સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઉભા થઈને સમાધિમગ્ન થયા. તરત ભક્તોએ ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી. ભવનાથ, રાખાલ ઠાકુરને પકડી રહ્યા છે, કદાચ પડી જાય. ઠાકુર ઉત્તરાભિમુખ. વિજય, કેદાર, રામ, માસ્ટર, મનમોહન, લાટુ વગેરે ભક્તો તેમને વીંટળાઈ ઉભા છે. જાણે કે સાક્ષાત ગૌરાંગ આવીને ભક્તો સાથે હરિનામ-મહોત્સવ કરી રહ્યા છે!

જરા જરા કરતાં સમાધિ ઉતરતી આવે છે. ઠાકુર સચ્ચિદાનંદ-કૃષ્ણની સાથે વાતો કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે ‘કૃષ્ણ’ એ શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા છે. વળી કયારેક કયારેક તો એ પણ બોલી શકતા નથી. બોલે છે, ‘‘કૃષ્ણ! કૃષ્ણ! કૃષ્ણ! કૃષ્ણ! સચ્ચિદાનંદ! કયાં, તમારું રૂપ આજકાલ દેખાતું નથી! હવે તમને અંતરમાં ને બહાર દેખું છું! જીવ, જગત, ચોવિસ તત્ત્વ, બધું જ તમે! મન, બુદ્ધિ, બધું જ તમે! ગુરુના પ્રણામ મંત્રમાં છે :

‘‘અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્‌ ।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરુવે નમ: ॥’’

તમે જ અખંડ, તમે જ વળી ચરાચર વ્યાપ્ત કરી રહેલ છો! તમે જ આધાર, તમે જ આધેય! પ્રાણ કૃષ્ણ! મન કૃષ્ણ! બુદ્ધિ કૃષ્ણ! આત્મા કૃષ્ણ! પ્રાણ, હે ગોવિંદ, મમ જીવન!’’

વિજયને ભાવનો આવેશ થઈ આવ્યો છે. ઠાકુર બોલે છે, ‘બાપુ, તમેય શું બેહોશ થયા છો? 

વિજય (નમ્ર્રતાથી) – જી, ના.

કીર્તનીઓ જ્યાં ગાય છે, ‘સદાય હૈયાં માંહે રાખત, અરે પ્રાણબંધુ રે! ત્યાં ઠાકુર વળી સમાધિ-મગ્ન! પાટો બાંધેલો હાથ ભવનાથની ખાંધે રહેલો છે! ઠાકુરને જરાક બાહ્ય ભાન આવતાં કીર્તનીયો વળી બોલે છે : ‘જેણે તમારા માટે બધું છોડયું છે તેને શું આટલું દુ:ખ?’

ઠાકુરે કીર્તનીયાને નમસ્કાર કર્યા; બેઠા બેઠા ગીત સાંભળી રહ્યા છે. વચ્ચે વચ્ચે ભાવ-મગ્ન. કીર્તનીયો અટકયો. ઠાકુર વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરે ભક્તોને)- પ્રેમ કોને કહે? ઈશ્વરમાં જેને પ્રેમ થાય, જેમકે ચૈતન્યદેવને, તેનાથી જગત તો વિસરાઈ જવાય, પણ પોતાનો દેહ કે જે આટલો પ્રિય, એ સુદ્ધાં વિસરાઈ જવાય! ઈશ્વરમાં પ્રેમ આવતાં શું થાય, એ ઠાકુર ગીત ગાઈને સમજાવે છે :

હરિ બોલતાં નયને ધારા વહ્યે જાવે, એ દિન કયારે આવે…

અંગે રોમાંચ થાયે, સંસાર વાસના જાયે;

દુર્દિન જાયે, સુદિન થાયે, કયારે હરિની દયા થાયે…

ઠાકુર ઉભા થઈ ગયા છે અને નૃત્ય કરી રહ્યા છે. ભક્તોય સાથે સાથે નાચી રહ્યા છે. ઠાકુર માસ્ટરનો હાથ ખેંચીને નૃત્ય કરતા ભક્ત-મંડળની અંદર તેને લઈ લે છે અને બોલે છે : ‘‘એય, નાચ શાલા!’’

નૃત્ય કરતાં કરતાં ઠાકુર વળી સમાધિમગ્ન! ચિત્રમાં આળેખેલની પેઠે ઉભેલા છે! કેદાર સમાધિ ઉતારવાને માટે સ્તુતિ કરે છે : ‘હૃદયકમલમધ્યે’ – વગેરે.

ધીરે ધીરે સમાધિ ભંગ થઈ. ઠાકુર પોતાના આસને બેઠા ને ઈશ્વરનું નામ લેવા લાગ્યા : ‘‘ૐ સચ્ચિદાનંદ! ગોવિંદ! ગોવિંદ! ગોવિંદ! યોગમાયા! ભાગવત-ભક્ત-ભગવાન!’’

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.