શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill’s Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે સર્વજ્ઞ લાગતો નથી. જો હોય તો જગતમાં આટલું બધું દુઃખ શા માટે? અને આ જે જીવોનું મૃત્યુ થાય છે, તે તેમને એકદમ મારી નાખે તોય ચાલે, એક પછી એક કેટલુંય કષ્ટ દઈને મારી નાખવા શું કામ? જેણે પુસ્તક લખ્યું છે તેણે કહ્યું છે કે જો હું હોત તો આના કરતાં વધુ સારી સૃષ્ટિ કરી શકત.

માસ્ટર નવાઈ પામી જઈને ઠાકુરની વાત સાંભળે છે અને મૂંગા બેસી રહ્યા છે. ઠાકુર વળી પાછા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- ઈશ્વરને સમજી શકાય કે? હુંય ક્યારેક તેનો વિચાર કરું કે તે સારો, કયારેક વિચારું કે નરસો. એની મહામાયાની અંદર આપણને રાખ્યા છે. કયારેક એ જાગૃતિ આપે, ક્યારેક એ અજ્ઞાનમાં રાખે. એકાદ વખતે અજ્ઞાન ચાલ્યું જાય, પાછું ઘેરી વળે. તળાવ ઉપરઉપર લીલથી ઢંકાઈ ગયેલું હોય. પથરો ફેંકો એટલે થોડુંક પાણી દેખાઈ જાય. પણ પાછું થોડીક વાર પછી લીલ નાચતી નાચતી આવીને એ પાણીને ઢાંકી દે. જયાં સુધી દેહ-ભાવના હોય ત્યાં સુધી સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, રોગ-શોક હોય જ. એ બધાં દેહનાં જ છે, આત્માનાં નહિ. દેહના મૃત્યુ પછી ભગવાન કદાચ જ સારી જગાએ લઈ જાય, જેમકે પ્રસવ-વેદનાની પછી સંતાન-પ્રાપ્તિ, આત્મ-જ્ઞાન થાય એટલે સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, વગેરે સ્વપ્ન જેવાં લાગે. આપણે શું સમજીએ? એક શેરની લોટીમાં શું દશ શેર દૂધ સમાય? મીઠાની પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા ઊતરેલી, તે પાછી બહાર આવીને સમાચાર કયાંથી આપે? ઓગળી જઈને એકરૂપ થઈ જાય.

ઓરડાની ઉત્તરની નાની ઓસરીમાં ઠાકુર એક ભક્તની સાથે એકાંતમાં વાતો કરી રહ્યા છે. એ કહે છે કે “વહેલી સવારમાં અને પાછલી રાતે ધ્યાન કરવું એ બહુ સારું, અને રોજ સંધ્યા કાળ પછી,” કેવી રીતે ધ્યાન કરવું, સાકાર ધ્યાન, અરૂપ ધ્યાન, એ બધું કહે છે. થોડીકવાર પછી ઠાકુર પશ્ચિમની ગોળ ઓસરીમાં આવીને બેઠા છે, રાતના નવ વાગવાનો સુમાર. માસ્ટર પાસે બેઠા છે. રાખાલ વગેરે અવારનવાર ઓરડાની અંદર આવજા કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જુઓ, અહીં જેઓ જેઓ આવશે એ બધાના સંશયો મટી જશે, શું કહો છો?

માસ્ટર – જી હા.

એટલામાં ગંગાના પ્રવાહ પર ખૂબ દૂર કોઈ ખારવો હોડી લઈ જઈ રહ્યો છે અને તેણે ગીત ઉપાડયું છે. એ ગીતના અવાજે મધુર અનાહત-ધ્વનિની પેઠે અનંત આકાશની અંદર થઈને ગંગાના વિશાળ વક્ષસ્થળને સ્પર્શ કરની ઠાકુરના કર્ણ-પ્રદેશમં પ્રવેશ કર્યો. તરત જ ઠાકુર ભાવ-મગ્ન! આખું શરીર ખડાં-રુંવાડાંમય. ઠાકુર માસ્ટરનો હાથ પકડીને બોલે છે, “જુઓ, જુઓ, મને રોમાંચ થાય છે, મારે અંગે હાથ લગાડી જુઓ!” માસ્ટર એ પ્રેમપૂર્ણ રોમાંચિત દેહને સ્પર્શ કરીને નવાઈ જ પામી રહ્યા. ‘પુલકે પૂરિત અંગ!’ ઉપનિષદમાં કહ્યું છે કે ઈશ્વર વિશ્વમાં, આકાશમાં ‘ઓતપ્રોત’ થઈ રહેલ છે. એ જ શું શબ્દરૂપે શ્રીરામકૃષ્ણને સ્પર્શ કરી રહ્યો છે? આ જ શું શબ્દ-બ્રહ્મ!

(તસ્મિન્નુખલ્વક્ષરે ગાર્ગ્યાકાશ ઓતશ્ચ પ્રોતશ્ચેતિ. (બૃહઉપ. ૩.૮.૧૧)), (રસો … શબ્દઃ ખે પૌરુષં નૃષુ. (ગીતા ૭.૮))

થોડીક વાર પછી ઠાકુર વળી પાછા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – જેઓ જેઓ અહીં આવે છે તેઓના પૂર્વ સંસ્કાર છે; શું કહો છો?

માસ્ટર જી હા.

શ્રીરામકૃષ્ણ – અધરના સંસ્કાર હતા!

માસ્ટર-એ વળી કહેવાની જરૂર કે?

શ્રીરામકૃષ્ણ – સરળ હોય તો ઈશ્વરને જલદી પામી શકાય. અને બે માર્ગ છે, સત ને અસત. સત માર્ગે જવું જોઈએ.

માસ્ટર–જી હાં, દોરાનો છેડો જરાકે આડો હોય તો સોયના નાકામાં જાય નહિ.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત-સંચયન’– ૫ૃ.૨૭૬-૭)

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.