પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ આપે છે.

શ્રીરામકૃષ્ણ (પંડિતને)- વેદ વગેરે અનેક શાસ્ત્રો છે. પરંતુ સાધના કર્યા વિના, તપસ્યા કર્યા વિના ઈશ્વરને પામી શકાય નહિ.

“ષડ્‌દર્શનમાં દર્શન થાય ના, આગમ-નિગમ તંત્રસારે.”

“પરંતુ શાસ્ત્રમાં જે કાંઈ છે તે બધું જાણી લઈને પછી એ પ્રમાણે કામ કરવું જોઈએ. એક જણને ઘેર એક કાગળ આવ્યો હતો. તે કયાંય ખોવાઈ ગયો. કયાં મુકાઈ ગયો તે યાદ ન રહ્યું. એટલે તે દીવો લઈને શોધવા મંડયો. ઘરમાં બીજાં બે ત્રણ જણાંએ મળીને શોધતાં શોધતાં આખરે તે પત્ર જડયો. તેમાં લખ્યું હતું કે પાંચ શેર પેંડા અને એક ધોતિયું મોકલાવજો. એટલું વાંચી લઈને તેણે કાગળ ફેંકી દીધો. પછી કાગળની શી જરૂર? પછી તો પાંચ શેર પેંડા અને એક ધોતિયું ખરીદીને મોકલી દેવાય એટલે થયું.

“વાંચવા કરતાં સાંભળવું સારું, સાંભળવા કરતાં જોવું સારું. ગુરુ-મુખે કે સાધુ-મુખે સાંભળવાથી વસ્તુ વધુ દૃઢ થાય, અને શાસ્ત્રના અસાર ભાગનો વિચાર કરવો પડે નહિ. હનુમાન બોલ્યા હતા કે “ભાઈ, હું તિથિ, નક્ષત્ર વગેરે બધું જાણતો નથી : હું તો કેવળ રામનું ચિંતન કરું છું.”

“સાંભળવા કરતાં જોવું વધુ સારું. નજરે જોવાથી સર્વ સંદેહ મટી જાય. શાસ્ત્રોમાં તો ઘણીય વાતો છે. પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થયા વિના, તેનાં ચરણકમલમાં ભક્તિ થયા વિના, ચિત્ત-શુદ્ધિ થયા વિના બધું વ્યર્થ. પંચાંગમાં લખ્યું છે કે વીસ ઈંચ વરસાદ થશે. પણ પંચાંગ નિચોવવાથી એક ટીપુંય પાણી પડે નહિ! એક ટીપું તો પડ, પણ એક ટીપુંય નહિ!

“શાસ્ત્રો વગેરેની ચર્ચા કેટલા દિવસ? જ્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી. ભમરો ગણગણ કરે કયાં સુધી? જ્યાં સુધી ફૂલ ઉપર બેસે નહિ ત્યાં સુધી. ફૂલ ઉપર બેસીને મધ પીવાનો આરંભ કરે પછી શબ્દ નહિ!

“તોય બીજી એક વાત છે. ઈશ્વરનાં દર્શન થયા પછી પણ વાતો ચાલી શકે. પણ એ વાતો માત્ર ઈશ્વરનાં દર્શનના આનંદની જ. જેમ દારૂડિઓ નશામાં મસ્ત બનીને ‘જય કાલી’ બોલે તેમ. અથવા તો ભમરો ફૂલે બેસીને મધુ-પાન કર્યા પછીયે અર્ધસ્વરે ગણગણ કરે તેમ.

ભક્ત- ઈશ્વર-દર્શન પછી પણ શું શરીર રહે?

શ્રીરામકૃષ્ણ- કોઈ કોઈનું કંઈક કર્મ માટે રહે, લોકોને ઉપદેશ આપવા માટે. ગંગા-સ્નાનથી પાપ જાય અને મુક્તિ મળે, પણ આંખે આંધળો મટે નહિ. પણ પાપને અંગે જે કેટલાક જન્મ સુધી કર્મભોગ કરવો પડત, તે જન્મો લેવા ન પડે. જેટલો વળ ચડાવ્યો હોય માત્ર તેટલો જ વળ ઊતરી જાય. પ્રારબ્ધ સિવાયનાં બાકીનાં કર્મો ભોગવવાંન પડે. કામ, ક્રોધ વગેરે બધાં બળી જાય, શરીર માત્ર રહે થોડાંક કર્મો માટે.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ.૨ – પૃ.૯૯-૧૦૦)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.