(ગતાંકથી ચાલુ)

(૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ

ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં ક્યાંય ચઢિયાતું હતું. તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું પોતાના અનુભવથી, દૃષ્ટિથી ને ચિંતનથી. એટલે જ શિક્ષણ વિષે તેમની પોતાની આગવી પદ્ધતિ હતી. દેશના ઉદ્ધાર માટે સ્ત્રીઓની જાગૃતિની અનિવાર્યતા તેઓ જાણતાં હતાં. હિંદુ સ્ત્રીઓની સમસ્યાઓનો પણ તેમને અનુભવ હતો. અને એટલે જ હિંદુ કન્યાઓને માટે તેમણે વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિનો આશ્રમના શિક્ષણમાં અમલ કર્યો.

ગૌરીમાએ જોયું કે ફક્ત પ્રાચીન શિક્ષણથી જ કન્યાઓ આધુનિક યુગ સાથે તાલ મિલાવી શકશે નહીં. આથી તેમણે આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિના પાયા ઉપર આધુનિક શિક્ષણનો આરંભ કર્યો. કન્યાઓના અભ્યાસમાં તેમણે અંગ્રેજીને પણ સ્થાન આપ્યું, પણ કેળવણીનો ઢાંચો સંપૂર્ણ ભારતીય જ રાખ્યો. બ્રહ્મચર્ય પાલન અને આશ્રમ પદ્ધતિનું જીવન છાત્રવાસિનીઓ માટે ફરજિયાત હતું. સીતા, સાવિત્રી અને અરુંધતી જેવી સતી નારીઓના સ્વાર્પણ અને ત્યાગના આદર્શોની સાથે સાથે ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષી નારીઓની વિદ્વત્તા અને ઉચ્ચ બુદ્ધિમત્તાનો પણ આદર્શ રાખવામાં આવ્યો, જેની તત્કાલીન યુગને ખાસ જરૂર હતી.

ગૌરીમા એવું માનતાં હતાં કે બાલિકાઓને એવું શિક્ષણ મળવું જોઈએ કે જેથી તેઓ સમાજમાં કોઈ પણ કાર્ય કરી શકવા સમર્થ બને. સ્ત્રીઓનું કાર્ય ફકત પત્ની, ગૃહિણી કે માતા પૂરતું જ સીમિત નથી. પરંતુ સાચું શિક્ષણ એ છે કે જે સ્ત્રીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે જેથી ગમે તેવા વિકટ સંજોગોમાં પણ સ્ત્રીઓ જવાબદારીભર્યાં કાર્યો કરી શકે. સાચું શિક્ષણ સ્ત્રીઓના આત્માને જાગૃત કરે છે, અને તેવી જાગૃત સ્ત્રીઓ જ પોતાનો માર્ગ પોતાની જાતે જ પસંદ કરી શકશે. અને પોતાના જીવનને સફળ બનાવશે. તેઓ એમ પણ માનતાં કે સ્ત્રીઓને કેળવણી આપવી એ રાષ્ટ્રીય ફરજ છે. સ્ત્રીઓ દ્વારા જ ભાવિ પેઢીનું નિર્માણ થાય છે. આથી જો માતાઓનું હિત નહીં જળવાય અને તેની તાલીમની ઉપેક્ષા કરવામાં આવશે તો સમગ્ર રાષ્ટ્રનું અહિત થશે. માની બુદ્ધિમત્તા, પ્રેમ અને દૃષ્ટિથી જ બાળક વિકાસ પામે છે. આથી માતાઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવી જોઈએ. સ્ત્રીઓનું શિક્ષણ તેમની જરૂરિયાતો અને વાતાવરણને લક્ષમાં લઈને નક્કી કરવું જોઈએ. શિક્ષણ ફક્ત વર્ગખંડમાં જ પૂરાયેલું ન હોવું જોઈએ. શિક્ષણ મેળવવા ઈચ્છતી સ્ત્રીઓને સુરક્ષિત આશ્રય સ્થાન પણ મળવું જોઈએ. એ આશ્રમ સાચા અર્થમાં સ્ત્રીઓનું ઘર બની રહેવો જોઈએ. તેમાં શિક્ષકો અને કાર્યકરો પણ ઉમદા ચારિત્ર્યવાળા, ધ્યેયનિષ્ઠ અને કાર્યને સમર્પિત હોવા જોઈએ. કેળવણીના તેમના આવા આગવા ખ્યાલોને લઈને જ તેમણે આશ્રમ શરૂ કર્યો. તેમાં સ્ત્રીકાર્યકરો અને સ્ત્રીશિક્ષકોની ચોક્સાઈપૂર્વક પસંદગી કરી. પોતાના શિક્ષણના આદર્શો મુજબ તેઓ શિક્ષણ આપી શકે તે માટે તેમણે તાલીમ આપી. અને તેમણે શિક્ષકોને આશ્રમ નિવાસમાં જ રહેવાનું ફરજિયાત બનાવ્યું. જેથી વિદ્યાર્થિનીઓને શિક્ષકોના સતત સંપર્કનો લાભ મળી શકે. આ પદ્ધતિ દ્વારા તેમણે છાત્રવાસિનીઓનાં રોજિંદાં કાર્યો, વિચારો, વ્યવહા૨ સર્વને યોગ્ય દિશામાં વાળ્યાં. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીયતાનો સંબંધ ગાઢ બન્યો. ગૌરીમા પોતે પણ સર્વ માટે ત્યાગ, પ્રેમ અને ઉદારતાનું મૂર્તિમંત ઉદાહરણ બની રહ્યાં.

શારદેશ્વરી આશ્રમ એ તો બંગાળી સમાજનું લીવ૨ હતું, જેના દ્વારા સમગ્ર બંગાળની સ્ત્રીઓની સ્થિતિમાં પરિવર્તન આવતું જતું હતું. બંગાળની સ્ત્રીઓને પોતાના આદર્શ મુજબનું જીવન જીવવા માટે આશ્રમની પૂરી મદદ મળતી રહેતી હતી. નારી જાગરણ માટેની ગૌરીમાની યોજના ચાર વિભાગોમાં વહેંચાયેલી હતી:

(૧) હિંદુ ધર્મ અને સમાજને અનુરૂપ સ્ત્રી શિક્ષણનો પ્રચાર.

(૨) આ કાર્ય માટે સ્ત્રીઓનું સંગઠન કરવું.

(૩) વિપરીત સંજોગોમાં મૂકાયેલી સ્ત્રીઓને આશ્રય ને રક્ષણ આપવું.

(૪) ઉમદા જીવન જીવવા ઈચ્છતી સ્ત્રીઓને તેમના પ્રયત્નોમાં સહાય કરવી.

ગૌરીમાની શિક્ષણપદ્ધતિમાં ધાર્મિક અને નૈતિક બાબતોનો પણ સમાવેશ થતો હતો. શિષ્યાઓ પવિત્ર મન ને સુદૃઢ તનવાળી બને તે માટે ખાસ કાળજી લેવામાં આવતી હતી. ઉપરાંત તેઓ સત્યપાલન, નિઃસ્વાર્થતા, મોટાઓ પ્રત્યે આજ્ઞાપાલકતા, અને નબળાઓ ને અશક્તો પ્રત્યે માયાળુ ને હમદર્દ બને તે માટેની પણ તાલીમ આપવામાં આવતી હતી. વિપુલતા, વૈભવ ને મોજશોખનો સંપૂર્ણ ત્યાગ અને સ્વચ્છતા ને સુઘડતા પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો.

શાળાના કાર્યનો પ્રારંભ સવારે સંસ્કૃત સ્તુતિ સ્તવનોથી કરવામાં આવતો હતો. ગૌરીમા પોતે પણ આ સ્તવનો ગાતાં અને તેઓ પોતે દેવ દેવીઓની સ્તુતિઓના ગીતો પણ રચતાં હતાં. જ્યારે એપ્રિલ મેમાં શાળાનું નવું સત્ર શરૂ થતું ત્યારે નવી દાખલ થયેલી વિદ્યાર્થિનીઓને શાળાના કર્મચારીઓ દ્વારા ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી તે શીખવવામાં આવતું. આશ્રમની અંતેવાસિનીઓ સ્તવનો ગાતી. સવાર-સાંજ પૂજા કરતી. આશ્રમમાં રહેતી મોટી ઉંમરની સ્ત્રીઓ પોતાની રીતે પોતપોતાના ઈષ્ટદેવતાઓનું પૂજન-ભજન -ધ્યાન કરતી.

શાળાનો અભ્યાસક્રમ ઘણી રીતે સામાન્ય શાળાને મળતો હતો. બંગાળી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, ઈતિહાસ, ભૂગોળ વગેરે સામાન્ય શાળામાં શીખવવામાં આવતા આ વિષયો અહીં પણ શીખવવામાં આવતા હતા. પરંતુ પાઠ્ય પુસ્તકો અને અભ્યાસક્રમ એવો પસંદ કરવામાં આવતો કે જે તેમને ચારિત્ર્ય ઘડતરમાં અને ભાવિ જવાબદારીઓ વહન કરવામાં મદદરૂપ થાય. કલકત્તા સંસ્કૃત ઍસોસિએશન અને કલકત્તા યુનિવર્સિટીમાં ઉચ્ચ કક્ષાની પરીક્ષા આપવા ઈચ્છતી અહીંની વિદ્યાર્થિનીઓ માટે ખાસ જોગવાઈ પણ કરવામાં આવી હતી.

સંસ્કૃત ભાષાને ગૌરીમા વધારે પ્રાધાન્ય આપતાં હતાં. તેઓ કહેતાં કે ચારિત્ર્ય નિર્માણમાં ભાષાઓનો ઘણો જ અસ૨કા૨ક પ્રભાવ રહે છે. અત્યારના યુગમાં અંગ્રેજી ભાષા ખૂબ જરૂરી છે, પણ તેનાથી મન બહિર્મુખ બને છે, તેમ તેઓ માનતાં. અંગ્રેજીની સાથે સંસ્કૃત ભાષાની પણ ખૂબ જ જરૂર છે. સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે. અને તેનાથી મન અંતઃર્મુખ બને છે એવી તેમની માન્યતા હતી. આથી તેઓ કહેતાં કે જેમને આત્મસંયમ પ્રાપ્ત કરવો છે ને ભગવાન પ્રત્યે જવું છે, તેમણે દ૨રોજ ચંડી ને ગીતા વાંચવા જોઈએ. તેથી મનમાં શાંતિ ને શક્તિ બંને આવે છે.

ગૌરીમાએ આશ્રમમાં વસતી સ્ત્રીઓ માટે ગૃહઉદ્યોગોની તાલીમની વ્યવસ્થા પણ કરી હતી. એ સમયે એમના આશ્રમમાં હાથશાળા અને ચરખા પણ હતા ત્યારે ગાંધીજીએ હજુ રેંટિયાનો પ્રચાર પણ નહોતો કર્યો. ૧૯૨૪માં જ્યારે ડૉ.પી.સી. રૉય આશ્રમની મુલાકાતે આવ્યા ત્યારે આશ્રમની બાલિકાઓએ જાતે વણેલો ને સીવેલો ખાદીનો કોટ તેમને ભેટ આપ્યો. બાલિકાઓ આશ્રમમાં આવું સુંદર કાપડ પણ બનાવે છે, તે જાણીને આ મહાન વૈજ્ઞાનિકને આશ્ચર્ય થયું હતું. તેઓ કોટને હાથમાં લઈને બાળકની જેમ આનંદિત બની ગયા. પછી તેમણે એ કોટને પોતાના મસ્તક પર ચઢાવ્યો અને પ્રસિદ્ધ બંગાળી કવિતાની એક કડી ગાઈ. જેનો અર્થ હતો; “ભૈયા, તારી માએ જે વસ્ત્ર વણીને આપ્યું છે, તેને તારા મસ્તક ૫૨ ચઢાવ”. પછી તો બાલિકાઓના આગ્રહથી તેમણે તે કોટ પહેર્યો અને સર્વને પ્રફુલ્લિત કરી દીધાં!

સ્ત્રીઓને ઉપયોગી થાય તેવા અન્ય ગૃહ ઉદ્યોગોની તાલીમ પણ આશ્રમમાં આપવામાં આવતી હતી, જેથી એવો સમય આવે તો સ્ત્રીઓ પોતાના પગ પર ઊભી રહી શકે. અભ્યાસ, તાલીમની સાથે સાથે રમત ગમતને પણ આશ્રમમાં મહત્ત્વ આપવામાં આવતું હતું. ફુરસદના સમયે બાલિકાઓ આશ્રમના ચોગાનમાં વિવિધ રમતો રમતી. ઘણી વાર તો ગૌરીમા પણ તેમની રમતોમાં સામેલ થતાં. ગૌરીમા આશ્રમનિવાસિનીઓને વારંવાર બહાર ફરવા પણ લઈ જતાં. પવિત્ર મંદિરોએ કે ધાર્મિક સ્થળોએ તેઓ બાલિકાઓને લઈ જતાં અને તે સ્થળનું મહાત્મ્ય તેમને સમજાવતાં અને એ રીતે નાની બાલિકાઓમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને પવિત્ર સંસ્કારોનું તેઓ સિંચન કરતાં રહેતાં. ઘણી વાર દૂરનાં પવિત્ર સ્થળોની યાત્રાએ પણ આશ્રમનિવાસિનીઓ જતી. તીર્થાટન દ્વારા પણ મનુષ્યમાં ઘણી જાગૃતિ આવે છે, અને દૃષ્ટિ વિશાળ બને છે, એ ગૌરીમાનો પોતાનો અનુભવ હતો. આથી તેઓ આવા પ્રવાસો ને યાત્રાઓને પણ ઉત્તેજન આપતાં રહેતાં.

આશ્રમમાં શાકાહારી ભોજન જ આપવામાં આવતું. રસોઈથી માંડીને હિસાબ રાખવા સુધીનું તમામ કામ આશ્રમનિવાસિનીઓને જ કરવાનું રહેતું. આથી દરેકને પોતાની વય અને શક્તિ પ્રમાણે કામ મળતું અને પોતાને ભાગે આવેલું કામ દરેક વ્યક્તિ આનંદપૂર્વક કરતી. અંતેવાસિનીઓની સાથે સાથે તેમના શિક્ષક કર્મચારીગણ અને સ્વયં ગૌરીમા પણ આ કાર્યોમાં સામેલ હતાં. તેથી બધી છાત્રાઓને પોતાના ગુરુજનોના સાંનિધ્યમાં ફક્ત વર્ગના પાઠો જ નહીં, પણ કાર્યના વ્યવહારુ પાઠો પણ શીખવા મળતા હતા. અને તેમનું સર્વાંગી ઘડતર થતું.

કોઈ માંદુ પડે તો તેની સારવાર પણ અંતેવાસિનીઓ જ કરતી. ખુદ ગૌરીમા પોતે પણ સા૨વા૨ કરવા લાગતાં. શિસ્તની બાબતમાં ગૌરીમા ચૂસ્ત હતાં. વ્યવસ્થા અને નિયમ પાલનમાં તેઓ શિથિલતા ચલાવી લેતાં નહીં. પરંતુ તેમની કડક આજ્ઞાપાલકતાની પાછળ માતાનું વાત્સલ્ય ને ઉદારતા પણ ભળેલાં હતાં અને આથી કડક હોવા છતાં પણ કન્યાઓને તો તેઓ પોતાના દાદીમા જેવાં જ લાગતાં હતાં. ઘણી વાર રાત્રે તેઓ બાલિકાઓની પાસે સૂઈ જતાં, તેમને વાર્તાઓ કહેતાં, તેમના માટે મીઠાઈ ને બક્ષીસો લાવતાં. આથી કન્યાઓને તેમની સાથે ખૂબ જ આત્મીયતાનો અનુભવ થતો.

ગૌરીમાનો પ્રેમ એવો હતો કે અભ્યાસ પૂરો કરીને આશ્રમ ને શાળા છોડીને દૂર ચાલી ગયેલી તેમની વિદ્યાર્થિનીઓ તેમને વારંવાર મળવા આવી પહોંચતી, તેમની સલાહ પણ લેતી. તેમની વિદ્યાર્થિનીઓ તેમના પ્રેમને ભૂલી શકતી નહીં. સંસ્થા છોડી દેવા છતાં સંસ્થા એમને આત્મીય લાગતી અને તેથી બહારના જીવનમાં ગોઠવાવા છતાં તેઓ સંસ્થા સાથેનો સંપર્ક જાળવી રાખતી. તેમાંની ઘણી વિદ્યાર્થિનીઓ તો પછી પોતાની પુત્રીઓને પણ ગૌરીમાના આશ્રમમાં જ ભણવા માટે મૂકી જતી અને આમ નવી પેઢીમાં પણ આશ્રમના સંસ્કારોનું સંક્રમણ થતું રહેતું.

ગૌરીમાના સંપર્કમાં રહેવાથી અને તેમના સાધનામય જીવનને પ્રત્યક્ષ નિહાળવાથી કેટલીયે શિષ્યાઓ એમના જેવું જીવનવ્રત ધારણ કરવા અને સંસ્થાને માટે આજીવન સેવા આપવા તૈયાર થઈ જતી. પણ ગૌરીમા દરેકને દીક્ષા આપતાં નહીં. તેઓ આ બાબતમાં બિલકુલ ઉતાવળ કરતાં નહીં. જ્યારે તેમને પૂરેપૂરી ખાતરી થતી કે આ શિષ્યા હવે ત્યાગ અને વૈરાગ્યના માર્ગે ચાલવા માટે બરાબર તૈયાર થઈ ચૂકી છે, ત્યારે જ તેઓ તેને દીક્ષા આપતાં અને મઠના માતૃસંઘમાં સામેલ કરતાં. પછી તેને તેઓ પોતાના માર્ગદર્શન હેઠળ મઠમાં કામ કરવા માટે તૈયાર કરતાં. એમની આવી દૂરદર્શિતાને પરિણામે, સ્ત્રીઓને આધુનિક શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સંસ્કારોનું પાથેય મળતું. એક સૈકા પહેલાં સ્થપાયેલી આ સંસ્થા – શારદેશ્વરી આશ્રમ – આજે પણ એ જ આદર્શો ને સિદ્ધાંતો પર અડીખમ ઊભીને નવા યુગની નારીનું ઘડતર કરી રહી છે.

(ક્રમશઃ)

Total Views: 117

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.