શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ – ભક્તમાલિકા, ભાગ – ૧, પૃ. ૨૧૨-૧૫’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે – સં.

શારદાનંદનું પૂર્વ નામ શરત્‌ચંદ્ર ચક્રવર્તી હતું. શરત્‌ના પિતા શ્રીયુત ગિરીશચંદ્ર ચક્રવર્તી હતા. શરત્‌ની માતા નીલમણિદેવી ભકિતમતી હતાં. ધર્મપ્રાણ દંપતીના જયેષ્ઠ પુત્ર રૂપે શરત્‌ચંદ્રે ૨૩મી ડિસેમ્બર, ૧૮૬૫ના શનિવારે સાયંકાલે ૬ને ૩૨ મિનિટે જન્મ લીધો…

…૧૮૮૩ના ઓક્ટોબરમાં એક દિવસે તેઓ પોતાના પિતરાઈ ભાઈ શશી અને અન્ય મિત્રો સાથે દક્ષિણેશ્વર ગયા ત્યાં શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખે વૈરાગ્ય અને બ્રહ્મચર્યનો ઉપદેશ સાંભળીને કૃતકૃત્ય બન્યા… એક દિવસ ઠાકુર દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે બેઠા હતાં. ગણેશજી વિશે વાતો થતી હતી. ગણપતિનું ચારિત્ર્ય, એમની માતૃભક્તિ વગેરેનું વર્ણન કરતા ઠાકુર જ્યારે એમની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે શરત્‌ અચાનક બોલી ઊઠ્યા : ‘‘મને ગણેશનું જીવન બહુ જ ગમે છે. તેઓ જ મારા જીવનનો આદર્શ છે.’’ પરંતુ ઠાકુરે તુરત જ સંશોધન કરીને કહ્યું : ‘‘ના, તારો આદર્શ ગણેશ નહીં. તારો આદર્શ શિવ છે. તારી અંદર શિવના ગુણો છે, વિદ્યામાન છે.’’ એમણે વધુમાં એમ પણ કહ્યું: ‘‘તારે હંમેશાં તને પોતાને શિવ અને મને શક્તિ માનવાં.’’ આપણા જેવા સામાન્ય બુદ્ધિના માણસો માટે આ રહસ્યોને સમજવાં અશક્ય જ છે. તો પણ આગળ ઉપર આપણે જોઈશું કે પોતાના પ્રલંબ કર્મજીવનમાં શરત્‌એ જે રીતે અદ્‌ભૂત સહિષ્ણુતા અને ધૈર્ય દાખવ્યાં છે, એ તો નીલકંઠ શિવને માટે જ સંભવ છે – વિષપાન કરીને પણ પ્રસન્ન મુખે આશીર્વાદ પ્રદાન – પોતાનાં સુખસગવડોને તિલાંજલિ દઈને પણ બીજાઓની સેવામાં આત્મસમપર્ણ – એ ફકત આશુતોષ માટે જ સંભવ છે. શરત્‌ની સર્વ શક્તિઓનો સ્રોત શ્રીરામકૃષ્ણ અને શ્રી માતાજી હતાં અને તેઓ તો હતા માત્ર એમની શક્તિની અભિવ્યક્તિનું એક યંત્ર.

એક બીજા દિવસના પ્રસંગ વિશે શરત્‌ચંદ્રે પોતે કહેલું : ‘‘ઠાકુર કલ્પવૃક્ષ થવાના સમય ઉપરાંત પણ તેમણે અનેકવાર લોકોની મનોકામના પૂર્ણ કરી હતી. આવા જ એક દિવસે મને પાસે ઊભેલો જોઈને ઠાકુર બોલ્યા: ‘‘કેમ રે? તેં કંઈ જ ન માગ્યું?’’ મેં કહ્યું: ‘‘બીજું શું માગું? એટલું જ કરી આપો કે જેથી પ્રાણીમાત્રમાં હું બ્રહ્મદર્શન કરી શકું.’’ ઉત્તરમાં ઠાકુરે જણાવ્યું : ‘‘અરે, એ તો અંતિમ વાત છે રે!’’ મેં કહ્યું : ‘‘તે હું નથી જાણતો મહારાજ!’’ ત્યારે ઠાકુર બોલ્યા : ‘‘ઠીક છે, તારું થશે.’’ આ પ્રસંગ વર્ણવ્યા પછી શરત્‌ચંદ્રે એમ પણ કહ્યું હતું : ‘‘એમણે જે કંઈ કહ્યું હતું, એમની કૃપાથી હવે એનો સારી રીતે અનુભવ કરી રહ્યો છું.’’

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.