(૧)

શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું :
દક્ષિણેશ્વરમાં આગમન

‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં જઈને આવેલા માણસોએ જયરામવાટીમાં આવીને વાત કરી, અને પછી તો થઈ રહ્યું! આખા ગામમાં જાતજાતની વાતો થવા લાગી.

‘અરેરે, શ્યામાની દીકરીને ગાંડાની જોડે પરણાવી છે એટલે તો એ સાસરે જતી નથી અને વરસોથી અહીં છે.’

‘હા, એનો જમાઈ તો ગાંડાની જેમ નાચે છે.’ ‘કોણે કહ્યું?’ પેલા મુખર્જી નજરે જોઈ આવ્યા કે તે કંઈ આચારવિચાર પાળતો નથી. કાં તો કલાકો સુધી ચૂપચાપ બેઠો રહે, નહિ તો ગાંડાની જેમ નાચે. બિચારી શારદાનો ભવ બગડ્યો!’

‘બિચારી આખી જીંદગી કેમ કાઢશે?’ હવે તો એને અહીં માવતરમાં જ જીંદગી કાઢવી પડશે. બિચારીનાં કેવાં નશીબ છે!’

આખા જયરામવાટીમાં જાતજાતની વાતો થવા લાગી. બધા શારદામણિની દયા ખાવા લાગ્યા. તેમને આવી વાતો સાંભળવી બિલકુલ ગમતી જ નહોતી. આથી તેમણે બહાર જવાનું છોડી દીધું. પણ એમના અંતરમાં તો અસંખ્ય પ્રશ્નો ઉઠતા હતા. આમ તો છ વર્ષની ઉંમરે ચોવીસ વર્ષના ગદાધર (શ્રીરામકૃષ્ણ) સાથે તેમના લગ્ન થયાં હતાં, ત્યારે તો એમને શ્રીરામકૃષ્ણનો કશો પરિચય ન હતો. પરંતુ જ્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી પોતાના માતા પાસે કામારપુકુર આવ્યા હતા ત્યારે માતા ચંદ્રામણિએ તેમને ત્યાં બોલાવ્યા હતા અને શ્રીરામકૃષ્ણે જ બાલિકા શારદાનું આંતરિક અને બાહ્ય ઘડતર કર્યું હતું.

રોજીંદા જીવનમાં શી રીતે જીવવું એની તાલીમ શ્રીરામકૃષ્ણે શારદામણિને આપી હતી. કુટુંબમાં કઈ રીતે રહેવું, વડીલોને કઈ રીતે સાચવવા, નાનાઓ પ્રત્યે કઈ રીતે વર્તવું, અતિથિ ને અભ્યાગતોની સેવા કઈ રીતે કરવી, આ બધું વ્યવહારજ્ઞાન પણ શ્રીરામકૃષ્ણે શારદામણિને આપ્યું હતું. એટલું જ નહિ પણ એક માતા પોતાની કન્યાને જેમ ઘરકામ શીખવે એમ તેમણે શારદામણિને બધું શીખવ્યું હતું.

ફાનસની વાટ કેમ સંકોરવી? દાળશાકમાં વઘાર કેવી રીતે કરવો? તેમાં કયા કયા મસાલા નાખવા? પાન કેમ બનાવવું? મુસાફરીમાં ગયા હોઈએ ત્યારે પોતાનો સામાન કેમ સાચવવો? આ બધા વ્યવહારુ જ્ઞાન ઉપરાંત, જુદી જુદી પ્રકૃતિના અને અલગ અલગ સ્વભાવવાળા લોકો સાથે કામ કેમ પાર પાડવું? એ બધાની સાથે સુમેળ કેમ સાધવો? આ સઘળાની કેળવણી પણ શ્રીરામકૃષ્ણે શારદામણિને આપી. સાથે સાથે એમના મનનું ઘડતર પણ એવી રીતે કર્યું કે તેમાં સાંસારિક માયાનો પ્રવેશ જ ન થાય. રોજીંદા જીવનમાં બનેલી ઘટનાઓનાં દૃષ્ટાંતો દ્વારા, સામાન્ય વાતચીત દ્વારા, શારદામણિના મનમાં આધ્યાત્મિક જીવનનું મૂલ્ય એવું દૃઢ કરી દીધું કે સાંસારિક જીવન પ્રત્યે એમને ક્યારેય આસક્તિ ન જાગે. આમ શ્રીરામકૃષ્ણના દિવ્ય પ્રેમે શારદામણિનું એવું જીવનઘડતર કર્યું કે એમનું મન પણ શ્રીરામકૃષ્ણની જેમ સદા ઊર્ધ્વભૂમિકાએ જ વસવા લાગ્યું. કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણદેવ સાથે ગાળેલા એ દિવસો કેવા આનંદભર્યા હતા, એ વિશે વાત કરતા શારદામણિએ પાછળથી જણાવ્યું હતું: ‘અપૂર્વ આનંદના હતા એ દિવસો! ત્યારથી મને અનુભવ થયો કે મારા હૃદયમાં જાણે આનંદનો એક પૂર્ણ કળશ સ્થાપિત થઈ રહેલ છે. ધીર, સ્થિર અને દિવ્ય ઉલ્લાસથી મારું અંતર એટલું બધું ભરેલું રહેતું કે એ સ્થિતિને શબ્દોથી સમજાવી શકાય નહિ.

આવા અપૂર્વ દિવસોની મધુર યાદ અને શ્રીરામકૃષ્ણદેવનું પરોક્ષ સાંનિધ્ય જયરામવાટીમાં પણ એમને આનંદમગ્ન રાખતું હતું; પરંતુ જ્યારે તેમણે ગ્રામજનોના મુખેથી શ્રીરામકૃષ્ણના પાગલપણાની વાતો સાંભળી ત્યારે તેઓ વિહ્‌વળ બની ગયાં. તેમના મનમાં સતત પ્રશ્ન ઉઠતો કે ‘શું સાચે જ તેઓ પાગલ બની ગયા હશે? કેમ મને કોઈ કહેવડાવતું નથી? કેમ મને ત્યાં કોઈ બોલાવતું નથી?’ જો ખરેખર લોકોની વાત સાચી હોય તો તો મારે જલદી ત્યાં પહોંચી જવું જોઈએ. આમ મનમાંને મનમાં તેમને ભારે મૂંઝવણ થવા લાગી. ક્યારેક તો એમનું હૃદય આક્રંદ કરી પોકારી ઉઠતું હતું કે હું કેવી રીતે ત્યાં પહોંચું? એમની પાસે મને કોણ લઈ જાય? મનોમન જગદ્ધાત્રીને તેઓ સતત પ્રાર્થના કરતાં, પણ તેમના અંતરની વેદના શમતી નહોતી. આ સંકોચશીલા મુગ્ધા કિશોરી પોતાના અંતરની વાત ન તો માતાપિતાને કહી શકતી હતી કે ન તો પોતાની સહેલીઓને; અને ક્યાંયથી પતિના સાચા સમાચાર પણ મેળવી શકતી નહોતી.

અને એમ એમની મૂંઝવણનો ભાર અસહ્ય બની ગયો. આખરે તેમણે આ ભાર પોતાનાં દૂરનાં બાળવિધવા ભાનુફોઈ આગળ ઠાલવ્યો. મનની સઘળી વાત કહી ખૂબ રડ્યાં. ભાનુફોઈ ભક્તિમતી હતાં. એમણે શારદામણિને ખૂબ આશ્વાસન આપતાં કહ્યું ‘અરે ગાંડી, તું રડે છે? પાગલ તો તું કહેવાય! એ તો સાક્ષાત્‌ શિવ છે. જ્યારે તમે બંને અહીં મને પગે લાગવા આવ્યાં હતાં ત્યારે જ મેં શિવનું ગીત નહોતું ગાયું, કે ‘દિકરી, તું છે રૂડીરૂપાળી પણ તને વર મળ્યો નાગો ગાંડો પણ છે, તું ભાગ્યશાળી છો, કેમ કે એ છે સાક્ષાત્‌ શિવ.’ ભલે આજે લોકો એને પાગલ કહે પણ એક દિવસ આખું જગત એને પૂજશે. રડ નહિ તારા જેવું સૌભાગ્ય તો કોઈનું નથી.’ આમ ફોઈ પાસેથી સાંત્વના મળતાં એમનાં અંતરમાં દક્ષિણેશ્વર જવાની ઇચ્છા શમવાને બદલે વધુ ને વધુ પ્રબળ બની. પણ જવું કેવી રીતે? 

આ એ જમાનો હતો કે બંગાળમાં જ્યારે કન્યાના ખૂબ જ નાની વયે લગ્ન થઈ જતા અને પછી પુખ્ત થતાં સાસરાવાળા તેને તેડી જતા હતા પણ તે સમયે કોઈ પણ કન્યા પોતાની ઇચ્છાથી શ્વસુરગૃહે જઈ શકતી નહિ. જવાની વાત તો એક બાજુએ રહી પણ પોતાની ઇચ્છા પ્રગટ ન કરી શકતી. એ વખતે પોતાના મનની વાત પિતાને કહેવી કેવી રીતે? અને કહે તો પણ શું તેના પિતા જયરામવાટીથી સાઠ માઈલ દૂર આવેલા દક્ષિણેશ્વરમાં મોકલે ખરા? અને વળી તે સમયે તો વાહન વ્યવહારની કોઈ જ સગવડ ન હતી. પગપાળા જવાનું હતું. તો કેવી રીતે આ બધાં વિઘ્નો પાર કરીને ત્યાં પહોંચવું? શારદામણિ માટે ભારે સમસ્યા હતી તેમાં તેમને સમાચાર મળ્યા કે દોલપૂર્ણિમાના દિવસે ગંગાસ્નાન કરવા માટે જયરામવાટીની ઘણી સ્ત્રીઓ કલકત્તા જઈ રહી હતી અને એમની સાથે જરૂર કલકત્તા જઈ શકાય. એમ વિચારીને એમણે પોતાના મનમાં જવાનું નક્કી કરી લીધું. પણ મોટો પ્રશ્ન પિતાની રજા મેળવવાનો હતો. જો કહે કે આ સ્ત્રીઓની સાથે ગંગાસ્નાન માટે જવું છે તો આવી કોમળ પુત્રીને સાઠ માઈલ સુધી પગપાળા ચાલીને જવા દેવા માટે પિતા ક્યારેય રજા નહિ આપે તેની તેમને ખબર હતી. અને સાચી વાત પિતાની સમક્ષ કહેતાં તેમને ભારે સંકોચ થતો હતો. પણ જો આ તક ચાલી જાય તો પછી ફરી તો ક્યારે દક્ષિણેશ્વર જવાનો મોકો મળે ખરો? આમ વિચારીને એમણે રસ્તો કાઢ્યો. પોતાની ખાસ સહિયર દ્વારા માતાપિતા આગળ પોતાની ઇચ્છા રજૂ કરાવી. પુત્રીના અંતરની વાત જાણીને પિતાએ કહ્યું, ‘મારી દીકરીને દક્ષિણેશ્વર જવું છે તો ખુશીથી જાય પણ હું તેને એકલી જવા નહિ દઉં. હું એની સાથે જઈશ.’

આ હતું, મા શારદામણિનું પ્રથમ ક્રાંતિકારી પગલું. જે સમયે પિયરમાં રહેલી કોઈ કન્યા પોતાના પતિને મળવા જવાનું સાહસ કરી શકતી નહિ એ સમયે જયરામવાટી જેવા સાવ નાનકડા ગામડામાં રહેલાં સોળ વર્ષનાં શારદામણિએ લોકોની દૃષ્ટિએ પાગલ બનેલા, ઉન્મત્ત બનીને નાચતા, દેહભાન ભૂલીને કલાકો સુધી જડ જેવી અવસ્થામાં રહેતા, પતિને સામે ચાલીને મળવાનું નક્કી કર્યું! સોળ વર્ષની વયે પણ એમનામાં કેવી આંતરિક તાકાત હશે! કેવી અજબ હિંમત હશે! અને સ્વામી પ્રત્યેનું કેવું મધુર અને ઉત્કટ આકર્ષણ હશે કે બધાં બંધનો, કષ્ટોને અવગણીને તેમણે પતિ પાસે જવાનું નક્કી કર્યું.

જવા માટેનો આ રસ્તો પણ કંઈ સરળ નહોતો. જે સ્ત્રીઓ ગંગાસ્નાન માટે જઈ રહી હતી તે બધી મોટી ઉંમરની સ્ત્રીઓ હતી અને પગપાળા પ્રવાસ કરવાને ટેવાયેલી હતી. આથી જ તેમણે શારદામણિને ચેતવણી આપતાં કહ્યું, ‘ઓ મા, આટલું બધું ચાલવાનું તારું ગજું નહિ. એ તો અમારા જેવા કઠોર માણસોનું કામ. તારા ચરણો તો ફૂલ જેવા છે. એ શું આવા કાંટાળા રસ્તા ઉપર ચાલી શકશે?’

‘હા, બેટા, તારા પગમાં છાલાં પડી જશે, લોહી નીકળશે, આટલું બધું કેવી રીતે ચાલી શકીશ?’

‘દીકરી રસ્તો કેવો ભયાનક છે એ તું જાણતી નથી. અત્યારે તો ઉત્સાહ બતાવી રહી છે પણ એકવાર ચાલીશ એટલે ખબર પડી જશે કે કલકત્તા કેટલું છેટું છે!’ 

‘જો તું અધવચ્ચે થાકી જઈશ તો શું થશે?’

‘બેટા તું પૂરો વિચાર કર. જમાઈબાબુને મળવાના ઉત્સાહમાં તને અત્યારે કષ્ટો દેખાતાં નથી પણ માર્ગ ખૂબ જ કઠિન છે. તારા જેવી કોમળ કન્યા માટે આ માર્ગ કાપવો ઘણો જ મુશ્કેલ છે. હું બે ત્રણ વાર કલકત્તા જઈ આવી છું એટલે કહું છું કે વિચાર માંડી વાળ.’ આમ ગંગાસ્નાન માટે જઈ રહેલી અનુભવી સ્ત્રીઓએ શારદામણિને ખૂબ સમજાવ્યા. માર્ગની વિટંબણાઓનું વર્ણન કર્યું. અને ખરેખર એમની વાત કંઈ ખોટી તો નહોતી જ. એ સમયે કંઈ આજના જેવી રેલગાડી કે મોટરગાડીઓની સગવડ નહોતી. અરે બળદગાડા માટેનો ય રસ્તો ન હતો. વાંકીચૂંકી નાની નાની કાંટા-ઝાંખરાંથી ભરેલી કેડીઓ જ હતી. વળી રસ્તામાં ગાઢ જંગલો આવતાં હતાં. જંગલોમાં લૂંટારાઓ અને જંગલી પશુઓનો ડર પણ રહેતો હતો. એને આ બધું પગપાળા જ પાર કરવું પડતું. શારદામણિએ તો અત્યાર સુધી જયરામવાટીથી કામારપુકુર સિવાયનો બીજો રસ્તો જોયો જ ન હતો. આથી અનુભવી સ્ત્રીઓએ એમને સાઠ માઈલ પગે ચાલવાનાં કષ્ટો વિશે ચેતવણી આપીને કલકત્તા આવવા ના પાડી પણ એમનો સંકલ્પ અડગ હતો. ગમે તે મુશ્કેલી આવે, ગમે તે કષ્ટો સહેવાં પડે, ભલે પગમાં છાલા પડે કે લોહી નીકળે પણ એકવાર દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાં. આ અડગ સંકલ્પ આગળ કોઈનું કંઈ ચાલ્યું નહિ અને ગંગાસ્નાન માટે જઈ રહેલા એ સંઘ સાથે શારદામણિ અને તેના પિતા પણ જોડાઈ ગયા.

પણ સાચે જ રસ્તો સરળ ન હતો. હૃદયમાં ઉત્સાહ હતો આથી પથરાળ ઊંચી-નીચી-ઝાંખરાં ને કાંટાથી ભરેલી કઠણ કેડીઓ ઉપર શારદામણિ ચાલતાં હતાં. પણ શરીર તો આખરે શરીર હતું. એમને ચાલવાનો મહાવરો જરાય ન હતો આથી થોડું ચાલતાં જ એમના પગમાં પીડા થવા લાગી. પથરાળ ભૂમિ એમના કોમળ ચરણોને ડંખવા લાગી. તેમ છતાં તેમણે એ પીડાને મુખ ઉપર જરાય પ્રગટ થવા દીધી નહિ; કેમ કે તેમના મનમાં ભય હતો કે રખેને પિતાને એમના કષ્ટની ખબર પડી જાય તો કદાચ ત્યાંથી જ પાછા ઘરે લઈ જાય. આથી તેઓ ચુપચાપ રસ્તો કાપવા લાગ્યાં. શરીરની ફરિયાદને એમને ગણકારી જ નહિ. હૃદયમાં શ્રીરામકૃષ્ણનું ધ્યાન અને મનમાં એમનો વિચાર કરતાં કરતાં પથ કાપવા લાગ્યાં. થોડા જ દિવસોમાં શ્રીરામકૃષ્ણનાં દર્શન થશે એ વિચાર માત્ર તેમના થાકેલા, દુ:ખતા, ચરણોમાં ગતિ અને શક્તિ રેડતો હતો.

પણ મેલેરિયાના મચ્છરોથી ભરેલા ભર જંગલમાંથી જ્યારે પાર થવાનું આવ્યું ત્યારે શારદામણિ મેલેરિયામાં પટકાઈ પડ્યાં. એમનું શરીર ઠંડીથી ધ્રૂજવા લાગ્યું. માથું ફાટ ફાટ થવા લાગ્યું. શરીરનું એકેએક અંગ તૂટવા લાગ્યું. પરંતુ શરીરના દુ:ખ કરતાંય મનનું દુ:ખ વધારે તીવ્ર હતું. તેમને મનમાં થતું હતું કે જો પિતાજીને કહીશ કે તાવ છે તો તેઓ આગળ ચાલવા નહિ દે એટલે કશું જ બોલ્યાં નહિ અને તાવથી ધીખતા શરીરે ચૂપચાપ ચાલતાં રહ્યાં. પણ આખરે શરીર તો શરીર હતું. એ એવું લથડ્યું કે આગળ ચાલવું તો શું ઊભા થવુંયે મુશ્કેલ બન્યું. પિતાએ જોયું કે શારદાનું શરીર તાવથી ધખી રહ્યું હતું તેથી તેમણે આગળ જવાનું માંડી વાળ્યું. રસ્તામાં યાત્રાળુઓ માટે આવતી નાની એવી ધર્મશાળામાં બંને રોકાઈ ગયાં અને સંઘ કલકત્તા તરફ આગળ ચાલવા લાગ્યો. તાવની તંદ્રાવસ્થામાં પણ શારદામણિના મનમાં એક જ રટણ હતું, ‘અરેરે! હવે એમનાં દર્શન શું નહિ થાય? આ તે મારું કેવું દુર્ભાગ્ય કે આમ હું અધવચ્ચે જ અટકી પડી!’ આમ વિચારતાં વિચારતાં તાવની ગરમી મગજ પર ચડી જતાં તેમણે ભાન ગુમાવ્યું. અને એ બેભાન અવસ્થામાં, એ તંદ્રાની સ્થિતિમાં એમને લાગ્યું કે શ્યામરંગની કોઈ સ્ત્રી એમની બાજુમાં આવીને બેઠી છે. ભલે તેનો રંગ શ્યામ છે પણ તેનું રૂપ અદ્‌ભુત છે. અને પછી તો આ સ્ત્રીનો પ્રેમાળ હાથ એમના શરીર ઉપર ફરતો અનુભવ્યો અને તાવથી ધીખી રહેલા શરીરમાં જાણે એક ઠંડક ફરી વળી. શરીરની ગરમી જાણે શમી ગઈ અને મનના તાપ પણ શમવા લાગ્યા. જાણે સર્વત્ર અપૂર્વ ઠંડક ફરી વળી અને ઘડી પહેલાંનો વંટોળિયો અદૃશ્ય થઈ ગયો. આવી અચેતન અવસ્થામાં પણ શારદામણિ હળવાશ અને શાંતિ અનુભવી રહ્યાં. એમણે તે સ્ત્રીને પૂછ્યું પણ ખરું, ‘બહેન તમે કોણ છો અને ક્યાંથી આવો છો?’ તે સ્ત્રીએ મધુર અવાજે કહ્યું, ‘હું તમારી બહેન છું અને દક્ષિણેશ્વરથી આવું છું.’

‘ઓહો, તમે મારાં બહેન છો એટલે મારી પાસે આવ્યાં છો. બહુ સારું તમે દક્ષિણેશ્વરથી આવો છો? તો તો તમે એમનાં દર્શન કર્યા જ હશે. મને એમ કે હું પણ દક્ષિણેશ્વર જઈ એમનાં દર્શન પામીશ. એમની સેવા કરીશ પણ મારા ભાગ્યમાં એ લાગતું નથી. જુઓને, આ કેવો તાવ આવ્યો કે ઊભી પણ થઈ શકતી નથી. દક્ષિણેશ્વર તો ક્યાંથી જવાય? હેં બહેન, અહીંથી દક્ષિણેશ્વર હવે કેટલું દૂર થાય?’

‘અરે તમે ચિંતા ન કરો તમે હવે જલદી એમનાં દર્શન કરી શકશો. તમને હવે જલદી સારું થઈ જશે. તમારા માટે તો મેં એમને રોકી રાખ્યા છે.’ તે અદ્‌ભુત સ્ત્રીએ કહ્યું.

‘એમ કે,’ બસ આ પછી શારદામણિ ગાઢ ઊંઘમાં સરી પડ્યાં. સવારે જાગ્યાં ત્યારે તેમનો તાવ સાવ ઊતરી ગયો હતો પણ એમની નજર સમક્ષ પેલી અદ્‌ભુત લાવણ્યમય સ્વરૂપવાળી શ્યામાસુંદરી તરવરી રહી હતી. એમને થયું કે શું એ સ્વપ્ન હતું કે સત્ય? ખરેખર તો એમને સત્ય જ લાગતું હતું. નહિતર તેમનો આવો ધ્રૂજારી દેતો તાવ, વગર દવાએ એકાએક કેવી રીતે ઊતરી જાય? એમનું શરીર નવી તાજગી અનુભવી રહ્યું હતું. પાછળથી જ્યારે એમણે શ્રીરામકૃષ્ણને આ વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે બીજું કોઈ નહિ પણ દક્ષિણેશ્વરનાં સાક્ષાત્‌ મા કાલી હતાં. પણ તે સમયે તેઓ એ જાણી શક્યાં ન હતાં. સવારે તો શારદામણિ સ્વસ્થ બની ગયાં. આથી તેમના પિતાએ કહ્યું કે, ‘આપણે ધીમે ધીમે ચાલીએ.’ અને તેઓ થોડું જ ચાલ્યા ત્યાં તો એમને પાલખી પણ મળી ગઈ અને આમ હવે એમનો દક્ષિણેશ્વરનો કષ્ટસાધ્ય પથ સરળ અને આહ્‌લાદક બની ગયો!

કલકત્તાની ભૂમિ ઉપર પગ મૂકતાં જ શારદામણિનું હૃદય અવર્ણનીય આનંદ અનુભવવા લાગ્યું. દિવસરાત જેમનું અવિરત ચિંતન કર્યું હતું, હૃદયના સિંહાસન પર જે સદાય બિરાજમાન હતા, એવા પોતાના સમગ્ર જીવનના સ્વામીનાં હવે પ્રત્યક્ષ દર્શન થવાનાં હતાં. હવે તો માત્ર ગંગા નદીને જ પાર કરવાની હતી. દક્ષિણેશ્વરના મંદિરનાં શિખરોનાં દર્શન માત્ર શારદામણિના હૃદયમાં અકથ્ય આનંદની અનુભૂતિ કરાવી રહ્યાં. જે ઘડીને માટે તેઓ સાઠ માઈલનો કષ્ટમય પથ કાપીને આવ્યાં હતાં એ ઘડી હવે થોડી જ ક્ષણોમાં એમની સમક્ષ આવવાની હતી. તેમનું મન વિચારી રહ્યું હતું કે જેમણે કામારપુકુરમાં એમના હૃદયમાં આનંદનો પૂર્ણ કળશ ભરી દીધો હતો શું એ જ સ્વામી હશે? જેમણે જીવન વ્યવહારનું સઘળું જ્ઞાન આપ્યું હતું શું એ જ પરમગુરુ હશે કે પછી લોકો કહેતા હતા તેમ પાગલ બની ગયા હશે? કે ઉન્મત્તની પેઠે પ્રલાપો કરી રહ્યા હશે કે પછી એમને કશું બાહ્યભાન નહિ હોય? ના, ના, આવું કદી બની શકે જ નહિ. એ દિવ્યાનંદ મૂર્તિ કદી પાગલ હોઈ શકે જ નહિ.’ એમણે મનમાં ઉદ્‌ભવતા એ ઉન્માદના વિચારને પોતાની અંદરથી હાંકી કાઢ્યા અને તેઓ શ્રીરામકૃષ્ણની મનોહર આકૃતિનું સ્મરણ કરવા લાગ્યા અને ક્યારે ગંગા પાર થઈ ગઈ અને ક્યારે દક્ષિણેશ્વર આવી પહોંચ્યાં તેની તેમને ખબર પણ ન પડી.

તેઓ ચાર વર્ષ બાદ શ્રીરામકૃષ્ણને મળી રહ્યાં હતાં. કામારપુકુરમાં જ્યારે તેઓ શ્રીરામકૃષ્ણની સાથે હતા ત્યારે તો મુગ્ધ બાલિકા હતાં. ત્યારે તેમની સમજશક્તિ ખીલી ન હતી. તેમની દૃષ્ટિ મર્યાદિત હતી. જીવન વિશેનું જ્ઞાન નહિવત્‌ હતું તો પણ શ્રીરામકૃષ્ણે એમનો પ્રેમપૂર્વક સ્વીકાર કરીને એમના હૃદયને આનંદથી ભરી દીધું હતું અને હવે તો ચાર ચાર વર્ષ વીતી ગયાં હતાં. આ ચાર વર્ષના ગાળામાં શ્રીરામકૃષ્ણે બધા ધર્મોની સાધના પૂર્ણ કરી હતી. એમની સાધનાની અનેક પ્રકારની વાતો શારદામણિએ સાંભળી હતી. આથી એમના મનમાં એ એક શંકા હતી કે એમના સ્વામી એમને ઓળખશે તો ખરાને? એમને આવકારશે તો ખરાને? પણ જેમ જેમ દર્શનની ક્ષણ સમીપ આવતી ગઈ, તેમ તેમ સઘળાં વિચારો અને શંકાઓ અદૃશ્ય થઈ ગયાં. તેઓ પોતાના અંતરથી શાંત, સ્થિર બની ગયાં અને હૃદયમાં શ્રીરામકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં તેઓ શ્રીરામકૃષ્ણના ઓરડા પાસે આવી પહોંચ્યાં.

શ્રીમા શારદાદેવીના દક્ષિણેશ્વર આવવાના આ મહાન ક્રાંતિકારી પગલાંએ શ્રીરામકૃષ્ણની સાધનાને જુદો જ વળાંક આપ્યો. એમની સાધનાનાં સઘળાં રહસ્યો સમસ્ત માનવજાતિ માટે સુલભ બન્યાં. માનવજાતિ માટે દિવ્યતાના દ્વારો ઉઘડ્યાં, સંસારનાં દુ:ખો, કષ્ટો અને તાપોથી ત્રસ્ત મનુષ્યોને શાંતિનો પરમ માર્ગ મળ્યો. દૈવી માતૃત્વથી ભગવાનની પ્રાપ્તિ સહજ અને સરળ બની ગઈ અને નવા આધ્યાત્મિક યુગનો પ્રારંભ થયો. 

(ક્રમશ:)

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.