૬૫૯. બાળકની સરળતા કેટલી મધુર છે! જગતની બધી સમૃદ્ધિને બદલે એ પોતાના ઢીંગલાને વધારે પસંદ કરે છે. સંનિષ્ઠ ભક્તનું પણ તેવું જ છે. બધાં માનપાનને અને સમૃદ્ધિને તજી, માત્ર ઈશ્વરને કોઈ વળગી રહી શકે નહીં.

૬૬૦. સાચો ધર્મનિષ્ઠ મનુષ્ય પોતાના મનનો પોણો ભાગ પ્રભુને આપે છે અને માત્ર પા ભાગ જ સંસારને આપે છે. શરીરના બીજા ભાગો કરતાં પોતાની પૂછડીમાં જ કેમ જાણે પોતાની બધી સંવેદના રહેતી હોય એમ માની, પૂછડી કચરાય ત્યારે ફૂંફાડો મારતા સાપની માફક, ઈશ્વરને લગતી બાબતોમાં જ એ વધારે ધ્યાન આપે છે.

૬૬૧. ઠાકુરનો ઉલ્લેખ કરી એકવાર એક બ્રાહ્મ પ્રચારકે કહ્યું હતું કે પરમહંસ પાગલ આદમી છે અને, કેટલાક યુરોપીય ચિંતકોની માફક, એક જ વિષય પર વધારે પડતું ચિંતન કરવાથી, એમની બુદ્ધિ ફરી ગઈ છે. પછી ઠાકુરે એ પ્રચારકને કહ્યું, ‘તમે કહો છે કે, યુરોપમાં પણ, એક જ વિષય પર ચિંતન કરવાથી માણસો ગાંડા થઈ જાય છે. પણ એમના ચિંતનનો વિષય આત્મા છે ખરો? એ ભૌતિક પદાર્થ હોય તો, સતત એના ચિંતનથી મનુષ્ય ગાંડો થઈ જાય એમાં શી નવાઈ? પરંતુ જેના પ્રકાશથી આખું જગ પ્રકાશિત થાય છે તે બુદ્ધિના મનનથી કોઈ પોતાનું ભાન કેવી રીતે ગુમાવે? શું આ જ તમારાં શાસ્ત્રો તમને શીખવે છે?’

૬૬૨. ઈશ્વરી પ્રેમના સાગરમાં ઊંડી ડૂબકી મારો. ડરો નહીં કારણ, એ અમૃતનો સાગર છે. મેં એકવાર નરેન્દ્રને કહ્યું, ‘ઈશ્વર જાણે મધનો સાગર છે. તું એમાં ઊંડી ડૂબકી નહીં માર? ધાર કે એક પહોળા વાસણમાં શરબત ભર્યું છે અને, એ પીવાને આતુર એવી એક  માખી તું છો. તું ક્યાં બેસીને પીશે?’ નરેન્દ્રે ઉત્તર આપ્યો કે, ‘હું કાંઠે બેસીને પીઈશ. કારણ હું જો અંદર પડ્યો તો હું ચોક્કસ ડૂબી જવાનો.’ એટલે મેં એને કહ્યું, ‘બેટા, તું ભૂલી જાય છે કે, તું દિવ્ય સાગરમાં ડૂબકી મારે તો, તારે મૃત્યુનો ભય રાખવો જોઈએ નહીં. સચ્ચિદાનંદ સાગર અમૃતનો સાગર છે એ યાદ રાખજે. એના જળમાં અમરજીવન છે. ઈશ્વરના પ્રેમનો તને અતિરેક થશે એમ, કેટલાક મૂર્ખ લોકોની માફ ડર રાખજે મા.’

૬૬૩. કેદખાનામાં દેવકીને કૃષ્ણના દિવ્યરૂપનું દર્શન થયું હતું છતાં, એથી કેદમાંથી એની મુક્તિ ન થઈ.

૬૬૪. એક અંધ મનુષ્ય એક વાર ગંગામાં નહાવા પડ્યો. ગંગાસ્નાનથી એનાં બધાં પાતક દૂર થઈ ગયાં પણ એનો અંધાપો ગયો નહીં.

૬૬૫. એક વાર એક નિષ્ઠાવાન કઠિયારાને જગજ્જનનીનું દિવ્ય દર્શન લાધ્યું. એની ઉપર માએ કૃપા કરી પણ એનો કઠિયારાનો ધંધો ન ગયો. લાકડાં કાપવાની મહેનત કરીને જ એ બિચારાને પોતાનો રોટલો રળવો પડ્યો.

૬૬૬. બાણશય્યા પર સૂતેલા ભીષ્મની આંખો આંસુથી ઉભરાતી દેખાઈ. શ્રીકૃષ્ણ અને પાંડવો બાજુમાં જ ઊભા હતા. અર્જુન બોલી ઊઠ્યો: ‘મોટાભાઈ, આ કેવું આશ્ચર્ય! આવા સત્યવાદી અને શાણા, આત્મસંયમી, આઠ વસુઓમાંના એક એવા પિતામહ ભીષ્મ પણ મૃત્યુ વેળાએ માયામાં આવી જઈ આંસુ સારે છે!’ આ સાંભળી ભીષ્મ કહે: ‘હે કૃષ્ણ! હું એને માટે રડતો નથી એ તમે બરાબર સમજો છો. પણ જેના સારથી સ્વયં ભગવાન છે તે પાંડવોને પણ અગણિત દુ:ખો અને યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હતું એ જોઈ; ઈશ્વરની લીલા કેવી અકળ છે એ વિચારે મારાં આંસુ હું ખાળી શકતો નથી.’

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી ૧૧૮ – ૨૦)

Total Views: 123

One Comment

  1. Ghanshyamsinh Rathod April 25, 2023 at 12:49 am - Reply

    Nice….

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.