એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા એકાગ્ર ચિત્તે તે ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતા કે, ઠાકુરે એમને ત્રણવાર બોલાવ્યા, છતાં પણ એમણે સાંભળ્યું નહિ, એટલે જવાબ ન આપ્યો. પછી જ્યારે શશી એમની પાસે ગયા ત્યારે ઠાકુરે એમને પૂછ્યું કે ‘આટલી બધી એકાગ્રતાપૂર્વક શું ચાલી રહ્યું હતું?’ તેઓ ફારસીનો અભ્યાસ કરતા હતા એ સાંભળીને ઠાકુરે એમને ચેતવ્યા: ‘અપરા વિદ્યામાં ડૂબીને જો તું પરાવિદ્યાને ભૂલી જશે તો તારું હદય ભક્તિહીન બની જશે.’ શશીનો ફારસીનો અભ્યાસ ત્યાં જ પૂરો થઈ ગયો…

… એક વાર ઠાકુરને ભોગ ધરાવવાનો સમય થઈ ગયો હતો, પણ ઘી નહોતું. શશી મહારાજ ચિંતાતુર બનીને આંટા મારવા લાગ્યા. એટલામાં એમના વર્ગના એક વિદ્યાર્થીએ આવીને જણાવ્યું કે તેઓ મઠની કોઈ એક તંગીને દૂર કરવા ઇચ્છે છે. પહેલાં તો રામકૃષ્ણાનંદજીએ તેની વાતનો અસ્વીકાર કર્યો. પણ પછી તે વ્યક્તિનો આગ્રહ જોઈને એમણે તેને ઘી ન હોવાની વાત કરી. તે વિદ્યાર્થીએ તે મહિને તો ઘી પૂરું પાડ્યું જ. તદુપરાંત દર મહિને પણ તે ઘી મોકલવા લાગ્યો… જો કોઈ એવું પૂછી બેસે કે મઠ કેવી રીતે ચાલે છે, તો રામકૃષ્ણાનંદ શાંતિપૂર્વક હસતાં હસતાં કહેતા: ‘ઠાકુર બધું જ મોકલી આપે છે.’ તેઓ એમ પણ કહેતા : ‘જો બીજાની મદદ વગર કામ ન ચાલી શકે તેમ હોય, તો ભગવાન પાસેથી જ મદદ માગવી જોઈએ.’ …

સ્વામી રામકૃષ્ણાનંદ એક સાથે ઉપદેશક, લેખક, અને વક્તા પણ હતા. એમણે બંગાળી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં અનેક વ્યાખ્યાનો આપ્યાં અને લેખો પણ લખ્યા. એમાંથી કેટલુંક પુસ્તકાકારે પ્રગટ પણ થયું છે. બંગાળી ભાષામાં એમણે લખેલું ‘રામાનુજ ચરિત’ – એમની સર્જકપ્રતિભાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. તેમ જ એ બંગાળી સાહિત્યનું અમૂલ્ય રત્ન છે. વાસ્તવમાં બંગાળી ભાષામાં રામાનુજ તથા એમના શ્રીસંપ્રદાય ઉપર આ એકમાત્ર આધારભૂત ગ્રંથ છે. અંગ્રેજીમાં એમણે જે વ્યાખ્યાનો આપ્યાં હતાં તેમાંથી જે પુસ્તકાકારે પ્રકટ થયાં છે તેમાં Universe and Man (બ્રહ્માંડ અને માનવ), Sri Krishna : the Pastoral and King-maker (ગોપાલક અને નૃપતિનિર્માતા શ્રીકૃષ્ણ), The Soul of Man (માનવનો આત્મા) વગેરેને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ છે. પહેલા પુસ્તકમાં વેદાંતનાં કેટલાંક સ્થૂળ તત્ત્વોની ચર્ચા છે, બીજા પુસ્તકમાં શ્રીકૃષ્ણની વૃંદાવન અને દ્વારકાની લીલાઓનું વર્ણન છે અને ત્રીજા પુસ્તકમાં માનવના સાચા સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે.

(‘ભક્તમાલિકા’, ભાગ-૧, પૃ.૨૪૬,૨૫૩,૨૫૫-૫૬, ૨૬૯)

Total Views: 142

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.