ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ.

અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ, ઈશ્વરનાં નામ, ગુણ-કીર્તન, સત્ય બોલવું એ બધું.

‘આ બધાં અનુરાગનાં લક્ષણો જોવામાં આવે તો બરાબર કહી શકાય કે ઈશ્વર-દર્શનને હવે વાર નથી. શેઠ પોતાના નોકરને ઘેર જવાના છે, એ નોકરના ઘરની અવસ્થા જોઈને સમજી શકાય. પહેલાં તો ઘરના આંગણામાંથી ઘાસ-પાદડાં, કચરો વગેરે કાઢીને સાફ થાય, ઘરમાંથી જાળાં સાફ થાય, ઝાડઝૂડ થાય. શેઠ પોતે જ શેતરંજી વગેરે સરંજામ મોકલાવી આપે. એ બધી ચીજો આવતી જોઈને માણસોને સમજતાં વાર ન લાગે કે શેઠ હવે આવી પહોંચવાના.

એક ભક્ત – જી, પહેલાં શું વિચાર કરીને ઇન્દ્રિય-નિગ્રહ કરવો જોઈએ?

શ્રીરામકૃષ્ણ- એ પણ એક માર્ગ છે, વિચારમાર્ગ. ભક્તિમાર્ગથી પણ આંતર-ઇન્દ્રિય-નિગ્રહ એની મેળે થાય, અને સહેજે થાય. ઈશ્વરની ઉપર જેમ જેમ પ્રેમ આવે, તેમ તેમ ઇન્દ્રિય-સુખ ફિક્કું લાગે.

‘જે દિવસે દીકરો મરી ગયો હોય તે દિવસે એવા શોકમાં શું સ્ત્રી-પુરુષને દેહ-સુખ ઉપર મન જાય?’

એક ભક્ત- પણ ઈશ્વરને ચાહી શકીએ છીએ કયાં?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનું નામ લેવાથી પાપ બધાં ધોવાઈ જાય. કામ, ક્રોધ, શરીર-સુખની ઇચ્છા એ બધાં નાસી જાય.

એક ભક્ત- ઈશ્વરનું નામ લેવાનું ગમે છે કયાં?

શ્રીરામકૃષ્ણ – વ્યાકુળ થઈને ઈશ્વરને પ્રાર્થના કરો કે જેથી તેનું નામ લેવામાં રુચિ આવે. એ જ તમારી વાંછના પૂરી કરશે –

ઠાકુર દેવદુર્લભ કંઠે ગાય છે. જીવોનાં દુ:ખથી અધીરા થઈને માની પાસે હૃદય-વેદના જણાવે છે. સામાન્ય જીવની અવસ્થાનું પોતામાં આરોપણ કરીને માની પાસે જીવનું દુ:ખ જણાવે છે :

દોષ કોઈનો નથી ઓ મા, મેં ખોદ્યા ખાડામાં હું ડૂબી મરું શ્યામા…

વળી ઠાકુર ગીત ગાય છે. તેમાં જીવને વિકારનો રોગ થયો છે. ઈશ્વરના નામમાં રુચિ થાય તો વિકાર મટી જાય.

‘આ શો વિકાર, શંકરી કૃપા ચરણતરી, પામ્યે ધન્વંતરી….

શ્રીરામકૃષ્ણ- પ્રભુના નામમાં અરુચિ. વિકારના રોગમાં જો અરુચિ થઈ તો પછી બચવાનો ઉપાય રહે નહિ. જો જરાક પણ રુચિ હોય તો બચવાની આશા ખરી. એટલે ભગવન્નામમાં રુચિ હોવી જોઈએ. ઈશ્વરનું નામ લેવું જોઈએ. દુર્ગા-નામ, કૃષ્ણ-નામ, શિવ-નામ, ગમે તે નામ લઈને ઈશ્વરને સ્મરો ને! નામ લેતાં લેતાં જો દિવસે દિવસે અનુરાગ વધે, જો આનંદ આવે, તો પછી કોઈ જાતનો ડર નહિ. વિકાર જરૂર ને જરૂર મટી જવાનો, ઈશ્વરની કૃપા જરૂર થશે.’

‘જેવો અંતરનો ભાવ તેવો લાભ. બે ભાઈબંધ રસ્તે થઈને ચાલ્યા જાય છે. વચમાં એક જગ્યાએ ભાગવત-પાઠ થતો હતો. એક મિત્ર કહે છે કે ‘ચાલ ભાઈ, જરા ભાગવત સાંભળીએ.’ એ સાંભળીને બીજાએ ત્યાં ડોકું તાણીને જોયું, અને પછી એ ત્યાંથી વેશ્યાને ઘેર ગયો. ત્યાં જરા વાર પછી તેના મનમાં બહુ ખેદ થયો. તે પોતાની જાતને કહેવા લાગ્યો કે ‘ધિક્કાર છે મને! મારો મિત્ર ત્યાં હરિ-કથા સાંભળે છે, અને હું આ કયાં પડયો છું?’ આ બાજુ જે ભાગવત સાંભળતો હતો તેને પણ મનમાં દુ:ખ થયું ને તે વિચારવા લાગ્યો કે ‘હું કેવો મૂર્ખ છું? શું આ ભટજી કાંઈક બરાડી રહ્યો છે ને હું અહીં નકામો બેઠો બેઠો સાંભળી રહ્યો છું, જયારે ભાઈબંધ ત્યાં મજા કરે છે!’ એ બન્ને જયારે મરી ગયા, ત્યારે જે ભાગવત સાંભળતો ઊભો હતો તેને યમદૂતો લઈ ગયા, અને જે વેશ્યાને ઘેર ગયો હતો તેને વિષ્ણુદૂતો વૈકુંઠમાં લઈ ગયા.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત – સંચયન’ પૃ.૧૯૯-૨૦૧)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.