શ્રીરામકૃષ્ણદેવની સેવામાં

‘બધાં તો મામાને બાબા કહે છે, શું તમે પણ તેમને બાબા કહી શકશો?’ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે એક દિવસ તેની મામી શારદામણિને પૂછ્યું.

‘હૃદય, તું એ શું કહે છે? મારા માટે તો તેઓ બાબા, મા, ભાઈ, મિત્ર બધું જ છે.’ મામીના મુખેથી આ જવાબ સાંભળીને હૃદય તો સ્તબ્ધ બની ગયો. પોતાના પતિને પિતા, માતા, ભાઈ, મિત્ર બધું જ માનનાર આ મામીને શું કહેવું એ તેને સૂઝ્યું નહિ. પણ શારદામણિ માટે ખરેખર આ સાચું હતું. એટલે જ તેઓ આ કહી શક્યાં. તેઓ શ્રીરામકૃષ્ણદેવ સાથે આત્માના સંબંધથી જ જોડાયેલાં હતાં. સઘળા દેહભાવથી પર, મનોમય ભૂમિકાથી ક્યાંય ઊંચે, આત્માના વિશાળ સામ્રાજ્યમાં તેઓ શ્રીરામકૃષ્ણ સાથે તદ્રૂપ હતાં. પ્રારંભમાં શ્રીરામકૃષ્ણની સેવા કરનાર પરિચારિકા રૂપ હતાં, પછી તેમની કાર્યશક્તિ સ્વરૂપ હતાં અને શારદામણિદેવીએ પોતે જ એક વખત ભક્તોને કહ્યું હતું, ‘આની અંદર સૂક્ષ્મશરીરે તેઓ જ વિદ્યમાન છે.’ અને શ્રીરામકૃષ્ણે પણ એમને કહ્યું હતું: ‘હું તમારી અંદર સૂક્ષ્મ સ્વરૂપે રહીશ.’ આમ શારદામણિ પોતે જ પછીથી શ્રીરામકૃષ્ણરૂપ જ બની ગયાં હતાં.

પરંતુ તેઓ જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની સાથે હતાં, ત્યારે કદી પણ આગળ ન આવ્યાં. નેપથ્યમાં રહીને તેમની સેવા-સાધના સતત ચાલતી હતી. તે સમયે હજુ તેઓ દક્ષિણેશ્વરમાં સ્થાયી થયાં ન હતાં. જયરામવાટીથી આવજા કરતાં. એ રીતે એક વખત તેઓ પોતાનાં માતા શ્યામાસુંદરી સાથે દક્ષિણેશ્વર આવ્યાં. હજુ તો તેમણે દક્ષિણેશ્વરમાં પગ જ મૂક્યો હતો. રામકૃષ્ણદેવને મળ્યાં પણ ન હતાં, ત્યાં રસ્તામાં જ તેમને હૃદયની મુલાકાત થઈ. મામીને જોઈને હદયને થયું કે હવે મામા રામકૃષ્ણદેવ પરનું એનું વર્ચસ્વ જતું રહેશે. એટલે તેણે એ બંનેનું ભારે અપમાન કરી કહ્યું: ‘અહીં તમે શા માટે આવ્યાં છો? જતાં રહો, અહીંથી.’ આવા અપમાનજનક શબ્દોથી શ્યામાસુંદરીને ઘણો જ આઘાત લાગ્યો. તેમને થયું કે જમાઈ બાબુ તો પાગલ જેવા છે તો મારી શારદાનું અહીં કોણ ધ્યાન રાખશે? તેને તો રોજ અહીં આવા અપમાનજનક શબ્દો સાંભળવા પડશે. એટલે તેઓ પોતાની પુત્રીને લઈને જયરામવાટી ચાલ્યાં ગયાં.

શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન પણ ન કરી શકાયાં. એમ ને એમ જ પાછાં જવું પડ્યું, એનું શારદામણિને ભારે દુ:ખ થયું. તેમણે મનોમન મા કાલીને પ્રાર્થના કરી: ‘હે મા, હવે તો તું જ્યારે બોલાવીશ ત્યારે જ પાછી આવીશ.’ પછી શ્રીરામકૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે હૃદયને ઠપકો આપતાં કહ્યું: ‘અરેરે, હૃદુ, તું આની (પોતાનું શરીર બતાવીને) સાથે તુચ્છાકારથી વાતો કરે છે, પણ આમની (શ્રીમા) સાથે નહિ કરતો આની અંદર જે છે તે ફણા ઊંચી કરશે, તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તને બચાવી શકશે નહિ.’ આમ શારદામણિની શક્તિ કેટલી પ્રચંડ છે, એની જાણ શ્રીરામકૃષ્ણે હૃદયને કરી દીધી. પણ હૃદય તો એમને સામાન્ય ગ્રામ્ય નારી જ માનતો હતો. આથી શ્રીરામકૃષ્ણની ચેતવણીને ગણકાર્યા વગર તેનો શારદામણિદેવી પ્રત્યેનો વિરોધભાવ ચાલુ જ રહ્યો. એના પરિણામે એવા સંજોગો ઊભા થયા કે ટ્રસ્ટીઓએ તેને મંદિરમાંથી કાઢી મૂક્યો. આમ ભલે શારદામણિ નેપથ્યમાં રહેતાં, પણ પછીથી શ્રીરામકૃષ્ણે એમની આંતરિક શક્તિની ઓળખાણ ભક્તોને સમયે સમયે કરાવતા રહ્યા.

એક વખત શ્રીરામકૃષ્ણે એક સ્ત્રીભક્ત ગોલાપ માને કહ્યું: ‘એ છે શારદા – સરસ્વતી, જ્ઞાન આપવા માટે આવેલાં છે. પણ આ વખતે તેઓ પોતાનું રૂપ ઢાંકીને આવેલાં છે. જેથી અશુદ્ધ દૃષ્ટિએ જોવાથી માણસોનું અકલ્યાણ ન થાય.’ પરંતુ શારદામણિનો વ્યવહાર એટલો સરળ અને સીધોસાદો હતો કે તેમના દૈવીસ્વરૂપને ભાગ્યે જ કોઈ જાણી શકતું.

શારદામણિ હવે જયરામવાટીમાં જ હતાં. એમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હવે શ્રીરામકૃષ્ણ સામેથી બોલાવે નહિ ત્યાં સુધી દક્ષિણેશ્વર જવું જ નહિ. પણ અંતરથી મા કાલીને પ્રાર્થના કરતાં રહેતાં કે એમને શ્રીરામકૃષ્ણદેવના સાંનિધ્યમાં રહેવા મળે. મા કાલીએ પ્રાર્થના સાંભળી. દક્ષિણેશ્વરથી રામકૃષ્ણે સમાચાર મોકલાવ્યા, ‘મંદિરમાં પૂજારી બન્યા પછી રામલાલ મારી દેખભાળ કરી શકતો નથી. મને તકલીફ પડે છે. એટલે હવે તમે જરૂર આવી  જજો.’ એમને લાગ્યું કે આ તો એમની પ્રાર્થનાનો સીધો પ્રત્યુત્તર જ માએ આપ્યો છે. તેઓ તરત જ દક્ષિણેશ્વર પહોંચી ગયાં. એ પછી શ્રીરામકૃષ્ણના દેહવિલય સુધી તેઓ ક્યારેય લાંબો સમય બહાર ગયાં ન હતાં. બેચાર વખત ટૂંકા સમય માટે જવું પડ્યું હતું, એ પણ શ્રીરામકૃષ્ણના કહેવાથી જ ગયાં હતાં. પછીના પંદર વર્ષ સુધી એમણે નેપથ્યમાં રહીને શ્રીરામકૃષ્ણદેવની જે રીતે સેવા-સુશ્રૂષા કરી છે, તે આ યુગમાં અજોડ છે. સદાય આત્મસ્વરૂપમાં વસતા, સઘળા બંધનોથી મુક્ત, સંસારથી વિરક્ત એવા પરમહંસની સેવા કરવી, એના દેહની કાળજી રાખવી, એ કંઈ સહેલું ન હતું. વળી કાલીમંદિરના પરિસરમાં રહેવાં છતાં ક્યારેક તો મહિનાઓ સુધી પ્રત્યક્ષ દર્શનથી પણ વંચિત રહેતાં. કોઈપણ જાતની ફરિયાદ વગર વરસો સુધી એકધારી સેવા કરવી એ જ શારદામણિને માટે મોટામાં મોટું તપ હતું.

ધીમે ધીમે શ્રીરામકૃષ્ણદેવ પાસે આવનારા ભક્તોની સંખ્યા વધવા લાગી અને શારદામણિનું કામ પણ વધતું ગયું. શ્રીરામકૃષ્ણ પાસે આવેલા ભક્તોને તેઓ જમાડ્યા વગર પાછા જવા દેતા નહિ. આથી શારદામણિદેવીને રાતદિવસ રસોઈ કરવી પડતી. આ અંગે તેમણે ભક્તોને પાછળથી કહ્યું હતું: ‘રામદત્ત સાથે ઝઘડો કરીને લાટુ પણ ત્યાં આવીને રહ્યો હતો. ઠાકુરે એમને બતાવીને કહ્યું: ‘આ છોકરો સારો છે’ તમને લોટ બાંધી આપશે.’ પણ રસોઈનું કામ અવિરત ચાલ્યા કરતું. રામદત્ત આવ્યો ને ગાડીમાંથી ઊતરતાં જ કહ્યું: આજે તો હું ચણાની દાળ અને રોટલી ખાઈશ – એ સાંભળીને હું તરત જ રસોઈ શરૂ કરતી. ત્રણ-ચાર શેર લોટની રોટલી થતી. રાખાલ પણ ઠાકુર સાથે રહેતો. તેના માટે ઘણી વાર ખીચડી રાંધવી પડતી. આમ નોબતખાનાની એ ઓરડી તો જાણે ઠાકુરનું રસોઈઘર બની ગયું. અન્નપૂર્ણા સમાં માતા શારદામણિના હાથે તૈયાર થયેલું ભોજન ભક્ત-શિષ્યોને અમૃતતુલ્ય લાગતું. મા, બધાંને ખૂબ પ્રેમપૂર્વક જમાડતાં. મા સાથેનો ભક્તોનો આત્મીય સંબંધ ઉત્તરોત્તર વધુ ને વધુ ગાઢ બનવા લાગ્યો. આમ શારદામણિનું દક્ષિણેશ્વરમાં કાયમી રહેવું, એને ભાવિ રામકૃષ્ણ સંઘનું પ્રથમચરણ ગણાવી શકાય.

હવે શ્રીરામકૃષ્ણને પોતાના શરીરની સંભાળ રાખવાની ચિંતામાંથી પણ મુક્તિ મળી ગઈ. તેમનું શરીર ખૂબ જ કોમળ હતું. તેમની પાચનશક્તિ ઘણી જ નબળી હતી. તેમનું મન એટલું ઉચ્ચભાવમાં રહેતું કે તેમને ખાવાપીવાનું કે શરીરની કોઈ જરૂરિયાતનું ભાન ન રહેતું. શારદામણિ દક્ષિણેશ્વરમાં આવ્યાં અને તેમણે શ્રીરામકૃષ્ણના ભોજનની સઘળી જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી. તેઓ શ્રીરામકૃષ્ણને માફક આવે તેવું જ ભોજન બનાવતાં. જાતજાતના સૂપ અને શાકભાજી બનાવતાં. નાનાં બાળકને જેમ મા સમજાવી પટાવીને ખવડાવે, તે રીતે તેઓ શ્રીરામકૃષ્ણને જમાડતાં. શ્રીરામકૃષ્ણનું મન જમતી વખતે સમાધિમાં ન ચાલ્યું જાય તે માટે જાત જાતની વાતો કરી એમના મનને નીચે રોકી રાખતાં કે જેથી તેઓ ભાવજગતથી દૂર રહીને શાંતિથી જમી શકે. પોતાની થાળીમાં ઘણો બધો ભાત જોઈને શ્રીરામકૃષ્ણ ગભરાઈ જતા અને બોલી ઊઠતા, ‘આટલો બધો તે કંઈ ખાઈ શકાય? આટલો બધો ભાત ખાવાથી તો પેટમાં દુખે જ ને?’ આથી શારદામણિદેવી યુક્તિ વાપરીને, તેમને ખબર પણ ન પડે તે રીતે, ભાતને ખૂબ દબાવી દબાવીને, બે ચાર કોળિયા જેટલો બનાવીને થાળીમાં પીરસતાં અને બાળક જેવા શ્રીરામકૃષ્ણ ભાત ઓછો છે, એમ માનીને ખાઈ લેતા. એવું જ દૂધની બાબતમાં પણ થતું. તે સમયે રામકૃષ્ણ બહુ જમતા નહિ, આથી શારદામણિ તેમને શરૂઆતમાં બે-ત્રણ શેર દૂધ આપતાં અને પછી પાંચ-છ શેર. દૂધવાળાને આ ખબર પડી એટલે તે વધારાનું બધું જ દૂધ માના વાસણમાં ઠાલવી દેતાં કહેતો: ‘મા, જો વધેલું દૂધ મંદિરમાં આપીશ, તો પૂજારીઅ ઘેર લઈ જશે. તેના કરતાં અહીં ઠાકુર તો પીશે.’

મા, બધું દૂધ લઈ લેતાં અને પછી તેને ઉકાળી ઉકાળીને એક લોટામાં ભરાય તેટલું બનાવીને પછી શ્રીરામકૃષ્ણને આપતાં બાલસ્વભાવના શ્રીરામકૃષ્ણ એ દૂધ પી પણ જતાં. પરંતુ એક દિવસ તેમણે માને પૂછ્યું: ‘આ દૂધ કેટલું છે?’ માએ કહ્યું: ‘હવે, શેર-દોઢશેર જેટલું.’ તેમણે કહ્યું: ‘પણ કેટલું ઘાટું છે, ને મલાઈ પણ કેટલી બધી છે?’ ‘તો સારુંને, તમને શક્તિ આવશે. પી જાઓ’ જાણે હઠીલા બાળકને દૂધ પીવડાવતી હેતાળ માતા! આ રીતે મા શ્રીરામકૃષ્ણને વધારે દૂધ પીવડાવી દેતાં, અને તે એમને પચી પણ જતું.

તેમાં એકદિવસ એવું બન્યું કે શ્રીરામકૃષ્ણના સ્ત્રીભક્ત ગુલાબ મા ત્યાં આવ્યાં, ત્યારે શ્રીરામકૃષ્ણે એમને પૂછ્યું: ‘ગુલાબ, આ દૂધ કેટલું?’ ‘હશે કોઈ ચાર-પાંચ શેર’. આ સાંભળીને શ્રીરામકૃષ્ણ ચોંકી ગયા. શારદામણિ તરફ જોઈને તેણે કહ્યું: ‘હેં… આટલું બધું દૂધ? તો તો પછી અપચો થાય જ ને?’

આ સાંભળીને શારદામણિ તુરત જ બોલી ઊઠ્યાં: ‘ગુલાબને તે વળી માપની શું ખબર પડે? આ લોટામાં કેટલું દૂધ સમાય તે ગુલાબ શું જાણે?’ શારદામણિની આવી સ્પષ્ટ વાત સાંભળીને રામકૃષ્ણ ત્યારે તો ચૂપચાપ દૂધ પી ગયા. અને થોડાદિવસ આ રીતે દૂધ પીવાનું ચાલ્યું. પણ ફરી એક દિવસ એમના મનમાં દૂધનું સાચું માપ જાણવાની ઇચ્છા જાગી. તેમણે ગુલાબ માને પાછું પૂછ્યું: ‘આ લોટામાં કેટલું દૂધ સમાય?’ ‘એક વાટકો અહીંનો અને એક વાટકો કાલીમંદિરનો.’ ગુલાબ માએ સ્પષ્ટ કહી દીધું. આ સાંભળીને રામકૃષ્ણ બોલી ઊઠ્યા… હેં, આટલું બધું દૂધ? કેમ કે કાલીમંદિરના વાટકાનું માપ ઘણું જ મોટું હતું. એટલે શ્રીરામકૃષ્ણ ફરી બોલ્યા, ‘આટલુંબધું દૂધ પીઉં તો પછી મને અપચો થાય જ ને! જાઓ, તેમને બોલાવી લાવો.’

ગુલાબ મા, માને બોલાવી લાવ્યાં એટલે શ્રીરામકૃષ્ણે પૂછ્યું: ‘આ એક વાટકામાં કેટલું દૂધ સમાય?’ જુઓ મને શેર.. સવા શેર વિશે કંઈ ખબર નથી. તમે દૂધ પીઓ. કેટલા છટાંકનો લોટો, અને કેટલાંક છટાંકનો વાટકો એ બધું શા માટે? આટલો હિસાબ તે કોણ કરે?’ અને માએ રામકૃષ્ણને દૂધના માપ વિશે કહ્યું જ નહિ. પણ હવે તેઓ જાણી ગયા કે તેમને ખૂબ કઢેલું દૂધ આપવામાં આવે છે. એટલે તેમણે કહ્યું: ‘આટલું બધું દૂધ તે કંઈ પચાવી શકાય?’ અત્યાર સુધી શારદામણિ તેમને જેટલું દૂધ આપતાં હતાં, તે બધું તેઓ પી જતા હતા અને પચી પણ જતું હતું પરું તે રાત્રે તેમણે અપચો થયો. બીજે દિવસે માએ ગુલાબને કહ્યું: ‘આપણે ખવડાવવા માટે જૂઠ્ઠું બોલીએ ત્યારે કોઈ જ દોષ નથી, હું તો આમ જ સમજાવી પટાવીને તેમને ખવડાવું છું. ‘અરેરે, મા મને આવી શી ખબર કે તમે ઠાકુરને આવી રીતે જમાડતાં હશો, મેં તો તેમનું જમવાનું બગાડ્યું. તેમને પછી ખૂબ પસ્તાવો થયો. પરંતુ શ્રીરામકૃષ્ણની બાળકની જેમ સંભાળ રાખનાર માની પ્રેમદૃષ્ટિનો પણ એમને અનુભવ થયો અને પ્રેમપૂર્વક ખવડાવવામાં જૂઠું બોલવું પડે તો તે અસત્ય બનતું નથી, એ મહાન પાઠ પણ એમને મા પાસેથી શીખવા મળ્યો.

તે સમયે શ્રીરામકૃષ્ણને પેટમાં દુ:ખાવો રહેતો હતો. આ માટે કલકત્તાથી ગંગાપ્રસાદ સેન વૈદ્યને બોલાવ્યા હતા. વૈદ્યરાજે તપાસીને કહ્યું: ‘જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી શ્રીરામકૃષ્ણને બિલકુલપાણી આપવું નહિ.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ બાળસહજ ભાવે બધાંને પૂછ્યા કરતાં કે ‘હે ભાઈ, શું પાણી પીધા વગર રહી શકાય?’ ત્યારે તેમને જવાબ મળતો કે, ‘ના રે, પાણી પીધા વગર કેવી રીતે રહી શકાય?’ આથી તેમણે માની લીધું કે તેઓ પાણી પીધા વગર રહી શકશે નહિ. પણ પછી તેમણે આ જ પ્રશ્ન માને પૂછ્યો, ત્યારે તેમણે કહ્યું: ‘કેમ ન રહી શકાય? ચોક્કસ રહી શકાય.’

‘તો પછી તમારે મને દાડમના દાણા પણ લૂછી લૂછીને આપવા પડશે. તે શું તમે કરી શકશો?’ તેમણે માને પૂછ્યું. ‘મા કાલી જેમ કરાવશે તેમ થશે, હું મારાથી બનતું બધું જ કરીશ.’ માના આવા જવાબથી રામકૃષ્ણે દૃઢનિશ્ચય કર્યો અને પાણી પીવાનું છોડી દઈને વૈદ્યની દવા લેવા માંડ્યા. દવા, પથ્ય અને માની કાળજીભરી સંભાળને લઈને તેઓ ઝડપથી સાજા થઈ ગયા. શ્રીરામકૃષ્ણનું શિશુસહજ વર્તન હતું, તેથી તેમની સંભાળ કેવી રીતે લેવી એ મા જ જાણતાં હતાં. ક્યારેક સમજાવીને, ક્યારેક પ્રેમથી, ક્યારેક દૃઢતાથી, તેઓ તેમને ખવડાવતાં. પથ્ય આપતાં. દવા આપતાં. આથી માના આગમન પછી શ્રીરામકૃષ્ણની તબિયત ઘણી જ સારી થઈ ગઈ. તેમનું શરીર પણ સારું થઈ ગયું. આ વિશે તેમણે એક દિવસ માને કહ્યું પણ ખરું; ‘જુઓ તમારી રસોઈ જમી જમીને મારી તબિયત કેવી સારી થઈ ગઈ છે!’

પરંતુ જ્યારે મા માસિકધર્મમાં હોય ત્યારે તેઓ ત્રણ દિવસ રસોઈ કરતાં નહિ.એ દિવસોમાં કાલીમંદિરમાંથી પ્રસાદ આવતો તે રામકૃષ્ણ જમતા. પણ હવે તેમને એ ખોરાક માફક આવતો નહિ. આ ખાવાથી તેમની તબિયત બગડી જતી. આથી એક દિવસ જ્યારે માએ રસોઈ નહોતી કરી ત્યારે તેમણે માને કહ્યું: ‘તમે જ મને ભોજન બનાવી આપો.’ ‘પણ આ દિવસોમાં રસોઈ ન થાય’, માએ કહ્યું. ‘તમે મારા માટે રાંધશો, એમાં કોઈ દોષ નહિ લાગે. કહો જોઈએ તમારા શરીરની કઈ વસ્તુ અપવિત્ર છે? ચામડી, રક્ત, માંસ, મજ્જા, હાડકાં? મન જ શુચિ અને અશુચિ ધરાવે છે. બહાર અશુચિ જેવું કંઈ નથી.’ રામકૃષ્ણે માને સમજાવતાં કહ્યું.

શારદામણિ તો ગામડા ગામમાં ઉછરેલા હતાં. તેમનો ચૂસ્ત બ્રાહ્મણ પરિવાર હતો. ઘરમાં નિત્યપૂજા પાઠ થતાં. આથી નાનપણથી જ માસિકધર્મમાં હોય ત્યારે સ્ત્રીઓ અસ્પૃશ્ય ગણાય એ ખ્યાલ મનમાં દૃઢ હતો. એ અપવિત્ર દિવસોમાં કોઈ પણ પવિત્ર કામ થઈ શકે નહિ એવી તેમની દૃઢ માન્યતા હતી. પણ જ્યારે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું કે શરીરમાં કશું જ અપવિત્ર નથી. પવિત્રતા આંતરિક છે, બાહ્ય નથી. ત્યારે બાળપણથી દૃઢ થયેલા આ સંસ્કારોને તેમણે ક્ષણમાં જ ફગાવી દીધા! અને તેઓ રામકૃષ્ણ માટે રસોઈ બનાવવા બેસી ગયાં! કાલીમંદિરના પરિસરમાં તેઓ રહેતાં. ત્યાં બાહ્ય શુચિતાના ખ્યાલો કેટલા બધા દૃઢ હતા, છતાં એ વાતાવરણમાં તેમણે આ રૂઢિગત સંસ્કારને ત્યજી દીધો, એ પણ માનું એક મહત્ત્વનું ક્રાંતિકારી પગલું ગણાવી શકાય. કેમ કે એ સમયે માસિકધર્મવાળી સ્ત્રી જો અન્ય કોઈને ભૂલથી પણ અડી જાય તો પેલી વ્યક્તિને માથાબોળ સ્નાન કરવું પડતું, પછી જ એ સઘળાં કાર્યો કરવા યોગ્ય બની શકતી. એ સમયે માનું આ પગલું ખરેખર હિંદુનારીઓને પ્રેરણારૂપ હતું. સાચી પવિત્રતાના ખ્યાલને જ પ્રાધાન્ય આપનારું હતું.

મા શારદામણિ હંમેશાં રામકૃષ્ણદેવની આજ્ઞાનું પાલન કરતા. પણ એમ છતાં જો એમને એવું જણાય કે શ્રીરામકૃષ્ણની વાત યોગ્ય નથી, તો તેઓ પોતાના વર્તન દ્વારા સ્પષ્ટપણે જણાવી દેતાં, પછી શ્રીરામકૃષ્ણ પણ એમની વાત સ્વીકારી લેતા. રામકૃષ્ણદેવ, ભક્તોએ એમને ધરેલાં ફળો, મીઠાઈ વગેરે માને નોબતખાનામાં મોકલી દેતાં. મા તે બધું બાળકો, પડોશીઓ, ભક્તસ્ત્રીઓને વહેંચી દેતાં. પોતાના માટે કશું રાખતા નહિ. એકદિવસ રામકૃષ્ણે તેમને ઘણી મીઠાઈ મોકલાવી. તેમણે તે બધી બધાંને વહેંચી દીધી. તે સમયે રામકૃષ્ણના એક સ્ત્રીભક્ત ગોપાલની મા ત્યાં હાજર હતાં. તેમણે કહ્યું: ‘ઓ વહુમા, મારા ગોપાલ માટે તેં કંઈ ન રાખ્યું?’ તેઓ રામકૃષ્ણને ગોપાલ કહેતાં. આ સાંભળી મા શરમાઈ ગયાં. નીચું જોઈ ગયાં. તેમને મનમાં થયું કે હવે શું થશે? ત્યાં તો એક ઘોડાગાડી આવીને ઊભી રહી. તેમાંથી નવગોપાલનાં પત્ની ઊતર્યાં ને તેના હાથમાં હતી સંદેશ (બંગાળી મીઠાઈ) ભરેલી ટોપલી. તેણે માના હાથમાં એ ટોપલી મૂકી! ત્યારે માએ ગોપાલની માને કહ્યું: ‘જુઓ! તમારા ગોપાલ માટે મા કાલીએ સંદેશ મોકલાવ્યાં છે!’ માના આવા ઉદાર સ્વભાવની જ્યારે રામકૃષ્ણને ખબર પડી ત્યારે તેમણે એક દિવસ માને કહ્યું: ‘આટલો બધો છૂટો હાથ રાખશો તો કેવી રીતે પહોંચી વળશો?’ આ સાંભળીને મા ચૂપચાપ પોતાની ઓરડીમાં ચાલ્યા ગયાં. આ જોઈને રામકૃષ્ણ અસ્વસ્થ બની ગયા. તેમણે પોતાના ભત્રીજા રામલાલને કહ્યું: ‘અરે રામલાલ, જલદી જઈને તારાં કાકીને શાંત કરી આવ. એ જો ગુસ્સો કરશે તો આનું (પોતાનું શરીર બતાવીને) બધું જ કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે.’ એ પછી રામકૃષ્ણે ક્યારેય માના ઉદાર સ્વભાવ વિશે ટકોર કરી નહિ.’

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.