‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે ત્યાં સુધી જ પંખાની જરૂર. જો પશ્ચિમનો પવન એની મેળે આવવા માંડે તો પંખો મૂકી દેવાય. પછી પંખાની શી જરૂર?

‘તમે જે બધા કર્મ કરો છો, એ બધાં સત્કર્મ. જો ‘હું કર્તા’ એ અહંકાર છોડીને નિષ્કામ ભાવથી કરી શકો, તો બહુ સારું. એ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરમાં પ્રેમભક્તિ આવે. એમ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરપ્રાપ્તિ થાય.

‘પરંતુ જેમ જેમ ઈશ્વર ઉપર ભક્તિ આવશે, તેમ તેમ કર્મો ઓછા થશે. ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થઈ હોય ત્યારે તેની સાસુ તેનાં કામ ઓછાં કરી નાંખે. જેમ જેમ દિવસો વધે તેમ તેમ સાસુ તેનાં કામ ઓછાં કરતી જાય. નવ માસ થયે જરાય કામ કરવા દે નહિ; વખતે ગર્ભને કાંઈ હાનિ પહોંચે કે પ્રસવમાં તકલિફ આવે તો? (હાસ્ય.) તમે જે બધાં કર્મ કરો છો એથી તમારું પોતાનું કલ્યાણ. નિષ્કામભાવે કર્મ કરી શકો તો ચિત્તશુદ્ધિ થાય, ઈશ્વર ઉપર પ્રેમ આવે. પ્રેમ આવે એટલે પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. માણસ જગતનો ઉપકાર કરી શકે નહિ, ઈશ્વર જ કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય બનાવ્યા છે, જેણે માબાપમાં સ્નેહ મૂકયો છે, જેણે મહાપુરુષોમાં દયા મૂકી છે, જેણે સાધુભક્તોની અંદર ભક્તિ આપી છે. જે માણસ કામના રહિત થઈને કર્મ કરે તે પોતાનું કલ્યાણ કરે.

‘અંતરમાં સોનું પડયું છે, પણ હજી એની ખબર પડી નથી. જરા માટી નીચે દબાઈ રહેલું છે. જો એક વાર પત્તો લાગે, તો બીજાં કામ ઓછાં થઈ જાય. ગૃહસ્થના ઘરની વહુને બાળક આવ્યું એટલે પછી એ છોકરાંને જ લઈને રહે, અને જ લઈને હર્યાફર્યા કરે, પછી એને ઘરસંસારનું કામકાજ સાસુ કરવા દે નહિ. (સૌનું હાસ્ય.)

‘હજીયે આગળ જાઓ. કઠિયારો લાકડાં કાપવા ગયો હતો. બ્રહ્મચારીએ કહ્યું કે આગળ જઓ. આગળ જતાં જોયું તો ચંદનનાં ઝાડ. વળી થોડાક દિવસ પછી વિચાર્યું કે બ્રહ્મચારીએ તો આગળ જવાનું કહ્યું હતું, ચંદનનાં ઝાડ સુધી જ જવાનું તો કહેલું નહિ. આગળ જઈને જુએ છે તો રૂપાની ખાણ! વળી થોડાક દિવસ પછી આગળ જઈને જુએ છે તો સોનાની ખાણ! ત્યાર પછી હીરામાણેક! એ બધાં લઈને તે એકદમ શ્રીમંત થઈ ગયો.

‘નિષ્કામ કર્મ કરી શકીએ તો ઈશ્વર પર પ્રેમ જન્મે. પછી ક્રમે ક્રમે તેની કૃપાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય, ઈશ્વરને જોઈ શકાય, તેની સાથે વાત કરી શકાય, જેમ હું તમારી સાથે વાત કરું છું તેમ!’ (સૌ સ્તબ્ધ.)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.