રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ

સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન કરતું. ૧૯૦૧માં સ્વામીજીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. ૧૯૧૧માં શ્રીમત્ સ્વામી પ્રેમાનંદજી મહારાજની મુલાકાત વખતે પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન થયું. નવાબ શ્રી ખાજેહ સલીમુલ્લાહ બહાદુરની સહાયથી સામાજિક સેવાના કાર્યે વેગ પકડ્યો. નવેમ્બર ૧૯૧૩માં હૉસ્પિટલ શરૂ થઈ. હાલ આ હૉસ્પિટલ નથી. પણ બહારના દર્દીઓની સેવા માટે દવાખાનું નિયમિત ચાલે છે. સ્વામી પ્રેમાનંદજી મહારાજની બીજી મુલાકાત પછી ત્યાંના ભક્તોની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને બેલુરમઠે આ કેન્દ્રનું સંચાલન સંભાળવાનું સ્વીકાર્યું. અને આ મિશન કેન્દ્ર ૧૯૧૬માં બેલુરમઠનું સંલગ્ન કેન્દ્ર બન્યું. ફેબ્રુઆરી ૧૯૧૬માં સ્વામી બ્રહ્માનંદજી મહારાજના વરદ્ હસ્તે સંન્યાસીઓ માટેના નિવાસસ્થાન અને પૂજાઘર-મંદિરનો મંગલ ઉદ્‌ઘાટન વિધિ સંપન્ન થયો. ત્યારથી માંડીને આજ સુધી આ કેન્દ્રની માનવસેવા પ્રવૃત્તિઓ ચાલુ રહી છે. જૂના મઠ-મિશનના કેન્દ્ર પાસે ૩ એકર જેટલી જમીન પણ હતી. ઘણા લાંબા સમય સુધીના જાળવણી-મરામતના અભાવે મંદિર સાથેનાં જૂનાં બાંધકામ ખંઢેર જેવી હાલતમાં હતાં. બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા પછી આમાંનાં જૂનાં બાંધકામને દૂર કરીને, જૂના મંદિરના પુનરુદ્ધાર સાથે સંન્યાસી માટેનાં નિવાસસ્થાનો, પુસ્તકાલય, શાળા, વિદ્યાર્થી મંદિર, વૉકેશનલ ટ્રેઈનીંગ સૅન્ટર તથા દવાખાનાનાં મકાનોનું બાંધકામ નવેસરથી થયું છે.

કેન્દ્રની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ

ઈ.સ. ૧૮૯૯માં શરૂ થયેલ આ કેન્દ્ર ૧૯૧૪માં બેલૂર મઠનું શાખાકેન્દ્ર બન્યું. આ કેન્દ્રમાં દૈનિક-પૂજા-ભજન ઉપરાન્ત ધાર્મિક વાર્તાલાપો શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજીના જન્મજયંતી મહોત્સવ દુર્ગાપૂજા, કાલિપૂજા, સરસ્વતી પૂજા, નબીદિન, જન્માષ્ટમી, બુદ્ધપૂર્ણિમા અને ક્રિસમસ સાંજ-વગેરેનું આયોજન થાય છે. અહીંના પ્રકાશન વિભાગે ૧૮ જેટલાં પ્રકાશનો કર્યાં છે. દેશના અન્ય ભાગોમાં એ કેન્દ્રમાં વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન પણ થાય છે. આ સંસ્થામાં એક માધ્યમિક શાળા અને વિદ્યાર્થી મંદિર પણ છે. ૧૩૦૦૦ પુસ્તકો અને ૪૫, સામયિકો સાથેનું શાળા-મહાશાળા અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ-સંશોધકો અને વાચકો માટેનું પુસ્તકાલય-વાંચનાલય પણ અહીં છે. ઍલૉપથીવાળા ચિકિત્સાસેવા કેન્દ્રમાં હરતું ફરતું દવાખાનું, નાક-કાન-ગળાની ચિકિત્સાની, દંત ચિકિત્સા સેવાની સુવિધાઓ છે. ઍલઁગામાં આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ છે. જેનો લાભ પચાસ હજાર જેટલા દરદીઓ લે છે. જરૂરતમંદ અશક્ત લોકો અને ગરીબ-વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ અપાય છે. બાંગ્લાદેશમાં આવતાં સમુદ્રી તેફાનો-વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના લોકોમાં ચોખા, દાળ, વાસણો, ગરમ ધાબળા, સાડી-ધોતી, લૂંગી, તૈયાર કપડાં, ગરમ કપડાં-વગેરેનું વિતરણ થાય છે.

આ કેન્દ્રના ઉત્સવો અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં બાંગ્લાદેશના પ્રધાનો, અધિકારીઓ, વિદ્વાનો સામાન્ય નાગરિકો એ યુવાનો ઉત્સાહથી ભાગ લે છે. ઢાકા વિશ્વવિદ્યાલયમાં સ્વામીજીના પૂરા કદની પ્રતિમા પણ પધરાવવામાં આવી છે. ‘સ્વામી વિવેકાનંદ શિક્ષા સંસ્કૃતિ પરિષદ’નાં કેટલાંય કેન્દ્રો દ્વારા કેટલાય નવયુવાનો અધ્યાપકો અને ભાવિકજનોએ સ્વામી વિવેકાનંદનાં કાર્ય-આદર્શોને અપનાવી લીધો છે- અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચારનું કાર્ય કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ભારતની પ્રાચીન ઉદાત્ત સંસ્કૃતિના પ્રચાર-પ્રસારના કાર્ય દ્વારા આ સંસ્થા સર્વધર્મ સમભાવનું મહાન કાર્ય કરી રહી છે. લોકો હોંશે હોંશે જ્ઞાતિ-જાતિ-ધર્મ-સંપ્રદાયના બધા ભેદભાવોને ભૂલી સર્વસેવાના કાર્યમાં સહકાર આપે છે. આવા કેન્દ્રનાં વિકાસ-વૃદ્ધિમાં આપણા મહાન રાષ્ટ્ર, ભારતનું ગૌરવ સમાયેલું છે. એના દ્વારા સાર્વત્રિક શાંતિ-સુખાકારી-અને-ભાઈચારાની ભાવના જન્મી શકે.

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.