ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના શ્રીમુખથી ઈશ્વરીય વાતો સાંભળવા સારુ. ઓરડામાં પ્રવેશ કરતાંની સાથે જ વેદીની સન્મુખે ઠાકુરે પ્રણામ કર્યા. પોતાની જગાએ બેઠા પછી ઠાકુર રાખાલ, માસ્ટર વગેરેને કહે છે :

‘નરેન્દ્ર મને કહેતો હતો કે સમાજ-મંદિરમાં પ્રણામ કરવાથી શું વળે?’

‘પણ મંદિરને જોતાં ઈશ્વરની યાદ આવે, અંતરમાં ઈશ્વરીભાવ આવે. જયાં ઈશ્વરની કથા થાય ત્યાં ઈશ્વર પ્રગટ થાય, અને સર્વ તીર્થો હાજર થાય. એવી બધી જગાઓને જોવાથી ભગવાનની જ યાદ આવે.

‘એક ભક્ત બાવળનું ઝાડ જોઈને ભાવમગ્ન થયો હતો, – એમ ધારીને કે ભગવાન રાધાકાંતજીના બગીચા માટે આ લાકડાનો કુહાડાનો હાથો બને છે.

‘એક ભક્તની એવી ગુરુ-ભક્તિ કે ગુરુના લત્તાના કોઈ પણ માણસને જોઈને ભાવમગ્ન થઈ જતો!

મેઘ જોઈને, વાદળી વસ્ત્ર જોઈને, ચિત્ર જોઈને શ્રીમતી રાધાને કૃષ્ણનું ઉદ્દીપન થતું. તેઓ એ બધાંને જોઈને પાગલની પેઠે ‘કયાં છો કૃષ્ણ?’ કહીને આકુળવ્યાકુળ થઈ જતાં.

ઘોષાલ – પાગલ થવું કાંઈ સારું નહિ!

શ્રીરામકૃષ્ણ- એ શી વાત! આ તે શું વિષયોનું ચિંતન કર્યાનો ઉન્માદ, કે જેથી ભાન ગુમાવાય! આ અવસ્થા તો ભગવાનનું ચિંતન કરવાથી થાય! પ્રેમોન્માદ, જ્ઞાનોન્માદ, એ તમે સાંભળ્યું નથી?

એક બ્રાહ્મ-ભક્ત – કયા ઉપાયે ઈશ્વરને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ- ઈશ્વર ઉપર પ્રેમ; અને હંમેશાં આ વિચાર કે ઈશ્વર જ સત્ય, જગત અનિત્ય; વૃક્ષ જ સાચું, ફળ ચાર દિવસ માટે.

બ્રાહ્મ-ભક્ત – કામ, ક્રોધ વગેરે રિપુઓ અંદર પડયા છે, એનું શું કરવું?

શ્રીરામકૃષ્ણ- ષડ્‌રિપુઓનાં મોઢાં ઈશ્વર તરફ ફેરવી નાંખો. કામના કરવી હોય તો આત્મા સાથે રમણની કામના રાખવી. ક્રોધ થતો હોય તો જેઓ ઈશ્વરના માર્ગમાં વિઘ્ન કરે તેઓના ઉપર ક્રોધ કરવો. લોભ રાખવો તો ઈશ્વર મેળવવાનો લોભ રાખવો. ‘મારું મારું’ જો કરવું હોય તો ભગવાનને લઈને કરો, જેવું કે મારા કૃષ્ણ, મારા રામ વગેરે. જો અહંકાર કરવો હોય તો વિભીષણની પેઠે, કે ‘મેં રામને માથું નમાવ્યું છે, તો આ માથું હવે બીજા કોઈની પાસે નહિ નમે.’

બ્રાહ્મ-ભક્ત- ભગવાન જ જો બધું કરાવે છે તો તો પછી પાપને માટે આપણી જવાબદારી નહિ?

શ્રીરામકૃષ્ણ (હસીને) – દુર્યોધને પણ એમ જ કહેલું –

ત્વયા હ્યષિકેશ હ્યદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ ।

‘પણ જેની પાકી ખાતરી છે કે ઈશ્વર જ કર્તા અને હું અકર્તા, તેનાથી પાપ થાય જ નહિ. જે નાચવાનું બરાબર શીખ્યો હોય તેનો પગ તાલથી બહાર પડે જ નહિ. અંતર શુદ્ધ થયા વિના ઈશ્વર છે એવી શ્રદ્ધા જ બેસે નહિ.’

જૂની એડિશન – (કથામૃત – ભાગ. ૧, પૃ. ૧૯૨-૯૩)

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.