નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર ઓરડાની અંદર આવીને બેઠો.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – તું શું હાજરાની પાસે બેઠો હતો? તું વિદેશીની અને એ વિરહિણી! હાજરાનેય દોઢ હજાર રૂપિયાની જરૂર! (હાસ્ય).

“હાજરા કહે, ‘નરેન્દ્રને સોળ આના સત્ત્વગુણ થયો છે, જરાક લાલ રજોગુણ છે! મારામાં (હાજરામાં પોતામાં) શુદ્ધ સત્ત્વ સત્તર આના. (સૌનું હાસ્ય).

“હું એને જયારે કહું કે ‘તમે માત્ર તર્ક કરો છો, એટલે શુષ્ક છો; એટલે એ કહે છે કે ‘હું સૂર્ય-સુધા પાન કરું છું, એટલે શુષ્ક!’

“હું જયારે શુદ્ધ ભક્તિની વાત કરું, જયારે કહું કે શુદ્ધ ભક્ત પૈસાટકા, ઐશ્વર્ય વગેરે કશુંય માગે નહિ. ત્યારે એ કહેશે કે ‘ઈશ્વરની કૃપા-ભરતી આવે તો નદી તો ઊભરાઈ જાય, તેમ વળી નાનાં ખાડા ખાબોચિયાંય પાણીથી ભરાઈ જાય, શુદ્ધ ભક્તિયે આવે, તેમ ષડૈશ્વર્ય પણ આવે, પૈસાટકાય આવે.’

ઠાકુરના ઓરડાની ભોંય પર નરેન્દ્ર વગેરે ઘણાય ભક્તો બેઠા છે; ગિરીશ પણ આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – હું નરેન્દ્રને આત્માના સ્વરૂપ રૂપે જાણું; અને હું એનો અનુગત.

ગિરીશ – આપ કોના અનુગત નથી?

શ્રીરામકૃષ્ણ (હસીને) – એનો મર્દનો ભાવ (પુરુષ – ભાવ) અને મારો માદીભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન.

ગિરીશ બહાર હુક્કો પીવા ગયા.

નરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને) – ગિરીશ ઘોષની સાથે વાત થઈ. ખૂબ મહાન માણસ છે. આની વાત થતી હતી.

શ્રીરામકૃષ્ણ – શી વાત?

નરેન્દ્ર – આપ ભણ્યાગણ્યા નથી, અમે બધા પંડિત; એવી બધી વાતો ચાલતી’તી. (હાસ્ય).

મણિ મલ્લિક (ઠાકુરને) – આપ વગર ભણ્યે પંડિત.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરેને) – ખરું કહું છું, હું વેદાન્ત વગેરે શાસ્ત્રો ભણ્યો નથી એટલા માટે મને લેશ માત્ર દુ:ખ થતું નથી. હું તો જાણું છું કે વેદાન્તનો સાર, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તેમ વળી ગીતાનો સાર શો? ગીતા દસવાર બોલવાથી જે થાય તે; – ત્યાગી ત્યાગી!

શાસ્ત્રનો સાર ગુરુમુખે જાણી લેવો જોઈએ, ત્યાર પછી સાધન-ભજન. એક જણે કાગળ લખ્યો હતો. તે વાંચતાં પહેલાં જ કયાંક આડોઅવળો મુકાઈ ગયો, તે જડે જ નહિ, એટલે પછી ઘરનાં બધાંય મળીને શોધવા લાગ્યા. આખરે કાગળ જડયો. ત્યારે વાંચીને જોયું તો પાંચ શેર પેંડા અને એક ધોતીયું મોકલવાનું લખેલું. એ પછી કાગળ ફેંકી દીધો અને પાંચ શેર પેંડા અને એક ધોતિયું લાવવાની વ્યવસ્થામાં પડયા. તે પ્રમાણે શાસ્ત્રોનો સાર જાણી લીધો; પછી ચોપડાં વાંચવાની શી જરૂર? ત્યાર પછી સાધન-ભજન.

(શ્રીરામકૃષ્ણ કથમૃત સંચયન – પૃ.૪૧૪-૪૧૫)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.