પોરબંદર! સાધુ – સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી જાય છે. આ શ્રદ્ધામાં વધારો થાય છે જ્યારે ખબર પડે છે કે વિવિધરૂપે ધન્ય થયેલ આ પોરબંદર નગરીમાં વિશ્વમાનવ સ્વામી વિવેકાનંદજી આજથી એકસો વર્ષો પૂર્વે લાગલગાટ ચાર માસ સુધી રહ્યા હતા. પરિવ્રાજકરૂપે સ્વામી વિવેકાનંદજી દેશભરમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમના પરિવ્રાજક સમયનો સૌથી વધુ ગાળો તેમણે પોરબંદરમાં ગાળ્યો હતો એ ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના છે. આ સમસ્ત ઈતિહાસ રોચક છે, જાણવા જેવો છે.

કલકત્તાથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે સ્થળોની મુલાકાત લીધા બાદ સ્વામીજીએ નવે. – ડિસે., ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો. અમદાવાદ, વઢવાણ, લીંબડી વગેરે સ્થળોમાં ફર્યા પછી તેઓ જૂનાગઢ આવ્યા. નડિયાદનિવાસી શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ ત્યારે જૂનાગઢના દીવાન હતા. દીવાનજીએ તેમનો આદર-સત્કાર કર્યો, ગિરનાર પર સ્વામીજી તપસ્યા કરવા ગયા ત્યારે તેમની સાર-સંભાળ રાખી. બન્ને વચ્ચે એટલી ગાઢ મિત્રતા બંધાઈ ગઈ કે પછીથી સ્વામીજીએ અમેરિકાથી દીવાનજીને ઘણા મહત્ત્વપૂર્ણ પત્રો પણ લખ્યા હતા. જૂનાગઢથી સ્વામીજીએ દ્વારકા, સોમનાથ, ભૂજ, માંડવી વગેરે તીર્થસ્થળોમાં ભ્રમણ કર્યું.

જૂનાગઢ જાણે કે તેમનું કેન્દ્ર હતું જ્યાંથી તેઓ કચ્છ સૌરાષ્ટ્રનું ભ્રમણ કરી રહ્યા હતા. થોડો વખત બાદ દીવાનજી પાસેથી પોરબંદરના દીવાન શંકર પાંડુરંગ પંડિત પર પરિચય પત્ર લઈ તેઓ પોરબંદર તરફ રવાના થયા. પોરબંદર રેલવે સ્ટેશન પર શહેરના દરોગા શ્રી રણછોડજીએ તેમનું સ્વાગત કર્યુ અને તેમને શંકર પંડિતના રહેઠાણ સુધી લઈ ગયા. શંકર પંડિત ત્યારે રાજ્યના એડમિનિસ્ટ્રેટર નિમાયેલા હતા. ત્યાં પહોંચી સ્વામીજીને ખબર પડી કે શંકર પાંડુરંગ એમના ઘરમાં નથી એટલે તેઓ નીચે સીડી પાસે બેસી ગયા. દીવાનજી આવ્યા ત્યારે તેમની સાથે હાથમાં હાથ રાખીને તેમને ઉપર લઈ ગયા. દરોગા નીચે રાહ જોતા બેઠા રહ્યા કારણ કે તેમને સૂચના દેવામાં આવી હતી કે સ્વામીજીની રહેઠાણની વ્યવસ્થા શહેરના શિવમંદિરમાં કરવામાં આવે, અને તેમના માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. છેવટે ખબર આવ્યા કે સ્વામીજી તો દીવાનજીની સાથે જ રહેશે. એટલે તેમના માટે તૈયાર કરાવેલ ભોજન બ્રાહ્મણોમાં વહેચી દેવામાં આવ્યું. બીજે દિવસે દરોગા સ્વામીજીને શહેર દેખાડવા લઈ ગયા ત્યારે તેઓ સમજ્યા કે સ્વામીજી ચીલાચાલુ પ્રકારના સંન્યાસી નહોતા, તેઓ રસિક પણ હતા.

સુદામાપુરીમાં સ્વામીજીએ સુદામા મંદિર જોયું. તેનાથી પ્રભાવિત પણ થયા, પણ તેનાથી વધુ પ્રભાવિત થયા શંકર પંડિતની વિશાળ લાયબ્રેરીથી. સ્વામીજીના ગુરુભાઈ સ્વામી શિવાનંદજી-મહાપુરુષ મહારાજના કહેવા પ્રમાણે સ્વામીજી પોરબંદર બે વાર આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે તેમની લાયબ્રેરીથી ખૂબ આકર્ષાયા હતા અને એટલે પંડિતજીએ તેમને નિમંત્રણ આપ્યું કે તેઓ ગમે તેટલા દિવસ ત્યાં રોકાઈને લાયબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. આ લાયબ્રેરીના આકર્ષણથી જ બીજી વાર પોરબંદર આવ્યા હતા. સ્વામીજી પોરબંદર બે વાર આવ્યા હતા, તેની સાબિતી સ્વામીજીના અન્ય ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીની આત્મકથા (બંગાળી)માંથી મળે છે. તેમાં તેઓ લખે છે કે તેમના તીર્થભ્રમણ દરમિયાન તેઓ પોરબંદર ગયા ત્યારે બે દિવસ માટે તેઓ શંકર પાંડુરંગ પંડિતના મહેમાન બન્યા હતા. તેમણે સ્વામી અભેદાનંદજીને કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં એક અંગ્રેજી જાણતા બંગાળી સંન્યાસી સ્વામી સચ્ચિદાનંદ અલ્પ સમય માટે અમારે ત્યાં આવ્યા હતા. સ્વામી અભેદાનંદજી સમજી ગયા કે આ સચ્ચિદાનંદ એ જ તેમના ગુરુભાઈ નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ).

પોતાની બીજી મુલાકાત દરમિયાન સ્વામીજીએ પોરબંદરમાં ખાસ્સો સમય ગાળ્યો હતો. કોઈ કોઈના માનવા પ્રમાણે અગિયાર મહિના તેઓ રહ્યા હતા. પણ આ વાત શકય નથી લાગતી. કારણ કે સ્વામીજીનો ગુજરાતનો પ્રવાસ છ-સાત મહિનામાં જ સમાપ્ત થયો હતો. નવેમ્બર ‘૯૧માં તેઓ અજમેર (રાજસ્થાન) હતા. અને મે ૯૨માં તેઓ મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) હતા. શંકર પાંડુરંગ પંડિતની પુત્રી ક્ષમા રાવે સંસ્કૃતમાં ‘શંકર-જીવન-આખ્યાન’ લખ્યું છે તેમાં તેઓ જણાવે છે કે, સ્વામી વિવેકાનંદ શંકર પાંડુરંગ પંડિત સાથે એક પરિવારના સદસ્યની જેમ ચાર માસ રહ્યા. (શ્લોક: ૧૬/૩૩-૩૮). આ વાત વધારે શક્ય લાગે છે. શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના ૧૧મા પરમાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીએ પણ સ્વામી વિવેકાનંદ પરના પોતાના બંગાળી પુસ્તકમાં એવું મંતવ્ય આપ્યું છે કે સ્વામીજી પોરબંદરમાં ૧૧ મહિના રહ્યા હતા એ વાત શક્ય લાગતી નથી, કદાચ અગિયાર સપ્તાહ હોઈ શકે. અસ્તુ. પંડિતજીની લાયબ્રેરીએ સ્વામીજીને દીર્ઘ કાળ સુધી જકડી રાખ્યા હતા. એ વાત તો સાચી છે. સ્વામીજી પોરબંદરમાં ભોજેશ્વર બંગલામાં રહ્યા હતા એ વાતની પુષ્ટિ પણ ‘શંકર-જીવન આખ્યાન’ના આ શ્લોકોમાંથી મળે છે

આગતેષુ સુવિખ્યાતસ્યતસ્યાસીદતિથિર્મહાન્।
વિવેકાનંદયોગીન્દ્રઃ સ્વામી સંસર્ગપાવનઃ॥

દેશ નિવર્તમાનોડ્યં યતીશો દ્વારકાપુરાત્।
ભોજેશ્વરગૃહસ્યગ્રં નૌકાસ્થઃ સમવૈક્ષત્॥

(૧૬/૨૬-૨૮)

‘સ્વામીજી, તમે પશ્ચિમના દેશોનો પ્રવાસ કરો

રાવ બહાદુર શંકરરાવના પૂર્વજો કોંકણના હતા. તેમના માતા અત્યંત ધર્મપરાયણ હતાં. એક સાધુએ તેમને આશીર્વાદ આપેલ – ‘અષ્ટપુત્રા પંચકન્યા ભવ’ આ આશીર્વાદ ફળેલા. પિતા નારાયણ પંડિતે આઠમાંના એક પુત્ર શંકરને પોતાના સ્વર્ગસ્થ ભાઈ પાંડુરંગને દત્તક આપેલ જેથી સ્વર્ગસ્થ આત્માને પિંડદાનાદિ મળતા રહે.

૨૫ વર્ષની વયે ૧૮૬૫માં શંકરરાવે મુંબઈથી એલ્ફીન્સ્ટન કોલેજમાં એમ. એ.ની પરીક્ષા પાસ કરી અને ડેક્કન કોલેજ, પૂનામાં પ્રોફેસર બન્યા. ૧૮૭૧માં સુરતમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે આવ્યા ત્યારે તેમણે કુસંબે ગ્રામના લોકોને પૂર વખતે બચાવી એવી સહાય કરી કે ગ્રામવાસીઓએ ગામનું નામ બદલી ‘શંકર પેઠ’ રાખી દીધું. ૧૮૭૪માં બ્રિટિશ સરકારે તેમને ઓરિએન્ટલ ઈન્ટરનેશનલ કોંગ્રેસમાં ભાગ લેવા મોકલ્યા, ઈંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ ઓગણીસ ભાષાઓના જાણકાર હોવાથી તેમની નિમણૂક મુંબઈ સરકારમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે થઈ.

૧૮૮૬માં તેમની નિમણૂક મુંબઈ હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે અને થોડા સમય પછી પોરબંદરમાં એડમિનિસ્ટ્રેટર તરીકે થઈ.

તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, અને કઠોર પરિશ્રમી હતા. પોતાના કાર્યમાં અત્યંત વ્યસ્ત રહીને પણ તેમણે ઘણું અધ્યયન અને લેખનકાર્ય કર્યું. તુકારામના અભંગોનું સંકલન તેમની દેખરેખ હેઠળ થયું. કાલિદાસના ‘રઘુવંશ’ અને ‘માલવિકાગ્નિમિત્રા’નું સમ્પાદન પણ તેમણે કર્યું. ઋગ્વેદના પ્રચાર માટે તેમણે ‘વેદાર્થયત્ન’ નામનું સામાયિક શરૂ કર્યુ હતું, ‘અથર્વવેદ’નું સંપાદન કાર્ય અત્યંત વિદ્વત્તાથી તેમણે કર્યુ. અત્યંત કઠોર પરિશ્રમને કારણે ૧૮ માર્ચ ૧૮૯૪માં તેમનું નિધન મુંબઈમાં થઈ ગયું.

શ્રી શંકર પંડિતની સંસ્કૃત રચનાઓની દેશવિદેશના ખ્યાતનામ વિદ્વાનોએ પ્રશંસા કરી હતી. પ્રખ્યાત વિદ્વાન પ્રો. મૅક્સમૂલરે કહ્યું હતું: “The editions of Sanskrit text published at Bombay by Prof. Bhandarkar and Mr. S. P. Pandit and others need not fear comparison with the best works of European Scholars.”

આ વિદ્વાન પંડિત સાથે સ્વામીજીની મૈત્રી જામે એમાં નવાઈ નહીં. સ્વામીજીએ ખૂબ ઉદારતાથી પંડિતજીને વેદોના અનુવાદના મહાન કાર્યમાં સહાયતા કરી. સંસ્કૃત ભાષા પરનું સ્વામીજીનું પ્રભુત્વ, એમની તેજસ્વી મેધા તથા બહુશ્રુતતાને લઈને વેદના ફૂટ મંત્રોના અર્થ બેસાડવાની સ્વામીજીની શક્તિ અને તેમનું વેદાંતનું હસ્તામલકવત્ જ્ઞાન જોઈ પંડિતજી મુગ્ધ કેમ ન બને?

સ્વામીજીએ પોતે પણ પંડિતજીના સહવાસમાં જે મોટો સમય ગાળ્યો હતો તેનો પૂરો લાભ ઊઠાવ્યો. પાણિનિના મહાકાવ્યનો અભ્યાસ પૂરો કર્યો. પંડિતજી દેશની પરિસ્થિતિથી વાકેફ હતા. એટલે તેમણે સ્વામીજીને કહ્યું: “સ્વામીજી, અહીં તમે વિશેષ કંઈ કરી શકો તેમ લાગતું નથી. લોકો તમારી કદર નહીં કરી શકે. તમે પશ્ચિમના દેશોમાં પ્રવાસ કરો. વાવાઝોડાની જેમ તમે પશ્ચિમને વશ કરી શકશો. સનાતન ધર્મનો પ્રચાર કરી તમે પાશ્ચાત્ય સંસ્કૃતિ પર જબ્બર અસર કરી શકશો. પછી ભારત તમારે પગે આળોટશે.” પંડિતજીએ તેમને ફ્રેંચ ભાષા શીખવાનું સૂચન પણ કર્યું. સ્વામીજીએ આ સૂચન સ્વીકાર્યું. ફ્રેંચ ભાષામાં એક પત્ર પોતાના ગુરુભાઈઓને કલકત્તા લખી મોકલ્યો. પહેલાં તો તેઓ કંઈ સમજી શક્યા નહીં. પાછળથી તેઓને ખબર પડી કે આ તો તેમના પ્રિય ‘નરેન્દ્રનાથ’નો ફ્રેંચમાં પત્ર હતો!

આ સમયે સ્વામીજી અત્યંત બેચેન હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેમના ગુરુદેવના શબ્દો સાચા હતા અને તેમના પોતાનામાં સમસ્ત જગતમાં ક્રાન્તિ લઈ આવવાની શક્તિ હતી. ભારતના આધ્યાત્મિક નવજાગરણની વાત તેમના મનમાં હંમેશાં રમતી. જેટલા મહારાજાઓ અને દીવાનોના સંસર્ગમાં તેઓ આવ્યા તે બધાને તેમણે પોતાનો સંદેશ આપ્યો કે નવેસરથી બધું કરવાનો હવે સમય પાકી ગયો છે. જેમ જેમ તેઓ મહાન વેદોનું અધ્યયન ઊંડાણથી કરતા ગયા તેમ તેમ તેમને ખાતરી થતી ગઈ કે ભારત જ ખરેખર બધા ધર્મોની માતા છે, આધ્યાત્મિકતાનું અખંડ સ્રોત છે, અને સભ્યતાનું પારણું છે. સ્વામીજીને પંડિતજીએ વિદેશ જવાનું કરેલું સૂચન ગમ્યું કારણ કે તેમને પણ લાગ્યું કે વિદેશી સભ્યતાને ભારતનું ખરું મૂલ્ય ત્યારે જ સમજાશે જ્યારે તેઓ પાશ્ચાત્ય દેશોમાં જઈ સનાતન ધર્મના મહિમાની પ્રચાર કરે.

આમ શંકર પાંડુરંગ પંડિત સાથેનો સ્વામીજીનો સંપર્ક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક રહ્યો. દીર્ઘકાળ સુધી આ બંને વિદ્વાનો ઉદાત્ત વિચારોની આપલે કરતા રહ્યા. વેદોનું અધ્યયન અને ભાષાંતર થયું. દેશ વિદેશની સત્યતાની ચર્ચા થઈ. અને સ્વામીજીના ભાવિ મહાન પ્રચાર કાર્યની યોજનાના પાયા અહીં પોરબંદરમાં જ નખાયા.

કારેલું કે કોલેરા?

સ્વામીજી જ્યારે ભોજેશ્વર બંગલામાં શંકર પંડિત સાથે નિવાસ કરી રહ્યા હતા ત્યારે થોડા યુવકો સાથે તેમની મિત્રતા થઈ. આમાંના એક હતા આચાર્ય રેવાશંકર અનુપરામ દવે, જેમણે એકસો વર્ષથી વધુનું આયુષ્ય ભોગવી થોડાં વર્ષ પૂર્વે જ દેહત્યાગ કર્યો. તેમણે પોતાનાં સંસ્મરણોમાં કહ્યું હતું કે સ્વામીજી જ્યારે ભોજેશ્વર બંગલામાં રહેતા ત્યારે તેઓ પોતાના મિત્ર માધવ સાથે અવારનવાર તેમની પાસે જતા. સ્વામીજી મોટે ભાગે હિંદીમાં વાતચીત કરતા. પણ ક્યારેક સંસ્કૃત અથવા બંગાળી શબ્દો તેમાં ભળી જતા. એક વાર સંસ્કૃત પાઠશાળાના થોડા વિદ્યાર્થીઓને સ્વામીજી પાસે લાવવામાં આવ્યા, તેમાંના એક ગોવિંદ નામના વિદ્યાર્થીને સ્વામીજીએ પૂછ્યું. ‘‘ક્યાં સુધી ભણ્યા છો?’’ ગોવિંદે કહ્યું “હું વારાણસી ગયો હતો ત્યાં સામવેદનો અભ્યાસ કર્યો અને છ મંત્રોનો (શાસ્ત્રોનો) અભ્યાસ કર્યો.’’ સ્વામીજીએ પૂછ્યું “આગળ અભ્યાસ કેમ ન કર્યો? પાછા કેમ આવતા રહ્યા?” ગોવિંદે કહ્યું, “મને કારેલું થઈ ગયું હતું એટલે પાછો આવતો રહ્યો.” કારેલું શબ્દ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસવા લાગ્યા. આખો ખંડ તેમના હાસ્યથી ગુંજવા લાગ્યો. કોલેરા રોગને આમ કારેલું (શાકનું નામ) કહેવાથી સ્વામીજી પોતાનું હાસ્ય ખાળી ન શક્યા.

સ્વામીજીના કહેવાથી ગોવિંદે સંસ્કૃતના થોડા શ્લોકોની આવૃત્તિ કરી. આ પછી રેવાશંકરને તેમણે પૂછ્યું, ‘‘તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?” રેવાશંકરે કહ્યું. પંચતંત્ર અને ઈસપની નીતિકથા અને બન્નેમાંથી એકએક શ્લોક કહી સંભળાવ્યો. સ્વામીજીએ પ્રસન્ન થઈ સ્મિત કર્યું. આ પછી સ્વામીજી ફરવા માટે ગયા. ભોજેશ્વર બંગલાની પાસેના રણપ્રદેશમાં તેઓ જ્યારે ફરવા જતા ત્યારે હંમેશાં તેમની પાસે તેમનો દંડ રહેતો અને તેમની સાથે દીવાનજી ભાલો લઈને ચાલતા.

સમસ્ત જગતમાં ઉથલપાથલ મચાવી શકું

સ્વામીજી જ્યારે પોરબંદર મહારાજાના મહેલમાં નિવાસ કરી રહ્યા હતા ત્યારે એક વિચિત્ર ઘટના ઘટી. સ્વામીજીના ગુરુભાઈ સ્વામી ત્રિગુણાતીતાનંદજી તીર્થભ્રમણ કરતાં કરતાં પોરબંદર આવી પહોંચ્યા અને અન્ય સાધુઓની સાથે રહેવા લાગ્યા. બધા સંન્યાસીઓ હિંગળાજતીર્થનાં દર્શન કરવા માગતા હતા. પણ તેઓ એકલા હોવાથી અને મુસાફરી અત્યંત કઠિન અને લાંબી હોવાથી તેઓએ કરાંચી સુધી સ્ટીમરમાં અને પછી ત્યાંથી હિંગાળજ ઊંટ પર બેસીને જવાનું વિચાર્યું પણ તેઓની પાસે પૈસા નહોતા. શું કરવું એની વિમાસણમાં પડ્યા હતા ત્યાં એક સાધુએ કહ્યું, ‘‘પોરબંદરના મહારાજાની સાથે એક વિદ્વાન પરમહંસ મહાત્મા નિવાસ કરી રહ્યા છે. તેઓ અંગ્રેજી સારું જાણે છે. સ્વામી ત્રિગુણાતીતાનંદ ત્યાં જાય અને તેમને મળે. મહારાજાને કહીને આપણને ખર્ચની વ્યવસ્થા કરાવી દે.” ત્રિગુણાતીતાનંદજી ટોળાના આગેવાન રૂપે મહેલ તરફ જવા રવાના થયા. સ્વામીજી ત્યારે મહેલની છત પર લટાર મારી રહ્યા હતા. તેમણે સાધુઓને થોડે દૂરથી એ તરફ આવતા જોયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજીને આ ટોળામાં જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા. પણ મોં પર ઉપેક્ષાના ભાવ સાથે તેઓ તેમને મળવા નીચે ગયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજી આમ અચાનક પોતાના પ્રિય નેતાને જોઈ અત્યંત આનંદિત થઈ ગયા. પણ સ્વામીજીએ પોતાનો પીછો કરવા માટે ઠપકો આપ્યો. સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ બચાવ કરતા કહ્યું ‘‘મને લગીરેય અણસાર નહોતો કે આપ અહીં હશો. અને હું તો ફક્ત હિંગળાજ જવા માટેનો ખર્ચ માગવા જ આવ્યો છું.” સ્વામીજીએ પહેલાં તો તેમની સહાય કરવાનો ઈન્કાર કર્યો અને કહ્યું સંન્યાસીઓએ પૈસા ન માગવા જોઈએ અને આપમેળે જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ. સ્વામી ત્રિગુણાતીતાનંદજી ઉદાસ બનીને પાછા ફરી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ તેમને પાછા બોલાવ્યા. પોતાના પ્રિય ગુરુભાઈને આવી રીતે જાકારો કેમ આપી શકે? તેઓને જરૂરી સહાય આપી. આ પછી બન્નેએ એકબીજા સાથે આનંદમાં થોડો સમય ગાળ્યો. વાતચીતના પ્રસંગમાં સ્વામીજીએ સ્વામી ત્રિગુણાતીતાનંદજીને (જેમનું પૂર્વાશ્રમનું નામ શારદાપ્રસન્ન હતું) કહ્યું, ‘‘શારદા, મારા વિષે ગુરુદેવ જે કાંઈ કહેતા તે હવે હું થોડું થોડું સમજવા માંડ્યો છું. ખરેખર, મને લાગે છે કે મારામાં એવી શક્તિ છે કે સમસ્ત જગતમાં ઉથલપાથલ મચાવી શકું.”

અહીં પોરબંદરમાં જ સ્વામીજીએ પ્રથમવાર શિકાગોની ધર્મસભા વિશે જાણ્યુ, અહીં પોરબંદરમાં જ તેમને શંકર પાંડુરંગ પંડિત પાસેથી પ્રચાર કાર્ય માટે વિદેશ જવાની પ્રેરણા મળી. અહીં પોરબંદરમાં જ તેમણે પાણિની વ્યાકરણનો અભ્યાસ પૂરો કર્યો, ફ્રેંચ ભાષાનો અભ્યાસ કર્યો. અહીં પો૨બંદ૨માં જ તેમણે વેદોના અનુવાદ કાર્યમાં સહાયતા કરી, વેદોનો ઊંડો અભ્યાસ કરી ભારતીય પ્રાચીન ગરિમાને આત્મસાત કરી; અહીં જ તેઓ પોરબંદરના મહારાજા વિકમાતજીના સંપર્કમાં આવ્યા, અહીં જ તેમણે મહાન વિદ્વાન શંકર પાંડુરંગ પંડિતની સાથે જ્ઞાનચર્ચામાં મહિનાઓ ગાળ્યા, અહીં પોરબંદરમાં જ સ્વામીજીને પ્રથમવાર પોતાના જીવનના મિશનની ઝાંખી થઈ, અહીં પોરબંદરમાં જ તેમને પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના કથનાનુસાર જગતને ઉથલપાથલ મચાવી શકવાની શક્તિનો અનુભવ થયો.

ધન્ય છે પોરબંદર! જે વિશ્વમાનવ સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક અવસ્થામાં ત્રણ દિવસોથી વધુ કોઈ સ્થળે રોકાવું પસંદ નહોતા કરતા તેમને ચાર-ચાર માસ સુધી જકડી રાખ્યા! ધન્ય પોરબંદર પોતાના પૈતૃકનિવાસ સિવાય કદાચ અન્ય કોઈ સ્થળે ચાર માસ સુધી લાગલગાટ રહ્યા નહોતા એવા સ્વામીજીને આટલા લાંબા ગાળા સુધી પોતાની ગોદમાં આશ્રય આપ્યો ધન્ય પોરબંદર! ભારતના ઈતિહાસને બદલાવી નાખનાર મહાત્મા ગાંધીને જન્મ આપ્યો. ધન્ય પોરબંદર! વિશ્વના ઈતિહાસને બદલાવી નાખનાર સ્વામી વિવેકાનંદજીના જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો!

ખેદની વાત છે કે જે રાજમહેલમાં સ્વામી વિવેકાનંદજીએ આજથી એક સો વર્ષો પૂર્વે નિવાસ કર્યો હતો તે અત્યારે જીર્ણશીર્ણ અવસ્થામાં છે, જે પાવન ભોજેશ્વર બંગલામાં સ્વામીજીએ મહિનાઓ સુધી નિવાસ કર્યો હતો તેમાં અત્યારે ઉધઈના રાફડાઓ નિવાસ કરી રહ્યા છે, પંચાયત ગેસ્ટ હાઉસના રૂપમાં તેનો યોગ્ય ઉપયોગ ય થતો નથી એવી અત્યંત દયનીય સ્થિતિમાં છે. અમેરિકામાં જ્યાં સ્વામી વિવેકાનંદજીએ ટૂંક ગાળા સુધી નિવાસ કર્યો હતો, તેવા પવિત્ર મકાનોની યત્નપૂર્વક સાચવણી કરવામાં આવે છે. ત્યાં સ્મારકો બની રહ્યા છે. પણ ભોજેશ્વર બંગલામાં આરસીની એક તકતી સિવાય એવી કોઈ નિશાની નથી જે આ પાવન સ્થળને સ્મૃતિમંદિર બનાવે. સ્વામી વિવેકાનંદજીના પ્રશંસકોએ, ભાવિકજનોએ અવિલંબે આ સ્થળને પવિત્ર સ્મૃતિમંદિર બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એમના જીવનદર્શન અને સર્વધર્મ સમન્વયની ભાવના વ્યક્ત કરતું કાયમી પ્રદર્શનગૃહ પણ બનાવવું આવશ્યક છે. જો આ ઐતિહાસિક સ્થળની સાચવણી નહિ કરવામાં આવે તો ભાવિ પેઢી આપણને માફ નહિ કરે. છેલ્લે એટલું જ સ્મરણ રાખીએ ‘અવસર બીત ન જાય’.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.