* કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે. એ રીતે સાચો ભક્ત પોતાની શ્રદ્ધામાં દૃઢ હોય છે. સંસારની સર્વ મલિનતાથી એ ભલે ઘેરાયેલો હોય, એનો પ્રભુપ્રેમ કે એની શ્રદ્ધા ચલાયમાન થતાં નથી. ઈશ્વરનું નામ શ્રવણ કરતાં જ એ ઉત્સાહથી તાજો થઈ જાય છે.

* કસોટી પત્થર વડે પિત્તળ અને સોનું ઓળખી શકાય છે તેમ, નૈષ્ઠિક અને ઢોંગી સાધુઓની ઓળખ દુ:ખ અને આપત્તિઓથી થાય છે.

* રેલવે એંજિન અનેક ભારે ડબ્બાઓને ઘસડી જાય છે તે રીતે ઈશ્વરપ્રેમી ભક્તો પોતાનાં શ્રદ્ધાભક્તિમાં દૃઢ રહીને સંસારની દુવિધાઓમાંથી પસાર થતાં કશી પીડા અનુભવતા નથી અને તે સાથે, અનેકને પોતાની સાથે ઈશ્વર ભણી લઈ જાય છે.

* ઇન્દ્રિયભોગોનું આકર્ષણ ક્યારે શમે? અખંડ, અવિનાશી, આનંદસાગર બ્રહ્મમાં બધાં સુખની અને બધા આનંદોની પરિસમાપ્તિ જુએ ત્યારે. જે ઈશ્વરનો સ્વાદ ચાખે તો તેમને સંસારનાં સુખ તુચ્છ લાગે.

* જેણે સાકર ચાખી છે તેને ગંદા ગોળમાં રસ ન રહે. મહેલમાં સૂનારાને ગંદી ઝુંપડીમાં આનંદ ના આવે. જે આત્માએ બ્રહ્માનંદનો સ્વાદ માણ્યો છે તેને સંસારનાં હલકા સુખમાં આનંદ ના આવે.

* જે સ્ત્રી રાજામાં મોહી ગઈ હોય, તે શેરીના ભિખારીના પ્રેમાલાપ ન સાંભળે. જેને ઈશ્વરની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તેને સંસારની મામૂલી વસ્તુઓ મોહિત નથી કરી શકતી.

* હલકાં અને નકામાં ફોતરાંને સૂપડું કાઢી નાખે છે અને જે સારવાળું છે તેને સાચવે છે. સત્પુરુષોનો સ્વભાવ પણ તેવો જ છે.

* ખાંડ અને રેતીને ભેળવો પણ, કીડી રેતીને રહેવા દઈ ખાંડના કણ તાણી જશે. એ જ રીતે પરમહંસો અને સંતો સારાનરસાને તારવશે.

* વેગથી વહેતાં નદીનાં પાણી કોઈ કોઈ જગ્યાએ વમળ પેદા કરશે;પણ આગળ વધતાં પાછાં એ વેગથી સીધાં વહેવા લાગે છે. એ રીતે ભક્તનું હૃદય અવારનવાર નિરાશા, વેદના અને અશ્રદ્ધાનાં વમળમાં ફસાઈ જાય છે પણ, એ તો ક્ષણિક વિકૃતિ છે અને તરત દૂર થઈ જાય છે.

* ભક્તની તાકાત શેમાં છે? એ પ્રભુનું બાળ છે અને, એનાં ભક્તિનાં આંસુ એનું મોટામાં મોટું હથિયાર છે.

* દાદર થઈ હોય તે ભાગને જેમ વધારે ખણો તેમ, ખરજ વધે અને ખણવામાં તમને વધારે આનંદ આવે. એ રીતે પ્રભુના ભક્તો એનાં ગુણગાન ગાતાં કદી થાકતા નથી.

* ઈશ્વરનું નામ સાંભળતાંવેંત જેને રોમાંચ થાય છે અને જેનાં નયનમાંથી પ્રેમાશ્રુ ઝરે છે તેનો ખરે જ, આ આખરી જન્મ છે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી , પૃ. ૪૭ – ૪૮)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.