માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ.

શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના હોય, તેઓ જ સિદ્ધિઓ માગે.

‘જો કોઈ માણસ, મોટા માણસો પાસે કાંઈ માગી બેસે, તો પછી એનું માન રહે નહિ. પછી એવા માણસને મોટા માણસો પોતાની ગાડીમાં એક સાથે બેસવાય ન દે; અને જો કદાચ બેસવા દેતો પોતાની બાજુમાં બેસવા દે નહિ. એટલા માટે નિષ્કામ-ભક્તિ, અહેતુકી ભક્તિ બધા કરતાં સારી.

‘વારુ, સાકાર ને નિરાકાર બેય સાચાં, શું કહો છો? નિરાકારમાં મન બહુ વખત સુધી રાખી શકાય નહિ, એટલે ભક્તને માટે સાકાર.

‘કેપ્ટન મજાનું કહે છે, કે પંખી ખૂબ ઊંચે ઊડીને જ્યારે થાકી જાય, ત્યારે વળી પાછું ડાળે આવીને આરામ લે. નિરાકારની પછી સાકાર.

શ્રીરામકૃષ્ણ- હાં. અને હું જોઉં છું કે જાદુગર અને જાદુગરનો ખેલ. તેમાં જાદુગર જ ખરો. તેનો ખેલ બધો ખોટો, સ્વપ્ન જેવો.

‘જ્યારે ચંડીનું કીર્તન સાંભળતો હતો ત્યારે એ પ્રકારનો અનુભવ થયો હતો. એય હમણાં શુંભ નિશુંભનો જન્મ થયો! વળી જરાક વાર પછી સાંભળ્યું કે તેઓનો નાશ થઈ ગયો!

માસ્ટર – જી. હું ગંગાધરની સાથે જહાજમાં બેસીને કાલના ગામે જઈ રહ્યો હતો. જહાજનો ધક્કો લાગતાં એક નાવ, વીસ પચીસ માણસો સહિત ડૂબી ગયું! સ્ટીમરના તરંગના ફીણના પેઠે બધા જળમાં મળી ગયા!

વારુ, જે આ બધું જાદુગરના ખેલ જેવું જુએ તેનામાં શું દયા હોય? તેનામાં શું કર્તૃત્વ-ભાવના હોય? કર્તૃત્વ-ભાવના હોય તો જ દયા હોય ને?

શ્રીરામકૃષ્ણ- એ એકી સાથે જ બધુંય દેખે, ઈશ્વર, માયા, જીવ, જગત! એ દેખે કે માયા (વિદ્યા માયા, ને અવિદ્યા માયા), જીવ, જગત છે અને છતાં નથી. જ્યાં સુધી પોતાનું વ્યક્તિત્વ છે, ત્યાં સુધી માયા, જીવ, જગત પણ છે. જ્ઞાન-તલવાર વડે એ કાપ્યા પછી બીજું કાંઈ જ ન રહે. ત્યારે પોતાનું વ્યક્તિ-ભાન પણ જાદુગરની માયા જેવું લાગે.

મણિ વિચાર કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ બોલે છે, ‘એ શેના જેવું ખબર છે? જેમ કે પચીસ થરવાળી પાંખડીઓવાળું ફુલ એક ઝટકે કાપી નાખવું!’

‘કર્તૃત્વ? રામ! રામ! શુકદેવ, શંકરાચાર્ય, વગેરેએ વિદ્યાનો અહંકાર રહેવા દીધો હતો. દયા એ માણસની ભાવના નથી, એ છે ઈશ્વરની. વિદ્યાના અહંની અંદર જ દયા હોય. વિદ્યાનો ‘અહં’ ઈશ્વર જ થઈ રહેલ છે.

‘પરંતુ હજાર ‘માયા’, ‘માયા’ કરો, અને બધું માયાના ખેલ રૂપે જુઓ, તોય માયાની ‘અંડર’ (અધીન), તેમાંથી છૂટી શકાય નહિ! તમે સ્વતંત્ર નથી, ઈશ્વર જેમ કરાવે, તેમ જ કરવું પડે. એ જ આદ્યશક્તિ બ્રહ્મ-જ્ઞાન આપે ત્યારે જ બ્રહ્મ-જ્ઞાન થાય, ત્યારે જ જાદુગરનો ખેલ છે એવું દેખાય, નહિતર નહિ.

‘જ્યાં સુધી જરાતરા પણ હુંપણાની ભાવના રહી હોય, ત્યાં સુધી એ જ આદ્યશક્તિનો અધિકાર, તેની ‘અંડર’ જ (અધીન જ), તેને ઓળંગીને જવાય નહિ.

‘આદ્યશક્તિની સહાયથી જ અવતાર-લીલા. તેની શક્તિથી જ અવતાર. ત્યારે જ અવતાર કાર્ય કરી શકે, એ બધું ‘મા’ની શક્તિ.

‘કાલી-મંદિરનો અગાઉનો ખજાનચી કોઈ કાંઈ મોટી રકમ માગે તો કહેતો કે ‘બે ત્રણ દિવસ પછી આવજો. માલિકને પૂછી જોઈશ.’

‘કલિયુગને અંતે કલ્કિ-અવતાર થશે : બ્રાહ્મણનો છોકરો, એ કશું જાણતો નહિ હોય, અચાનક ઘોડો અને તલવાર પાસે આવશે.’

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ભાગ : ૨, પૃ. ૮૩-૮૪)

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.