર્યનો સઘળો ભાર ઉઠાવી લીધો હતો. ઉનાળામાં સૂર્યના તાપથી તપીને ભઠ્ઠી જેવા બની ગયેલા રસોડામાં ચૂલાના તાપની પાસે બેસીને સવા૨, બપોર, સાંજ આઠથી દસ માણસની રસોઈ તેઓ આનંદપૂર્વક બનાવતાં હતાં. તેમનાં જેઠાણી તેમના કાર્યથી ખૂબ સંતુષ્ટ હતાં. પરંતુ પછી માના જીવનમાં આધ્યાત્મિક અનુભવોની પરંપરા શરૂ થઈ અને તેમના બાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ગમે તે કામ કરતાં કરતાં એકાએક ભાવાવેશની સ્થિતિ આવી જતી ને પરિણામે દૂધ ઉભરાઈ જતું, શાક બળી જતું, હાથમાંનાં વાસણો પડી જતાં અને તેમનું બાહ્ય ભાન ચાલ્યું જતું. વારંવાર આવું બનતું હોવાથી તેમના જેઠાણીનો ગુસ્સો વધવા લાગ્યો. લોકો એમની આવી સ્થિતિને વળગાડ કહેતા, કોઈ હિસ્ટિરિયાનું દર્દ કહેતું, પણ ખરેખર તો એ અનેક જન્મોની તપશ્ચર્યાને અંતે પ્રાપ્ત થતી સમાધિની સહજ સ્થિતિ છે, એ ત્યારે કોઈ જાણતું ન હતું.
ચાર વરસ બાદ ભોળાનાથને અષ્ટગ્રામમાં નોકરી મળી. મા અષ્ટગ્રામમાં રહેવા આવ્યાં. તેમને તો સાંસારિક જીવન હતું જ નહીં. ભોળાનાથને પણ તેઓ પિતાતુલ્ય માનતાં હતાં અને એ રીતે તેમની આમન્યા જાળવી તેમની સેવા કરતાં હતાં. પરંતુ ભોળાનાથનાં મનમાં ક્યારેક પતિભાવ જાગ્રત થતો અને એ ભાવે જો તેઓ મા પાસે જતા તો માના શરીરમાં આપોઆપ એવા ફેરફારો થવા લાગતા કે તેઓ ડરી જતા. માનું શરી૨ લાકડા જેવું થઈ જતું, શબવત્ જડ બની જતું. એમાં ચેતના પાછી લાવવા માટે ઘણી વાર તો ભોળાનાથને રાતભર પ્રયત્ન કરવો પડતો અને તેમાં તેમનો વિકારી ભાવ તો ક્યાંય અદૃશ્ય થઈ જતો. ભોળાનાથને જેમ જેમ માની દિવ્યતાનો વધુ ને વધુ અનુભવ થતો ગયો, તેમ તેમ તેમના વિકારો શમવા લાગ્યા. પછી તો ભોળાનાથે માના હાથે દીક્ષા ગ્રહણ કરી અને તેઓ માના પ્રથમ શિષ્ય બન્યા.
અષ્ટગ્રામમાં, બાજિતપુરમાં અને શાહબાગમાં માએ ઉગ્રપણે સાધના કરી હતી. તેમની સાધનાનો પ્રારંભ નામજપથી થયો. તેઓ આખી રાત નામ જપ કરતાં રહેતાં. દિવસે પણ ઘરના કામમાંથી જ્યારે સમય મળે ત્યારે તેમનો નામજપ ચાલુ જ રહેતો. નામજપ કરતાં કરતાં એમનું સમગ્ર અસ્તિત્વ એ નામમાં તદ્રૂપ બની ગયું. તેને પરિણામે પ્રાણાયામ, યોગિક ક્રિયાઓ, આસનો, વિવિધ મુદ્રાઓ, આ બધું તેમના શરીર દ્વારા સહજપણે થવા લાગ્યું. તેમણે કોઈ શાસ્ત્રો વાંચ્યા નહોતાં, કે કોઈ પાસે કશું શીખ્યાં પણ નહોતાં. છતાં સાધના ક્રિયાઓ, મંત્રો, વેદની ઋચાઓ જેવા સુક્તો આ બધું સ્વયંભૂપણે એમની અંદરથી પ્રગટ થવા લાગ્યું. એમની દીક્ષા પણ એમણે પોતે જ પોતાને અંતઃસ્થ પરમાત્માની પ્રેરણા પ્રમાણે આપી. દીક્ષામંત્ર કે જે એમને અંત૨માંથી સ્ફૂર્યો હતો, તે પણ પોતે પોતાનો જ આપ્યો આધ્યાત્મિક ઈતિહાસમાં આ ઘટના અજોડ છે.
સાધનાકાળ પૂરો થતાં માની ખ્યાતિ શાહબાગ પૂરતી સીમિત રહી નહીં. તેમનો આંતરપ્રકાશ છેક કાશી સુધી વ્યાપી ગયો અને પછી ભક્તોનો પ્રવાહ શરૂ થયો. દિલ્હીથી બદલી પામીને ઢાકા આવેલા અધિકારી શ્રી જ્યોતિષચંદ્ર રૉય પ્રથમ દર્શને જ માની દિવ્યતાને ઓળખી ગયા અને તેઓ માના ધર્મપુત્ર બની ગયા. તેમને માએ ભાઈજીના નામે ઉદ્બોધ્યા. એમણે સિદ્ધેશ્વરીમાં માને અલૌકિક આનંદના ભાવમાં નિમગ્ન જોયાં અને અંતઃપ્રેરણા થતાં તેમણે ભોળાનાથને કહ્યું ‘‘આપણે આજથી માને “શ્રીમા આનંદમયી” કહીશું.” ભોળાનાથે સંમતિ આપતાં મા ‘‘શ્રી આનંદમયી” મા બની ગયાં, માતા પિતાએ એમને આપેલું નામ નિર્મલાસુંદરી હતું, પણ હવે તેઓ સચ્ચિદાનંદ રૂપ પરમાત્માના આનંદનું મૂર્તિમંત સ્વરૂપ બની ગયાં.
માનો સાધનાકાળ પૂરો થતાં અસંખ્ય લોકોનો પ્રવાહ મા પ્રત્યે વળ્યો. માને વય, જાતિ કે લિંગના કોઈ જ ભેદભાવ નહોતા. તેઓ પોતાની પાસે આવનારને તેમની આંતરિક ઈચ્છા પ્રમાણે આનંદ, પ્રેમ અને શાંતિની સ્થિતિમાં મૂકી આપતાં. મા બોલતાં બહુ જ ઓછું, પણ બોલ્યા વગર જ માણસની અંદર જે કંઈ કરવાનું હોય તે કરી દેતાં. માણસની આંતરચેતના જાગ્રત થાય અને પરમચેતના સાથેનું તેનું અનુસંધાન થઈ જાય, પછી કોઈ ઉપદેશની જરૂર રહે ખરી? મા જે કંઈ કહેતાં તે સાવ સ૨ળ ભાષામાં, સામાન્ય માણસને પણ સમજાઈ જાય એ રીતે કહેતાં. ‘‘જીવનમાં સુખ મેળવવું હોય તો સમર્પણ કરી દો. જે કંઈ થઈ રહ્યું છે તે પ્રભુની લીલા છે. તેની સામે સરલ ભાવે શૂન્ય બની સમર્પણ કરી દો.” સમર્પણનો આ સહેલામાં સહેલો સાધના માર્ગ માએ સહુને બતાવ્યો હતો.
બનારસમાં એક વિદેશી ભક્ત મા પાસે બેઠા હતા. મા તેને ઉદ્બોધીને કઈ કહી રહ્યાં હતાં. ત્યારે ત્યાં બેઠેલા કોઈએ કહ્યું. “મા, આ વિદેશી કંઈ તમારી ભાષા સમજશે નહીં. ‘‘ત્યારે માએ હસીને કહ્યું: ‘‘સમજતું તો કોઈ નથી” પણ પછી જ્યારે એ વિદેશીને પૂછવામાં આવ્યું કે ‘‘તમને આ બધું કેવું લાગે છે?’’ ત્યારે તેમણે કહ્યું “એવું લાગે છે કે જાણે મા મને અંદરથી ખાલી કરી રહ્યાં છે અને તે ખાલીપણામાં એક એવો આનંદ ભરાઈ ગયો છે કે જેની કલ્પના માત્રથી રોમાંચ થઈ જાય છે.’’ આ ખાલીપણું એ તો છે પ્રભુથી જીવનને ભ૨વાની એક માત્ર શરત.’’
મા પાસે નહોતું કોઈ રહસ્ય કે નહોતાં કોઈ જાદુ મંતર અને છતાં એમની હાજરીમાં જાદુ સર્જાઈ જતું. મનના ઉત્પાતો શમી જતા. વેર અને ઈર્ષ્યાની આગ પ્રેમમાં ફે૨વાઈ જતી. અંતરના આગળા ખૂલી જતા. મહાન રહસ્ય પ્રગટ થઈ જતું. માનું જીવન સંપૂર્ણ ખુલ્લું હતું. સ્ફટિક જેવું નિર્મલ અને ૫૨માત્મા સમું પવિત્ર હતું. માની દૃષ્ટિ કાલાતીત હતી. એવાં અસંખ્ય ઉદાહરણો છે કે જેમાં માએ અતીતની ઘટનાઓ વિષે સાચું કહ્યું હોય અને સાચી ભવિષ્યવાણી ઉચ્ચારી હોય. પણ આમાં કંઈ રહસ્યમયતા કે આશ્ચર્ય નથી. એ તો માની પારદર્શી ને ત્રિકાળમાં જાગૃત ચેતનાનું સહજ દર્શન ગણાવી શકાય. આ જગત તો આત્માની મહાનયાત્રામાં એક પડાવ માત્ર છે, તેમ તેઓ કહેતાં. વળી જગતમાં દુઃખ છે જ નહીં તેમ પણ તેઓ કહેતાં. દુ:ખનું એક માત્ર કારણ હોય તો દિવ્યચેતનાથી વિમુખ થઈને પદાર્થોમાં આસક્ત થવું એ જ છે, તેમ તેઓ ભારપૂર્વક કહેતાં. તેઓ તો હંમેશાં ૫૨મ પ્રભુની દિવ્યચેતનામાં વસતાં હતાં એટલે સંસારના સુખ, દુઃખ એમને ક્યારેય સ્પર્શી શકતાં નહીં. માના સાન્નિધ્યમાં સતત રહેનાર ગુરુપ્રિયાદીદીએ લખ્યું છે: “મા કેટલીયે વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થયાં હતાં. પણ મેં એમને ક્યારેય ક્ષુભિત કે અસંતુષ્ટ જોયાં નહોતાં. સર્વ અવસ્થાઓમાં તેઓ ધીર, સ્થિર, શાંત અને આનંદી રહેતાં હતાં.
મા શક્તિ સ્વરૂપ હતાં ને તેઓ શક્તિ જગાડી શકતાં હતાં. તેઓ વૈશ્વિક ચેતનામાં જીવતાં હતાં એટલે તેમના માટે સ્થળનું કોઈ બંધન નહોતું. ઢાકા વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર ખાનબહાદુર નજીરઉદ્દીન મહમદને માએ કહ્યું હતું ‘‘આખું બ્રહ્માંડ મારું ઘર છે, જ્યારે હું અહીં તહીં ફરતી દેખાઉં છું ત્યારે પણ હું મારા ઘરમાં જ હોઉં છું.’’ સ્થળની જેમ કાળના બંધનો પણ માને સ્પર્શતાં નહોતાં. તેમણે ઘણી વાર કહ્યું હતું કે ‘‘હું જેવી પહેલાં હતી, તેવી જ હમણાં પણ છું અને પછી પણ તેવી જ રહીશ.” મા તો શાશ્વત ચેતનામાં વસતાં હતાં. તેઓ જીવોને ઈશ્વર પ્રત્યે અભિમુખ કરવા પૃથ્વી ઉપર આવ્યાં હતાં. તેઓ કોઈ એક ધર્મ કે સંપ્રદાયમાં બંધાયેલાં નહોતાં. જીવ શિવ બને, આત્મા પરમાત્મા સાથે તદ્રુપ બને, એ માટેનો માર્ગ પછી ભક્તિનો હોય, જ્ઞાનનો હોય, સેવા સાધનાનો હોય કે વેદાંતનો હોય, દરેક માર્ગ એ માનો માર્ગ હતો. આ તેમની સમીપ આવનાર દરેકને તેમની આંતરિક સ્થિતિ અને પ્રકૃતિ પ્રમાણેનો માર્ગ બતાવતાં. માની પાસે શ્રદ્ધા ભક્તિથી આવનારને મા બહારથી અંતરમાં વાળી દેતાં. તેમના અશાંત મનમાં શાંતિ ભરી દેતાં અને પછી તેમની જીવનદૃષ્ટિ જ બદલાઈ જતી. તેમને જીવનનો સહારો મળી જતો.
દેશવિદેશમાં ફેલાયેલા માના અસંખ્ય ભક્તોની ગણના થઈ શકે એમ નથી. કમલા નહેરૂ તો માનો સ્પર્શ કરીને સમાધિસ્થ બની જતાં. પંડિત નહેરૂજીને પણ મા પ્રત્યે ઊંડો ભક્તિભાવ હતો. ઈંદિરા ગાંધી તો નાનપણથી જ માના કૃપાપાત્ર હતાં. મહાત્મા ગાંધીજી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ઉદયશંકર સેન, તૈયબજી, ગોપીનાથ કવિરાજ આ સર્વ મહાનુભાવોએ પણ માની કૃપા પ્રાપ્ત કરી હતી. કાશીના મહાન વિદ્વાન પંડિત ગોપીનાથ કવિરાજને તો માના પ્રથમ દર્શને જ જણાયું કે ‘‘મા કેવળ મા છે. સૃષ્ટ અને અસૃષ્ટ સંપૂર્ણ જગતનાં મા છે” અને તેમણે શ્રી માના ચરણોમાં પોતાનું જીવન સમર્પી દીધું. આવા દિવ્યચેતનાનાં મૂર્તિમંત સ્વરૂપ એવાં શ્રીમા આનંદમયીના જન્મ શતાબ્દીના વર્ષના શુભારંભે તેમને શતશત પ્રણામ.
Your Content Goes Here