આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે- ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે તેમ છે.’1 ભારત સરકારના ખેલકૂદ ખાતાનો પત્ર No.D.O.N.F 6-1/84/IYY તા. ૧૭ ઑક્ટોબર ૧૯૮૪ આના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિન અને રાષ્ટ્રીય યુવા સમાહ (૧૨ થી ૧૯ જાન્યુઆરી) ઊજવવા જે કાર્યક્રમો યોજવા નિર્દેશો આપ્યા છે તેમાં સ્વામી વિવેકાનંદના આદર્શો પર વિચાર કરવાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભારત સરકારનું આ પગલું ઘણું જ પ્રસંશનીય છે. ખરેખર તો આ ઘોષણા આઝાદી પછી તરત જ થવી જોઈતી હતી. ખેર, જાગ્યા ત્યારથી સવાર.

ચિરયુવા સ્વામી વિવેકાનંદ યુવા વર્ગ માટે સદાય આદર્શરૂપ છે. સ્વામી વિવેકાનંદે પોતાની યુવાવસ્થામાં જ મહાનતાનાં શિખરો આંબી લીધાં હતાં. ૩૯ વર્ષની યુવા વયમાં જ તેમણે પોતાનું ભૌતિક શરીર છોડી દીધું. ભૌતિકરૂપે તથા ભાવરૂપે બન્ને રીતે તેઓ સદા યુવા રહ્યા. ૧૨ ભાગોમાં પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ સાહિત્યનું અધ્યયન કરવાથી જોવા મળશે કે તેમણે લખેલા મોટા ભાગના પત્રો પોતાના યુવા ગુરુભાઈઓ અથવા આલાસિંગા પેરૂમલ, ભગિની નિવેદિતા, વગેરે યુવક-યુવતીઓને લખેલા, મોટા ભાગના તેમના વાર્તાલાપો શરતચંદ્ર ચક્રવર્તી વગેરે યુવકો સાથે થયેલા, મોટા ભાગનાં તેમનાં વ્યાખ્યાનોના શ્રોતાઓ યુવકો (ભારતમાં) અને યુવતીઓ (વિદેશમાં) હતાં. તેમનાં વ્યાખ્યાનો સાંભળીને અથવા વાંચીને ઘણાં યુવક-યુવતીઓએ પોતાનું જીવન ભારતવર્ષને માટે સમર્પિત કરી દીધું હતું. ભગિની નિવેદિતા, શ્રી અરવિંદ, સ્વામી રામતીર્થ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નેહરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાધાકૃષ્ણન, વગેરે યુવક-યુવતીઓના પ્રેરણા-સ્રોત હતા. સ્વામી વિવેકાનંદ.

ગાંધીજીએ કહ્યું હતું, ‘હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું, અને એ પૂરેપૂરાં વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો.’2‘પ્રબુદ્ધ ભારત’ મે ૧૯૬૩ પૃ.સં. ૧૭૦ સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋણ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ હતી. સ્વામીજી આજે જો જીવિત હોત તો મારા ગુરુ બન્યા હોત.’3‘ઉદ્બોધન’ (બંગાળી માસિક) અશ્વિન ૧૩૫૪ પૃ.સં. ૪૫૯ તેમણે સ્વીકાર્યું છે કે, ‘અમારા સમયમાં વિદ્યાર્થીવર્ગ પર સ્વામીજીનાં ભાષણો અને લેખોનો જેવો પ્રભાવ પડ્યો હતો તેવો બીજી કોઈ વ્યક્તિએ પાડ્યો નહોતો. તેમણે જાણે કે તેઓની આશાઓ અને અરમાનોને સંપૂર્ણપણે વ્યક્ત કર્યાં હતાં.’4ઉદ્બોધન ફાલ્ગુન ૧૩૩૧

સ્વામી વિવેકાનંદનો સંદેશ દરેક યુવા પેઢી માટે પ્રેરક છે. આ સંબંધમાં શ્રી જવાહરલાલ નેહરુએ રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં ૧૯૪૯માં જે કહ્યું હતું તે આજની યુવા પેઢી માટે પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું, ‘અત્યારે યુવા પેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદના લેખો અને ભાષણો વાંચે છે તે હું જાણતો નથી. પણ હું એટલું કહીશ કે, મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રબળ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીના લેખો અને ભાષણો વાંચશે તો તેને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું.’ 5‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નવેમ્બર ૧૯૮૯, પૃ.સં. ૩૦૭

કાકા કાલેલકર જ્યારે પોતે તરુણ હતા ત્યારે તરુણો પર સ્વામી વિવેકાનંદની કેવી જબરદસ્ત અસર થઈ હતી તેનું વર્ણન કરતાં તેઓ કહે છે, ‘જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા પર અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. વિવેકાનંદ પહેલાં અમે કેવી રીતે વિચાર કરતા હતા અને ત્યાર પછી કઈ રીતે વિચાર કરતા થયા? આ આખું પરિવર્તન મેં પોતે અનુભવ્યું છે.’6 ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઑક્ટોબર ૧૯૯૦, પૃ.સં. ૨૬૬

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રોમાં રોલાંને કહ્યું હતું, ‘તમારે ભારતને સમજવો હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધેયાત્મક છે, કશું જ નિષેધાત્મક નથી.’

રોમાં રોલાંએ સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર ફ્રેંચ ભાષામાં લખ્યું ત્યારે સ્વામી વિવેકાનંદની મહાસમાધિને લગભગ ૩૦ વર્ષ થઈ ગયાં હતાં. તેમાં તેઓ સ્વામી વિવેકાનંદના ગ્રંથોની તેમના પરની અસરનું વર્ણન કરે છે – ‘તેમના (સ્વામી વિવેકાનંદના) શબ્દોને, જયારે સ્પર્શું છું, જે ૩૦ વર્ષો પૂર્વેના ગ્રંથોનાં પાનાંમાં ફેલાયેલા છે, ત્યારે મારા દેહમાં વિદ્યુતનો એક આંચકો અનુભવ્યા વગર રહી શકતો નથી.’

સુષુપ્તપણે રહેલી યુવશક્તિને જગાડવા માટે આજે આવા વિદ્યુતના આંચકાની જરૂર છે અને તે યુવા વર્ગને મળશે સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી. એશ-આરામની આશામાં ડૂબેલી, ફક્ત નોકરી મેળવવામાં જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર્ય નિર્માણ અને દેશના પુનર્નિર્માણના કાર્યમાં લાગી જવાની પ્રેરણાશક્તિ સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી મળશે.

આજનો યુવા વર્ગ ઉચિત માર્ગદર્શનના અભાવમાં પોતાની શક્તિને કેવી રીતે વેડફી રહ્યો છે. ક્રૂડ ઓઈલને જ્યારે રિફાઈન કરવામાં આવે છે ત્યારે જ તેમાંથી પેટ્રોલ, ડીઝલ, વગેરે મૂલ્યવાન પદાર્થો મળે છે. તેવી જ રીતે આજની યુવશક્તિને પણ રિફાઈન (શુધ્ધીકરણ) કરવાની આવશ્યકતા છે. આ રિફાઈનીંગની પ્રક્રિયા માટે અને યુવા વર્ગના ચિત માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદના ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે.

આજે આપણો દેશ જ્યારે ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે યુવા વર્ગની જવાબદારી ઘણી વધી જાય છે. સ્વામી વિવેકાનંદની યુવા વર્ગ પાસેથી ઘણી અપેક્ષા હતી. તેમણે કહ્યું હતું – ‘મને યુવાપેઢીમાં-આધુનિક પેઢીમાં શ્રદ્ધા છે, મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિહોની માફક તેઓ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરશે.’

રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાશે-ચર્ચા સભાઓ, પરિસંવાદો, યુવ-સંમેલનો, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, વગેરે. આ બધું તો મોટા પાયે થવું જ જોઈએ, તેની સાથે યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચવા માટે પ્રેરણા અને સહાય પૂરી પાડવી જોઈએ. આ ગ્રંથોને વિના મૂલ્યે અથવા સસ્તા મૂલ્યે યુવા વર્ગમાં વિતરણ કરવા માટે યોજનાઓ ઘડાવી જોઈએ અને તેમાં સરકારે તથા દેશના પ્રબુદ્ધ નાગરિકોએ શક્ય તેટલી સહાય કરવી જોઈએ. જે યુવક-યુવતીઓ સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચી લાભાન્વિત થયાં છે, તેઓ પણ પોતાના મિત્રોને આવી નાની નાની પુસ્તિકાઓ ભેટરૂપે આપી શકે અને શૃંખલિત પ્રતિક્રિયા (Chain reaction) લાવી શકે.

જેમ જેમ યુવા વર્ગ સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું વાચન કરશે અને તેમને આત્મસાત કરશે તેમ તેમ તેમનામાં એક નવીનચેતના, નવીન શક્તિ, આત્મવિશ્વાસ, નૈતિક સાહસ અને બળ આવશે, પોતાનું ચારિત્ર્ય ઘડતર કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત થશે, પોતાને મૂંઝવતી સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થશે, માતૃભૂમિ પ્રત્યે પ્રેમ વધશે, આપણી સંસ્કૃતિ અને અસ્મિતાને વિષે ગૌરવની ભાવના જાગૃત થશે, ત્યાગ અને સેવાની ભાવના તેમનામાં દૃઢ થશે અને એક નવજીવન પ્રાપ્ત થશે.

સ્વામી વિવેકાનંદના જન્મદિને તેમનાં ચરણોમાં એ જ પ્રાર્થના કે દેશના યુવા વર્ગને તેમના ઉપદેશ અનુસાર પોતાનું ચારિત્ર્ય ઘડતર કરવાની અને દેશનું પુનર્નિર્માણ કરવાની શક્તિ આપે.

  • 1
    ભારત સરકારના ખેલકૂદ ખાતાનો પત્ર No.D.O.N.F 6-1/84/IYY તા. ૧૭ ઑક્ટોબર ૧૯૮૪
  • 2
    ‘પ્રબુદ્ધ ભારત’ મે ૧૯૬૩ પૃ.સં. ૧૭૦
  • 3
    ‘ઉદ્બોધન’ (બંગાળી માસિક) અશ્વિન ૧૩૫૪ પૃ.સં. ૪૫૯
  • 4
    ઉદ્બોધન ફાલ્ગુન ૧૩૩૧
  • 5
    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નવેમ્બર ૧૯૮૯, પૃ.સં. ૩૦૭
  • 6
    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઑક્ટોબર ૧૯૯૦, પૃ.સં. ૨૬૬
Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    ભારત સરકારના ખેલકૂદ ખાતાનો પત્ર No.D.O.N.F 6-1/84/IYY તા. ૧૭ ઑક્ટોબર ૧૯૮૪
  • 2
    ‘પ્રબુદ્ધ ભારત’ મે ૧૯૬૩ પૃ.સં. ૧૭૦
  • 3
    ‘ઉદ્બોધન’ (બંગાળી માસિક) અશ્વિન ૧૩૫૪ પૃ.સં. ૪૫૯
  • 4
    ઉદ્બોધન ફાલ્ગુન ૧૩૩૧
  • 5
    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નવેમ્બર ૧૯૮૯, પૃ.સં. ૩૦૭
  • 6
    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઑક્ટોબર ૧૯૯૦, પૃ.સં. ૨૬૬