* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે અને કોઈ ‘પાની’ કહે છે, તે જ રીતે એક જ સચ્ચિદાનંદને કોઈ ‘ગોડ’, તો કોઈ ‘અલ્લાહ’ કહે છે, કોઈ ‘હરિ’ કહે છે, તો કોઈ ‘બ્રહ્મ’ કહે છે.

* ઘડા, કોઠી, થાળકાં, રકાબી જેવાં જુદા જુદા આકારનાં વાસણો કુંભારની દુકાનમાં હોય છે પણ, એ બધાં એક જ માટીમાંથી બન્યાં હોય છે. એ રીતે ઈશ્વર એક જ પણ જુદા જુદા દેશકાળમાં જુદે જુદે નામે અને રૂપે પૂજાય છે.

* એક જ ખાંડમાંથી જુદા જુદા આકારનાં પશુ-પક્ષીઓ બનાવવામાં આવે છે તેમ એક મધુરી જગદંબા જુદા જુદા દેશકાળમાં જુદાં જુદાં નામરૂપે પૂજાય છે.

* સોનામાંથી જુદાં જુદાં ઘરેણાં બનાવવામાં આવે છે. પદાર્થ એક જ છે છતાં, તે જુદાં દેખાય છે અને જુદાં રૂપ ધારણ કરે છે. એ રીતે એક જ ઈશ્વર જુદા જુદા દેશોમાં અને જુદા જુદા કાળમાં જુદાં જુદાં નામરૂપે પૂજાય છે. ભાવના અનુસાર એ ભલે જુદી જુદી રીતે ભજાતો હોય- કોઈ માતા તરીકે, કોઈ પિતા તરીકે, કોઈ સખા તરીકે, કોઈ પ્રિયતમ તરીકે, કોઈ પોતાના અંતરની મોટી મિરાત તરીકે તો કોઈ પોતાના લાડકડા બાળ તરીકે એને ભજે છે પણ, આ બધાં વિવિધ રૂપોમાં પૂજાતો ઈશ્વર એક જ છે.

* એક વાર બર્દવાનનાં મહારાજાની પંડિત સભામાં વિવાદ જાગ્યો: બે દેવો, શિવ અને વિષ્ણુમાં કોણ મોટું? કેટલાક હજુરિયાઓએ મહાદેવને મોટા કહ્યા તો બીજા કેટલાકે વિષ્ણુને અગ્ર સ્થાન આપ્યું. વિવાદ ઉગ્ર બન્યો ત્યારે, એક શાણા પંડિતે કહ્યું, ‘મહારાજ, મેં નથી તો શિવને જોયા કે નથી વિષ્ણુને જોયા. બેમાં કોણ મોટું એ હું કેવી રીતે કહી શકું?’ એક દેવની બીજા સાથે તુલના ન કરો. તમે એક દેવનાં દર્શન પામશો તો તમને જાણવા મળશે કે, એ સર્વ એક બ્રહ્મનાં જ રૂપો છે.

* કોઈ મોટા પુકુરને ઘણા ઘાટ હોય છે. માણસ કોઈ પણ ઘાટે નહાવાને કે ઘડો ભરવાને જાય, એ પાણી પાસે પહોંચે છે. પછી, એક ઘાટ બીજા કરતાં ચડિયાતો કહી, ઝઘડવાનો કોઈ અર્થ નથી. એ રીતે પરમાનંદને પુકુરે પહોંચવાના ઘણા ઘાટ છે. જગતનો દરેક ધર્મ એક ઘાટ છે. નિષ્પાપ અને વ્યાકુળ હૃદય સાથે કોઈ પણ ઘાટે જાઓ, તમે સચ્ચિદાનંદરૂપી વારિ જ પામશો. પણ તમારો ધર્મ બીજાના ધર્મ કરતાં ચડિયાતો છે એમ નહીં કહો.

* ઈશ્વરનાં નામરૂપ અનંત છે અને એમાંથી કોઈ પણ નામરૂપથી એને પકડી શકાય છે. ગમે તે નામરૂપે તમે એની ઉપાસના કરો, એના દ્વારા તમે એને જ પામશો.

* ભિન્ન ભિન્ન સંપ્રદાયો એક જ ઈશ્વરને પામવાના જુદા જુદા પંથો છે. કલકત્તાના કાલીઘાટના મંદિરે જવાના વિવિધ રસ્તાઓ છે. એ રીતે ઈશ્વરને દ્વારે અનેક માર્ગો લઈ જાય છે. દરેક ધર્મ આવા એક માર્ગથી વિશેષ કંઈ નથી.

* કેટલાંક વર્ષો અગાઉ હિંદુઓ અને બ્રાહ્મસમાજીઓ ઊંડી ધગશપૂર્વક અને તીવ્ર ઝનૂનપૂર્વક પોતપોતાના ધર્મોનો પ્રચાર કરતા હતા ત્યારે કોઈએ ઠાકુરને પૂછ્યું કે, ‘આ બે ધર્મો વિશે આપનો શો મત છે?’ ઠાકુરે કહ્યું: ‘મારી જગદંબા પોતાનું કાર્ય આ બેઉ સંપ્રદાયો દ્વારા કરાવે છે તે હું જોઉં છું.’

( ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી )

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.