આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ.

જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો કરે છે. ભક્તો રસપૂર્વક તે સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (વિદ્યાનો પાઠ લેનારને)- તમારો અભિનય સરસ થયો છે. જો કોઈ ગાવા, બજાવવા, નાચવા કે બીજી કોઈ પણ એક વિદ્યામાં સારો થાય, એ જો પ્રયાસ કરે તો જલદી ઈશ્વર-પ્રાપ્તિ કરી શકે. અને તમે લોકો જેમ ખૂબ તાલીમ લઈને ગાવા, બજાવવા કે નાચવાનું શિખો છો, તે પ્રમાણે ઈશ્વરમાં મન પરોવવાનો અભ્યાસ કરવો જોઈએ. પૂજા, જપ, ધ્યાન વગેરે બધાં નિયમિત રીતે કર્યે જવાં જોઈએ. તમારો વિવાહ થયો છે? છોકરાં છૈયાં?

વિદ્યા-અભિનેતા- જી, એક દીકરી મરી ગઈ; બીજું એક સંતાન થયું છે.

શ્રીરામકૃષ્ણ- એટલામાં તો થયું તે ગયુંય! હજી તો તમારી આવડી જ ઉંમર! કહે છે ને કે ‘સમી સાંજમાં ધણી મર્યો તે રોવું કેટલી રાત’! (સૌનું હાસ્ય). સંસારમાં સુખ તો જુઓ છો ને! જાણે કે આંબડાં (અંબાડાં), અંદર ગોટલી અને ઉપર ચામડાં;’ અને ખાધે પેટમાં શૂળ થાય!

‘નાટક ભજવવાનું કામ કરો છો, તેમાં ખોટું નહિ! પરંતુ તેમાં બહુ કષ્ટ! અત્યારે ઓછી ઉંમર છે, એટલે ગોળમટોળ ચહેરો છે. પરંતુ ત્યાર પછી મોઢું બેડોળ થઈ જવાનું. અભિનયવાળાઓનું ઘણે ભાગે અંતે એવું જ થાય. ગાલ બેસી ગયેલા, અને હાથે તાવીજોના દોરા ને પેટ નગારું! (સૌનું હાસ્ય).

‘મેં ‘વિદ્યા-સુંદરનો’ અભિનય શા માટે જોયો, કહું? મેં જોયું કે તાલ, લય, સુર, ગીતો વગેરે સરસ હતાં. ત્યાર પછી માએ બતાવી આપ્યું કે નારાયણ જ આ નાટકવાળાઓનું રૂપ ધારણ કરીને લીલા કરી રહ્યા છે.

વિદ્યા-અભિનેતા- જી, કામ અને કામનામાં ફરક શું?

શ્રીરામકૃષ્ણ- કામ જાણે કે ઝાડનું મૂળ, કામનાઓ જાણે કે ડાળપાંદડાં.

‘આ કામ, ક્રોધ લોભ વગેરે છ રિપુઓ તદ્દન તો જવાના નહિ; એટલે પછી તેમને ઈશ્વર તરફ ફેરવી નાખવા. જો કામના કરવી જ હોય, લોભ કરવો જ હોય, તો ઈશ્વરમાં ભક્તિની કામના કરવી, અને તેને પામવાનો લોભ કરવો. જો મદ એટલે કે મત્તતા કરવી જ હોય, અહંકાર કરવો જ હોય, તો હું ઈશ્વરનો દાસ, હું ઈશ્વરનું સંતાન એ જાતની મત્તતા, એ જાતનો અહંકાર કરવો.’

‘સંપૂર્ણ મન ઈશ્વરને આપ્યા વિના એનાં દર્શન થાય નહિ.’

‘કામિની-કાંચનમાં મનનો વ્યર્થ વ્યય થાય. આમ જુઓ ને આ છોકરાં છૈયાં થયાં છે, નાટકો કરાય છે વગેરે બધાં વિવિધ કામોને લીધે ઈશ્વરમાં મનનો યોગ થાય નહિ, મન લાગે નહિ. ભોગ હોય એટલે યોગ ઘટી જ જાય. તેમ પાછું ભોગ હોય એટલે બળતરા હોય જ. શ્રીમદ્‌ ભાગવતમાં છે : અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીનેય એક ગુરુ કરેલ. સમળીની ચાંચમાં માછલું હતું, એટલે હજારો કાગડાઓ તેને ઘેરી વળ્યા. માછલું ચાંચમાં લઈને સમળી જે દિશામાં જાય તે બાજુએ કાગડાઓ પણ પાછળ ‘કા કા’ કરતા જાય. છેવટે જ્યારે સમળીની ચાંચમાંથી માછલું અચાનક પડી ગયું, ત્યારે કાગડા બધા એ માછલાની તરફ ગયા, પછી સમળીની તરફ ગયા નહિ.’

‘માછલું એટલે કે ભોગની વસ્તુ. કાગડાઓ એટલે કે કાળજીઓ, ચિન્તાઓ વગેરે. ભોગનો ત્યાગ થતાં જ શાન્તિ.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૨, પૃ.૫૦-૫૧)

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.