શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું

‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના પિતાને આવતાં જોઈને શ્રીરામકૃષ્ણે પોતાના ભાણેજ હૃદયને કહ્યું. ઘૂંઘટમાં ઢંકાયેલા શારદામણિએ જેવા આ શબ્દો સાંભળ્યા કે એમની તમામ ચિંતા નિર્મૂળ થઈ ગઈ! ‘ઓહ! આ તો એ જ કર્ણપ્રિય મધુર અવાજ છે, જે કામારપુકુરમાં તેમણે અનેકવાર સાંભળ્યો હતો. એ જ પ્રેમભાવથી સભર અવાજ છે, જે અવાજે એમના હૃદયને પૂર્ણ આનંદથી ભરી દીધું હતું! શું કોઈ પાગલ પુરુષનો આવો અવાજ હોઈ શકે? આવી ચિંતા કોઈ કરી શકે? એમના હૃદયને ખાતરી થઈ ગઈ કે એમના પતિ પાગલ પણ નથી, કઠોર પણ નથી, અને એમણે એમનો ત્યાગ પણ કર્યો નથી. ઊલટું તેઓ તો પ્રથમ આગમનની ઘડી અશુભ નથીને, એ જોઈ રહ્યા છે! બસ, આ એક જ વાક્યે તેમણે ખેડેલા દક્ષિણેશ્વર આવવાના મહાન સાહસની જાણે સ્વીકૃતિ આપી દીધી, એવું જણાતાં, તેમનું હૃદય અપૂર્વ આનંદ અનુભવી રહ્યું. તેઓ પિતાની સાથે સીધા શ્રીરામકૃષ્ણના ઓરડામાં જ આવી પહોંચ્યાં. ઘૂંઘટથી આવૃત્ત મુખ અને લજ્જાથી અવરુદ્ઘ વાણી હતી એટલે એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર તેઓ અત્યંત સંકોચ સાથે ઓરડામાં ઊભા રહ્યાં.

ત્યાં તો બીજું મધુર વાક્ય એમના હૃદયને આનંદથી છલકાવી ગયું: ‘આખરે તમે આવી પહોંચ્યાં, બહુ સારું કર્યું.’

સ્વાગતના આ શબ્દોમાં એવો પ્રેમ ભર્યો હતો કે શારદમણિએ એવું અનુભવ્યું કે જાણે લાંબા સમયથી તેઓ તેમની પ્રતીક્ષા કરી રહ્યા ન હોય! આ મધુર આવકારથી જ શારદામણિના સાઠ માઈલની પગપાળા યાત્રાનાં તમામ કષ્ટો ઓગળી ગયાં. ત્યાં તો એમને ફરી એ જ કર્ણપ્રિય સ્વર સંભળાયો: ‘અરે, કોઈ ચટાઈ તો લાવો, એમને માટે ચટાઈ તો બિછવી દો. જુઓને, તેઓ ઊભાં છે.’ ઓહ, પ્રથમ આગમને જ રામકૃષ્ણ એમની કેટલી કાળજી લઈ રહ્યા છે, એનો અનુભવ થતાં જ શારદામણિને થયું કે લોકો એમના પાગલપણાની કેટલી જૂઠી વાતો કરી રહ્યા હતા! તેઓ સંકોચપૂર્વક શિષ્યે પાથરી દીધેલી ચટાઈ પર બેઠાં. શ્રીરામકૃષ્ણે શારદામણિનો સંકોચ દૂર કરવા, તેમની સાથે યાત્રાની વાતો શરૂ કરી. ધીમેધીમે શારદામણિ જવાબ આપવા લાગ્યાં. જ્યારે શ્રીરામકૃષ્ણે જાણ્યું કે તેમને તાવ આવે છે, ત્યારે તો તેઓ ભારે ચિંતા કરવા લાગ્યા અને કહ્યું: ‘અરેરે, હવે શું થશે? મારો મથુર છે કે તમારી સંભાળ લે? એ જતાં મારો જમણો હાથ ભાંગી ગયો. તમે આટલાં મોડાં કેમ આવ્યાં?’ શ્રીરામકૃષ્ણના શબ્દે શબ્દે પ્રેમ પ્રગટી રહ્યો હતો. લોકો કહેતા હતા કે તેમના પતિ વૈરાગી થઈ ગયા હતા. એમને દુનિયાના કોઈ બંધનો ન હતાં. અને અહીં તો પ્રેમનું જાણે સાક્ષાત્‌ મૂર્તિમંત સ્વરૂપ એમની સમક્ષ હતું! હજુ તો તેઓ દક્ષિણેશ્વરમાં આવ્યાં એને થોડી ક્ષણો જ થઈ હતી, પણ શારદામણિ શ્રીરામકૃષ્ણના દિવ્ય પ્રેમપ્રવાહમાં જાણે તરી રહ્યાં ન હોય! કેવો અદ્‌ભુત પ્રેમ! જે પ્રેમ ક્યારેય બંધનમાં નાખતો નથી, પણ મુક્ત કરે છે, જે પ્રેમ જીવનને પતન તરફ નહિ પણ સદાય ઊર્ધ્વપથે લઈ જાય છે. જે પ્રેમ હૃદયને બાળતો નથી, પણ શાતા આપે છે, એ પરમ પ્રેમના પ્રવાહમાં શારદામણિની સઘળી મૂંઝવણો તણાઈ ગઈ! એમના અંતરમાં એ જ પ્રેમાળ શબ્દો ગૂંજતા રહ્યા કે ‘તમે આટલાં મોડાં કેમ આવ્યાં?’ ત્યાં તો ફરી મધુર શબ્દો સંભળાયા: 

‘હવે તમને જલ્દી સાજાં કરી દઈશ. તમારો તાવ તો હવે ગયો જ સમજો.’ આ શબ્દોમાં એવી શક્તિ હતી, એવી પ્રેમભરી હૂંફ હતી કે શારદામણિનો તાવ જ નહિ પણ જીવનનો સઘળો બોજો અને ત્રિવિધ તાપ પણ શમી ગયા.

‘મારો મથુર હોતને તો તમને મહેલમાં રાખત.’ ફરી ઉચ્ચારાયેલા શ્રીરામકૃષ્ણના આ વાક્યથી શારદામણિને દૃઢ વિશ્વાસ થઈ ગયો કે સાચે જ એમના સ્વામી એમને માટે ચિંતાતુર છે! તેમને તો જેલ જેવી નોબતખાનાની ઓરડી પણ મહેલ જેવી જ હતી. કેમ કે હવે શ્રીરામકૃષ્ણદેવનું સાંનિધ્ય તેમને મળ્યું હતું. જ્યાં શ્રીરામકૃષ્ણ ત્યાં એમના માટે સ્વર્ગથી પણ અધિક આનંદ હતો.

આમ પ્રેમભરી વાણી અને એવાં જ પ્રેમભર્યા વર્તન દ્વારા શ્રીરામકૃષ્ણદેવે જયરામવાટી જેવા નાના ગામડામાંથી આવેલી આ સરળ, સંકોચશીલા તરુણીના સઘળા ક્ષોભ સંકોચને દૂર કરી દીધા એટલું જ નહિ પણ એને પરમ રક્ષણ અને દૈવી હૂંફની અનુભૂતિ પણ કરાવી દીધી. પછી જ્યારે શારદામણિ એમના રહેવા માટે આપવામાં આવેલી નોબતખાનાની ઓરડીમાં જવા ઊભાં થયાં ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું: ‘ના, ના. તમે ત્યાં ન જશો. ત્યાં તમને ખૂબ અગવડ પડશે. હું હમણાં જ ડોક્ટરને બોલાવું છું.’ અને પછી શ્રીરામકૃષ્ણે શારદાદેવીની સૂવાની વ્યવસ્થા પોતાના ઓરડામાં જ કરાવી. ડોક્ટરની દવા કરાવી તેથી તેઓ ઝડપથી સાજાં થઈ ગયાં. પછી પણ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું: ‘તમારે નોબતખાનામાં સૂવા જવાની જરૂર નથી. તમે અહીં જ રહો.’ તેમણે શારદામણિને સૂવા માટે નાની પાટની વ્યવસ્થા પણ કરાવી આપી.

શ્રીરામકૃષ્ણ તો હતા બાલબ્રહ્મચારી, યોગી, સંન્યાસી, સંસારથી તદ્દન અલિપ્ત એવા પરમપુરુષ. એમની સમીપ રહેવું કંઈ સહેલું નહોતું. એ માટે કેટલી પવિત્રતા અને આંતરશુદ્ધિ હોવાં જોઈએ! શારદામણિને પોતાની જાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. એમના નિર્મળ મનમાં વિકારની છાયા પણ ઊઠી શકે તેમ ન હતી. આથી તેમણે શ્રીરામકૃષ્ણના રૂમમાં સૂવાની વ્યવસ્થા સ્વીકારી લીધી. આ પણ હતું શારદામણિનું બીજું મહત્ત્વનું ક્રાંતિકારી પગલું, કે જેના દ્વારા સ્વયં જગદંબા એમનામાં આવિર્ભૂત થવાનાં હતાં. શારદામણિ આઠ મહિના શ્રીરામકૃષ્ણના ઓરડામાં એમના માટે રાખેલી નાની પાટ પર સૂતાં. તે વખતે ઘણાં લોકોએ માની લીધું કે ‘શ્રીરામકૃષ્ણે હવે સાંસારિક જીવનનો સ્વીકાર કરી લીધો લાગે છે.’ મનુષ્યનું સામાન્ય મન, એ કંઈ સિદ્ઘ યોગીની ગહન સાધનાને જાણી શકે ખરું? સહુએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું. પણ તે સમયે ભાગ્યે જ કોઈ જાણી શક્યું કે આ તો શ્રીરામકૃષ્ણની મહાન સાધના હતી. કામજયી યોગીની પોતાની જાત ઉપરની અગ્નિપરીક્ષા હતી. તો સામે પક્ષે શારદામણિની પણ અણીશુધ્ધ પવિત્રતાની કસોટી હતી. શ્રીરામકૃષ્ણે પોતે પણ શારદામણિના આંતરમનની કસોટી કરી હતી. એક વખત તેમણે તેમને અચાનક જ પૂછ્યું: ‘શું તમે મને સંસારના માર્ગે નીચે ખેંચી જવા માટે આવ્યા છો?’ ત્યારે તેમણે સહેજ પણ અચકાયા વગર તત્ક્ષણ જવાબ આપ્યો, ‘ના રે, હું તમને શા માટે સંસારના માર્ગે ખેંચી જાઉં! હું તો તમને ઈષ્ટમાર્ગે સહાય કરવા આવી છું.’ શારદામણિના આ સહજ ઉદ્‌ગારથી શ્રીરામકૃષ્ણને ખાતરી થઈ ગઈ કે જગન્માતાની દિવ્યયોજના અનુસાર શારદામણિ એમના કાર્યમાં સહાય કરવા માટે જ આવેલાં છે! જેમ જેમ એમની સાથે દિવસો વીતાવવા લાગ્યા, તેમ તેમ તેમને પ્રતીતિ થઈ ગઈ કે શારદામણિનું મન નિર્વિકાર ને સંપૂર્ણ શુદ્ઘ અને પવિત્ર છે. આ વિશે એમણે પોતે જ કહ્યું હતું કે ‘જો તેઓ આટલાં સંયમી ને પવિત્ર ન હોત અને તેમણે મને આકર્ષ્યો હોત તો હું કદાચ મારો સંયમ ગુમાવી બેઠો હોત.’ શ્રીરામકૃષ્ણની સાથે રહેવાથી જ શારદામણિની નિર્મળતા અને પવિત્રતા પ્રગટ થઈ શકી. શ્રીરામકૃષ્ણે પોતાના મનની પણ કસોટી કરી હતી: તેમણે એકરાત્રે પોતાની બાજુમાં સૂતેલાં શારદામણિને જોઈને પોતાના મનને કહ્યું: ‘રે મન, આનું નામ જ સ્ત્રીશરીર, દુનિયા આ શરીરને જ અત્યંત પ્રિય ગણે છે ને ભોગ કરવા માટે હંમેશાં આકર્ષાય છે. પરંતુ આમાં આસક્ત થવાથી જીવ દેહમાં જ બંધાઈ રહે છે, ને સચ્ચિદાનંદ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકતો નથી. હે મન, તને આ બધું જોઈએ છે કે ઈશ્વર જોઈએ છે? એ તું મને જરા ય કપટ વગર કહી દે, જો તને પહેલી વસ્તુ જોઈતી હોય તો એ અહીં જ પડી છે. સ્વીકાર કર.’ આમ શ્રીરામકૃષ્ણે પોતાના મનની પરીક્ષા કરી અને એના જવાબમાં મન ઊર્ધ્વમાં પહોંચીને સમાધિમાં એવું તો લીન થઈ ગયું કે આખી રાત સામાન્ય ભૂમિકા પર આવ્યું જ નહિ. બીજે દિવસે પણ ખૂબ ઈશ્વરનું નામ સંભળાવ્યા પછી ઘણા સમયે તેમને બાહ્ય ભાન આવ્યું! જગતમાં દૈવી દામ્પત્યનો આદર્શ સ્થાપનાર આ દિવ્યદંપતીએ સાથે રહીને પોતાનું આત્મપરીક્ષણ કરી સંપૂર્ણ શુદ્ધિની ખાતરી કરી લીધી હતી.

શારદાદેવીએ પણ શ્રીરામકૃષ્ણની કસોટી કરતાં એક વખત પગ દબાવતાં દબાવતાં પૂછી લીધું હતું: ‘ઠાકુર તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે પણ તત્ક્ષણ જવાબ આપતાં કહ્યું હતું કે, ‘જે મા મંદિરમાં બિરાજે છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે તે જ માતા અત્યારે નોબતખાનાની ઓરડીમાં વસે છે, તે જ માતા અત્યારે મારા પગ દબાવી રહી છે. ખરેખર હું તમને સાક્ષાત્‌ આનંદમયી જગદંબા માનું છું.’

શ્રીરામકૃષ્ણના આ ઉત્તરથી શારદામણિને ખાતરી થઈ ગઈ કે શ્રીરામકૃષ્ણને એમની સાથે કોઈ સ્થૂલ સંબંધ છે જ નહિ. જે સંબંધ છે, તે શરીરની ભૂમિકાથી ક્યાંય ઊંચે રહેલો આત્માનો સંબંધ છે! જે સંબંધ નિતાંત શુદ્ધ અને પવિત્ર છે. જે પ્રેમ અને આનંદથી પરિપૂર્ણ છે. જેમાં વિયોગ નથી, અતૃપ્તિ નથી, દુ:ખ કે વિષાદ નથી. જેમાં કંઈ મેળવાની ઝંખના નથી કે નથી કોઈ સ્વામીત્વની ભાવના. પણ આત્માની ભૂમિકા પરનો આ દૈવી સંબંધ સદાય આનંદમય છે, સહજ છે, સદાકાળ છે અને નિત્યનૂતન છે. આવા દૈવી દામ્પત્યના સર્વોચ્ચ આદર્શનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીમા શારદાદેવી શ્રીરામકૃષ્ણદેવની સાથે રહ્યાં, એથી જ જગતને પ્રાપ્ત થયું. ભલે જગતની દૃષ્ટિએ શારદામણિ શ્રીરામકૃષ્ણદેવનાં સહધર્મચારિણી હતાં, પણ ખરેખર તો બંને વચ્ચે કોઈ માનવીય સંબંધ હતો જ ક્યાં? એ તો હતો પરમાત્માના સીધા ચૈતન્યનો પુરુષ અને પ્રકૃતિ રૂપે સીધો આવિર્ભાવ. એ તો હતું નવા યુગધર્મની સ્થાપના માટે શિવ અને શક્તિનું, એક જ સ્વરૂપનું બે જુદા જુદા દેહોમાં પ્રાગટ્ય. દુ:ખમાં ડૂબેલા મનુષ્યોને ભગવદભિમુખ કરવાના દૈવીકાર્ય માટે અસંખ્ય આત્માઓની જરૂર હતી, એ માટે એકલા શ્રીરામકૃષ્ણ પર્યાપ્ત નહોતા, એટલે જ દિવ્યપરિવારની સ્થાપના માટે જગન્માતાની માતૃશક્તિ શારદામણિ સ્વરૂપે પ્રગટ થઈ અને હવે તે માતૃશક્તિ શ્રીરામકૃષ્ણના દૈવીકાર્યમાં સહાય કરવા આવી પહોંચતાં શ્રીરામકૃષ્ણના અવતારના કાર્યનો આરંભ થયો.

શ્રીરામકૃષ્ણને પોતાની સાથે રહેતાં શારદામણિના ઉચ્ચભાવોની સંપૂર્ણ પ્રતીતિ થવા લાગી. શારદામણિ એમની સાથે રહેવા આવ્યાં, તેને લગભગ અઢી મહિના થયા હશે. તેઓ તેમનાં પ્રેમ, ભક્તિ, સેવા, સ્વાપર્ણ, ત્યાગ અને સહનશીલતાથી ખૂબ પ્રસન્ન હતા. પોતાની સાથેના આ સમય દરમિયાનના વ્યવહાર દ્વારા તેમણે જાણી લીધું કે શારદામણિ નિતાંત પવિત્ર અને શુદ્ધ છે, એમનું ચિત્ત નિર્મલ છે. હૃદય સ્ફટિક જેવું સ્વચ્છ છે એમની ચેતનાની સપાટી એટલી ઊંચી છે કે દુન્યવી ભોગવાસના તેમને સ્પર્શી શકે તેમ નથી. આથી તેમણે ફલહારિણી અમાસના દિવસે ત્રિપુરાસુંદરીની પૂજા માટે એમને સાંજે પોતાના ઓરડામાં આવી જવા કહ્યું હતું.

આ ત્રિપુરાસુંદરીની પૂજાને ષોડશીપૂજા પણ કહેવામાં આવે છે. તેમાં શ્રીવિદ્યા કે ત્રિપુરાસુંદરીની વિધિવત્‌ પૂજા કરવાની હોય છે. શાસ્ત્રોમાં મા ભગવતીના આ સ્વરૂપને સર્વસૌંદર્યમયી અને અખિલ જગતની કલ્યાણધાત્રીના રૂપમાં વર્ણવવામાં આવેલું છે. સમગ્ર વિશ્વના જીવોનું કલ્યાણ કરનારી આ મહામાયાનું ત્રિપુરાસુંદરી રૂપે તંત્રોમાં વર્ણન કરવામાં આવેલું છે. શ્રીરામકૃષ્ણને દશ મહાવિદ્યાઓમાં જગદંબાના આ જ કલ્યાણમયી સ્વરૂપની પૂજા કરવાની ઇચ્છા જાગી. આ કલ્યાણમયી જગદંબાનું પૂજન કેવી રીતે કરવાનું છે, તે તો તેઓ એકલા જ જાણતા હતા.

ફલહારિણી અમાસના દિવસે મંદિરના દિનુ પૂજારી અને ભાણેજ હૃદયની મદદથી તેમણે તંત્ર પ્રમાણે પૂજાવિધિની બધી જ વ્યવસ્થા કરી લીધી. આ બધી વ્યવસ્થા કરતાં રાતના નવ વાગી ગયા હતા. કાલીમંદિરમાં પણ પૂજન હોવાથી પૂજારી અને હૃદય ત્યાં ગયા. થોડીવારે શારદામણિ પણ શ્રીરામકૃષ્ણના પૂજનમાં જોડાવા આવી ગયાં. એ પછી શ્રીરામકૃષ્ણે પોતાના ઓરડાનું બારણું બંધ કર્યું અને પૂજાના મંત્રો બોલવા શરૂ કર્યા. પણ શારદામણિ વિચારી રહ્યાં કે હજુ દેવીપ્રતિમા તો આવી નથી. દેવીનું આસન ખાલી છે, કદાચ હવે હૃદય પ્રતિમા લઈને આવશે, તેવું તેઓ વિચારી રહ્યાં. પણ જેમ જેમ મંત્રોચ્ચાર થવા લાગ્યો, તેમ તેમ તેમનું બાહ્યભાન લુપ્ત થવા માંડ્યું. તેઓ સમાધિમાં સરી પડ્યાં. એ દશામાં શ્રીરામકૃષ્ણે એમને ઈશારો કરી દેવીના આસન પર બેસી જવા કહ્યું. તેઓ ત્રિપુરાસુંદરી – જગન્માતાના આસન પર બેસી ગયાં, ત્યારે તેમને બાહ્યભાન તો બિલકુલ હતું જ નહિ. ત્રિપુરાસુંદરીના આસન પર બિરાજેલાં શારદાદેવીની શ્રીરામકૃષ્ણે પૂજા કરી! કેવી રીતે શ્રીરામકૃષ્ણે આ પૂજા કરી હતી? તે વિશે પાછળથી ભક્તોએ પૂછતાં શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું: ‘તે વખતે મને બાહ્યભાન બહુ જ ઓછું હતું. પણ પૂજા કરતાં પહેલાં ઠાકુરે મારા પગે અલતો અને કપાળે ચંદન લગાડ્યાં હતાં. પછી નવું વસ્ત્ર ઓઢાડ્યું ને મારા મુખમાં મિઠાઈ અને પાન મૂક્યાં હતાં.’ એ પછી શ્રીરામકૃષ્ણે એમની તંત્રોક્ત પૂજા કરી. બહાર કાલીમંદિરમાં પણ પૂજન ચાલી રહ્યું હતું, બધા તેમાં રોકાયેલા હતા, એટલે શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં ચાલી રહેલી મહાન દિવ્યઘટના વિશે કોઈ જાણી શક્યું નહિ! એ દિવ્યઘટના હતી, કલ્યાણદાત્રી જગદંબાનો માનવદેહમાં આવિર્ભાવ! શ્રીરામકૃષ્ણે મંત્ર દ્વારા શારદામણિના સર્વ અંગોમાં ન્યાસ કર્યો અને તેમના દેહમાં ભગવતી ત્રિપુરાસુંદરીનું આહ્‌વાન કર્યું. પછી મંત્રો વડે પૂજા કરી, મહામાયાને પ્રાર્થના કરી:

‘હે બાલિકા, હે સર્વશક્તિની અધીશ્વરી માતા, ત્રિપુરાસુંદરી, સિદ્ઘિના દ્વાર ખોલી દો. એમના તનને અને મનને પવિત્ર કરી, એમનામાં આવિર્ભૂત થઈ સર્વ પ્રકારે કલ્યાણ કરો.’ પછી એમની ષોડશીપૂજા કરી એમને નૈવેદ્ય ધરાવ્યું અને તેમાંથી થોડું શારદામણિના મુખમાં મૂક્યું. આ સમગ્ર વિધિ દરમિયાન શારદામણિ તો સમાધિની સ્થિતિમાં હતાં, આથી શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર ન પડી. પછી તો મંત્રોચ્ચાર કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ પણ ધીમે ધીમે દેહભાવથી પર થઈને ઊંડી સમાધિમાં લીન થઈ ગયા. હવે ન રહ્યા પૂજા કરનાર પૂજારી કે ન રહ્યાં પૂજા સ્વીકારનાર દેવી. બંને આત્મભાવમાં એક થઈ ગયાં. પરબ્રહ્મ અને તેની શક્તિ એક થઈ ગયાં. આરાધક અને આરાધ્યનો ભેદ ભૂંસાઈ ગયો. આ અપૂર્વ સમાધિમાં બંનેનો એક પહોર વીતી ગયો. પછી ધીમે ધીમે શ્રીરામકૃષ્ણનું બાહ્યભાન જાગૃત થયું. તેમણે ફરી વિધિવત્‌ મંત્રોચ્ચાર કર્યો. હવે શ્રી શારદામણિમાં મા જગદંબા ઊતરી આવ્યાં હતાં. પણ તેમના ભૌતિક મનને આ કશાની જાણ નહોતી. તેઓ તો હજુ ય સમાધિમાં મગ્ન હતાં. શ્રીરામકૃષ્ણે એમને પ્રણામ કર્યાં. પછી પૂજાવિધિની સમાપ્તિનો આરંભ કર્યો. તેમણે જગદંબાની નારાયણી સ્તુતિ કરી. આ સમાપ્તિવિધિમાં એમણે પોતાની જાતને, જીવનભરની સાધનાના ફળને, સર્વસિદ્ધિઓને, અરે, પોતાની જપમાળા સુધ્ધાંને જગદંબારૂપ શારદામણિના ચરણોમાં સમર્પી દીધી! ઊંડી ધ્યાનાવસ્થામાં લીન રહેલાં શારદામણિએ શ્રીરામકૃષ્ણની સાધનાના ફળને ગ્રહણ કર્યું અને હવે તેઓ શ્રીરામકૃષ્ણના સહધર્મચારિણી જ માત્ર નહિ પણ તેમની સમગ્ર સાધનાની સિદ્ધિઓના પણ અધિકારી બની ગયાં. એમનામાં જગદંબાનો આવિર્ભાવ થતાં તેઓ સર્વ જીવોનાં માતા બની ગયાં. સમાધિમાંથી જાગ્યા બાદ શ્રીરામકૃષ્ણને પ્રણામ કરી તેઓ પોતાની નોબતખાનાની ઓરડીમાં ચાલ્યાં ગયાં. ત્યારે તો આ યુગપરિવર્તનકારી દિવ્યઘટનાની જાણ તેમના બાહ્યમનને પણ ન થઈ, પરંતુ વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસની એ અભૂતપૂર્વ ઘટના હતી. શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીનું યુગપવિર્તનના કાર્ય માટેનું આ મહાન પગલું હતું. જેમાં કલ્યાણદાતા માતૃશક્તિના માનવદેહમાં પ્રાગટ્ય દ્વારા દુ:ખથી ત્રસ્ત માનવજાતને માટે દિવ્યતાનો, ભગવત્પ્રાપ્તિનો સીધો માર્ગ કંડારવાનો હતો!

(ક્રમશ:)

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.